“છેડા લગ” કાવ્યનું રસદર્શન શ્રી મીરાં ભટ્ટ દ્વારા

Posted by

છેડા લગ

– શ્રી ધ્રુવ ભટ્ટ  (રસદર્શન : શ્રી મીરા ભટ્ટ)

છેડા લગ…

એક પા લહેરે દરિયો આણી કોર મધુરી ધરતી ફોર્યે જાય છેડા લગ.

સીમમાં ઊઠે ડમરી આરોપાર આ સૂરજ તડકા ઢોળે જાય છેડા લગ.

આપણે લીલું ઘાસ ને લીલા ઘાસને એવી મંશા કે આકાશ ભરી દઉં,

હેતભરી લઉં, હરણાંને બે વાત કરી લઉં, વાયરા સાથે નાચ કરી લઉં,

હાથ ધરો તો હાથ ઝાલી લઉં એવડો કે આ જિંદગી જોડે જાય છેડા લગ.

જળની એવી રીત કે એના ઉરમાં જલે વીજળી તો વરસાદ કરી દે,

પંડનુ આખું પોત બળીને ગીત બને તે પળને જરી યાદ કરી લે,

પળમાં ઝાલી પળને કોઈ સાચવે તો એ પળમાં પહોંચી જાય છેડા લગ.

– ધ્રુવ ભટ્ટ

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આ ખળ-ખળ વહેતા ઝરણાનો નિનાદ ગજવતું ગીત છે. ગાઓ નહીં, માત્ર મોટેથી વાંચતા જાઓ તોયે ગતિનો એવો સુરમ્ય ધ્વનિ ઊઠશે, જેમાંથી નર્યું સંગીત વહેતું અનુભવાશે.

વળી ગીતની ગતિ પણ મંદમંદ વહેતી પવનની લહેરખી સમી નથી. ઘડીકમાં લહેરાતો દરિયો તો વળી બીજી પળે છેડા વગરનું અનંત આકાશ ! સમગ્રતાને પોતાના નાનકડા બાહુઓમાં કેદ કરી લેતું પ્રગાઢ આલિંગન !

આ ગીતનું ધ્રુવપદ છે – છેડા લગ ! જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ ! ક્ષિતિજને પેલે પાર ! કેવો સરસ તળપદો શબ્દ – છેડાલગ ! એમાં ધરતીની ફોરમ પણ ફૂટે અને આકાશનો અપાર વિસ્તાર પણ ! નીચે વહાલુડી ધરતી, ઉપર ગગન વિશાળ ! અડધું-પડધું, વત્તુ-ઓછું કશું ન ચાલે. આખ્ખેઆખ્ખું જોઈએ. પૂરેપૂરું. બધું જ. અશેષ-નિઃશેષ !

આવા ‘કશાક’ને કવિ કહે છે- છેડા લગ. અંત સુધી પહોંચાડતું આ ‘છેડા લગ’ ગીત રણઝણતું ગીત છે. ખળખળ વહેતા ઝરણાની જેમ આ ગીતના શબ્દોમાં ‘ખળખળ’ ધ્વનિ ઊઠે છે ! ગીતની રચના જ એવી લયમય છે કે ઊઠેલો શ્વાસ ‘છેડા લગ’ પહોંચે પછી જ વિરમે.

આ ‘સ્થિતિ’નું ગીત નથી, ‘ગતિ’નું ગીત છે. ગતિ પણ પાછી પતંગિયા જેવી. ક્યારેક આ પર્ણ પર તો ક્યારેક પેલા ફૂલ પર ! કૅમેરામાં એક દૃશ્ય કેદ થાય ન થાય ત્યાં બીજુ દૃશ્ય છવાય.

દૃશ્ય ખૂલે છે – એક તરફ લહેરાતો અફાટ, અપાર દરિયો તો બીજી તરફ મઘમઘતી મધૂર ધરતીનો અનંત પટ ! બેઉ છેડા લગ !

આ ગીતનુ હાર્દ ખૂબ ગહન-ગંભીર છે. આ સાગરકાંઠાનાં છબછબિયાં નીરનો રવ નથી. આ તો ‘ઠેઠનો ઠેલો’ સંઘરીને આવેલું ગીત છે. પરમનો પોકાર હોય તો જ ઠેઠ મુકામે પહોંચવાની ગતિ સાંપડે.

આ નિરંતર વહેતું ગીત છે. ખળખળ વહેતા ઝરણાની જેમ આ ગીતોના શબ્દોમાં પણ ‘ખળખળ’ ધ્વનિ અવિરત સંભળાય છે. ઝરણાને વહેતાં વહેતાં પહોંચવાની અંતિમ મંઝીલ છે – છેડા લગ! ‘છેડાલગ’ એ આ ગીતનું પૂર્ણવિરામ છે.

એક તરફ, માંડી નજર પહોંચે નહીં તેવો ઠેઠ સુધી લહેરાતો અપાર દરિયો છે, તો બીજી બાજુ મધમધતી ધરતીનાં ઘેરાં વન-ઉપવન અખૂટવિસ્તારમાં પથરાયલાં પડ્યાં છે.

દૂર દૂરની સીમમાં ગામની ભાગોળે ચોમેરના અખૂટ વિસ્તારમાંથી આવતી ધૂળની ડમરી આખા આકાશને ભરી દે છે ત્યારે એની પરવા કર્યા વગર ઉપરનો સૂરજ તો પોતાનો તડકો ઠેઠ ક્ષિતિજ સુધી પાથરતો રહે છે.

કવિ આરંભમાં જ માણસ જે વિરાટ-વ્યાપક સંદર્ભથી ઘેરાયલો છે, તેનું દર્શન કરાવી દે છે. માણસ તુચ્છ નથી, નગણ્ય નથી, એ અસીમ છે, અપાર છે. સૌ સીમાઓને વટાવી જીવનને પેલે પાર પહોંચવાનો પડકાર ફેંકતું આ એક પ્રેરક ગીત છે.

પણ દિશા કાંઈ આ પા ને પેલે પામાં પૂરી તો નથી થઈ જતી. વચ્ચે ઊંચા આકાશ ભણી લઈ જતી પણ કોક દિશા છે, તો સીમમાં ઊઠેલી ધૂળની ડમરી પણ ઊંચે ઊંચે જતી ક્યાંક ખોવાઈ જાય છે. અને ઉપર આકાશેથી નીચે ઊતરતો તડકો પણ અંતિમ છેડા સુધી છવાતો જણાય છે.

ચિત્રકાર ઝીણી ઝીણી વિગતો સાથે ખડું કરી દઈ શકે તેવું સુંદર શબ્દચિત્ર !

પણ કવિ કેવળ શબ્દોનાં પાસાં ફેંકી રમત રમાડવા નથી માંગતા. એમને તો ‘છેડા લગ’ પહોંચવા-પહોંચાડવાની મંશા છે. કહે છે -આપણી શી હસ્તિ ! આ લીલા ઘાસના કૂણા તરણા જેવડી ! પણ તેથી શું ! એ તરણું પણ હવામાં એવું ઝૂલે છે કે જાણે આખા આકાશને ભરી દેવા ન નીકળ્યું હોય ! લીલો ચારો કરવા નીકળેલા હરણ સાથે વહાલપના બે બોલ બોલવાનું, નાચતી હવા સાથે બે ઠૂમકા ખાઈ લેવાનું મન એને પણ છે અને વળી અંતરમાં અરમાન તો એવા જાગે છે કે જો કોઈ સામે હાથ ધરે તો એનો હાથ એવો તો ઝાલી લઉં કે ઠેઠ સુધી કદી ન છૂટે ! જીવનભરનો હસ્તમેળાપ !

આ તો થઈ એક તુચ્છ ગણાતા તરણાના મનના મનોરથની વાત! પણ હવે આવે છે પાણીના એક ટીપાની વાત ! દરિયો એટલે અપાર જળબિન્દુઓનો અખૂટ ભંડાર ! સાગરના આ જળની એવી તે શી કરામત છે કે ઉપર આકાશે ચઢી મેઘબિન્દુ થઈને પાછું પૃથ્વી પર વરસે છે ! વિજ્ઞાન કહે છે કે દરિયાનું પાણી સૂર્યતાપે પ્રજ્વળી પોતાને બાળે તો વરાળરૂપે ઉપર ચઢે અને હવા સાથે જોડાઈ વાદળ બની પછી મેઘરૂપે વરસે. જાતે સળગી વરસાદ બની વરસવાની આ તલપ કેવી ? અને આ ગીત પણ કાંઈ આકાશેથી સાવ સહજમાં ઊતરી નથી આવતું ! કવિ પોતે પ્રસવપીડા  ભોગવે છે ત્યારે ગીત સર્જાય છે ! પંડનું પોત આખું ભસ્મીભૂત થઈને, રાખનું પંખી બને તેમ ગીત રચાય છે. પ્રસવની એ પીડા, પ્રસવની એ પળ સહેજે ભુલાય તેવી નથી હોતી ! સર્જનની એ વિરલ પળને બીજી અનંત પળોમાં જાળથી લઈ, સાચવી લઈ પોતાની ભીતર જલતી રાખે તો એ પળ પણ માણસને અનંતને પેલે પાર પહોંચાડી દે! સાવ છેડા લગ !

જીવન અનેક શ્વાસોનો સરવાળો છે. કોઈ એક શ્વાસના આરંભે આપણો પ્રથમ શ્વાસ લેવાય છે. અને અંતિમ શ્વાસ પણ એવી જ કોઈ પળ પર ! આ પળ ! ભારે કિંમતી ચીજ છે. પ્રત્યેક પળનો પોતાનો પોકાર હોય છે. પડકાર હોય છે. તગાદો હોય છે. જો એ તકાદો સચવાય તો જિન્દગી જીતી જવાય અને તકાદો ચૂકી ગયા તો જિન્દગી હારી પણ જવાય. એટલે આપણે ત્યાં ‘એક ઘડી, આધી ઘડી’નું માહાત્મ્ય છે. આપણે ત્યાં લગ્ન પણ ઘડિયાં થતાં હોય છે. સુખી-સાર્થક લગ્નજીવન માટે સાચવવાની કોઈ ‘ઘડી’ હોય છે. બસ, એ ઘડી સચવાઈ ગઈ તો જીવન જીતી ગયાં ! નહીંતર એમ પણ કહેવાયું છે કે-‘પલમેં પ્રલય હોત રે !’ જીવન પણ આવી ક્ષણોનો જ સરવાળો છે ! સામે આવીને ઊભી રહેતી ક્ષણ જ અનંત ઓવારે પહોંચાડે છે. સાવ છેડા લગ !

(સૌજન્ય : ‘કોડિયું’)

 

 

3 comments

  1. છેડા લગ – શ્રી ધ્રુવ ભટ્ટ જેવા કવિ
    અને
    સુ શ્રી મીરા ભટ્ટ જેવાનું રસદર્શન
    અતિસુંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *