‘હાઈકુ-રશ્મિ’ને કાકાસાહેબ કાલેલકરના બે પત્રો

Posted by

કાકાસાહેબ કાલેલકરના બે પત્રોનો સારાંશ. {સંસ્કૃતિ-ફેબૃઆરી, ૧૯૬૭માંથી સાભાર}

રાજઘાટ, નવી દિલ્હી. તા.૨૨-૨-૬૬. 

પ્રીય ઝીણાભાઈ,

તમારા મધુર મીઠા કાગળ…પછી તમારું બુકપોસ્ટ મળ્યું, જેમાં ‘તમારી દુનિયા’એ (સ્નેહરશ્મિનો  હાઈકુસંગ્રહ)દર્શન દીધાં. પણ ચિત્ત ચોર્યું તમારાં હાઈકુએ. હવે પછી તમને હું ઝીણાભાઈ નથી કહેવાનો, “હાઈકુ-રશ્મિ” કહીશ.

કશ્મિરના મમ્મટે ‘અનલંકૃતિ પુનઃક્વાપિ’ કહીને અલંકાર વગરની કવિતા માટે જાણે તે દોષ હોય તેમ માફી માગી જણાય છે. પણ એવું શા માટે ? અલંકાર એ કાંઈ કાવ્યનું સર્વસ્વ નથી-કેવળ ઘરેણાં છે. હું તો માનું છું કે ક્ષમા યાચીને નહીં પણ પૂરા અધિકાર સાથે સાહિત્યક્ષેત્રમાં પોતાનું ઊંચું સ્થાન છે એમ જાહેર કરવા જ હાઈકુનો અવતાર છે. તમે હાઈકુનો કેવળ છંદપ્રકાર અપનાવ્યો નથી પણ હાઈકુ પાછળનો આત્મવિશ્વાસ પણ અપનાવ્યો છે….

કેટલાંક નાજુક ફૂલોની સુગંધ પણ એટલી નાજુક હોય છે કે તે વરતાય, પણ ઓળખાતી નથી. પણ એ જ એનું માહાત્મ્ય અથવા કાવ્યત્મ્ય….હવે તમારે નાનાં હાઈકુઓનો ધોધ વરસાવવો જોઈએ……..

—————————————————-

તા.૯-૩-૬૬.

…બધા સાહિત્યકારો કહે છે કે ઉત્તમ કાવ્યમાં ધ્વનિ એટલે કે વ્યંજના હોવી જોઈએ. શબ્દો કે જે સીધો અર્થ આપે છે તે અભિધા…પણ કવિઓને, સીધી રીતે ન કહેતાં, આડકતરી રીતે કહેવામાં મઝા આવે છે. તે એટલે સુધી કે કાવ્ય માટે એ લોકોએ ‘વક્રોક્તિ’ નામ પસંદ કર્યું. ‘વક્રોક્તિ કાવ્ય-જીવિતમ્’  કહીને એમણે કહ્યું કે “કવિઓ વક્રોક્તિ-માગ-નિપુણ” હોવા જોઈએ.

હવે, “સાદા શબ્દો વાપરીને ધ્વનિ અથવા વ્યંજના ઉત્પન્ન કરવી” એમાં વિવિધ અર્થો સૂચવવાની જેટલી શક્તિ કવિની હોય તેટલી જ શક્તિ એ સૂચનોને સમજવાની વાચકમાં પણ હોવી જોઈએ, નહીં તો ભેંસ આગળ ભાગવત થવાનું.

તેથી કવિતામાં બે જાતનો વિશ્વાસ હોવો જોઈએ :

૧) સૂચન-અર્થ- પહોંચાડવાની શક્તિ મારા શબ્દોમાં અને મારી રચનાઓમાં(કવિમાં) છે એવો આત્મવિશ્વાસ અને

૨) મારા શબ્દોમાં જે સૂચન હશે તે ઝીલવાની શક્તિ મારા વાચકોમાં હશે તેવો વિશ્વાસ…આ બન્ને પ્રકારના વિશ્વાસને હું આસ્તિકતા કહું છું……

કાવ્યશાસ્ત્રનું જ ઉદાહરણ લઈએ તો, એક જણે કહ્યું, ” ગતો અસ્તં અર્કઃ !” (સૂર્ય આથમ્યો) આ વાક્ય હાઈકુનો નમૂનો ગણું છું. આનો અર્થ બ્રાહ્મણોએ કર્યો, “સંધ્યાવંદનનો સમય થયો.” ચોરોએ કર્યો, “હવે ખાતર પાડવાની તૈયારી કરવી જોઈએ.” બાળકોએ અર્થ કર્યો, “ઘેર જઈ મા પાસેથી પ્રમોદી મેળવી શકાય.”

તમારા હાઈકુઓમાં ઓછામાં ઓછા શબ્દો વાપરી..નોંધ જ કરવામાં આવે છે. પણ તે એવી ખુબીથી કે એમાંથી અનેક જાતની વ્યંજનાઓ કાઢી શકાય……

હાઈકુના છંદ વિષે મેં તમને કહ્યું જ છે કે જૂના વખતમાં જાપાની છંદનું અનુકરણ કરી કોકે અંગ્રેજીમાં પાંચ લીટીઓના નમૂના આપ્યા હતા એ મને ખૂબ જ ગમ્યા હતા. તમે કહ્યું હતું કે તેને તાન્કા કહે છે. અને એમાંથી જ હાઈકુની ઉત્પત્તિ થઈ છે…. અર્થાન્તરન્યાસમાંથી છેલ્લી લીટીની કહેવત બને છે તેમ જ તાન્કામાંથી હાઈકુ આવ્યાં.

હાઈકુમાં શબ્દો ઓછા, વર્ણન સાદું અને વ્યંજનાને અવકાશ અપરિમિત – અપાર ! એવાં હાઈકુ દ્વારા બોધ પણ અપાય અને ઝાટકણી પણ કઢાય. હાઈકુમાં નવેનવ રસ વ્યક્ત થઈ શકે પણ એ તો સમર્થ કવિનું કામ. નીરસતા ઢાંકવા માટે કોઈ હાઈકુ વાપરે તો જોતજોતામાં ઉઘાડો પડે….હાઈકુની કેટલીક લીટીઓ કહેવત જેવી પણ થઈ શકે, એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે……

– કાકાના સપ્રેમ જય હાઈકુ.

 

 

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *