મકરંદ દવેની રચનાનું રસદર્શન : મીરાં ભટ્ટ

Posted by

અમ્મે તો એટલું જાણ્યું

– મકરંદ દવે / રસદર્શન : શ્રી મીરા ભટ્ટ

–––––––––––––––––––––––––––––––––––––––––––

અમ્મે તો એટલું જાણ્યું, જીવણજી !

                અમ્મે તો એટલું જાણ્યું,

આ રે મારગડે આવી ચડયું તે

                મોજીલી ચાલે માણ્યું – જીવણજી.

મોટા મોટા મનસુબા કર્યા

      એના પાયામાં રહીં પોલાણું,

અમ્મે તો પગલું માંડયું ત્યાં પ્રગટી

              સાવ સોનાની ખાણ્યું – જીવણજી.

હાટડીએ હીરા જડયા એને

             હિસાબે આવી હાણ્યું,

અમ્મે તો એટલે કોઈ ત્રાજવડે

             નંઈ તોળ્યું નંઈ તાણ્યું – જીવણજી.

ફેંકી દીધું તે ફાવી ગયા એવું

           નિરખી પારખી જાણ્યું,

બાકી તો બચકી બાંધી બેઠા એને

                  માથે રહી મોકાણું – જીવણજી.        

                                     – મકરંદ દવે

આ ગીતમાં કવિએ જીવનની ‘બાતન કી એક બાત’ કહી દીધી છે. કોઈ લાંબુ-લચ્ચ, સમજવામાં દુર્બોધ, આચરવું મુશ્કેલ એવું પોથી-પંડિતાઈનું શાસ્ત્ર-જ્ઞાન નહીં, સીધી સાદી સરળ વાત કહેવાઈ છે.

વળી આ વાત ગાંઠે બાંધવા ન કોઈ પહાડો ચઢવા પડયા,  ન દરિયા ખેડવા પડયા, ન સાત સાગરને પેલે પાર કોઈ લંગર નાખવા  પડ્યાં. બસ, આ તો ‘સરેરાહ ચલતે-ચલતે’ કશુંક અણમોલ મળી ગયાની વાત છે. મીરાબાઈ પણ ગાતી હતી ને, આવતાં ને જાતાં મારગ વચ્ચે અમુલખ વસ્તુ જડી !

આપણે લોકો વગર કારણે સહેલાસટ જીવનને અઘરામાં અઘરું બનાવી દઈ એક કોયડો ઊભો કરી દઈએ છીએ. બાકી સમજીએ તો જીવન એક સીધી રેખા છે, સુરેખા છે ! બિન્દુઓ સાથે બિંદુઓ જોડતાં જાઓ, રચાઈ જશે રસ્તાઓ અને મુસાફિર સડસડાટ ચાલ્યો જશે.

આ ગીતમાં જીવન જીવી જનારા મરજીવાની ખુમારી અને આત્મવિશ્વાસ પ્રગટ થયાં છે. ગીતનો ‘જીવણ’ શબ્દ પણ માર્મિક છે. આ ‘જીવણ’ શબ્દ ગુજરાતી ભાષાનો અનન્ય શબ્દ છે. દુનિયાની તમામ ભાષાઓમાં ભગવાનને જુદાં જુદાં નામ મળ્યાં છે, પરંતુ જીવનનો જે નાથ છે, સ્વામી છે, જીવનનું જે જીવનતત્ત્વ છે, તે ‘જીવણ’ માત્ર ગુજરાતી ભાષાનો જ અદ્વિતીય જીવનસ્વામી છે.

આવા ‘જીવણ’નાં ચરણોમાં જીવનધારક પોતાના જીવનની યાત્રા ગાઈ સંભળાવે છે. એ ગૌરવભેર કહે છે કે – જીવન જીવવા માટે અમે થોથાં-પોથાં ઉથલાવ્યાં નથી. અમે તો બસ એટલું જાણ્યું કે જીવન જીવવાની ચીજ છે, અને જીવતાં જીવતાં સામે જે કાંઈ સહજરૂપે આવીને ઊભું રહ્યું, તેની આરપાર સોંસરવા સહજપણે નીકળી આવ્યાં. ન જીવવાનો કોઈ અભિનિવેશ, ન સામે ઉપસ્થિત હકીકતને પડકારવાનો કોઈ ભાવ ! બસ, ઘટનામાંથી આર-પાર ગુજરી જવું, એ જ અમારું જીવન !

અમે જોયું છે કે લોકો પોતાના જીવન અંગે ભાતભાતનાં સપનાં જુએ છે અને મોટા મોટા મહેલો ચણે છે. પરંતુ એ મહત્ત્વાકાંક્ષી જીવોના મનસૂબામાં કોઈ નક્કર ભૂમિ નથી હોતી. પાયામાં નર્યું પોલાણ જ પોલાણ ! શેખચલ્લીના હવાઈ મિનારા આકાશમાં ઝૂલ્યા કરે !

જયારે અમે કોઈ દીવાસ્વપ્ન ન જોયાં. બસ, અમે તો સીધું ચાલવાનું જ શરૂ કર્યું. અમે જોયું તો જયાં જયાં પગલું પડયું, ત્યાં સોનું જ સોનું ! ખાણ કહેવાય, એટલે ખોદવી તો પડે, ઊંડે ઊતરવું પણ પડે, ધૂળ-કચરો દૂર પણ કરવો પડે, પરિશુદ્ધિ માટે આગમાંથી પણ પસાર થવું પડે. પરંતુ અંતે હાથ આવ્યું, તે સો ટચનું સોનું ! નકકર સોનું !

લોકોને પણ કાંઈક ને કાંઈક તો જડે જ, પણ એવો સોદાગર બનીને એમણે તો જડયાની હાટડી જ માંડી દીધી. ધૂળના મૂલે રતનને ખરીદી-વેચાણનો વિષય બનાવી દીધો, પરિણામે સરવાળે હાણ જ હાણ ! જયારે અમે તો જે કાંઈ આવી મળ્યું તેને ન તોળ્યું, ન માપ્યું ! જે કાંઈ જેવું જેટલું મળ્યું તે શિરોધાર્ય !

બસ, અમે તો આમ જ જીવતા ગયા. જરૂરનું હતું તે સ્વીકારતા ગયા. બાકીનું, વધારાનું ફેંકી દીધું. જયારે પેલા લોકોએ બચકી બાંધીને જે કાંઈ હાથ લાગ્યું તે બધું ગળે વળગાડયું, પરિણામે મોત જ મોત ! બીજું શું ? એ તે કાંઈ જીવન કહેવાય ! જીવતરને ગળે જ ટૂંપો દઈ દેવાય, પછી હાથમાં રહે શું ?

કવિએ અહીં ‘અમે’ ને ‘અમ્મે’ કહી ‘વજનદાર અમે’ ઊભો કરી દીધો છે. ‘અમ્મે’નો એક ખાસ વર્ગ છે, અલાયદો સમાજ છે. એમને છૂટ્ટે હાથે ફરતાં આવડે છે, ગુલાબની પાંદડીઓને મૂઠ્ઠીમાં ગોંધી માટી બનાવવાને બદલે, ગુલાબ બનાવી સૌને મહેંકાવવાનું આવડે છે ! ‘અમ્મે’ એટલે કોણ ?

કેવળ જીવનને જ વરેલા, જીવનવીર ! જીવનધર્મી !

હૈયાની ઊંડી પ્રતીતિપૂર્વક કવિ પોતાને ભાર દઈને ‘અમ્મે’ શબ્દથી રજૂ કરતાં કહે છે કે અમે કાંઈ ઝાઝાં થોથાં પઢીપઢીને પોથીપંડિત નથી થયા કે નથી જાણ્યા વેદ-પુરાણ ! બસ અમે તો જીવનના મારગડે ચાલતાં ચાલતાં જે સામે આવી ચડયું, તેને ભરપૂર માણી લેવાનું જાણ્યું. અમારા શિરે જ્ઞાનગુમાનની ન તો કોઈ ગાંસડી હતી, ન પંડિતાઈનો ભાર ! અમારી ચાલ તો ફક્કડ ફકીરની મોજીલી ચાલ જ રહી !

અમે કાંઈ સોનેરી સપનાં પણ ન જોયાં. અમને ખબર હતી કે મોટા મોટા મનસૂબા કરનારા લોકોના જીવનના પાયામાં તો નરી ખીણો જ ખીણો છે, બોદું પોલાણ છે. અમે ભલે લાંબુ ન ચાલ્યા, પણ જે કાંઈ એકાદું ડગલું ભર્યું, તે ઘરતીના પેટાળમાંથી તો નકરા સોનાની જ ખાણ ફૂટી નીકળી ! જીવનને ઉજાળનારું ઝગમગતું સોનું !

જયારે દુનિયામાં જે લોકો ઊભી બઝારે હીરાની હાટડીઓ માંડીને બેઠા એમણે જયારે જીવનનું સરવૈયું કાઢયું, તો મળી નકરી ખોટ જ ખોટ ! હાણ જ હાણ ! આટલા માટે સ્તો, અમે ભાઈ ! ન કોઈ ત્રાજવાં રાખ્યાં, ન માપતોલ ! કશું તોળવા-જોખવાની વાત જ નહીં ! જે કાંઈ મળ્યું, જેટલું મળ્યું તેને આંસુડે ધોઈને સ્વીકારી લીધું !

અમને એક વાતની ગડ બેસી ગઈ હતી. અનુભવે બધું જોઈજાણીને અમે સમજી ગયા હતા કે જીવનમાં એ જ ફાવે છે, જેને ફેંકી દેતાં આવડે છે. જે તજે છે તે ભોગવે છે. ત્યારે સ્તો ઋષિમુનિઓએ કહ્યું છે કે ત્યાગીને ભોગવી જાણો ! એટલે અમે કશું ગાંઠે ન બાંધ્યું ! બસ, છોડતા ગયા, ફેંકતા ગયા ! બાકી તો જે લોકોએ પોતાની બચકીઓ બાંધી,પટારા ભર્યા, તિજોરીઓ ભરી, એમના નસીબમાં અંતે તો મોંકાણો જ મોંકાણો મંડાણી ! માથું પટકીને રોતાં-કકળતાં રહ્યાં સિવાય હાથમાં કશું રહ્યું નહીં. આટલા જ માટે કબીર જેવા સંતો કહે છે કે હોડીમાં પાણી ભરાવા દેશો તો હોડી ડૂબી જશે. પાણી જોઈએ, પણ તે નદીમાં જોઈએ. પાણી વગર હોડી તરે જ નહીં. આ જ રીતે ધનસંપતિ, શ્રી-લક્ષ્મી જરૂર હોવાં જોઈએ, પરંતુ તે સમાજમાં હોવાં જોઈએ, ઘરમાં નહીં. ઘરમાં પૈસો ગંધાય, સમાજમાં પૈસો ઊગી નીકળે.

જીવનમાં મુદ્દાની વાત અમને સમજાઈ ગઈ છે, એટલે જીવણજી, અમારે તો મોજ જ મોજ છે. ‘જીવણ’ એટલે જીવનનો નાથ ! આ ખાસ ગુજરાતી શબ્દ છે. ભારતની બીજી કોઈપણ ભાષામાં આ શબ્દ જડતો નથી. આપણે ત્યાં ‘જીવણ’ નામ પણ રાખે છે ! આવા જીવનસ્વામીને સંબોધીને લખાયેલું આ ગીત છે.

(સૌજન્ય : કોડિયું ઓગસ્ટ, ૨૦૧૪.)

One comment

  1. સંત કવિની ભાવભીની રચના
    અને
    સંત મીરાં ભટ્ટનું રસદર્શન
    ધન્ય ધન્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *