અમેરીકા અંગે સુરેશ જાની …

Posted by

 

પીરામીડોનો દેશ

– સુરેશભાઈ જાની

 

અમેરીકા… અમેરીકા…   છેક 1492ની સાલથી જેની પાછળ પાગલ બનીને આખા વીશ્વમાંથી લોકો અહીં સ્થળાંતર કરે છે તે દેશ ‘અમેરીકા’ –  પીરામીડોનોદેશ !

કેમ વીચીત્ર કે અજુગતું લાગ્યું ને ? ના છેક એમ નથી  ! લો જાણો ત્યારે  કેમ ? !

 • માનવ સંસ્ક્રુતીના સીમાચીહ્ન જેવાં જે સ્થાપત્યો છે તેમાં પીરામીડનું સ્થાન અનોખું છે. ચીનની દીવાલ અને સ્ટોનહેન્ગની જેમ. મને આ ઉપમા અમેરીકાની સંસ્ક્રુતીને સૌથી બંધબેસતી લાગી છે.
 • માનવશક્તી શું કરી શકે છે તેનું પીરામીડ એક સરસ પ્રતીક છે. હું અમેરીકાને એક શ્રમપ્રધાન દેશ તરીકે જોઉં છું.
 • મૃત્યુ પછી પણ ભોગ એ પીરામીડના રહેવાસીનું લક્ષ્ય છે. અમેરીકા ભોગપ્રધાન દેશ છે – કોઈ છોછ કે દંભ વગર.
 • 3000 વર્શ પહેલાં પણ સ્થાપત્ય અને માનવ શરીરની રચના અને સંભાળ કેટલાં આગળ વધેલાં હતાં તેની પીરામીડ સાક્ષી પુરે છે. ટૅક્નોલૉજીની બાબતમાં અમેરીકાના માનવજાતને પ્રદાનના પ્રતીક તરીકે મેં તેને પસંદ કર્યો છે.
 • અહીં ગમે ત્યાં જાઓ, જરુર હોય કે નહીં- મકાનો ઢળતાં છાપરાંવાળાં હોય છે : સ્નો ન પડતો હોય તેવા ભાગોમાં પણ. બીજા દેશોમાં પણ કદાચ તેમ હશે. પણ આ અમદાવાદીને આ રચના હમ્મેશ અવનવી લાગી છે; જેમ અમેરીકા અવનવો લાગ્યો છે તેમ.
 • આ પીરામીડોની નીચે રહેતો અમેરીકી જણ એક નુતન ફેરો’ છે. તે સાવ સાદો માણસ – એક કારીગર પણ હોઈ શકે છે. પેલા મહાનુભાવ મમીની સરખામણી આ જણની સાથે કરવાનું મને ગમે છે. ઓલ્યા ‘ફેરો’ને જે સુખ અને સાહ્યબી કદી ન મળ્યાં હોય તેવાં સુખ અને સાહ્યબી અહીં માના પેટમાં હોય ત્યારથી મળે છે. અને મમીની જેમ એ પણ સામાન્યતઃ નીર્જીવ છે ! અહીં પણ ડોલર કમાવા અને જલસા કરવા એ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.
 • આમ છતાં જીવન જીવવાની એક વીશીશ્ઠ શૈલી મેં અહીં જોઈ છે. સતત દોડતો જ રહેનાર વર્કોહોલીક અમેરીકી જણ ઓલ્યા બાદશાહી ‘ફેરો’ નો સરસ વીરોધાભાસ છે.

અહીં એક, બે, પાંચ કે ડઝન પીરામીડ નથી. હજારોની સંખ્યામાં છે. તમે કહેશો કે આમને કાંઈક સપનું આવ્યું લાગે છે. પણ ના આ હકીકત છે. જ્યાં જુઓ ત્યાં પીરામીડ જ પીરામીડ. અને સાથે ચીમની પણ ખરી જ તો. અરે, ભાઈ ! આ ઈજીપ્તની વાત નથી. આ તો અમેરીકા છે અમેરીકા.

અમેરીકામાં પીરામીડ ? હા જ તો. દરેક ઘરની ઉપર પીરામીડ જેવાં છાપરાં. અને તેય જાતજાતનાં અને ભાતભાતનાં. મોટાભાગે તો હંધાંય કાળાં. પણ બધાની બાજુમાં મોટે ભાગે ચીમની પણ ખરી જ. અને અંદર રહેનારાં  ફેરો, ફેરોઈન અને બાળબચ્ચાં બધાંયનો વટ જુઓ તો એ ઈજીપ્તના ઓલ્યા ફેરોને તો ક્યાંય બાજુએ મુકી દે તેવો ! ચાંપ દબાવે ને અજવાળું થઈ જાય. કોઈ મશાલની જરુર જ નહીં. રુમે રુમે ટીવી અને વીડીયો ગેમો અને જાતજાતની અને ભાતભાતની સગવડો. કોઈના પીરામીડની પાછળ સ્વીમીંગ પુલ પણ ભળાય. એક જ વાત સામાન્ય – એ હજારો વરસ પહેલાંના પીરામીડ અને આ પીરામીડની.. બન્નેમાં મમી હોય અને ડેડ પણ !! જોકે અહીંની મમીને મોમ કહે છે. આપણે જેને મડમ તરીકે બહુ અહોભાવથી જોતાં હતાં તેવી.

પણ આ ફેરો અને આ મમી તો બચાડાં બહુ સાદાં અને સીધાં હોં ! કોઈ પ્લમ્બર તો કોઈ સુતાર; કોઈક હાઉસ ક્લીનર, તો વળી કોઈક ઘાસ કાપનાર પણ હોઈ શકે.  અમારી સામેના પીરામીડમાં રહેતો ‘ફેરો’ તાળાં કુંચીનો નીશ્ણાત છે ! ફ્રેડ એનું નામ. મારી ઉમ્મરનો જ અને મારી જેમ જ રીટાયર થઈ ગયેલો. બહુ મજાનો અને જીંદાદીલ માણસ છે. અમારાં ઘરનાં ત્રણ તાળાં એણે મીત્રતામાં આ અમદાવાદીને બહુ પસંદ  એવી રીતે – કાના માતર વગર’ રીપેર કરી આપ્યાં હતાં! કો’ક વળી ઉજળીયાત નોકરીવાળાય છે. મારી દીકરી અને જમાઈ જેવાં. ક્યાં’ક પડોશમાં બહુ વૈભવશાળી પીરામીડ દેખાય તો એ કોઈ દુકાન કે ફેક્ટરીનો માલીક પણ હોય.

બધેય ચીમનીયું તો હોય, હોય ને હોય જ. પણ એકેયમાંથી હજુ આ સાત વરસમાં ધુમાડો નીકળતો ભાળ્યો નથ. ખાલી દેખાવની જ ચીમનીયું ! આખું ઘર ફુલ્લી એરકન્ડીશન્ડ હોય; પણ જુની પ્રણાલીકા કાંઈ થોડી તોડાય છે ? હા, કોક’દી નવરાશની પળે લાકડાં લઈ આવે અને દેખાવનું તાપણું ફાયરપ્લેસમાં કરે, પણ એ કાંઈ ગરમાવા માટે નહીં – માત્ર શોખ ખાતર.

આ અમેરીકા છે. અહીં ઘણી બધી પ્રણાલીકાઓ સતત તુટતી રહે છે, અને છતાં જુની ચાલુ પણ રહે છે. આ જાતજાતના વીરોધાભાસોનો દેશ છે. આ વસાહતીઓનો દેશ છે. જાતજાતના અને ભાતભાતના લોકો. બધા જ વસાહતીઓ. અરે, તળ અમેરાકાના, કોલમ્બસનીય પહેલાં અહીં રહેનારાં નેટીવ અમેરીકન પણ વસાહતી જ હતાં. એસ્કીમોના દેશ – રશીયાના સાઈબીરીયામાંથી નીચે ઉતરી આવેલા એમ કહે છે. અહીં સાવ ફીક્કા ધોળા, ગુલાબી ગલગોટા જેવા, કાળા અબનુસ જેવા, પીળા, ઘઉંવરણા, અને આ બધાય રંગ અને રુપના જાતજાતના મીશ્રણ વાળા લોક જોવા મળી જાય.

અમારું શહેર સાવ નાનું છે, પણ અમારી કૉલોનીમાં ક્યાંય ને ક્યાંયથી લોક આવીને વસેલાં છે. સામે જ એક વીયેટનામી કુટુમ્બ રહે છે. થોડેક આગળ મેક્સીકન અને ચાઈનીઝ પણ છે. અમારી બાજુની ગલીમાં (મસ પહોળી લેન છે , હોં !) એક મોરોક્કોનું કુટુમ્બ રહે છે. અમારાથી ત્રીજા ઘરનો ‘ફેરો’ મુળ જર્મન છે અને તેના ઘરની રાણી અલ-સાલ્વાડોરની છે. એટલે કે સ્પેનીશ અને નેટીવ અમેરીકનની મીશ્ર જાતીની.

અહીં તમે હવામાં જ સ્વતંત્રતા સુંઘી શકો – અને સ્વચ્છંદતા પણ. રાજાઓની ગુલામીમાંથી આઝાદી મેળવવાનો પહેલવહેલો બુંગીયો અહીં ફુંકાયો હતો, અને આખા જગતમાં ફેલાઈ ગયો હતો.  અને લ્યો ! કાળઝાળ ગુલામી પણ અહીં જ વકરીને ફુલી ફાલી હતી. અહીં માત્ર દોઢસો વરસ પહેલાં સાંકળે બાંધેલા ગુલામ અને ગુલામડીઓને સાટકા મારતાં મારતાં ગુલામો વેચવાના બજારમાં લઈ જવાતાં. અને આજે એ જ ગુલામોના કો’ક વારસદાર ચર્ચમાં ઉપદેશ આપતા પાદરી કે રેવરન્ડ પણ છે.

અહીં કરોડો બીવર, બાઈસન, વન્ય સમૃદ્ધી અને નેટીવ અમેરીકન પ્રજાનો ખુડદો બોલાવી દેવામાં આવ્યો હતો. અને આજની તારીખમાં પણ આ બધાનું રક્ષણ કરવાનો વીરોધાભાસી સંદેશ આખા જગતને આપનાર, આ અમેરીકન જણ સૌથી વધારે વ્યય અને બગાડ કરે છે !

અહીં મકાનનો ટેક્સ મ્યુનીસીપાલીટીમાં ભરો તેનો વીસથી ત્રીસ હીસ્સો શીક્ષણ અને પુસ્તકાલયો પાછળ ખર્ચાય છે. અને છતાં લોક બહુ આગળ ભણતાં નથી ! અહીં મેટ્રીક થાય એને ગેજ્યુએશન કહે છે. અને એ તો બહુ થઈ ગયું ! માટે જ અહીંની કૉલેજો પરદેશી વીદ્યાર્થીઓથી વધારે ચાલે છે.

આ અમેરીકા છે. આખી દુનીયાનો સૌથી વધુ શક્તીશાળી દેશ. આખી દુનીયાના ખુણે ખાંચરેથી લોક અહીં આવીને વસેલાં છે. અહીંની ચકાચોંધથી આકર્શાઈ, માલેતુજાર બની જવા ક્યાં ને ક્યાંથી લોક અહીં આવે છે અને મજુરી કરી દનીયું રળે છે. આ હડહડતો મુડીવાદી દેશ છે, પણ અહીં શ્રમનો સાચો મહીમા છે. અહીં ‘ડુ ઈટ યોરસેલ્ફ’ ની બહુ ચોપડીઓ વેચાય છે. અહીં મધ્યમ વર્ગે બધાં કામ જાતે કરી લેવાં પડે છે. અહીં કામ કરવાની કોઈ નાનમ નથી.

અહીં અઢળક મશીનો સામાન્ય કામો માટે વપરાય છે; પણ લોહી અને પસીનો પાડીને કમાવેલા ડોલરમાંથી આ બધા પીરામીડો બનેલા છે. બધા ઉંધા ડબલ્યુ જેવા લાગતા પીરામીડો..

Suresh Jani : sbjani2006@gmail.com, Mansfield,Texas,USA

 

4 comments

 1. પીરામીડ પરથી યાદ આવ્યું કે અમેરીકાની સમૃદ્ધિ આ પીરામીડોના કારણૅ તો નહીં હોય ?

 2. અમેરિકાનાં ઘણાં પાસાં આપે સરસથી વર્ણવ્યાં, સુરેશભાઈ! અમેરિકા વિષે જેટલી વાતો લખો એટલી ઓછી પડે.
  અમેરિકામાં જ્યાં ‘ગ્રેજ્યુએશન’ (!) સુધીનો અભ્યાસ ભયો ભયો, ત્યાં જ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે. અમેરિકાએ વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે બહુમૂલ્ય ફાળો આપ્યો છે. છેલ્લાં શતકમાં અમેરિકાએ વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોની ભેટ આપી છે.
  અમેરિકામાં બેનમૂન વ્યવસ્થા- પ્રણાલી – સિસ્ટમ્સ છે.
  હા, હવે કદાચ અમેરિકન સમાજની શિસ્ત, સહનશીલતા અને શાંતિ-સલામતી પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. તો તે તો કદાચ વૈશ્વિક સમસ્યાઓ પણ ખરી ને!
  આપે બહુ સરળતાથી અમેરિકાની ખૂબીઓ પેશ કરી છે. વાચકોને ગમશે.

 3. ૨૦ વર્ષોથી અનુભવતા અમેરિકાના પાસાઓનું સુંદર વર્ણન

  1. ત્રણેય પ્રતીભાવકોના આભાર સાથે કહું કે,
   સાવ સાચું……સુજા આજુબાજુમાં અને ભીતરે પણ નજર રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *