મીરાંબાઈનાં પદોનું રસદર્શન : (૧)

Posted by

દેવિકા ધ્રુવ

ભારતના સંતસાહિત્યમાં મીરાંબાઈનું સ્થાન અજોડ છે. મધ્યકાલીન ભક્તિયુગનાં આ ઉત્તમ કવયિત્રી ખરેખર તો સર્વકાલીન શ્રેષ્ઠ કવયિત્રીના આસને બિરાજે છે. સમયના ધસમસતા  પ્રવાહેતેમની રચનાઓને ક્યાંય ફેંકી દીધી નથી. એટલું જ નહિ, એને અમર બનાવી છે.

પ્રેમલક્ષણા ભક્તિથી ભરપૂર તેમની પદાવલીઓના ૬ ભાગ પૈકી આજે એક-બે પદોનું રસદર્શન કરીશું.

પાંચમી પદાવલીના ૧૭મા પદમાં મીરાંબાઈ કહે છેઃ

हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय।
सूली ऊपर सेज हमारी सोवण किस विध होय।
गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय।
घायलकी गत घायल जाणै जो कोई घायल होय।
जौहरि की गति जौहरी जाणै दूजा न जाणै कोय।
दरद की मारी बन-बन डोलूँ बैद मिल्या नहिं कोय।
मीराँ की प्रभु पीर मिटे जब बैद साँवलिया होय।

પ્રાંરંભની પંક્તિ हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय। માં જ ખુલ્લી કિતાબ જેવા તેમના જીવનની કહાની પ્રતિબિંબિત થાય છે. રાજસ્થાની મિશ્રિત ભાષામાં લખાયેલ આ પદમાં નરી આર્જવતા છે, મૃદુતા છે છતાંયે ભારોભાર પ્રેમની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. એ દિવાની છે, તેનું દર્દ કોઈ ક્યાંથી જાણે?  જેની પથારી શૂળી પર થઈ હોય તેને નીંદ ક્યાંથી આવે? सूली ऊपरसेज हमारी सोवण किस विध होय। આકાશના માંડવે પિયુ સૂતો છે, મળવાનું કેવી રીતે બને? गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय

પ્રશ્નોત્તરીની આ હારમાળાનાં મૂળ તેમની બાલ્યાવસ્થાના સંસ્મરણોને કેવી સહજતાથી

ઉઘાડી આપે છે? બાળક મીરાંના રાજમહેલ પાસેથી એક વરઘોડો પસાર થતો હતો અને તેણે માને પૂછ્યું કે, ” આ કોણ છે અને ક્યાં જાય છે?” માએ કહ્યું , “આ તો વરરાજા છે અને પરણવા જાય છે.” અને મીરાંએ સામે પ્રશ્ન કર્યો કે, “મારો વર કોણ છે?” એટલે મા મીરાંના ભોળપણ પર હસી પડી અને ત્વરિત કહ્યું કે, આ જ તો છે તારો વર, તારા હાથમાં જ છે કૃષ્ણની મૂર્તિ એ જ તારો વર.”  અને બસ! આ શબ્દો મીરાના જીવનના  એક અદ્ભુત વળાંકરૂપ સાબિત થયા. કૃષ્ણ તરફની દીવાનગી ત્યારથી જ શરૂ થઈ. આગળનાં પદોમાં તે કહે છે કે,

घायलकी गत घायल जाणै जो कोई घायल होय।

અગાઉની પંક્તિઓમાં દર્દ શબ્દ પ્રયોજીને હવે ઘાયલ શબ્દપ્રયોગ પણ ક્રમિક રીતે કેટલો યથાર્થ યોજ્યો છે!! વળી એ અર્થને વધુ સ્પષ્ટ કરવા બિલકુલ બરાબર એક રૂપક પણ ધરી દીધું કે,जौहरि की गति जौहरी जाणै

दूजा न जाणै कोय। ભાઈ, ઝવેરી હોય તેને ઝવેરાતની સૂઝ પડે ને?! અહીં જુઓ તો! કેવી મઝાની નાજુક ખુમારીની અદાકારી અનુભવાય છે! તેમના અંતરનુંહીર ભાવકને અનુભવાય છે.

હવે પ્રેમમાં ઘાયલ ક્યારે થયા? કેવી રીતે થયા? એ ઘટના પણ તેમના જીવનના અણગમતા પ્રસંગોની યાદ અપાવે છે. રાજરમતના ભાગરૂપે તેમના બાળલગ્ન થયાં કે જ્યારે તેઓ કૃષ્ણની મૂર્તિને લઈને ફર્યા કરતા હતાં. નાનપણમાં વિધવા પણ થયા. સાસરામાં અને સમાજમાં કૃષ્ણ ભક્તિની ઘેલછાને કારણે ઝેરના પ્યાલા પીવા પડ્યા વગેરે જાણીતી ઘટનાઓએ તેમને“ઘાયલની દશા”ની વેદના આપી. અહીં તેમના એકે એક અક્ષર હ્રદયના ઉંડાણમાંથી સર્યાની પ્રતીતિ થયા વગર રહેતી નથી.તેમનું હૈયું બરાબર વલોવાયું છે. दरद की मारी बन-बन डोलूँ बैदमिल्या नहिं कोय। मीराँ की प्रभु पीर मिटे जब बैद साँवलिया होय।

દર્દ છે, ઉપચાર શોધે છે, વનેવન ભટકે છે,પણ વૈદ્ય મળતા નથી. કૃષ્ણને આધીન થતા ખુબસૂરત ભાવો વ્યક્ત થાય છે કે મીરાંની પીડા તો ત્યારે જ મટશે જ્યારે “ સાંવલિયો” (શ્યામ)વૈદ્યથશે. અહીં સાંવલિયો શબ્દ, અંતરના પ્રેમને પખાળતા સાંવરિયા શબ્દ સાથે કેટલો બંધબેસતો પ્રયોજાયો છે ! મીરાબાઈની ભાષામાં હિન્દી અને રાજસ્થાનીનું મિશ્રણ સહજ  વરતાય છે.

આમ, આખા યે આ પદમાં વાંચતા વાંચતા જ ગણગણવાનું મન થાય તેવો એક સુમધુર લય સંભળાય છે, મુખ્ય ભાવ ક્રમિક રીતે, લયબધ્ધપણે વહેતો રહ્યો છે. પ્રેમની પીડા છતાં એકઅસ્ખલિત, ઉચ્ચ કોટિના અનુરાગના છાંટણા ભીંજવી જાય છે.

 

3 comments

  1. મીરાં એટલે પ્રેમલક્ષણા ભક્તિનું Ultimate ઉદાહરણ. નરસિંહ મહેતાએ તો ભક્તિ સિવાયની પણ રચનાઓ કરી છે, પણ મારા ખ્યાલ મુજબ મીરાંએ માત્ર ભક્તિ વિષે જ રચનાઓ કરી છે.

  2. મીરાના સમયે આજની સુખ-સગવડના સાધનો, પડદા પરના નાટકો ને ફિલ્મો નોતી નહિતર એનું મન આમ એક્માં કેન્દ્રીત થયું હોત! આજે ઘણા મંદિરો ને કથાકારો છે તો પણ મીરાના પગલે પગ ભરતી કોઈની વાત કાને પડી છે?-‘ચમન’

  3. સુંદર રસદર્શન
    મીરાંના પદોને સમજીએ તો જ અને ત્યારે જ એક ચિર- શાંતિનો દરવાજો ખુલે છે અને આપણે તેના આધ્યાત્મિક મહેલના આંગણે ઉભા રહી શકીએ અને તો જ મીરાંબાઈ જેવા એક સાચા સંતના મનોરાજ્યનું “મોતી” પામી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *