પ્રખર દર્શનશાસ્ત્રી પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી

Posted by

– શ્રી નિર્ભયરામ કા. વૈષ્ણવ

૮મી ડિસેમ્બર, ૧૮૮૦ના રોજ માતા સંતોકબાની કૂખે જન્મ ધારણ કરનાર બાળકનું નામ પડ્યું સુખલાલ. તેમના પિતા સંધજીભાઈનો વ્યવસાય હતો રૂના વેપારી તરીકેનો. તેમનું ગામ લીમલી સુરેન્દ્રનગર શહેરથી નજીકમાં આવેલું છે. તેમની માતાનું પિયર હળવદ પાસેનું ગામ કોંઢ. તેમનું કુટુંબ જૈન ધર્મ પાળે.

સંઘવી કુટુંબનો આ બાળક થોડો મોટો થતાં ઘોડેસવારી અને તરવાનો પણ શોખીન થયેલો. નાનપણથી ભણવામાં ખૂબ જ હોંશિયાર હોવાથી તે શિક્ષકોનો પણ પ્રિય વિદ્યાર્થી બની રહેલો. શાળાશિક્ષણ સિવાય તેને કથા-વાર્તા, વ્યાખ્યાનો સાંભળવાનો પણ શોખ. તેના ગામમાં જ્યારે કોઈ પુરાણી, ભાટ-ચારણ કે સાધુ-સંન્યાસી આવે ત્યારે તેને સાંભળવા તે અચૂક પહોંચી જાય.

જ્ઞાનની ભૂખ સંતોષવા સદાય તત્પર રહે, પરંતુ તેને માટે જોઈએ તેવી સુવિધાઓ મળતી ન હતી.

તેની માતા ચાર વર્ષની ઉંમરે જ ગુજરી ગયેલાં તેથી પિતાએ બીજાં લગ્ન કર્યાં હતાં. આ નવી મા ઉમદા સ્વભાવનાં હોવાથી તેને માની ખોટ સાલી નહીં. ૧૧ વર્ષ નવી મા સાથે વિતાવ્યાં પછી તેમનો પણ દેહાંત થયો. હવે તેના પિતાની માતા ઘરનો બોજો ઉઠાવવા લાગ્યાં. થોડાં વર્ષો પછી આ ઘરડાં મા અંધ થયાં. આમ છતાં તેમણે ઢોર દોવાનું, દળણું દળવાનું, છાશ વલોવવાનું, રસોઈ કરવાનું વગેરે કામ ચાલુ રાખ્યાં હતાં.

ગામઠી નિશાળનું સાત ધોરણનું ભણતર પૂરું થયા પછી આગળ અંગ્રેજી ભણવા વઢવાણ જવાની સુખલાલની ઇચ્છા હતી. પરંતુ પિતાજી પરનું કામનું ભારણ ઓછું કરવા ભણવાનું માંડી વાળી પિતાના ધંધામાં એ જોડાઈ ગયા.

લેવડ-દેવડના વ્યવહારોનું નામુ લખવું તેમ જ કપાસના જીનીંગ-પ્રેસીંગ કામના વહીવટ અંગેનું જ્ઞાન સારી રીતે હસ્તગત કરી લીધું. આબરૂદાર કુટુંબ હોવાના કારણે તેમનું સગપણ પણ થઈ ગયું.

આંધળાં દાદીમાએ પુત્ર-પૌત્ર બંનેનું સારી રીતે ઘ્યાન રાખવાનું ચાલુ રાખ્યું. એવામાં ૧૬ વર્ષની ઉંમરે સુખલાલ શીતળાની બીમારીમાં આંખો ગુમાવી બેઠો. દાદીમા અને તેનો પૌત્ર બંને આંખના ઓજસ ગુમાવ્યા છતાં ખમીર દાખવતાં રહ્યાં. થોડા વખત પછી વૃદ્ધ દાદીમા સ્વર્ગે સિધાવ્યાં. બાપ-દીકરો એકલવાયા બન્યા. સુખલાલ હવે પિતાજીને ધંધામાં મદદ કરી શકતો નથી. આમને આમ બે વર્ષ તેણે અંધત્વની દ્વિધામાં વિતાવ્યાં.

સોળ વર્ષની યુવાન વય એટલે નાનપણમાં થયેલા સગપણનું શું કરવું ? તે પ્રશ્ન સામે આવીને ઊભો રહ્યો. ગઈ કાલ સુધી સુખ-ચેનની જિંદગી જીવતા યુવકને લગ્નસુખની ઇચ્છા તો હોય જ. પણ તેમણે પોતે જ પિતાના મોભાને ઝાંખપ ન લાગે તે માટે સામે ચાલીને બે વર્ષથી ચાલતી લગ્નની ખેંચતાણનો ઉકેલ સગપણ તોડી નાંખવાના નિર્ણયથી આપ્યો. બંને પક્ષોની આથી મૂંઝવણ ટળી.

ખેંચતાણનાં આ બે વર્ષો દરમ્યાન સુખલાલની અકળામણને દૂર હડસેલનારું અગત્યનું દ્વારા ખૂલ્યું. તેમનામાં હવે નવું નવું જાણવાની તીવ્ર ઉત્કંઠા જાગી. જૈન ઉપાશ્રયમાં આવતા સાધુઓ પાસેથી અને આ અંગેનાં પુસ્તકો કોઈક પાસે વંચાવીને જ્ઞાનવૃદ્ધિમાં લાગી પડ્યા ! યાદશક્તિ પણ ખીલવા લાગી. અનેક પુસ્તકો કંઠસ્થ થવા લાગ્યાં ! સંસ્કૃત શ્લોકો સાંભળી યાદ કરે. તેના અર્થ સમજાય નહીં તો પણ શ્લોક અવશ્ય યાદ રાખે.

પિતાજી તથા નજીકનાં સગાં-સંબંધીઓ સુખલાલ અંધ બન્યો તેથી ખૂબ દુઃખ અનુભવે. પણ તેમણે તો જે કંઈ ભણવા મળે તે ભણવા તરફ જ ઘ્યાન દીધું. રઘુવંશના નવેય સર્ગો તેમણે ફક્ત નવ દિવસમાં જ પ્રયત્ન કરી કંઠસ્થ કરી લીધા !

લગ્નસુખની યાદમાં તણાવાનું છૂટતું ગયું, અને એક જ ઝંખનાએ જોર પકડ્યું ઃ ‘‘જ્ઞાન એ જ સાચું જીવન છે.’’ લગ્ન અને કુટુંબની માયા ઘટવા લાગી અને જ્ઞાનદીપ પ્રજ્વલિત થવા લાગ્યો.

એક સામયિક દ્વારા જાણ્યું કે, કાશીમાં સાધુઓ અને ગૃહસ્થીઓને સંસ્કૃત શિક્ષણ લેવામાં શ્રીમંતો સહાયરૂપ બને છે. ખાનગી રીતે પત્રવ્યવહાર અન્ય દ્વારા કરાવી જાણી લીધું કે અંધ વ્યક્તિ પણ આ શિક્ષણ મેળવી શકે છે.

ધર્મવિજયજી મહારાજે પાઠવેલા આવા જવાબથી તેમણે કાશી જવાનું મનોમન નક્કી કરી લીધું. એમનો નિર્ણય એવો હતો કે સાથે કોઈને લઈને ન જવું, અને પિતા કે કુટુંબીજનો સંમત ન થાય તો પણ આ અભ્યાસ માટે ઘર છોડીને જતાં રહેવું. જોકે આ નિર્ણય કુટુંબીજનોને  ગમ્યો નહીં પણ સુખલાલ સ્વેચ્છાથી જાય તો તેમની ઇચ્છા પણ પૂર્ણ કરવા છૂટ આપવી. જ્યારે સૌ સ્નેહીજનો વળાવવા રેલ્વે સ્ટેશને આવ્યા ત્યારે રડવા જેવા થઈ ગયા પણ સુખલાલને એક આંસુડું પણ ન આવ્યું.

ત્રેવીસ વર્ષની ઉંમરે તેઓ અભ્યાસ માટે કાશી પહોંચ્યા. અહીં ૧૯૦૪થી ૧૯૦૮ સુધી તેમણે અમીવિજયજી નામના મુનિશ્રી પાસે અભ્યાસ કર્યો. તેમની ઇચ્છા મુજબ ‘‘સિદ્ધાંત કૌમુદી’’નું વ્યાકરણ ભણવાની શરૂઆત પણ કરી. વ્યાકરણના પુસ્તક ‘‘બૃહદવૃત્તિ’’ના ૧૮૦૦૦ શ્લોકો કોઈ ભણતા ન હતા પરંતુ સુખલાલજીએ તેનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ આવો અભ્યાસ કરનાર પ્રથમ વિદ્યાર્થી બન્યા !

આ ભણતરમાં તેમને બે મોટા ગુરુઓની સહાયતા પ્રાપ્ત થઈ હતી. તેમાંના એક હતા ન્યાયકાવ્યશાસ્રના નિષ્ણાંત અંબાદત્ત શાસ્ત્રી અને બીજા હતા વ્યાકરણશાસ્ત્રના મહાન પંડિત હરિનારાયણ તિવારી. અભ્યાસ અર્થે અંધત્વને કારણે વાચન કરી આપે તેવા એક સાધારણ સાધુની સહાય લીધેલી. આ અભ્યાસ સમયે તેમની સાથે પંડિત બેચરદાસજી પણ હતા. ચોવીસે કલાક પુસ્તકો કંઠસ્થ કરવામાં રચ્યા પચ્યા રહેતા આ સુખલાલજી પ્રત્યે બેચરદાસજીને પણ ભારે માનની લાગણી રહેતી.

જૈન પાઠશાળામાં ભણીને તેમણે વ્યાકરણ-ન્યાય અને અલંકાર શાસ્ત્રોનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો. પરંતુ તેમની ઇચ્છા તો દરેક ધર્મને આવરી લેતા અભૂતપૂર્વ ભારતીય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાની હતી. આ પાઠશાળામાં રહીને તે નહીં થઈ શકે તેવું જણાતાં વૈદિક દર્શનના વધુ અભ્યાસ માટે તેમણે અહીંથી વિદાય લીધી. તેઓએ અમદાવાદ, ભાવનગર, આગ્રા વગેરે સ્થળોએ જઈ આ માટે પ્રયત્ન કર્યા પરંતુ નિરાશ થઈ પાછા કાશી આવી ગયા. અહીં ગંગાકિનારે આવેલી એક જૈન ધર્મશાળામાં રહેવાનું શરૂ કર્યું. અહીંના બ્રાહ્મણ પંડિતો જૈનને વેદાંત ભણાવવા ખુશી ન હતા. આથી તેમણે અને તેમના સાથી મિત્ર વ્રજલાલે મળી યોજના કરી.

મિત્ર વ્રજલાલ બ્રાહ્મણ હતા. તેમણે વેદાંતજ્ઞાતા લક્ષ્મણશાસ્ત્રીજી પાસે વેદાંતનો અભ્યાસ શરૂ કર્યો. સુખલાલે ધર્મશાળામાં રહીને જાતે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ આગળ વધારવો. બંને ફુરસદના સમયે એકબીજાને પોતાના અભ્યાસમાં અરસ-પરસ મદદ કરી લીધેલું જ્ઞાન એક-બીજાને શીખવે. આ યુક્તિથી સુખલાલે વેદાંતનો અભ્યાસ આગળ વધાર્યો.

અહીંની ક્વિન્સ કૉલેજના મુખ્ય પંડિત બાલબોધ મિશ્રાજી સાથે સુખલાલજીને પરિચય થતાં તેમણે પોતાના ઘેર વેદાંત-સાંખ્યયોગ વગેરે ભણાવવાનું શરૂ કર્યું. અહીં ભારતીય તત્ત્વજ્ઞાન દર્શનનું ચિંતન કરતાં કરતાં સુખલાલજીએ માનવતાવાદી વલણ સાથે તેનું સર્વગ્રાહી મૂલ્ય પણ સમજી લેવામાં સફળતા મેળવી.

આ પછી તેમણે સંપૂર્ણ ન્યાયશાસ્ત્રની મઘ્યમા પરીક્ષા આપવા વિચાર્યું. અભ્યાસક્રમ મુજબની પરીક્ષા આપવા સંમતિ મળતાં તેઓ પરીક્ષામાં બેઠા. તેમને જવાબ લખી આપનાર વ્યક્તિ નબળી કક્ષાની મળી. તેની જોડાક્ષર લખવામાં અશુદ્ધિ રહેતી હતી. તેના અક્ષરનું પણ ઠેકાણું ન હતું. આથી પરીક્ષા સુપરવાઈઝરે તે અંગે સુખલાલજીનું ઘ્યાન દોર્યું. સુખલાલજી તો ખૂબ ખિજાઈ ગયા. પૂરતી ફી ભર્યા છતાં આવો નબળો લખનાર આપવા અંગે તેમણે પ્રિન્સિપાલ પાસે રજુૂઆત કરી. આથી તેમની ફરીથી મૌખિક પરીક્ષા લેવાનું નક્કી કર્યું. આ પરીક્ષા વખતે પ્રિન્સિપાલ વેનિસ સાહેબે ખુદ હાજરી આપી. આ પરીક્ષામાં તેઓ પ્રથમ વર્ગ મેળવી ઉર્ત્તિણ થયા !

સુખલાલજીની પંડિતાઈથી આકર્ષાઈને ન્યાયશાસ્ત્રના જ્ઞાતા એવા વામાચરણ ભટ્ટાચાર્યે તેમને ઘરે ભણવા આવવા સામેથી નિમંત્રણ આપ્યું. તેમની પાસે ‘‘તત્ત્વચિંતામણી’’ ગ્રંથનો પૂર્ણ અભ્યાસ કરવાની તક સાંપડી. ભટ્ટાચાર્યજીની શિક્ષણ વ્યવસ્થા મર્યાદિત હોવાથી બીજા એક ન્યાયશાસ્ત્રી શ્રી મૈથિલજીને ત્યાં દૂરનું ઘર હોવા છતાં સાંજે સાંજે ચાલીને ત્યાં જવાનું પણ ગોઠવ્યું. દર્શનશાસ્ત્રની તે પછી પરીક્ષાઓ પણ આપી. તેમાં સફળ થયા છતાં હજી તેમને સંતોષ ન હતો. દર્શનશાસ્ત્રમાં હજી આગળ વધવા આપમેળે અભ્યાસ શરૂ રાખ્યો. આ સમયે તેમની ચંદ્રશેખર નામના એક મોટા ગજાના પંડિતજી સાથે મુલાકાત થઈ. તેઓ મિથિલા રહેતા હતા. સુખલાલજીને કહ્યું ઃ ‘તમે મિથિલા આવો તો હું તમને ભણાવું.’

સુખલાલજી તેમની સાથે ગયા. રહેવાનો બંદોબસ્ત નજીકના પીલખવડ નામના ગામે એક ગરીબ પંડિતના ઘેર આપ્યો. આ મકાનમાં કશી સુવિધા ન હતી. ઘાસ પર સૂવાનું. જમવામાં ફક્ત ચોખા જ. આવાં અનેક કષ્ટો વેઠીને તેઓએ અભ્યાસ આગળ વધાર્યો. ગરીબ મકાનમાલિક હતા મહાપંડિત. શ્રી દુઃખમોચન ઝા નામના આ ન્યાયશાસ્ત્રીજી પાસેથી પણ શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. સુખલાલજી પાસે નાણાંકીય સુવિધા સારી હોવાથી તેમણે પોતાની પાસેની રકમમાંથી મોટી રકમ ઝા સાહેબને અર્પણ કરી દીધી. પોતાનું ગરમ સ્વેટર પણ તેમને આપી દીધું. તેમની ઇચ્છા એવી કે તેઓ પોતાને મમતાથી સારી રીતે ભણાવે.

આ બંને પંડિતોના સહયોગથી સુખલાલજીએ જ્ઞાનનાં ઉન્નત શિખરો સર કર્યાં. સાચા અર્થમાં હવે તેઓ પણ પંડિતની પદવી પામી ગયા. ૧૯૦૪ થી ૧૯૧૩ સુધીનાં નવ વર્ષની સાધનાથી તેમનું જીવન અલૌકિક સિદ્ધિઓનો ખજાનો બની ગયું !

અહીંથી તેમની જીવનયાત્રાનો બીજો તબક્કો શરૂ થયો.

તેમને સાધુઓને ભણાવવા પાલનપુર આવવાનું નિમંત્રણ મળ્યું. તેઓ આવ્યા અને કામ શરૂ કર્યું. એક બહેનને પણ ધર્મશિક્ષણ લેવાની ઇચ્છા હોવાથી તેમને ભણાવવાનું પણ નક્કી કર્યું. આ અંગે વિરોધ થયો. આથી તેમણે સ્પષ્ટતા કરી કે, ‘સ્ત્રીઓ અને હરિજનોને અગ્રતા આપીને ભણાવીશ.’

આ બનાવ ગાંધીજી સાથેની તેમની મુલાકાત પહેલાનો છે. તે એવું દર્શાવે છે કે, દર્શનશાસ્ત્ર તેમણે સાચા અર્થમાં પચાવ્યું હતું.

ગાંધીજી ભારત આવ્યા તે પછી ૧૯૧૩ના વર્ષમાં તેઓ ગાંધીજીને મળ્યા. આ મુલાકાતથી તેમની રાષ્ટ્રવાદ પ્રત્યેની નિષ્ઠા વધી. ગાંધીજીનું અમદાવાદમાં સ્વાગત થયું તે પ્રસંગે પણ તેઓ હાજર રહ્યા. આશ્રમ સ્થપાતાં ત્યાં પણ અવાર-નવાર જવા લાગ્યા.

ગાંધીજીના આગ્રહથી જ તેઓ આશ્રમવાસી બન્યા. આશ્રમમાં શરીરશ્રમની મહત્તા મુખ્ય હતી. અંધત્વને કારણે તેમણે દળવાનું કાર્ય માંગ્યું. ગાંધીજી તેમની સાથે રહ્યા અને દળતાં શીખવી દીધું. હાથમાં ફોલ્લા પડ્યા હોય તોય તેમણે આ કામ છોડ્યું નહીં.

તે પછી ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપી. ત્યારે તેમાં ભારતીય વિદ્યાશાખામાં પંડિતજીને અઘ્યાપક અને સંશોધકની બેવડી કામગીરી સોંપવામાં આવી.

પુરાતન મંદિરમાં હિંદુ, બૌદ્ધ, જૈન પરંપરાના અનેક સમર્થ વિદ્ધાનો જે સંશોધન કરતા હતા તેમાં પંડિત સુખલાલજી અગ્રસ્થાને હતા.

પંડિતજી લેખનમાં આગળ આવી ન શકે તેવી ટીકાથી તેઓ આ ક્ષેત્રમાં પડવા કટિબદ્ધ થયા.

તેઓ ફરી બનારસ ગયા. ત્યાં સાદાઈ અને શરીરશ્રમની સાધના સાથે ભણાવવાનું અને લેખનકાર્ય હાથ ધર્યું.

પોતાનું લખાવેલું સાંભળે, તેમાં સુધારો કરે અને ન ગમે એટલે લખાણ ગંગાજીમાં પધરાવી દે. લગભગ આવાં હજારેક પાનાં તેમણે ગંગામાં વહાવી દીધાંનું પોતે કબૂલેલું છે.

યશોવિજયજીના ગ્રંથ ‘‘જ્ઞાનસાર’’નો અનુવાદ કરવાનું લેખનકાર્ય સૌ પ્રથમ હાથ ધર્યું. જ્યારે તેમનો ‘‘જ્ઞાનસાર’’નો હિંદી અનુવાદ પૂર્ણ થયો ત્યારે સૌએ તેને વખાણ્યોે. અનેક વિદ્ધાનો દ્વારા આ અનુવાદગ્રંથ ઘણી ઊંચી કક્ષાનો હોવાનું સ્વીકૃત થતાં તેમનું લખવાનું કાર્ય ઝડપી રીતે આગળ વધવા લાગ્યું.

૧૯૨૨માં પંડિતજી ફરી ગૂજરાત વિદ્યાપીઠમાં અઘ્યાપક અને સંશોધક તરીકે આચાર્ય જિનવિજયજીના આગ્રહથી જોડાયા. આ સમયે તેમણે સાથી ધર્માનંદ કૌસાંબીની સાથે રહીને બૌદ્ધ સાહિત્યનું પરમ જ્ઞાન મેળવી લીધું.

વિદ્યાપીઠમાં જોડાયા પહેલાં ૧૯૨૦માં તેમણે ‘સન્મતિ તર્ક’ નામની એક અનન્ય કૃતિનું સંપાદનકાર્ય શરૂ કરેલું પરંતુ તેને પૂર્ણ કરવામાં તેમને નવ વર્ષ લાગ્યાં.

ભારતીય દર્શનશાસ્ત્રનો સિદ્ધસેન દિવાકરનો સમર્થ સંદર્ભગ્રંથ તે જ આ ‘સન્મતિ તર્ક’ ગ્રંથ.

‘‘કેવળ જ્ઞાન અને કેવળ દર્શન વચ્ચે કોઈ ભેદ ન માનવો’’ તેવું દર્શાવતા આ નવા વાદવાળા ગ્રંથમાં બારમી સદી સુધીનો થયેલો આ ક્ષેત્રનો વિકાસ દર્શાવવામાં આવ્યો છે.

પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીએ મળીને વિદ્યાપીઠમાં રહીને આ અંગેની ઓગણત્રીસ હસ્તપ્રતો એકત્ર કરીને જે નવો ગ્રંથ સંપાદિત કર્યો તેણે સૌને આશ્ચર્યચકિત કર્યા.

એક દશકા સુધી તપશ્ચર્યારૂપે આ કાર્ય થયેલું. ગાંધીજીએ આથી તેમને હવે થોડો સમય આરામ કરવા સલાહ પણ આપેલી.

૧૯૩૦માં દાંડીકૂચ સત્યાગ્રહ શરૂ થયો અને વિદ્યાપીઠ બંધ કરવામાં આવી. આથી બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવ સુખલાલજીને ૧૯૩૩માં અઘ્યાપક તરીકે ખેંચી ગયા. ત્યાં તેઓ અગિયાર વર્ષ રહ્યા. અઘ્યાપન સાથે લેખન પણ ચાલુ રાખી તત્ત્વજ્ઞાનનાં ચાર પુસ્તકો પણ પ્રસિદ્ધ કર્યાં. ૧૯૪૪માં અહીંથી નિવૃત્ત થયા.

એ પછી મુંબઈ-અમદાવાદ માનદ્‌ અઘ્યાપક બની શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું.

હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મને સાંકળી લેતું ભારતીય દર્શનશાસ્ત્રનું ‘અઘ્યાત્મ વિચારણા’ એ નામનું સમૃદ્ધ પુસ્તક એમણે ૧૯૫૬ના વર્ષમાં પ્રસિદ્ધ કરાવ્યું.

શ્રી મોરારજી દેસાઈ, ડૉ.રાધાકૃષ્ણન્‌, કાકાસાહેબ કાલેલકર જેવા મુખ્ય વક્તાઓએ તેમનાં ૭૫ વર્ષ પૂરાં થવાના સમારંભમાં હાજર રહી તેમને ‘ગાંધીયુગના દર્શનશાસ્ત્રી’ તરીકે નવાજી તેમનું ૧૯૫૭ના વર્ષમાં યથાયોગ્ય સન્માન પણ કર્યું હતું.

તેમને ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીએ, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટીએ, ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માનદ્‌ ડૉક્ટરેટની પદવી એનાયત કરી હતી.

‘દર્શન અને ચિંતન’ નામના તેમના ગ્રંથને સાહિત્ય અકાદમીએ ૧૯૫૮માં પારિતોષિક અર્પણ કર્યું હતું.

પંડિત સુખલાલજીએ નેત્રજ્યોતિ વગર પણ મહાન દ્રષ્ટા બની ભારતના એક ઉચ્ચકક્ષાના વિદ્યારત્ન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. યુગપુરુષ તરીકે ખ્યાતિ પામેલા આપણા પંડિત સુખલાલજી ૧૯૭૮ના માર્ચ માસની બીજી તારીખે સત્તાણુ વર્ષની દીર્ઘ જીવનયાત્રા પૂર્ણ કરી અમદાવાદ મુકામે નિર્વાણ પામ્યા.

તેમના પુનિત ચરણારવિંદોમાં આપણાં સૌનાં અનંતકોટિ વંદન !

(સૌજન્ય : ‘કોડિયું ઓગસ્ટ, ૨૦૧૧’)

 

સી / ૧૦૨૮, કાળિયાબીડ, ભાવનગર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *