ભાવનગરના કાવ્યસર્જકો : (૧) નાથાલાલ દવે

Posted by

– સરયૂ પરીખ

(નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની વાતો મુકાઈ છે. ભાવનગરના અન્ય લેખકોનો પરીચય પણ હવે પછી થશે જ એવી આશા સાથે – જુ.)

––––––––––––––––––

ગુજરાતી સાહિત્યના ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫) દરમિયાન અનેક કવિઓ ગાંધીજીની અસર તળે આવ્યાં અને તેની સીધી અસર તેમના જીવન-કવન

પર પડી. તે સમૂદાયમાં ચાર ભાવનગરી કવિજનો –ક્રિષ્નલાલ શ્રીધરાણી, પ્રેમશંકર ભટ્ટ, પ્રહલાદપારેખ અને નાથાલાલ દવેનો સમાવેશ થાય. ચારેયનો જન્મ૧૯૧૧-૧૯૧૨ના અરસામાં એટલે તે સૌ સમવયસ્ક. આ વર્ષના સપ્ટેંબર માસમાં કવિશ્રીની ૧૦૦મી સંવત્સરી ઊજવાશે.

નાથાભાઈના કવયિત્રી ભાણી સરયૂ મહેતા-પરીખ, એક કવિજન તેમજ આત્મજન તરીકે કવિશ્રી નું અહીં નીજ જીવનદર્શન રજૂ કરે છે.

– ડૉ. કનક રાવળ.

*******************

ભાવનગરની પ્રતિભાઓ : નાથાલાલ દવે
– શ્રીમતી સરયૂ મહેતાપરીખ

જન્મ: જૂન 3,૧૯૧૨ : મૃત્યુઃ  ડિસેમ્બર, ૧૯૯૩.  જન્મ સ્થળઃ ભુવા
પિતાઃ   વૈદ્ય ભાણજી કાનજી દવે : માતાઃ કસ્તુરબહેન : પત્નીઃ નર્મદાબહેન. : અભ્યાસ: ૧૯૩૪-બી.એ.; ૧૯૩૬-એમ.એ.; ૧૯૪૩– બી. ટી.

વ્યવસાય: શિક્ષણ; ૧૯૫૬-૧૯૭૦ ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી : નિવૃત્તિ બાદ ભાવનગરમાં.

મુખ્યરચનાઓ:
* કવિતા –  કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબિન, ઉપદ્રવ,
મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરૂ ગામડે,
મુખવાસ.
* વાર્તા –  ઊડતો માનવી, મીઠી છે જિંદગી.
* સંવાદપ્રધાન રચનાઓ અને અનુવાદો : ૨૦ કાવ્યસંગ્રહો – ૫ વાર્તાસંગ્રહો, ૧૧ સંપાદનો = ૩૬ પુસ્તકો  ૧૯૮૨ સુધીમાં.

************

અમારું બાળપણ નાનાજી વૈદ્ય ભાણજી કાનજી અને મામાના વીરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી જ્યારે પણ અમારે ત્યાં આવતા. એ સમયે હું આઠેક વર્ષની હતી અને મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રદ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકજકની યાદ આવતાં હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે.

ખાદીનાં સફેદવસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિસંમેલન, શિબિરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજૂઆત પછી શ્રોતાગણની પ્રશંસા સાંભળીને મામા માટે ગર્વનો અનુભવ થતો. પાઠ્યપુસ્તકમાં “પિંજરનાપંખીની વાત” એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાનાં લખેલાં ગીતો ગવાયેલાં અને વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, “અષાઢના તારા રે, આભ ભરીને ઊગિયા શા?” કે “આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની”, ઉમંગ અને સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી. મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્યરસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ “હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલ.”

મારાં બા, ભાગીરથી, એક બાલિકા-બહુ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહસંસારમાં મુંજાતાં હતા ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે એમને સ્વામિ વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા મોકલતા જે પછી એમને આત્મશ્રદ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયા અને અઢાર વર્ષની ઉંમરે તેમણે ફરી ભાવનગરની શાળામાં ભણવાનું શરૂ કરી કૉલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કૂલમાં મુખ્ય-શિક્ષિકા બન્યાં. નાનાજી અને ઘરના લગભગ બધા સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો. એક પ્રસંગ બા કહેતાં કે એમના ગુરુ શ્રી વજુભાઈશાહના જન્મ દિવસે બધા એકઠાં થવાનાં હતાં અને મારા નાનાજીએ બાને જવાની મનાઈ કરી, ત્યારે મામાએ સિર્ફ એટલું જ કહેલું, “બહેન જશે, એને જવાનુ છે.” ઘરના વડીલની સામે આ રીતનો વિરોધ કરવો એ પ્રેમાળ ભાઈ જ કરી શકે.

આવા અનેક પ્રસંગોએ અમારા મામા હિંમત આપતા અચૂક આવીને ઊભા રહેતા. કવયિત્રી ભાગીરથીના સન્માનમાં “જાહ્નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન ભાવનગરમાં વર્ષોથી યોજાય છે.

એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારા સામે સ્થિર નજર કરી મામાએ કહેલું, “Be brave.” એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આવીને મનમાં ગૂંજતા અને હિંમત આપતા રહ્યા છે.

મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતા હોય એવી રસિક પળો જોઈ છે. તેમજ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપું અને ચશ્મા તૈયાર કરીને રાખ્યા હોય કે અરવિંદને વાર્તા કહેતા હોય, એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે.

એક સફળ અને સહાનુભૂતિભર્યા કવિહ્રદયની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનનાઘડતરમાં અમારા મામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર.

**********************

ચાકડો

કાચી  રે  માટીના  ઘૂમે  ઘડુલિયા
ધણી ઘડે જૂજવા રે ઘાટ,
વાગે  રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે  લખિયા  કાં  કેર?
નિંભાડે  અનગળ  અગનિ  ધગધગે,
ઝાળું  સળગે  ચોમેર—કાચી.

વેળા  એવી  વીતી  રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને   ટકોરા  ત્રિકમ   ત્રેવડે
પાકાં  પંડ રે  પરમાણ—કાચી.

હરિએ  હળવેથી  લીધા  હાથમાં,
રીજ્યા  નીરખીને   ઘાટ,
જીવને  ટાઢક  વળી તળિયા  લગી
કીધા  તેં અમથા  ઉચાટ—કાચી.

 

– નાથાલાલ દવે

 

One comment

 1. લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ
  અંગત અંગત : ૦૬ : વાચકોની કલમે –, ગીત, નાથાલાલ દવે
  નેટ-જગતમાં શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસને આપણે સહુ પ્રજ્ઞાજુ તરીકે ઓળખીએ છીએ. શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ અમિતાભ બચ્ચનની જેમ એક થી દસેદસ ક્રમ અંકે કરી શકે!! આજે જોઈએ કે કઈ કવિતા એમને ક્યાં અને કેવી રીતે સ્પર્શી ગઈ છે!

  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
  કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
  વાગે રે અણદીઠા એના હાથની
  અવળી સવળી થપાટ…
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

  વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
  કર્મે લખીયા કાં કેર ?
  નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
  જાંળુ સળગે ચોમેર..
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

  વેળા એવી વીતી રે વેદનતણી
  ઉકલ્યા અગનના અસનાન
  મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
  પાકા પંડ રે પરમાણ
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

  હરિએ હળવેથી લીધા અમને હાથમાં
  રીઝ્યા નીરખીને ઘાટ
  જીવને ટાઢક વળી તળિયા લગી
  કીધા તે અમથા ઉચાટ
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

  – નાથાલાલ દવે

  જીવનમા ચઢાવ ઊતાર તો આવે અને તે અંગે બાળપણથી કેળવણી આપી હોય પણ સાંઠ પછી ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તનાવયુકત મનથી અસંતુલિત માનસિકતા અને શારીરિક શકિતનો ક્ષય થતો લાગ્યો ત્યારે સલાહ મળી કે સાહિત્ય,સંગીત કે કોઈ પણ કળામા મન પરોવો ત્યાં જ આ કાવ્ય વાંચ્યું, ચિંતન-મનન કર્યું . કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા…રાગ ખમાજ-કવિ નાથાલાલ દવે. તેમા ‘વેળા એવી વીતી રે વેદનતણી’ -ભીની આંખે ગાઈ. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને જીવનને નવી દૃષ્ટિ મળી…
  -પ્રજ્ઞા વ્યાસ
  તેને 27 Comments » મળી હતી વાંચવા ક્લીક અંગત અંગત : ૦૬ : વાચકોની કલમે – ૦૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *