ત્રિમૂર્તિ : બુદ્ધ–ઈસુ–ગાંધી

Posted by

               

બુદ્ધ–ઈસુ–ગાંધી

– સુંદરમ્

–––––––––––––––––––––––––––––––––

બુદ્ધ

ધરી આ જન્મેથી પ્રણયરસ દીક્ષા, તડફતું

હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ત રડતું.

લઈ  ગોદે  ભાર્યું  હૃદયરસની હૂંફ મહીં ને

વદ્યા: ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુ:ખતણી’ 

અને બુટ્ટી લેવા વનઉપવનો ખૂંદી વળિયા,

તપશ્ચર્યા કીધી, ગુરુચરણ સેવ્યાં, વ્યરથ સૌ

નિહાળી, આત્મામાં કરણ સહુ સંકેલી ઊતર્યા.

મહાયુદ્ધે જીતી વિષય, લઈ બુટ્ટી નિકળિયા. 

પ્રબોધ્યા ધૈર્યે તે વિરલ સુખમંત્રો, જગતને

નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા

પ્રચારી, સૃષ્ટિના અધઉદધિ ચૂસ્યા મુખ થકી.

જગત્ આત્મોપમ્યે ભરતી બહવી ગંગકરુણા. 

પ્રભો ! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,

અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે.

***   ***  ***

ઈશુ

મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું ’તું, બલતણા

મદે  ઘેલા  લોકો નિરબળ  દરિદ્રો  કચડતા,

વિસારી હૈયાથી પ્રભુ, જગત સર્વસ્વ ગણતા,

પ્રતિ સ્થાને સ્થાને બસ નરકલીલા જ પ્રગટી. 

અહો, તેવે ટાણે વચન વદતો માર્દવ તણાં,

ડુબેલાંને દુ:ખે સુખમિલન  દુ:ખે જ  કથતો,

દરિદ્રે  ઉગાડી  પ્રબળ  વચને વૃક્ષ બળનાં

અમીકૂપી લેઈ જગ પર ભમ્યો બાળ પ્રભુનો. 

ડગ્યાં જુલ્મી તખ્તો, બળમદ ભર્યા તાજ સરક્યા,

નમેલો એ આત્મા પ્રબળ રિપુ દુર્દમ્ય બનિયો,

ભભૂક્યો ક્રોધાગ્નિ પ્રભુ વિમુખનો ઝાળ ઝબકી,

તહીં તે હોમાઈ જગત  દુ:ખનો  હોમ  કરિયો. 

સરી ત્યાં જે શાંતિ–સરિત બલિદાને ઊભરતી,

કૃપાસ્નાને એના જગત ધખતું શીતળ થયું.

***   ***   *** 

ગાંધી

પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો  બળતણો,

ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગતને.

શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,

રચ્યાં  ત્યાં ઉંચેરાં  જનરુધિરરંગ્યાં  ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુ:ખછાયા જગ પરે

બન્યાં  ગાંધીરૂપે  પ્રગટ ધરતીનાં  રુદન સૌ.

વહેતી  એ  ધારા  ખડકરણના  કાતિલ પથે,

પ્રગલ્ભા અંતે થૈ મુદિત સરલા વાચ પ્રગટી :

“હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,

લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.

પ્રભુ  સાક્ષી  ધારી હૃદયભવને,  શાંત  મનડે

પ્રતિદ્વેષી  કેરું  હિત  ચહી લડો, પાપ  મટશે.”

પ્રભો, તેં બી વાવ્યાં  જગપ્રણયનાં ભૂમિઉદરે

ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

(કાવ્યસંગ્રહ “કાવ્યમંગલા”માંથી)

2 comments

    1. દીદી, તમે માતૃભાષાને સારી રીતે વધાવ્યું છે. આજે એક સાથે બધી ટીપ્પણીઓ માટે આભાર માનું છું. આમ જ પ્રોત્સાહક બની રહેશો તેવી આશા સાથે વંદન. તમે મોકલેલું લખાણ વસંતને લાગુ પડતું હોઇ પેન્ડીંગ છે. બીજાં મોકલતાં રહેશો…..યામિનીનાં કાવ્યો તો પ્રગટ થતાં જ રહેશે…..કદાચ સમય મળ્યે રસદર્શનમાં પણ લઈશ. – જુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *