આજે, રાજવી કવિ કલાપીની 143મી જન્મજયંતીએ ‘શ્રેણી’નો આરંભ !

Posted by

નોંધ : ‘માતૃભાષા’નાં પાને ગુજરાતી સાહિત્યનો કલામય મયૂર ટહુકશે !! શ્રી રાજેશ પટેલ કલાપીના જીવન અંગે ઉંડો અભ્યાસ કરી ચુક્યા છે. તેમનું આ જ કારણે જાહેર સન્માન પણ થયેલું છે. આજે કલાપીની ૧૪૩મી જન્મજયંતી નીમીત્તે આછો પરીચય આપીને સમગ્ર શ્રેણી શરુ કરીએ છીએ ! શ્રી રાજેશભાઈએ આ કાર્ય હાથ ધરીને આપણા સૌના લાડીલા સર્જકને ક્રમશ: પ્રગટ કરવાનું સ્વીકાર્યું તેના આનંદ સાથે આપણે એમને સાભાર સત્કારીએ. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

નામ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કવિ નામ : કલાપી

જન્મસ્થળ : લાઠી, સૌરાષ્ટ્ર

જન્મ : ૨૬ -૧ -૧૮૭૪

દેહાવસાન : ૯ – ૬ – ૧૯૦૦

જીવનકાળ : ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ

પ્રસિદ્ધ કાવ્યગ્રંથ : ‘કલાપીનો કેકારવ’ જેમાં ૧- મહાકાવ્ય “વીર હમીરજી ગોહિલ”, ૧૧ ખંડકાવ્યો, ૫૯- ગઝલો, ૧૮૮-છંદોબદ્ધ કવિતા–ઊર્મિગીતો.

એ પ્રમાણે એટલે કે ૧૫૦૦૦ કાવ્ય પંક્તિઓનો સંગ્રહ.

માનવીય સંવેદના, પ્રણય, અને તત્ત્વજ્ઞાનભર્યા આ કાવ્યસંગ્રહની ૧૯૦૩થી આજ સુધી, ૨૧- આવૃત્તિઓ પ્રગટ થઈ છે…

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ અદ્વિતીય ઘટના છે.

ગદ્ય રચનાઓં : ૧) કાશ્મીરનો પ્રવાસ. ૨) તત્ત્વજ્ઞાન વિષયક નિબંધો અને ૩)પત્નીઓ, મિત્રો, ગુરુજનોને લખેલા ૮૦૦થી વધુ પત્રો. (ઉત્તમ પત્રસાહિત્ય જાણે કે લાગણીઓનો ધોધ..)

સર્જન કાળ : ઉપર મુજબનું વિપુલ સર્જન તેમણે, માત્ર ૧૬થી ૨૬ વરસની ઉંમરમાં કર્યું…

વાંચન : ગુજરાતી, અંગ્રેજી, ફારસી, ઉર્દૂ, સંસ્કૃત અને હિન્દીના વિવિધ વિષયક લગભગ, ૫૦૦થી વધુ પુસ્તકોનું વાંચન…

શિક્ષણ : રાજકુમાર કૉલેજ, રાજકોટ

લાઠીમાં રાજ્યાભિષેક: ૨૧ – ૧ – ૧૮૯૫* ના રોજ ૨૧, વર્ષની ઉંમરે…

લગ્ન : ડિસેમ્બર ૧૮૮૯માં પંદર વર્ષની ઉંમરે પોતાનાથી ૮ વર્ષ મોટાં, કચ્છ રોહાનાં રાજકુમારી, રમાબા…
અને ૨ વર્ષ મોટાં સૌરાષ્ટ્ર-કોટડા સાંગાણીનાં રાજકુમારી, આનંદીબા બંને સાથે એક જ દિવસે ખાંડાલગ્ન…

પ્રણય : રાણીસાહેબા રમાબાની એક સમયની દાસી મોંઘીબા સાથે ૨૦ વરસની ઉંમરે પ્રણય થયો. આ મોંઘીબાનાં મન, બુદ્ધિ અને ચિત્તનો વિકાસ જોઈને પછી કલાપીએ તેમનું શોભના નામ રાખ્યું હતું. તેઓ તેમનાથી ૭ વરસ નાનાં હતાં, અને ખૂબ જ સ્વરૂપવાન, બુદ્ધિશાળી અને મંજુલ સ્વર ધરાવતાં હતાં..

પત્નીઓ પ્રત્યેની ફરજ અને પ્રણય સંવેદનાનું દ્વંદ્વ ”ચાહું છું તો ચાહીશ બેયને હું” આ પ્રણય સંબંધને કારણે જીવનમાં વેદનાભર્યા સંઘર્ષોની ઘટમાળ સરજાઈ….

પરિણામે એ સંવેદનાઓ કવિતામાં પ્રવેશી અને પ્રણયઝંખના, પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુને સંબોધીને આધ્યત્મિકતાની ટોચે બિરાજે તેવાં ચિંતનકાવ્યો ગુજરાતને પ્રાપ્ત થયાં…

શોભનાબા પ્રત્યેનો તેમનો ગાઢ પ્રેમસંબંધ આખરે, તા: ૭ – ૯ -૧૮૯૮ના રોજ પારિવારિક પારાવાર વિરોધ વચ્ચે લગ્નમાં પરિણમ્યો…

                                                                       
આધ્યાત્મિક ચેતનાને લીધે, તેમના વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ વધતાં ચાલ્યાં…

દરબારી ઠાઠમય જીવન શુષ્ક લાગવા લાગ્યું…

કેટલાક પોકળ સંબંધોના અનુભવને લીધે જ રાજગાદીનો ત્યાગ કરવાનો અને પંચગીની ખાતે શોભનાબા સાથે રહીને સાચા આત્મીય આનંદ સાથે શાંતિપૂર્ણ જીવન વ્યતીત કરવાનો નિર્ધાર કલાપીએ કર્યો હતો…પણ –

હૃદયનો ખાલીપો અનુભવતા આ ઉત્કટ પ્રેમી અને સહૃદયી રાજવીનું અકાળે આકસ્મિક નિધન જાણે કે રહસ્યોની ચાદરમાં લપેટાઈ ગયું ! તેમના જીવન અને કવનને જાણનારા, વાંચનારા, સાંભાળનારા, સમજનારા, ચાહકોના હૃદયમાં કલાપીએ અમીટ; અમર છાપ છોડી છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––

રાજેશ પટેલ : પ્રોપ્રાઇટર, દર્શન વેવ્ઝ એન્ડ વિઝ્યન; ભાયાન્દર વેસ્ટ, મુંબઈ–૪૦૧૧૦૧

ઈ–મેઈલ : Rajesh Patel <rajeshcpatel2001@gmail.com>

 

 

 

One comment

  1. જાણીતી વાતો ફરી માણતા આનંદ થશે
    અમારા દાદાકાકા પાસે કલાપીના હસ્તાક્ષરમા લખેલો પોસ્ટકાર્ડ હતો.
    એ સાચવેલો અમુલ્ય પોસ્ટકાર્ડ ક્યારે પસ્તીમા જતો રહ્યો તે ખબર પણ ન પડી.
    આપણા રજનીભાઇની જેમ કાળજીપૂર્વક…યાદ આવે-‘હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે ! પાપી તેમાં ડૂબકી દઈને, પુણ્યશાળી બને છે ! – કલાપી. હૃદયમાં ઉગેલો સાચો પશ્ચાતાપ અને આંખેથી વહેતા આંસુની ઝરણું તો સ્વર્ગથી ઉતરી આવેલી ભાગિરથી ગંગા સમાન પવિત્ર છે ..
    પણ અફસોસ જેઓથી ગુમાઇ ગયો તેનો પસ્તાવો પણ થતો નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *