નારાયણસ્વામીની ભજન–સાખીઓ

Posted by

(ગુજરાતના એક જાણીતા ભજનીક નારાયણસ્વામીનાં ભજનો સાંભળતાંમાં એક ભજન “શું પુછો છો મુજને”ના આરંભે એમણે કેટલીક સાખીઓ (આમ તો દોહરા છંદ) સંભળાવી હતી…..સાવ સાદા શબ્દોમાં મુકાયલી આ સાખીઓ આજે સૌ સમક્ષ મુકતાં અનેરો આનંદ છે ! આરંભનું મુખડું બરાબર સંભળાયું નહીં; એક શબ્દ ‘ભાખે’ પણ બરાબર સંભળાયેલો નહીં એટલે વાચકોમાંના રસીકજનને પુછું, કે યાદ આવે તો લખી મોકલજો…..! – જુ.)

––––––––––––––––––––––––

નિરપરાધી જીવનો   શોખથી કરે  શિકાર,

દાસ નહીં ઈશ્વર તણો, એ તો એક ગમાર.

બુરા હાલ બદલી ગયા, સુખ પામ્યો સંસાર;

દીનદુખિયાંને રિઝવી ગયો એ પણ એક ગમાર.

કાજ નહીં ઉત્તમ કરે, અતિ રાખે અહંકાર;

કહ્યું કરે નહીં કોઈનું, એ પણ એક ગમાર.

ભાઈબંધની એક ભૂલનો ધોખો કરે ધરાર;

કાયમ જ્યાંત્યાં ગાયા કરે એ પણ એક ગમાર.

કામ બગાડી ઘર તણું, ગામમાં ભાખે અપાર;

કરજ કરીને કિરતી કરે, એ પણ એક ગમાર.

સગાંઓને ભાવથી, આપે નહીં આહાર;

દૂધ માટે દોટ્યું દિયે, એ પણ એક ગમાર.

મનુષ્યદેહ મળ્યા છતાં ભજે નહીં કિરતાર;

અફિણથી પ્રીતી કરે, એ પણ એક ગમાર.

માને મનમાં માનવી દારૂને કિરતાર;

પ્યાલી પી પરવશ બને, એ પણ એક ગમાર.

ખુશામતી ને લાલચુ પૈસાનો જ હોય પ્યાર;

કવિજન કૂડો હોય તો એ પણ એક ગમાર.

દરદીની દરકાર નહીં, પૈસા લેવામાં પ્યાર;

વૈદ્ય હોય જો લોભિયો, એ પણ એક ગમાર.

સાંતિનો સાંધો નહીં, ખડ ખેતરમાં અપાર;

ખાતર ખેડુ જો વેચતો, એ પણ એક ગમાર.

ન્યાયઆસને બેઠાં પછી, ન્યાયનો નહીં કરનાર;

કરે પક્ષ જો કોઈ એકનો એ પણ એક ગમાર.

વહીવટ કરતાં વિશ્વમાં, થાય જો બેદરકાર;

કાગળિયાં રમાડ્યાં કરે, એ પણ એક ગમાર.

 

 

2 comments

 1. સંતો ની પ્રેરણાદાયી વાત
  માને મનમાં માનવી દારૂને કિરતાર;

  પ્યાલી પી પરવશ બને, એ પણ એક ગમાર.

  ખુશામતી ને લાલચુ પૈસાનો જ હોય પ્યાર;

  કવિજન કૂડો હોય તો એ પણ એક ગમાર.

  દરદીની દરકાર નહીં, પૈસા લેવામાં પ્યાર;

  વૈદ્ય હોય જો લોભિયો, એ પણ એક ગમાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *