નવા વર્ષે એક સંતજનનો પરીચય

Posted by

સંતજન બુચદાદા

– શ્રી  ભાણદેવ

નોંધ : આદરણીય શ્રી ભાણદેવજીની ઓળખ વેદ–ઉપનિષદના પાયાના અભ્યાસુ તરીકે કરું. વેદ જેવા અઘરા વીષયને તેમણે અત્યંત સરળ ભાષામાં સમજાવ્યો છે. એમનાં પચાસથી વધુ પુસ્તકોમાં આ પ્રકારનાં પુસ્તકો વધુ છે. વીષયના ઉંડાણમાં જઈને ઝીણવટભરી દૃષ્ટીથી દરેક પાસાંનું વીશ્લેષણ થતું આપણે અનુભવી શકીએ. કોડિયુંમાં પ્રગટ થયેલો આ લેખ અહીં કોડિયુંના સૌજન્યે પ્રગટ કરતાં ધન્યતા અનુભવું છું. ખાસ કરીને જેઓ મારા આજીવન ગુરુ રહ્યા છે તે પ્રાતંસ્મરણીય ન.પ્ર.બુચ અંગેનો આ લેખ માતૃભાષાને પાને નવા વર્ષે પ્રગટ કરવાનો અવસર લઉં છું. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

પૂજ્ય બુચદાદાને હું આમ સમજ્યો છું :

૧. બુચદાદા એક એવા સંત હતા કે જેમને ખબર ન હતી કે તેઓ સંત છે. એટલું જ નહીં પણ કોઈ તેમને જણાવે કે તેઓ સંત છે તો તેઓ કબૂલ પણ ન રાખે કે તેઓ સંત છે. સાચા સંતની આ પરખ  છે. જો કોઈ સંત પોતાના સંતપણા વિષે સભાન હોય તો તેનું સંતપણું પોકળ ગણવું. જે મહાપુરુષને એમ લાગતું હોય કે તે મહાપુરુષ છે, તે મહાપુરુષ સાચા મહાપુરુષ નહિ ! આપણે આપણા કોઈ સદ્‌ગુણ વિશે સભાન હોઈએ તો તે સદ્‌ગુણ આપણા વ્યક્તિત્વનો સહજ ગુણધર્મ નથી બન્યો તેમ નિશ્ચિતપણે સમજવું. કેનોપનિષદના ૠષિ પોતાના શિષ્યને સાવધાન કરતાં કહે છે :

યદિ મન્યસે સુવેદેતિ દભ્રમેવાપિ

નૂનં ત્વં વેત્થ બ્રાહ્મણો રુપમ્. (કે.ઉ. : ૨–૧) (“જો તું એમ માનતો હોય કે તું બ્રહ્મના સ્વરૂપને બરાબર જાણે છે, તો નિશ્ચિત જાણજે કે તું બ્રહ્મના સ્વરૂપને યથાર્થતઃ નથી જાણતો.”) જ્ઞાનની સભાનતા અજ્ઞાનની દ્યોતક છે. સદ્‌ગુણની સભાનતા સદ્‌ગુણની, કચાશની દ્યોતક છે. સંતત્વની સભાનતા સંતત્વમાં કચાશની દ્યોતક છે. આપણા બુચદાદા એવા સંત હતા જેમનામાં સંતત્વની રજમાત્ર સભાનતા ન હતી.

૨. શ્રી જે. કૃષ્ણમૂર્તિએ એક બહુ મૂલ્યવાન વાત કહી છે :       To live like an ordinary person

is an extraordinary thing. “સામાન્ય માનવીની જેમ જીવવું તે એક અસામાન્ય ઘટના છે.” બુચદાદા આવા અસાધારણ સામાન્ય માનવી બનીને જીવ્યા. તેમણે અસામાન્ય બનવાનો પ્રયત્ન ન કર્યો, ઇચ્છા જ ન કરી, અને તેવો દેખાવ તો રજમાત્ર ન કર્યો. તેમણે પોતાની વહાલી અને મહામૂલી સામાન્યતા તંતોતંત જાળવી રાખી. સામાન્ય તો આપણે બધાં જ છીએ પણ આપણે અસામાન્ય બનવાની રાહ જોઈને બેઠા હોઈએ છીએ. તક મળે તો આપણે તુરત અસામાન્યતાના ઘોડા પર સવાર થઈ જઈએ. આપણે જાણ્યે કે અજાણ્યે, અસામાન્ય બની જવાની તકની રાહ જોઈને બેઠા હોઈએ છીએ. બુચદાદાની  આજુબાજુ અસામાન્યતાના ઘોડાઓ સતત ચક્કર મારતા રહ્યા, પરંતુ બુચદાદા જેમનું નામ ! તેમણે અસામાન્યતાના ઘોડા પર કદી સવારી ન કરી તે ન જ કરી. બુચદાદાની આ ‘સામાન્યતા’ અસાધારણ છે !

૩.     બુચદાદા આદર્શનિષ્ઠ હતા, પરંતુ આદર્શઘેલા નહિ, આદર્શની ગર્જનાઓ કરનારા તો નહિ જ અને ગગન વિહારી પણ નહિ. કોઈનાય પર તેઓ ક્યારેય આદર્શ થોપતા નહિ. આદર્શના ઉપદેશો પણ તેઓ મોટે ભાગે ન આપતા. પોતે અણીશુદ્ધ પવિત્ર જીવન જીવતા, આદર્શને અનુરૂપ જીવતા, પરંતુ બીજાઓએ પણ તે જ રીતે જીવવું જોઈએ તેવી અપેક્ષા ન રાખતા અને આગ્રહ તો ન જ  રાખતા. બહુ પૂછીએ  તો માત્ર ઈશારો કરી દેતા. કોઈ આદર્શ પ્રમાણે ન જીવે તો બુચદાદા જરા પણ નારાજ ન થતા. તેઓ આદર્શવાદનાં ભાષણો ન કરતા, આદર્શવાદની ગર્જનાઓ ન કરતા. હા, તેઓ પોતાને ઉચિત લાગ્યા તે આદર્શ પ્રમાણે બરાબર જીવતા. તેઓ જાણે પોતાના જીવન દ્વારા આમ કહી ગયાઃ “અરે ! આદર્શ જીવવા માટે છે, ભાષણો કરવા માટે નહીં. આદર્શ જીવીને બતાવી શકાય, બોલીને નહીં.” બુચદાદાના જીવનમાં આદર્શવાદે આવું સ્વરૂપ ધારણ કર્યું…તેનું કારણ શું ? બુચદાદાનો આદર્શવાદ બહારથી થયેલો ન હતો; અંદરથી ફૂટી નીકળેલો હતો. આ તો પાતાળ ફોડીને પ્રગટેલા શિવ, બહારથી બેસાડેલા શિવ નહીં ! કુશળ નૃત્યકારનો પગ કદી બેતાલ પડે જ નહીં કારણ કે તાલ તેમના જીવન સાથે રસબસ થઈ ગયો હોય છે. બુચદાદાનો આદર્શવાદ આવો સહજ  આદર્શવાદ હતો.

૪. આપણા બુચદાદા મહત્ત્વાકાંક્ષાથી સર્વથા મુક્ત હતા અને તેથી સ્વસ્થ અને પ્રસન્ન હતા. મહત્ત્વાકાંક્ષા એક રોગ છે તે માનવીને શાંતિથી જંપીને બેસવા દેતી નથી. જેમની આંતરચેતના વિકસિત હોય, વિકાસમાન હોય અને છતાં જેમની ચેતનાને મહત્ત્વાકાંક્ષાનો રોગ લાગ્યો ન હોય તેવી વ્યક્તિ બહુ વિરલ ઘટના છે. મહત્ત્વાકાંક્ષાનું કારણ શું છે ? આંતરિક અભાવ, અંદરનો ખાલીપો. આ આંતરિક અભાવને ભરવાનાં ફાંફાં….. તે જ તો મહત્ત્વાકાંક્ષા છે. બુચદાદા અંદરથી ભર્યા ભર્યા હતા. તેથી જ તો મહત્ત્વાકાંક્ષાના રોગથી મુક્ત હતા. મહાત્ત્વાકાંક્ષાથી મુક્ત હતા તેથી સ્વસ્થ હતા, પ્રસન્ન હતા. પૂ.બુચદાદા અજાતશત્રુ હતા. માત્ર નામના અજાતશત્રુ નહીં, માત્ર ઉપર ઉપરથી કે દેખાવ પૂરતા અજાતશત્રુ નહીં, પરંતુ જન્મજાત અજાતશત્રુ, અનાયાસ અજાતશત્રુ, પગથી માથા સુધી સાવ સાચુકલા અજાતશત્રુ ! આ ધરતી પર એવો કોઈ માનવી નહીં હોય કે જે એમ કહી શકે કે  “શ્રીમાન નટવરલાલ બુચે મારા પ્રત્યે વૈરવૃત્તિ રાખી હતી.” બુચદાદા વિશે પણ એમ કહી શકાય કે ‘તેમના શત્રુઓ પણ તેમનાં વખાણ  કરશે.’ કારણ કે તેમના શત્રુ કોણ ? બુચદાદાને વળી કોઈ શત્રુ હોઈ શકે ? બુચદાદાના ચિત્તનું બંધારણ જ એવું હતું, બુચદાદાની ચેતનાની ભૂમિકા જ એવી હતી કે તેમના હૃદયમાં કોઈના પ્રત્યે શત્રુતા જન્મી જ ન શકે ! તેમની ચેતનાની ભૂમિ જ એવી હતી કે તેમાં શત્રુતાનો અંકુર ઊછરી જ ન શકે ! બુચદાદાની અજાતશત્રુતા પણ કેવી ? આદર્શલક્ષી નહિ, કેળવેલી નહિ, જોરજબરાઈથી સિદ્ધ કરેલી નહિ. તેમની અજાતશત્રુતા તો સાવ સહજ ! ફૂલમાંથી  સુગંધ સહેજે પમરે તેમ તેમના જીવનમાંથી સહજ રીતે અજાશત્રુતા પમરતી રહેતી ! આવા હતા આપણા પૂજ્ય બુચદાદા !

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *