સુરેશદાદા

Posted by

 

– લતા હિરાણી 

 

હેલો….

અને જવાબમાં હા, કોણ ?ની સાથે બસની ઘરઘરાટી કે ભીડના કોલાહલનો અવાજ મોટેભાગે સંભળાય અને એ હોય નિત્ય પ્રવાસી સુરેશદાદા !! એટલે કે વિચારવલોણું ના સ્થાપક શ્રી સુરેશ પરીખ.  

સુરેશદાદાના સંપર્કમાં હું ક્યારથી ? આમ તો વિચારવલોણુંના વાચક અને ચાહક તરીકે એમનો લાંબો પરિચય ગણાય. પરંતુ એમને પ્રત્યક્ષ મળવાનું થયું એને ચારેક વર્ષ થયાં હશે !! પહેલીવાર પ્રજ્ઞાબહેનની સાથે વિચારવલોણુંની મીટીંગમાં ગઇ હતી. સુરેશદાદાનું લિફ્ટમાંથી બહાર નીકળવું અને અમે મળ્યા. હો હો હો હો ખડખડાટ હસતાં એ પ્રજ્ઞાબહેનને ભેટી પડ્યા. ઉમળકાનો ધોધ જોઇ લો !! મારી સાથે પરિચય થયો અને તરત ખિસ્સામાંથી એમના હાથમાં ચોકલેટ આવી ગઇ. બાળકો એમને ચોકલેટદાદા તરીકે ઓળખતા હશે, કેમ કે પુસ્તક અને ચોકલેટ વગરના સુરેશદાદાને મેં જોયા નથી. હું અને મારાં જેવાં કેટલાંયે એમની પ્રજ્ઞા, એમની સમજણ, અને એમની વિચારપ્રસાર માટેની નિસ્બત પાસે બાળકો જ… ચોકલેટ નહીં પણ ચોકલેટ જેવું મીઠું હાસ્ય એમની સાથે બાંધી દે અને થાય કે ચાલો એમના યજ્ઞમાં આપણી યે એક આહુતિ…

હા, સુરેશદાદા નિત્ય યજ્ઞમાં જ…પૂજા-પાઠ, જપ-તપ જે ગણો તે, લોકોમાં, યુવાનોમાં, કિશોરોમાં વિચારની પ્રક્રિયાને ઉંચે ઉઠાવવાનું કામ એટલે સુરેશદાદાનો યજ્ઞ. આ વિચારવલોણું કે બીજા અસંખ્ય પ્રકાશનો દ્વારા. મુલાકાતો, સીધી વાતો, સંવાદો… એમના સાધનો અનેક. અને એના માટે સુરેશદાદા મોટે ભાગે પ્રવાસમાં જ હોય.  હવે બહુ થયું, હવે હું પ્રવાસ નહીં કરું. જેમને મળવું હોય એ વિદ્યાનગર આવે – એવી જાહેરાત કર્યા પછી યે સુરેશદાદાના પ્રવાસો અટક્યા નથી. સ્થિર થઇને બેસી રહે, પગવાળીને બેસી જાય એ સુરેશદાદાનો જીવ નહીં. ભ્રમણ અને એય સમષ્ટિના કલ્યાણ અર્થે, સમાજને ઉંચો લાવવાના ધ્યેયને નજર સમક્ષ રાખીને સતત ભ્રમણ કરતું રહેતું સુરેશદાદાનું આગવું વ્યક્તિત્વ. લોકસંપર્ક કેમ કરવો એ સુરેશદાદા પાસેથી શીખાય. એક ધ્યેય રાખીને મંડ્યા રહેવાનું કોઇને શીખવા મળે તો સુરેશદાદા પાસેથી. 

અમારી નિરાંતે પહેલી મુલાકાત આમ જ થયેલી.

હું સાંજે પાંચ વાગે અમદાવાદ આવીશ. મારે મેમનગર વિસ્તારમાં જવાનું છે.

સારું દાદા, એ સમયે હું ત્યાં જ છું. ક્યાં લેવા આવું ?

નક્કી કરેલા સમય – સ્થળે સુરેશદાદા હાજર હોય. એકલા નહીં, હાથમાં ચોપડીઓના થેલાઓ સાથે !!

ચાલ જરા ફલાણાભાઇને મળતા જઇએ

હું સુરેશદાદાને લઇને એ ભાઇને ત્યાં પહોંચું. બીજી કોઇ આડી અવળી વાત નહીં. ખબરઅંતર પૂછાય જાય એટલે તરત કેટલુંયે અમોલું સાહિત્ય એમના ખજાનામાંથી નીકળે.

આ વાંચજો, આ વાંચ્યું છે કે નહીં ? કોઇ સારું પુસ્તક એના ખરા વાચકથી દૂર ન રહે એની ચીવટ એમને પૂરેપૂરી. પુસ્તકો માટે ખર્ચ તો થાય જ અને રુપિયા સાથે એમની નિસ્બત એટલી જ કે જેથી આ યજ્ઞકાર્ય ચાલતું રહે. સાચી નિસ્બત એમને પુસ્તકોના વાંચન સાથે અને કંઇક ઉમદા આપ્યાના સંતોષ સાથે. એમના પેટમાં પડતું ભોજન શક્તિ બની એમના લોહીમાં વહેતું હશે એના કરતાં આ કાર્ય માટેની ધખના અને એમાંથી મળતું સુખ એમની રગેરગમાં વહી એમને જીવવાનું ઝાઝું બળ પૂરું પાડતું હશે. 

હું ઘણીવાર નાનાં બાળકોની મમ્મીઓને પૂછું છું, શા માટે બાળકને વાર્તા કહેવાની હોય ? પરીકથા, રાક્ષસકથા, પ્રાણીકથા, દૃષ્ટાંત કથા…. આ બધાની શું જરુર છે ? જવાબ મોટેભાગે બહુ અસ્પષ્ટ હોય છે. વાર્તા કહેવાનો કોન્સેપ્ટ જ કદાચ આ આખી પેઢી ભુલી ગઇ છે. જો એ સમજાય તો નવી ઉછરતી પેઢીના પાયા જુદા જ ચણાય. વાર્તા કહેવાનો સમય નથી એ જુદી બાબત છે કેમ કે જો એનું મહત્વ સમજાય તો પ્રાયોરિટી આપોઆપ બની જાય. પરીઓની અજાયબ નગરી કે રાક્ષસની પાતાળ કથા સાંભળતા બાળકનું કલ્પના જગત કેટલું વિશાળ બને છે !! આખું વિજ્ઞાન કલ્પનામાંથી, વિચારમાંથી જ જન્મ્યું છે ને !! માણસે ઉડવાની કલ્પના જ ન કરી હોત તો વિમાન, રોકેટ ક્યાંથી બનત ? ઇશ્વરેય માનવીને પેદા કરતાં પહેલાં વિચાર્યું જ હશે ને !! 

વાત મારે સુરેશદાદાની કરવાની છે પણ સુરેશદાદાની વાત અને વિચાર સરવાણી કે વિચારમંથન પ્રક્રિયાની જરુરિયાતની વાત જુદી કેમ પાડી શકાય ? સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવા મથતું વિચારવલોણું અને એના જનક સુરેશદાદાની સાથે ગાળેલી બધી જ ક્ષણોએ મને જગાડી છે, વિચારતી કરી મુકી છે. 

ઘરમાં મહેમાન થઇને આવેલા સુરેશદાદાને હું પૂછું, શું જમશો ? – જવાબ મળે – કંઇપણ – જો કે એમાં નવાઇ નથી, મહેમાનનો જવાબ આમ જ હોય પણ એમને જમતાં જોઇને બે વાત જરુર શીખાય. એક તો ભોજનમાં અત્યંત ઓછો આહાર એમને લેવાનો અને એમાંય એક્વાર થાળીમાં લીધું એટલે વાત પૂરી. પછી બીજી વાર કોઇ ચીજ લેવાનું નામ નહીં !! ભોજન માટેના નિયમો ચુસ્ત. એમાં કોઇ બાંધછોડ નહીં. સારું સ્વાસ્થ્ય જાળવવા માટેની પાયાની નીતિ !! વળી ગરમાગરમ સુપનો મગ હાથમાં લેતાં, મારે બટર જોઇશે’ એવું પ્રેમથી જણાવી દે એય ખરું. પાતળું શરીર, ઓછો ખોરાક અને છતાંયે ગજબની સ્ફૂર્તિ… 

સુરેશદાદાની સામાજિક નિસ્બત શબ્દોમાં જ નથી વિરમતી, એમના વિચારોને મૂર્તસ્વરુપનું વરદાન મળ્યું છે.. મળ્યા જ કરે છે. કેટલાયે વિદ્યાર્થીઓ, કેટલાયે માનવીઓના જીવનમાં એ સ્પાર્ક બન્યા હશે, કેટલીયે અજાણી કેડીઓ આજે એમને પ્રતાપે ઝળહળતી હશે, કેટલીયે જિંદગીઓમાં એમણે અચાનક મોડ બદલી નાખ્યા હશે અને એમની દુવાઓ સુરેશદાદાને ચૈતન્યથી ભરી દેતી હશે !! 

ચોકલેટ વહેંચતા સુરેશદાદા બાળપણ પહેરી લે છે, લોકસંપર્ક માટે સતત પ્રવાસો કરતા, સ્ફૂર્તિથી થનગનતા સુરેશભાઇ ઘડપણ ક્યાંય દૂર ફેંકી દે છે અને વાતવાતમાં એકાદ પ્રેરણા આપનાર કે એકાદ અમુલ્ય વિચારનું ભાથું બંધાવી દેનાર સુરેશ પરીખ એક પ્રજ્ઞાપુરુષની ઉંચાઇએ પહોંચી જાય છે. 75 વર્ષ એ સમયનો એક એવો ટુકડો છે કે જેણે સુરેશભાઇની નોંધ લેવી જ પડે. આ સમય હજી એની તેજ કર્મઠ રફતાર સાથે લંબાયા જ કરશે આપણા સૌની સલામી અને શુભકામનાઓ લઇને…

 

 

3 comments

 1. મા શ્રી સુરેશભાઇ
  . આ સમય હજી એની તેજ કર્મઠ રફતાર સાથે લંબાયા જ કરશે
  આપણા સૌની સલામી અને શુભકામનાઓ લઇને…
  ધન્ય જીવન
  ધન્યવાદ લતાબેન

 2. આશ્ચર્ય એ વાતનું થાય છે કે, વલીભાઈ સાથે આપણે લતાબેનને મળવા ગયા, ત્યારે આ દાદાને પણ હાજર રાખ્યા હોત તો ત્યારથી સમ સ્વભાવી એવા એ દાદા મારા દોસ્ત બની ગયા હોત. મારા નામ ધારી આ સુરેશ દાદા મળત તો રોજિંદી નેટ -દોસ્તી બરાબર જામત.
  પણ દેશમાં લોકો જ વચ્ચે રહેતા અને સદા સેવા કાર્યમાં જોટાયેલી આવા સજ્જન -સંતો ઈન્ટરનેટ્થી અલગ જ રહે ને? પ્ર્ફુલ્લભાઈ દવે પણ એવા જ સજ્જન- સંત.એ નેટ ઉપર આવે એ માટે એમને કેટલી વાર કહેલું? અમદાવાદ આવેલો ત્યારે એમનો બ્લોગ શરૂ કરી આપવા મદદ કરવા પણ કહેલું. પણ એ અલગારી જીવ- ના જ માન્યા..૨૦૧૪ની મુલાકાતમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં – અને આટલા મોટા ગજાના ન્યાયાધીશ હોવા છતાં, છેક ઓઢવથી મને મળવા મારા ફ્લેટ પર આવેલા એમને મારી યાદ આપજો – સુજા એમને બહુ યાદ કરે છે.

  આ સાલના નવેમ્બર – ડિસેમ્બરમાં અમદાવાદ આવવા વિચાર છે. લતાબેનને અને જુ.ભાઈને વિનંતી કે, આ સુરેશ દાદાની સાથે મુલાકાત કરાવી દે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *