દર્શકનો મહામુલો ગ્રંથ : “સદ્‌ભિઃ સંગઃ”

Posted by

– શ્રી વિનોદભાઈ જોશી

સદ્‌ભિઃ સંગઃજાહેર જીવનની અનુભવકથા જ નહિ પણ એક મૂલ્યવાન ગ્રંથ

વર્તમાન અને આવનારી પેઢી સામે ઊભેલા અનેક પડકારો પૈકી મહત્ત્વના અને અનુપેક્ષ્ય ગણાય તેવા કેટલાકનું એક ચોક્કસ સમયસંદર્ભમાં પ્રવર્તેલું મૂલ્ય-આંદોલન અહીં સચ્ચાઈની ભોંય પર આલેખાયું  છે. આજની તારીખે પણ અનેક દિશાઓમાં આપણી સમજને  નીરક્ષીર વિવેકથી વિસ્તારી શકે તેવી ઊર્જાથી તે ભર્યુંભર્યું છે.

કોઈને આ ગ્રંથ તેના લેખક, શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ની આત્મકથા હોવાનો વ્હેમ જાય તો કોઈને આ એમની સ્મૃતિકથા હોવાનો ભ્રમ પણ થાય. લેખકે ગ્રંથના આરંભે સ્પષ્ટતા કરી દીધી છેઃ ‘આ આત્મકથા નથી. તે લખવી હોય તો મારાં વ્યક્તિગત મંથનો કેન્દ્રમાં રાખીને મારે વાતો લખવી પડે. મારું સાહિત્યિક જીવન, મારા સંસારજીવનના ભરતી-ઓટ, મારા અર્ધી દુનિયાના પ્રવાસો આમાં ક્યાં છે ? આ તો સંસ્થા અને તેની જોડે ચાલેલા જાહેરજીવનની કથા છે.’ એટલે, એમ કહેવાશે કે આ ગ્રંથ લેખકની અનુભવકથા છે. એવા કેટલાક અનુભવો તેમાં સંચિત છે, જે એમના જાહેરજીવનમાંથી ઉદ્‌ભવ્યા છે. પોતાની વાત મૂકતી વખતે  લેખકને આ અનુભવો સાથે જોડાયેલ વ્યક્તિઓ નજર સમક્ષ રહી છે. એટલે એમ કહેવાશે કે અહીં પોતાની અનુભવકથા આલેખતા લેખક બીજી રીતે તો પોતાનાં સંગી પાત્રોને સાથેસાથે ઉપસાવતા રહે છે. આ રીતે આખીયે વાત લેખકકેન્દ્રી હોવા છતાં તેની ગતિ કેન્દ્રોપસારી છે. લેખકની આસપાસ દેખાતાં પાત્રોને લેખક પોતાને કેન્દ્રમાંથી ખસેડ્યા વગર આપણા પરિચયમાં મૂકતા રહે છે. અને આમ અહીં આપણે લેખકના માધ્યમથી એમનો સદ્‌ભિઃ સંગઃ પામતા રહીએ છીએ.

આ ગ્રંથનાં ત્રણેક મુખ્ય પરિણામ છે. આમાં મુખ્યત્વે જેમનું આલેખન થયું  છે તે વ્યકિતઓ એક પરિણામ છે. લેખક જ ે જે મૂલ્યવાચી પ્રવૃત્તિઓ સાથે પોતાના સંવિદને ક્રિયા-પ્રતિક્રિયાઓથી ઘડતા રહ્યા છે તે  બીજું પરિણામ છે. અને ત્રીજું તે, અનુભવોની આ આખીયે ઘટનામાં લેખકનું ચિંતન જુદા જુદા સંદર્ભોમાં જે તારતમ્યલક્ષી દિશામાં ગતિ કરતું રહ્યું છે તે છે. આ ત્રણેને એકાંગી રીતે નહિ પણ તેમની સહોપસ્થિતિમાં જ જોઈ શકાય તે રીતની અહીં લખાવટ છે. ચારસો પૃષ્ઠ જેટલા વિસ્તારમાં લેખકનો પુરુષાર્થ જે રીતે ઘાટ પકડતો રહ્યો છે તેમાં કોઈ રસપ્રદ લલિતકૃતિ કરતાં લગીરે ઓછી નહિ તેવી સર્જકતા અને ગદ્યની રસાળતાનો આપણને પરિચય મળતો રહે છે.

આજે તો સમય બદલાઈ ચૂક્યો છે. મૂલ્યોની ઘણી ઊથલ-પાથલ થઈ ચૂકી  છે. તે છતાં  આમાંનો સામાયિક સંદર્ભ આપણને હજી આશ્વસ્ત કરે તેવો બળવાન છે તેવી શ્રદ્ધા ગ્રંથના વાચનને અંતે આપણા મનમાં સ્થિર થઈ જાય છે. મૂળે તો નાનાભાઈ ભટ્ટનો સહવાસ લેખકને કઈ રીતે જુદા જુદા સ્થિત્યંતરોમાં પોતાના વ્યક્તિત્વના અને સમજના ઘડતરમાં ખપ લાગતો ગયો તે વાતનો અહીં વિસ્તાર છે. ગ્રંથના આરંભે જ લેખક નાનાભાઈના સહવાસમાં સૌ પ્રથમ કઈ રીતે મૂકાયા તેનું આલેખન મળે છે. ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાના છાત્રાલયના ગૃહપતિ તરીકે નાનાભાઈએ સોંપેલું કામ કરવા જતાં લેખક નાનાભાઈના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય મેળવતા જાય છે. મહાદેવ નામના બીજા એક ગૃહપતિ છાત્રાલયના વિદ્યાર્થીઓને સફાઈ ન થયા બાબતે ધમકાવતા હોય છે તે વખતે નાનાભાઈ એમને પોતાની પાસે બોલાવી મંગાવે છે, ને કહે છેઃ

‘મહાદેવ, તમે ગૃહપતિ છો, જમાદાર નથી… મેં તમને છાત્રાલયની સફાઈ કરાવવા રાખ્યા નથી, વિદ્યાર્થી આપમેળે છાત્રાલય સાફ કરતા થાય તે માટે રાખ્યા છે. છાત્રાલય તો પંદર રૂપરડી આપીને બાઈ પાસે હું સાફ કરાવી શકું. તમને પંચોતેર મળે છે તે છાત્રાલય સાફ રાખવાના નહિ, બાળકો છાત્રાલય સાફ રાખતાં શીખે તે માટે.’

લેખકની નજર સમક્ષ આ ઘટના બને છે અને તરત જ શિક્ષણ અને વહીવટ વચ્ચેનો ભેદ એમના દિમાગમાં સ્પષ્ટ થઈ જાય છે. તેઓ વિચારી લે  છે કે ડઝન પુસ્તકો વાંચીને પણ પોતે આ ભેદ પામી શક્યા ન  હોત.  સ્પષ્ટ છે કે નાનાભાઈની કાર્યપ્રણાલીઓને લેખક પ્રેરક અને મૂલ્યવાચી માનીને ચાલે છે. નાનાભાઈ એમને છાત્રાલયમાં બનતી રસોઈ વિદ્યાર્થીઓને પિરસાય તે પહેલાં ચાખી જોવાનું કામ સોંપે છે. રસોઈયો ગૌરીશંકર લેખકને એક વાર મજાકમાં કહી બેસે છેઃ ‘આ સારું, અરધું ખાવાનું તો આમ બારોબાર  થઈ જાય.’ લેખકને ગૌરીશંકરની વાતથી માઠું લાગે છે. તેઓ નાનાભાઈને વાત કરે છે. નાનાભાઈ એ જ ક્ષણે ગૌરીશંકરને છૂટા કરવાનો હુકમ કરે છે. આ થયું તે કોઈને ગમ્યું તો નહિ પણ નાનાભાઈનો જવાબ હતોઃ

‘આપણે શિક્ષણમાં સજામાં માનતા નથી. જો ગૌરીશંકર રસોઈ શીખવવાના વર્ગમાં આવ્યા હોત તો આવી દસ ભૂલો માફ કરત, પણ અહીં તો એ રસોઈવ્યવસ્થા જાણે છે તે દાવે કામ કરવા આવ્યા છે. તેનો તેને પગાર મળે છે. આ સજા નથી. તેની આ ઢબ મને પરવડતી નથી. ગૃહપતિ નાનો હોય કે નવો હોય તેથી તેનું અપમાન તે ન કરી શકે.’

નાનાભાઈની આ રીતે તત્કાળ  તર્કથી પરિસ્થિતિ વિષે લક્ષ્યગામી નિર્ણય લેવાની તાકાત લેખકને પ્રભાવિત કરતી રહે છે. એમના મનમાં નાનાભાઈએ પોતાના વિષે બીજા એક પ્રસંગે કહેલી વાત કોતરાઈ જાય છેઃ ‘હાથીના દંતશૂળ નીકળ્યા તે નીકળ્યા, પાછા ન જાય.’

નાનાભાઈ સાથે રહી શિક્ષણનાં મૂલ્યોનું ભાથું બાંધી રહેલા લેખક એમની પાસેથી ઉપનિષદો પણ શીખે છે. પોતાની સમજણ ભવિષ્યમાં  જે દિશામાં નિર્ણાયક બની રહી તેનો પાયો લેખકના ચિત્તમાં અહીં નખાયો તેવો લેખકનો સ્વીકાર આ ગ્રંથમાં ઘણી જગ્યાએ મળે  છે. પણ દક્ષિણામૂર્તિ  સંસ્થામાં એકાદ વર્ષે જ લેખકને લાગવા માંડે છે કે તેઓ એ સંસ્થાના પાણીનોે જીવ નહોતા. તેનું કારણ એ હતું કે લેખકનો ગૃહત્યાગ મૂળે તો સ્વરાજ લાવવાની હોંશમાંથી પ્રભવેલો હતો. અહીં રહીને એમની સમજ જરૂર વિશદ થઈ જાય પણ પોતે સેવેલો હેતુ બર આવે તે માટે લેખકને સ્થિત્યંતર આવશ્યક હતું. નાનાભાઈને તેઓ એક દિવસ કહી દે  છેઃ ‘તમને સૌને સરસ રસોઈ બનાવતાં આવડી પણ પીરસતાં ન આવડ્યું. ગામડાની પ્રજા સાચું ભારત છે, તેને માટેની આ કેળવણી નથી. હું ગામડામાં જવા ધારું છું.’

નાનાભાઈ લેખકની આ વાતને સમર્થન આપતાં પોતે જ ભાવનગર છોડી આંબલા જેવા નાનકડા ગામમાં ગ્રામદક્ષિણામૂર્તિ સ્થાપે છે. આ સ્થિત્યંતર સર્જાય તે દરમિયાન  વિજયાબેન પટેલ (જેઓ પછીથી લેખકનાં પત્ની બન્યાં) સાથેના પરિચય અને સ્નેહનો નાજુક તંતુ પણ અહીં વણાયો છે. ગાંધીજીની ઇચ્છા લેખક વિજયાબહેન સાથે  સેવાગ્રામમાં એમની સાથે રહી  કામ કરે તેવી હતી, પણ લેખક આંબલામાં નાનાભાઈ સાથે જ રહી જાય છે. ને ત્યાંથી છૂટા થવાનું પણ નાનાભાઈના કારણે જ એમને બને છે. રાજ્યના શિક્ષણાધિકારી ગજાનનભાઈ શાળાની તપાસ માટે આવે છે ત્યારે નાનાભાઈ બાળકોને ઇશારો કરી એમને નમસ્કાર કરવા સૂચવે છે. લેખકને આ બરાબર લાગતું નથી. જે રાજ્ય સારું હોવા છતાં આખરે બિનજવાબદાર છે, પ્રજાનું રાજ્ય નથી, તેના અધિકારીને આ રીતે માન આપવાના સંસ્કાર આપીએ તે સ્વરાજની દૃષ્ટિએ ઠીક ગણાય કે નહિ  તેવા પ્રશ્નથી લેખકનું  મન ઉચક થઈ જાય છે. પોતાને જે લાગ્યું તે તેઓ નાનાભાઈને નિખાલસભાવે જણાવે છે. નાનાભાઈ ટૂંકમાં જવાબ આપે છેઃ ‘તમારી વાત બરાબર છે. તમને મારી જોડે ન ફાવે તે સમજી શકાય  છે. તમે છૂટા થઈને જઈ શકો છો.’ લેખક સંસ્થા છોડે છે. પણ પછી કોઈ સમારંભ નિમિત્તે તેઓ આંબલા જાય છે અને પછી ત્યાં જ રોકાઈ જાય છે.

નાનાભાઈ સાથેનું લેખકનું આ આત્મીય અનુસંધાન વ્યક્તિનિષ્ઠ છે તેટલું જ મૂલ્યનિષ્ઠ પણ છે. ગ્રામદક્ષિણામૂર્તિમાં ચાલેલા શિક્ષણપ્રયોગનાં અનેકશઃ પરિણામોની વ્યાપ્તિ કેવા કેવા સંદર્ભમાં સાર્થક બનતી રહી તેનો અહીં વિસ્તૃત આલેખ મળે છે. ‘અમે ગામડામાં નિશાળ શરૂ કરી નહોતી, ગામડાની નિશાળ શરૂ કરી હતી’ એ મૂળભૂત સમજથી બંધાયેલો શૈક્ષણિક પ્રકલ્પ મૂલ્યોના પ્રકાશમાં સેવાયાની વાત અહીં વિસ્તારથી મળે છે. આ વાત માત્ર શાળેય  શિક્ષણના અર્થમાં મર્યાદિત ન રહેતાં  મનુષ્યની જીવનરીતિઓના અનુષંગે કેવી કેવી રીતે ઉપાદેયતા  ધરાવે છે તે પણ અહીં કહેવાતું આવ્યું છે. મુખ્યત્વે તો વ્યવહારજ્ઞાન સાથે શિક્ષણને વધુ જોડતા આયામો અહીં વિવિધ પ્રસંગોના આશ્રયે ખૂલતા ગયા છે. આ પ્રસંગો સાથેની નાની મોટી, જાણીતી અજાણી કે ઊંચો નીચો સામાજિક દરજ્જો ધરાવતી અનેક વ્યક્તિઓના  પરિચયમાં લેખક આપણને મૂકતા રહે છે. અને સરવાળે એ બધાના  સહવાસમાંથી જ એમને લાધેલાં સત્યોનું આકલન આપણી સમક્ષ રજૂ કરતા રહે છે. આપણને જેનો સાક્ષાત્કાર થાય છે તે વ્યક્તિઓનો તો ખરો જ પણ  સાથોસાથ લેખકે કરેલા સત્યશોધનનો પણ.

સાચી કેળવણી અંગેની પારદર્શી અને લક્ષ્યગામી મીમાંસા અહીં અત્યંત સાદી રીતે, કોઈને પણ ગળે ઊતરી જાય તેવી પદ્ધતિથી લેખક સંપડાવે છે. સ્વરાજઆંદોલન અને રાજકારણ વચ્ચે કોઈક તંતુ જોડાયેલો હોય તેમ  બની શકે. પણ કેળવણી અંગે લેખકની પ્રતીતિ આ રીતે સ્પષ્ટ થાય છેઃ ‘મેં હંમેશાં માન્યું છે કે કેળવણીના કામને રાજકારણ સાથે ભેળવવું ન જોઈએ. આવાં બીજાં ક્ષેત્રો પણ છે. કોઈ વીજળીઘરમાં  રાજકીય રીતે નિમણૂકો કરતું નથી. જેનું એ વિષયક જ્ઞાન સાબૂત હોય તો તેના ભરોસે જ કામ ચલાવાય છે.’ કેળવણીક્ષેત્રે પોતે ધારણ કરેલા નાનામોટા દરેક હોદ્દા વખતે લેખકનું વર્તન વિજ્ઞાન આ દૃષ્ટિબિન્દુથી પ્રભાવિત રહ્યું છે, તેના ધણા પ્રસંગો આમાં મળે છે.

૧૯૫૩માં સણોસરા ખાતે સ્થપાયેલ ‘લોકભારતી’ સંસ્થામાં અત્યાર સુધી કમાઈને ગાંઠે બાંધેલા અનુભવોનું રળતર લેખક પૂરેપૂરું વાપરે છે. ‘નઈ તાલીમ’ અહીં તેના શુદ્ધ અર્થમાં સાકાર થાય છે. ગ્રામપુનર્નિમાણ અને લોકોદ્ધારની પ્રવૃત્તિઓથી માંડી ગોપાલન અને લોક-વન ઘઉંના આવિષ્કાર જેવા વૈવિધ્યસભર પ્રયોગો અહીં થાય છે. અને તેનો વ્યાપક પ્રતિસાદ મળે છે. લંડન-ડેનમાર્કના પ્રવાસે કરીને લેખકને નાના વિકેન્દ્રિત સહકારી યંત્રોદ્યોગ ઊભા કરી સામાજિક ન્યાયની સ્થાપનામાં નવો રસ્તો શોધવાનો યત્ન આદરવાનું પ્રાપ્ત થયું. લોકભારતીની ઉષર ભૂમિમાં લેખકે પોતાના સંકલ્પનાં લીલાં રોપણ શક્ય બનાવવામાં નાનાભાઈનો સંગ હૈયે રાખ્યો. લેખકનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારના શિક્ષણપ્રયોગો વિદ્યાર્થીઓ પર લાદી દેવામાં આવે તો તે તેના મૂળગામી અર્થમાં સાર્થક ઠરે નહીં. તેઓ લખે છેઃ

‘આ બધા સંસ્કારો વિદ્યાર્થીની અભિમુખતા કેળવીને આપવાના છે. પરાણે આપી શકાશે નહીં. ઊંધા વાસણ પર ગમે તેટલો વરસાદ પડે તો પણ તે અંદરથી કોરું જ રહે છે.’

લોકભારતીના વિદ્યાર્થીઓ ત્યાં અપાતી કેળવણથી સાચા અર્થમાં  અભિમુખ હતા તે દર્શાવતો એક દાખલો પણ લેખક ટાંકે છેઃ

‘નવનિર્માણ આંદોલન વખતે અમારે ત્યાં હડતાલ પડી નહોતી. રોજિંદું કામ ચાલતું હતું. નવનિર્માણના કોઈ વિદ્યાર્થી આગેવાનોએ અમારા વિદ્યાર્થીઓને બંગડીઓ ભેટ મોકલી. અમારા વિદ્યાર્થીઓએ વિચાર કરીને  તેમને પ્રત્યુત્તરરૂપે ઘઉંની ડૂંડી ભેટ મોકલી.’

વિનોબા અને ભૂદાનપ્રવૃત્તિનો સંદર્ભ પણ વચ્ચે ઝબકી જાય છે, તો ઢેબરભાઈ અને એમની સરકારની વાત પણ આવતી રહે છે. ઢેબરભાઈની સરકારમાં શિક્ષણખાતું સંભાળતા લેખકે અંગ્રેજી વિષયને પાંચમાને બદલે આઠમા ધોરણથી ભણાવવાનું કર્યું તેમાં સ્વભાષાના શિક્ષણની વિશેષ સજ્જતાનો મુદ્દો તેઓેએ આગળ કર્યો છે. જયપ્રકાશ નારાયણ સાથેની એક વાતચીતમાંથી પ્રગટ થતો લેખકનો શિક્ષણવિચાર ધ્યાનાર્હ  છે. ‘જયપ્રકાશજીએ પ્રશ્ર કર્યોઃ તમને આપણા શિક્ષણની મુખ્ય ખામી કઈ લાગે છે ? મેં કહ્યુંઃ ‘ટૂંકમાં જ કહું, જે ઉત્પાદક છે તે નાગરિક નથી અને જે નાગરિક છે તે ઉત્પાદક નથી. સારા નાગરિક, ખરાબ ઉત્પાદકો, ખરાબ નાગરિક, સારા ઉત્પાદકો. આપણને જોઈએ છે ઉત્તમ ઉત્પાદકો, ઉત્તમ નાગરિકો.’

શિક્ષણના સંદર્ભમાં પ્રવર્તતું આ અસંતુલન નાગરિક અને ઉત્પાદક બેઉને હજુ આજે પણ સમાન કક્ષાના બનાવી શક્યું નથી. એટલું જ નહિ, તે બન્ને વચ્ચેનું અંતર પહેલાં કરતાં પણ વધતું રહ્યું છે. આજે તો લેખકનું આ નિરીક્ષણ આપણને વધુ  ધારવાળું અને ધ્યાનાર્હ લાગે તેવું છે.

ગ્રંથનો અંતભાગ અગાઉ માફક નાનાભાઈ સાથેના લેખકના પ્રગાઢ સહવાસનો છેડો પ્રત્યક્ષપણે ઉકેલતા રહેવાનું લગભગ છાંડે છે. પછી તો, જનતા સરકાર, મોરારજીભાઈ, સહકારી પ્રવૃત્તિઓ ઇત્યાદિ સંદર્ભમાં લેખકની શિક્ષણવિષયક વિભાવના અવાંતરે જ ક્યાંક પ્રગટે છે. લેખકે ગ્રંથારંભે કરેલી માંડણી અનેક સ્થિત્યંતરોમાં ફેલાઈ જાય છે. પણ તે સર્વમાંયે લેખક પોતાના ‘કમિટમેન્ટ’ને વળગી રહે છે. અને ન્યાયસંગત નિર્ણયાત્મકતાને જ તાકે છે. કદાચ શિક્ષણને પ્રત્યેક સ્તરે પોતાના દૃષ્ટિકોણથી જોવાની આમાં વ્યાપ્તિ હોય તેમ માની શકાય.

ગાંધી, માર્કસ, ટાગોરથી માંડી વિનોબા, જયપ્રકાશ, ઢેબરભાઈ, મોરારજીભાઈ, ઇન્દિરા ગાંધી કે લોકભારતીના વિદ્યાર્થીઓ દલસુખભાઈ, જયવંતસિંહ અને મનસુખ સલ્લા તેમજ સામાન્યમાં સામાન્ય કર્મચારી કે ગેમલ બહારવટિયા જેવાના વ્યકિતસંદર્ભો આ ગ્રંથમાં છે. એ બધાનો પ્રત્યક્ષ-પરોક્ષ સંગ લેખકે એમનામાંથી વિભૂતિમત્વ શોધવા માટે સેવ્યો છે. આ ખોજથી પોતાને લાધેલું આંતરદર્શન અને તન્નિમિત્તે બંઘાયેલી પોતાની વ્યકિતમત્તા પણ  અહીં લેખકનો આલેખનવિષય બની છે. તેમાં ક્યાંક આત્મગૌરવની છાંટ આવી જાય છે પણ એનેય પ્રામાણિક નિરૂપણ ગણવું ઘટે. એમ તો એક સ્થળે લેખક એવો નમ્ર સ્વીકાર પણ કરે છેઃ ‘હું તો નાનાભાઈ જેવું અંગ્રેજી પણ બોલી શકતો નહોતો, એમના જેવો બુદ્ધિવૈભવ પણ નહોતો.’

ગ્રંથની લખાવટ અત્યંત સરળ અને રોચક છે. પ્રસંગોનું તેમાં કોઈ લલિતકૃતિ જેટલું સહજ આલેખન થયું છે. ક્યારેક તોકોઈને સાવ અજાણ્યા લાગે તેવા પોતાની ભાષાને સહજ શબ્દો તેઓ અનવૃદ્ધ કલમે વાપરી લે છે. જેમ કેઃ

૦     ‘કીર્તિ મળે તો તેને માટે આવલાં મારવાનું ને સૂચનો કરવાનું મેં કર્યું નથી.’

૦     ‘અમારા વિદ્યાર્થીઓ મોળા નથી નીકળ્યા.’

૦     ‘વાસલ ખેતરમાં જેમ સારો પાક ચાલે તેમ બે વર્ષ પછી એ વધારે ઝડપથી શિક્ષણ લેશે.’દ્બક્યારેક વાતને કોઈ સાદૃશ્યની મદદથી હૃદયસ્પર્શી બનાવવાની પ્રયુક્તિઓ પણ લેખકે કરી છે. એકબે ઉદાહરણ નમૂના માટેઃ

૦     ‘પહેલે જ વરસાદે તળાવ છલોછલ ભરાઈ ગયું. જાણે પ્રસન્ન થયેલ દેવતાનું હિલોળા મારતું હૃદય.’

૦     ‘જાહેર સંસ્થાઓમાં ચોખ્ખા હિસાબો એ સ્ત્રીના શીલ જેવી વસ્તુ છે.’

આ ગ્રંથની મહત્તા વર્તમાન સમયસંદર્ભમાં, તેમાં મુકાયેલી મૂલ્યસામગ્રીની પ્રસ્તુતતાને કારણે વધી જાય છે. આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે વ્યક્તિના વિભૂતિમત્ત્વ સુધી પહોંચવાની જરૂરત પર દાબ મૂકી દેનારો સમય છે. અહીં પ્રયોગલેખે જે થયું તે વર્ણવાયું છે. પણ તેમાં તે પ્રયોગનું સાર્વત્રિક વિસ્તરણ અભિપ્રેત છે. જે ચિંતવ્યું તે કર્યું. જે કર્યું તેનું પરિણામ સારું આવ્યું. તો તેવું વધુ કરવા માટેની પ્રોત્સાહક પીઠિકા આ ગ્રંથ રચી આપે છે. આ અર્થમાં  હું આ ગ્રંથને અનુભવકથાથી  વિશેષ તો મૂલ્યગ્રંથ કહેવા લલચાઉં છું.

સાહિત્યતત્ત્વની ભાષ્યકારોે આ ગ્રંથને રૂપવાદી જાળમાં ફસાવી તેમાં કોઈ ભાત રચાતી નથી તેવાં નિદાન પર આવે કે તેમાંથી ચિંતનના સૂર તારવી લલિતેતર મુદ્રા જોવાની બીજા કોઈ ચેષ્ટા કરે તો પણ, સહૃદયીઓને આ ગ્રંથ લગીરે  બિનસાહિત્યિક કે કંટાળાપ્રેરક લાગે તેવો નથી તેમાં જ તેના લેખકની સર્જકતાની ખરી ઓળખ પડેલી છે.

(સૌજન્ય : ‘કોડિયું’ )

 

One comment

  1. શ્રી વિનોદભાઈ જોશી દ્વારા દર્શક ના મહામુલો ગ્રંથ : “સદ્‌ભિઃ સંગઃ”નું સ રસ રસ દર્શન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *