શ્રી કૃષ્ણ દવેની એક કવિતા “ફેસબુક !“નું રસદર્શન

Posted by

ફેસબુક !

એની લાઈકથી જીવી જવાય છે .
બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે .
એની લાઈકથી જીવી જવાય છે .

છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરાં થઈ જાતાં ન્યાલ,
રિકવેસ્ટમાં કેદારો મોકલતાં આવડે તો તારી પણ વાગે કરતાલ; 
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે. 
એની લાઈકથી જીવી જવાય છે .

બીજાની સાથે નહિ પોતાની જાત સાથે કરતાં જે શીખી ગ્યા ચેટ,
એવાની આંગળિયું પકડી લઇ જાય છે ને એની કરાવે છે ભેટ; 
રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે ને ટચસ્ક્રીનમાં રાસ પણ રચાય છે. 
એની લાઈકથી જીવી જવાય છે .

દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર,
સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળિયો શેઠ એને ઘેર;
લોગઇન કરીને સાવ બેઠાં નિરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે
એની લાઈકથી જીવી જવાય છે .

કૃષ્ણ દવે . તા-21.11.16

*********************************

રસદર્શન : દેવિકા રાહુલ ધ્રુવ
કૃષ્ણ દવેની તાજેતરમાં  રચાયેલ આ કવિતા તેમના શબ્દોમાં “આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબુકને અર્પણ”. 

મને આ કવિતામાં સાંગોપાંગ એક ઉચ્ચ કક્ષાની મસ્તીનો ને સાચા કાવ્યત્વનો ઘેરો રંગ દેખાયો છે. કવિતાની ધ્રુવ પંક્તિમાં તેઓ કહે છે કે, “એની લાઈકથી જીવી જવાય છે.” અહીં જરા ઊંડા ઊતરીને ગહન રીતે વિચારીશું તો “એની લાઈક” દ્વારા સર્જનહારની કૃપાદૃષ્ટિનો અણસાર તરત જ આવે છે. પરમની નજર અને રહેમ/પસંદગી આપણા તરફ હશે તો જીવી જવાય છે. જેમ જેમ આગળ વાંચતા જઈએ છીએ તેમ તેમ આ અર્થ વધુ ને વધુ ઊઘડતો જાય છે. એ કહે છે કે, “મારા જીવનની બુક ભલે કોરીકટ લાગે પણ ફેઈસ મને ‘એનો’ દેખાય છે. એની લાઈકથી જીવી જવાય છે.” જાણે કે મીરાંબાઈ  કહેતાં હોય કે, મારે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. બીજું ભલે ને કોઈ ન હોય ને જિંદગીનો કાગળ સાવ જ કોરો ને કટ રહે પણ એની લાઇકથી જીવી જવાય છે.

અંતરામાં કવિ એક કદમ આગળ વધે છે ને કહે છે કે, “છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરાં થઈ જાતાં ન્યાલ, રિકવેસ્ટમાં કેદારો મોકલતાં આવડે તો તારી પણ વાગે કરતાલ.
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.” 

વાહ..વાહ.. રોમેરોમમાં અહીં નરસિંહ મહેતાની કરતાલ અને કેદાર જેવા એકદમ ઉચિત શબ્દપ્રયોગો વાંચી તનમન રોમાંચિત બને છે તો એનો લય દિલને પુલકિત કરી દે છે.

બીજો અંતરો અંતરની મર્મભરી વાતો માંડે છે. જાતને ઓળખવાની રીત કેવી રમતિયાળ રૂપે ચિત્રાત્મક કરી આપી છે. આંગળીનાં ટેરવાં, ટચસ્ક્રીનમાં રાસ દ્વારા એક સુંદર માહોલ ઊભો કર્યો છે. ચેટ અને ભેટનો પ્રાસ અહીં આબાદ રીતે અર્થને ખુલ્લા આકાશની જેમ સ્પષ્ટ કરી આપે છે.

ત્રીજા અંતરાની પહેલી પંક્તિમાં “દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર”

શું સૂચવે છે? જાણે સાચા સંતની અદાથી જિંદગીને સાચી રીતે જીવવાની જડીબુટ્ટી બતાવી દીધી છે ! અને પાછા આગળ એક વાત વધુ ઉમેરે છે કે, જો એ પ્રમાણે ચાલશો ને તો “સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળિયો શેઠ એને ઘેર…લોગઇન કરીને સાવ બેઠાં નિરાંતે એના અઘરા પણ અવસર ઊજવાય છે..”  આ અઘરા અવસર ઊજવવાની કેટલી મોટી વાત કેટલી સરળતાથી કહેવાઈ છે ? અહીં ફિકરને ફાકી કરીને બેઠેલા કોઈ ફકીરની આર્ષવાણી સંભળાયા વગર રહેતી નથી.

કાવ્યમાં વિષયની પસંદગી અને ઉઘાડ ક્રમિક રીતે થયેલ છે. મોબાઈલ મંદિર, અઘરા અવસર અને કેદાર-કરતાલ જેવા શબ્દો મનભાવન પ્રયોજ્યા છે. ટેગ, ચેટ, લોગઈન, ટચસ્ક્રીન, લાઈક, રીક્વેસ્ટ, ફેસબુક, કોમેન્ટ, મોબાઈલ વગેરે રોજબરોજના અંગ્રેજી શબ્દોની સાથે ગુજરાતી ભાષાના શબ્દોનો સમન્વય યોગ્ય રીતે યોગ્ય જગાએ શોભાયમાન લાગે છે, ખીલી ઊઠે છે. સતત રમતો લય મનને અને ચરણને ઝંકૃત કરી દે છે. સીધી ફેસબુકને માટે લખાયેલ આ રચના અવનવા અર્થોના અને ભાવોના  ઉન્મેષ જગવે છે. ‘એને’ એટલે ઈશ્વરને, પ્રિયતમાને કે કોઈપણ પ્રિયપાત્રને સંબોધન/સર્વનામ યોગ્ય જ ઠરાવે છે. આમ, વિષય વસ્તુ, લય, પ્રાસ, ભાવ, અલંકાર,ચિત્રાત્મક્તા વગેરે દૃષ્ટિએ સંપૂર્ણતા બક્ષે છે. દરેક અંતરાને અંતે ધ્રુવપંક્તિનું પુનરાવર્તન પણ ગર્ભિત અર્થને સુપેરે પ્રસ્થાપિત કરે છે.

કવિએ ‘રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે’ માં શ્યામની જગાએ કૃષ્ણ શબ્દ-પ્રયોગ કર્યો હોત તો સ્વયંના નામ માટે પણ  યથાર્થ બની જાત એમ લાગ્યું. પણ કવિની નમ્રતાને શ્યામ શબ્દ ઠીક લાગ્યો હશે તેમ માનવું રહ્યું !

એકંદરે આ આધુનિક, સાંપ્રત સમયનું કાવ્ય અનાયાસે સ્ફૂરેલા ઉત્તમ કાવ્યત્વની કોટિએ પહોંચી આનંદનો અનુભવ કરાવે છે તે નિશંક છે. કૃષ્ણભાઈની કલમને અને કવિકર્મને સલામ.

5 comments

  1. કવ્ય સરસ અને કવયિત્રી દેવિકાનું રસદર્શન તેને મર્મજ્ઞ બનાવે છે.
    સરયૂ પરીખ

  2. રસ દર્શન સુંદર. મૂળ કવિત પણ સરસ

    1. આભાર. તમારાં લખાણો હોય તો મને અહીં પ્રગટ કરવા માટે જરુર મોકલશો.

  3. કૃષ્ણભાઈ સહુ પહેલા આપને ખુબ અભિનંદન આ કાવ્ય માટે. પહેલી નજરે આધુનિક લાગતું આ કાવ્ય કેટલાં ગુઢાર્થ છુપાવી બેઠું છે એ જ્યારે દેવિકાબેન જેવા સિધ્ધહસ્ત કવિયત્રીએ એનુ રસદર્શન કરાવ્યું ત્યારે સોળે કળાએ કળાયેલ મોરની જેમ ખીલી ઊઠ્યું.
    એક એક અંતરાનો માર્મિક અર્થ સમજાવી દેવિકાબેને કૃષ્ણભાઈની કવિતાની ગહેરાઈના રસમાં વાચકવર્ગને રસતરબોળ કરી દીધાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *