‘સરદાર એટલે સરદાર…’ અખંડ ભારતના ઘડવૈયા….

Posted by

રજૂઆત : સુશાંત ધામેચા

આજથી લગભગ ૨ વર્ષ પહેલાં સરદાર પટેલ વિષેની એક બુક “સરદાર એટલે સરદાર” ખરીદી હતી. ગુણવંત શાહે લખેલી એ બુકમાં તેમનાં પત્રો, ભાષણો વિષે ખૂબ જ વિગતમાં લખેલું છે. જયારે આઝાદી માટે ગાંધીજી સત્યાગ્રહો કરતા હતા ત્યારે તો સરદાર સાહેબ તેમની સાથે હતા જ, પણ આઝાદી મળ્યા પછી અથવા તો એમ કહી શકાય કે આઝાદી આપવાનું નક્કી કર્યા પછી, ૫૬૫ દેશી રજવાડાઓને ભેગાં કરી એક અખંડ ભારત બનાવવું એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું હતું. એ કામ સરદારે ભારે કુનેહથી અને સમયસર પાર પાડ્યું. આઝાદી મળી ત્યારે ભારતની સ્થિતિ એક એવા ખેતર જેવી હતી, કે જે ખેતર વિશાળ તો હતું, પરંતુ એમાં ગુંઠા બે ગુંઠાના નાના મોટા અનેક ટુકડાઓ હતા. એ એવું ખેતર હતું જેના સીમાડા સ્પષ્ટ ન હતા. પરંતુ અંદર પડેલા ટુકડાઓની ફરતે તો વાડો હતી જ ! સરદારે આવી આડીઅવળી પાથરેલી વાડો બહુ ઓછા સમયમાં ભૂંસી નાખી અને ભારતના નકશાને જાળવી લીધો.

હવે આ વિલીનીકરણ કરવાના પ્રયત્નોમાં સરદારને માઉન્ટબેટનનો ઘણો સહકાર મળ્યો. વિલીનીકરણ માટેની એક મિટિંગની વાતચીતનો એક અંશ ખૂબ સરસ છે.

સરદાર         :       તમે જો ઝાડ પરથી બધાં જ સફરજન તોડીને ટોપલીમાં મને આપો તો હું લઉં, પણ જો બધાં જ સફરજન ન હોય તો ન લઉં.

માઉન્ટબેટન    :       તમે મારે માટે ડઝન તો છોડશો ને ?

સરદાર                 :       એ તો ઘણા કહેવાય, હું તમને બે આપીશ.

માઉન્ટબેટન    :       બહુ ઓછા કહેવાય.

થોડીક મિનીટો સુધી આ બંને જણ આની પર ચર્ચા કરતા રહ્યા અને છેલ્લે ૫૬૫માંથી ૬ કરતાં થોડાંક વધારે પાકિસ્તાનમાં જોડાય એવું ઠર્યું. અને પછી ચાલુ થઈ વિલીનીકરણની પ્રક્રિયા.

હવે આમાં હૈદરાબાદ, જૂનાગઢ અને ભોપાળ જેવા મુસ્લિમ રાજ્યકર્તાઓને પાકિસ્તાનમાં જોડાવાની ઇચ્છા હતી અને ઝીણા તેમને પ્રોત્સાહન પણ આપતા હતા. ભારતમાં ન જોડવા બાબતે ભોપાળના નવાબ અને ઇન્દોરના મહારાજા વચ્ચે સમજૂતી થયેલી કે આપણે જે નિર્ણય કરીશું તે સાથે મળીને વિચારીશું. પણ વી.પી. મેનનની અનેક મુલાકાતો પછી ભોપાલના નવાબે ભારતમાં જોડાવવા માટે સહી કરી આપી, પણ તેણે પંદરમી ઓગસ્ટ સુધી એ વાત જાહેર ન કરવાની સરદારને વિનંતી કરી. આ બનાવ પછી ઇન્દોરના મહારાજાને દિલ્હી જવાનું થયું. એમની ટ્રેન દિલ્હી પહોંચી ત્યાં સુધી એમણે નક્કી કરી રાખેલું કે સહી કરવી નથી. દિલ્હી સ્ટેશને પહોચ્યા પછી મહારાજાએ સરદારને સંદેશો પહોંચાડ્યો કે તેઓ મહારાજાને મળવા ઇચ્છતા હોય તો સ્ટેશને આવી શકે છે. સરદાર ન ગયા અને રાજકુમારી અમૃત કૌરને મોકલ્યાં. રાજકુમારી ગાંધીજીના રાજવંશી અનુયાયી હતાં. સરદાર જાણતા હતા કે જાજરમાન રાજકુમારીનો ભપકો મહારાજા આગળ ઉપયોગી થશે. રાજકુમારીને જોઇને તેઓ ખુશ તો થયા, પરંતુ થોડાક મૂંઝાયા પણ ખરા. તેમણે રાજકુમારીને પૂછ્યું : ‘હું અહીં છું એવું તમે ક્યાંથી જાણ્યું ?’ છેવટે રાજકુમારીએ તેમને સરદારને મળવા માટે માનવી લીધા, પણ હજી તેમની મૂંઝવણ નો પાર ન હતો, કેમ કે તેમણે ભોપાલના નવાબ જોડે મૌખિક સંમતિ કરી હતી કે આપણે ૧૫ ઓગસ્ટે જ આપણા રાજ્યોને સ્વતંત્ર જાહેર કરીશું. તેથી તેમણે કહ્યું કે તેઓ ભોપાળના નવાબને મળીને જ સહી કરશે. અને છેવટે તેમને ભોપાળના નવાબની સહી બતાવવામાં આવી અને ત્યારે મહારાજાએ કશુંય બોલ્યા વગર સહી કરી આપી.

આમ સરદારની કુનેહથી ભારતની વચ્ચોવચ આવેલાં બે રાજ્યો ભારતમાં જોડાવવા માટે સંમત થઈ ગયાં..

આ ઉપરાંત સરદારે સ્વીકારેલી શિસ્ત કેવી નમૂનેદાર હતી તેનો એક પ્રસંગ.

સામાન્ય રીતે વિલીનીકરણ વખતે એવો નિયમ સ્વીકારાયો હતો કે વસ્તીનું માળખું અને ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં રાખીને પ્રત્યેક રાજ્ય ભારત કે પછી પાકિસ્તાન સાથે જોડાઈ શકે. હવે “કલાત“ના ખાને અને બહાવલપુરના નવાબે ભારતમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પણ તેમની વસ્તી મોટેભાગે મુસ્લિમ હતી અને વળી તે બંને અનુક્રમે પાકિસ્તાનમાં અને ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલાં હતાં. તેથી સરદારે તેમને પાકિસ્તાનમાં જોડવા માટે સમજાવ્યા. કેમ કે સરદાર પ્રામાણિકપણે પાકિસ્તાન સાથે ખોટું ઘર્ષણ ટાળવા માંગતા હતા.

આમ આવા તો કેટલાય કિસ્સા આ બુકમાં લખેલા છે. જો આ બધા પ્રશ્નો હલ ન થયા હોત તો આજે ભારતનો નકશો કૈંક અલગ જ હોત.

તેથી જ તો……“સરદાર એટલે સરદાર…….!”

(સાભાર સંદર્ભ : ઉલ્લેખીત પુસ્તક : “સરદાર એટલે સરદાર”)

––––––––––––––––––––––––––––––––––––

આણંદ; તારાપુર પાસેની એક જર્મન બેઝ સિરામિક કંપનીમાં જોબ. વાચન–લેખન શોખ.

Blog Site  : www.sushantdhamecha.wordpress.com /

Facebook Page –  www.facebook.com/sushant

 

4 comments

 1. આ નોધ આવકાર્ય છે. સરદારની મહત્તા નગુણા નેહરુ પરિવારે ક્યારેય સ્વીકારી નથી .
  મે સરદારને નજીકથી જોયા છે અને જાહેર સભામાં સાંભળ્યાય છે.
  કેવી પ્રતિભાશાળી વ્યક્તિ ?

  નોંધ માટે એક ઝીણી ચોવટ માટે દરગુજર કરશો .
  “આજથી લગભગ ૨ વર્ષ પહેલાં સરદાર પટેલ વિષેની એક બુક “સરદાર એટલે સરદાર” ખરીદી હતી”
  આ ગુજરાતી લખાણમાં વારંવાર “બુક ” પર્યાય કેવી રીતે ઘૂસી ગયો?

  1. બુક શબ્દ માટે સરસ ચીમટો ભરવા બદલ આભાર ! લેખકનું પણ ધ્યાન દોરીએ……– જુ.

 2. આ શબ્દ લખવા માટે હું માફી માંગુ છું. પણ હું ચોખ્ખું કહું તો આજની પેઢી આવા શબ્દો વાંચવા ટેવાયેલી છે, એવું મને લાગતું હતું. પણ એ કદાચ મારી ગેરસમજ હશે. પણ હવે ચોખ્ખું ગુજરાતી જ લખીશ. તમે આટલું ચીવટ થી વાંચ્યું એ બદલ આપનો આભાર.

  1. આમાં માફી માગવા જેવું નથી જ ભાઈ સુશાંત. આ તો બહુ જ સહજ બાબત છે. ગુજરાત વિદ્યાપીઠે શબ્દકોશમાં સેંકડો અંગ્રેજી શબ્દો ઉમેર્યા જ છે ને ! સવાલ તો આ બહાને સહેજ જાગૃત રહેવા અંગેનો છે……જોકે તમારો નિર્ણય તમને એક વધુ ચોક્કસ દિશાએ લઈ જનારો બની રહે એમ બને…..– જુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *