મીત્રોને લખેલા પત્રોના પડઘાઓનો સંગ્રહ : ‘પ્રતિભાવો’ !!

Posted by

આજે ધખધખતા તાપના સમયે જ કુરીયરવાળાએ આવીને એક પાર્સલ આપ્યું. મુંબઈના આ મોટા પરબીડીયામાં સુંદર મજાનાં, આકર્ષક બીજાં બે પરબીડીયાં નીકળ્યાં ! આ બન્નેમાંના એકમાંથી સામયીક અને લેખ મળ્યાં તો બીજામાંથી નીકળી એક બુક. પણ ચોપડીને ખોલવાની જગ્યા દેખાઈ નહીં. થોડી વારે ખબર પડી કે ચોપડીના જ મુખપૃષ્ઠને બતાવનારું એ એક કવર જ હતું ! ને એમાંથી ખેંચતાં જ નીકળી એ ચોપડી, નામે “પ્રતિભાવ” !

મુંબઈથી જાદવજીભાઈ વોરાએ મોકલેલું આ પુસ્તક અંગે આટલી લાંબી પ્રસ્તાવના કર્યા પછી વાત કરવાનું કારણ એ જ કે એમાં એક નવો જ વીષય રહેલો છે.

જાદવજીભાઈ કે જેઓ કચ્છના બીદડાના પણ જન્મથી જ મુંબઈ વસેલા છે, કેનેરા બેંકમાં ૧૩ વરસ નોકરી કરીને મુક્ત થયા પછી અનેક સામાજીક પ્રવૃત્તીઓમાં વ્યસ્ત રહ્યા છે. નામું, સેલટેક્સ, ઈન્કમટેક્સના વર્ગો પણ તેમણે ચલાવ્યા હતા અને ખાસ તો ૧૯૬૯થી ૧૯૮૦ દરમીયાન તેમણે સરકારી હોસ્પીટલોમાંના નીરાધાર દરદીઓને હુંફ આપવા “હમદર્દી મંદીર”ની સ્થાપના કરીને તેઓને ફળો, દવાઓ કપડાં વગેરે પુરી પાડવાના કાર્યે વ્યસ્ત રહ્યા હતા.

તેમનો વાંચનશોખ અને મોટું મીત્રવર્તુળ તેમને એક વીશીષ્ટ પ્રવૃત્તીનો આરંભ કરાવે છે.

કેટલુંક પ્રેરણાત્મક લખાણ તેમણે લખીને કેટલાક મીત્રોને મોકલ્યું. સૌને બહુ ગમ્યું. જાદવજીભાઈએ વધુ લેખકોનાં લખાણો અને જીવનઉપયોગી સુત્રો, કાવ્યો વગેરે ભેગું કરીને વધુ મીત્રોને મોકલ્યું….પછી તો શરુમાં સોથી વધુ મીત્રોમાં આ સાહીત્યપ્રસારનું કામ આગળ જતાં ૩૭૦ જેટલા વાચકો સુધી પહોંચ્યું !!

આ પ્રવૃત્તી જેમ જેમ જાણીતી થતી ગઈ તેમ તેમ અનેક વીચારકો, લેખકો, સામાજીકોએ એમની પીઠ થાબડીને આ સાહીત્યસેવા કાર્યને બીરદાવ્યું. શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ તો પુસ્તકો ભેટમાં મોકલીને ધન્યવાદ આપ્યાં. જાણીતા હાસ્યલેખક જગદીશભાઈ ત્રિવેદીએ પણ પુસ્તકો મોકલ્યાં ! જાણીતા પ્રકાશક શ્રી મનુભાઈ પંડિતે પણ આવા જ પ્રકારની પ્રવૃત્તી કરેલી તેની સફળ વાર્તાઓ મોકલીને ધન્યવાદ આપ્યા. અનેક મહાનુભાવો તરફથી સતત મળતી રહેલી આ પ્રેરણાએ જાદવજીભાઈને આ કાર્યનું ગૌરવ અપાવ્યું છે.

એમણે કુલ ૩૩ પત્રો લખ્યા છે. પરંતુ એ પત્રોના જે પ્રતીભાવો એમને મળ્યા છે તે આ કાર્યને એક ઉંચાઈ અપાવે છે. વાચકોના આ પ્રતીભાવો એટલા કીમતી છે કે જાદવજીભાઈને મીત્રોએ આ પ્રતીભાવોને પુસ્તકરુપે મુકવાનો અત્યંત આગ્રહ કર્યો ! આ આગ્રહનું ફળ તે આ સુંદર અને કીંમતી પુસ્તક “પ્રતિભાવો” !

આ પુસ્તકની કોઈ વેચાણ કીંમત નથી. તેમણે પોતાના મીત્રવર્તુળમાં એને મોકલીને સંતોષ માન્યો છે. આપણે શક્ય તેટલો પ્રયત્ન કરીને જાદવજીભાઈના અનુભવો માતૃભાષાના પાના પર મુકીશું.

સંપર્ક માટે : jkv1950@yahoo.co.in

*****   *****   *****

અહીં એક આવા જ સાહીત્યપ્રચારકને યાદ કરવા જેવા છે. અમદાવાદમાં વસતા આ પ્રૌઢ વ્યક્તી તે શ્રી નાથાલાલ ર. દેવાણી. એમણે જાણીતા–અજાણ્યા અનેક સર્જકોનાં હજારો કાવ્યોને ક્ષેરોક્સ કરાવીને દળદાર પુસ્તકરુપે અનેકાનેક મીત્રોને વહેંચી છે !! સુંદર મરોડદાર અક્ષરોમાં લખીને તૈયાર કરાયેલી આ બુકો હવે ફેસબુક નાથાલાલભાઈ દ્વારા પ્રગટ થતી રહે છે. મારા બ્લૉગ નેટગુર્જરી પર તેમનો વીસ્તૃત પરીચય આ પહેલાં અપાઈ ચુક્યો છે.

6 comments

 1. નમસ્તે સાહેબ,
  આપે શ્રી નાથાલાલ દેવાણીજીનો ઉલ્લેખ કરેલ છે તો કહું કેઃ એમનું એક સંકલન એમના સ્વહસ્તાક્ષરમાં છે, નામે”કૃષ્ણ વસે કણકણમાં”
  જે મને મારા ગુરૂજી (ઈંદિરાબેન સંઘાણી પારેખ)ના આશીર્વાદ સાથે મળેલ છે,આજે આપની પોસ્ટમાં આ ઉલ્લેખ જોતા હું મને બહુ ભગ્યશાળીઅનુભવું છું.
  સુંદર મુખપ્રુષ્ઠ, મરોડદાર (જાણે ચિત્રાત્મક હોય તેવા)હસ્તાક્ષરો,આપણી ભાષાના લબ્ધ્પ્રતિષ્ઠિત ,સિધ્ધ્હસ્ત સાહિત્યકારોની રચનાઓનું અદ્ભૂત સંકલન કૃષ્ણ્ભક્તિમાં તરબોળ કરી દે છે.
  આપણી ભાષા અને સંસ્કૃતિની એમની સેવા બદલ એમને જેટલા વંદન કહું તે ઓછા જ કહેવાય.
  સાથે આપે મારી આ લગણી વ્યક્ત કરવાની જે તક આપી તે માટે આભારસહ પ્રણામ

  1. મને ઘણા સમય પહેલાં નાથાલાલભાઈએ એમના બારેક સંગ્રહો મોકલ્યા હતા….આ બધું પ્રકાશીત કરવા માટે હું ઘણું મથ્યો પણ કેટલીક જાણકારીનો અને કેટલોક સમયનો પણ અભાવ ! જોકે હવે તો તેઓ જ પોતે ફેસબુક પર બધું મુકી રહ્યા હોઈ બહુ લાભપ્રદ બાબત બની શકી છે…..તેઓ પણ મારી જેમ અમદાવાદનીવાસી છે.

   તમે સાહીત્યજગતમાં સારો રસ લઈ રહ્યાં છો, તો ક્યારેક થોડું લખાણ પણ આ સાઈટ માટે મોકલી આપો જરુર. તમારું કાર્યક્ષેત્ર પણ જણાવશો.

   1. નમસ્તે સાહેબ,
    સાહિત્ય જગતમાં મારો મુખ્ય રસ વાચન જ છે. કાર્યમાં તો ઘર ગૃહસ્થી અને વાચન  છે.
    કંઈ લખી શકવા જેટલી પરિપક્વતા  હજુ છે નહીં. ક્યાંક વાંચેલ છે કેઃ ” લખતા પહેલા ખૂબ વાંચો”  એવા મહાનુભાવના વચનને અનુસરી રહી છું .
    ક્યારેક વાંચતા-વાંચતા પ્રિતિભાવ લખવાની પ્રેરણા મળી જાય છે
    જે આપ સૌના લખાણોને આભારી છે.
    પ્રણામ

    1. વિમલાબેન, લખતા પહેલા ખૂબ વાંચવું જરુરી છે. વાંચતાં વાંચતાં જ લખવાનું પણ રાખો. પોતાની મેળે જ લખતા થઇ જશો.

     1. ડાયરી લખવાનું સૌથી સહેલું છે. એની ખુબી એ છે કે તે તદ્દન અંગત કાર્ય હોવાથી તેમાં મન ખુલીને લખાય છે અને એટલે જ ભીતરની વાત તેમાં સહજ અને સરસ રીતે પ્રગટે છે. તેમાં નીખાલસતા પણ હોવાથી અનુભુતી અને અભીવ્યક્તી વચ્ચે સુમેળ પણ રહે છે !! ડાયરી પરથી પછી આપોઆપ અન્ય સ્વરુપો પર જઈ શકાય…….શુભેચ્છાઓ !!

 2. નમસ્તે સાહેબ,
  આપના માર્દર્શન માટે આભાર. આપે ચીંધ્યા માર્ગે આગળ વધવા પ્રયત્ન કરતી રહીશ.
  પ્રોત્સાહક પ્રેરણા બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *