ચપટી સૂંઠ + ગાંગડી ગોળ

Posted by

– વૈદ્ય શોભન 

લોકભારતીના પુસ્તકાલયમાં ‘દિવ્ય ઔષધિ’ પુસ્તક લખી રહ્યો હતો. ત્યાં અધ્યાપન મંદિરનાં બે બહેનો બોલાવવા આવી : ‘ત્રિવેણીબહેનને હેડકી આવે છે એટલે માલિનીબહેન બોલાવે છે.’

કશાં સાધન કે ઔષધ લીધા વિના ગયો. ત્રિવેણીબહેન મદાવાદથી હેડકી સાથે લેતાંઆવેલાં. ત્યાં ખૂબ સારવાર કરાવેલી પણ આરામ થયેલો નહીં. એલોપથીનાં ઔષધો સાથે હતાં પણ સવારથી હેડકીનું પ્રમાણ ઘણું વધી ગયું હતું. હેડકીમાં આખું શરીર અમળાતું હતું. વેદના ખૂબ હતી. બે–ત્રણ બહેનોએ તેમને ખોળામાં લઈ પકડી રાખેલાં. આસપાસ પંદર–વીસ બહેનો હતાં. મારા ગયા પછી ગૃહમાતા માલિનીબહેન આવ્યાં અને જોતજોતામાં છાત્રાલયની તમામ બહેનો સારવાર જોવા આવી ગયાં.

મારી એ વિદ્યાર્થીનીઓને ચિકિત્સાનું પ્રેક્ટિકલ બતાવવાનો હોઉં તેવી અદાથી મેં કહ્યું : ‘આયુર્વેદમા તાત્કાલિક સારવાર નથી એવું માનવામાં આવે છે પણ આવા ‘સીરિયસ‘ કેસને પણ તમે જુઓ કે બે–પાંચ જ મિનિટમાં સારું થઈ જશે. અને એ પણ કેવળ તમારા છાત્રાલયની ઘરગથ્થુ નિર્દોષ દવાથી જ !’

તપાસ કરી તો છાત્રાલયમાં સૂંઠ નહોતી. ગૃહમાતાને ઘેરથી લાવ્યા. ચપટી સૂંઠ ને ગાંગડી ગોળમાં થોડું પાણી મેળવી તેનાં ૪–૪ ટીપાં નાકમાં નાખ્યાં. નાખતાં જ ચમત્કાર થયો. હેડકી બંધ થઈ ગઈ ! અરધી કલાક ત્યાં બેઠો પણ આવી જ નહીં. આ સરળ, નિર્દોષ અને ઘરગથ્થુ પ્રયોગ બધી બહેનોને સમજાવ્યો. સને ૧૯૪૪માં વૈદ્ય શ્રી પ્રજારામ રાવળે વઢવાણ રાજ્યના દીવાન સાહેબ શ્રી હરિભાઈ રાવળની મોટા મોટા ડૉક્ટરોથી પણ કાબૂમાં નહીં આવેલી હેડકી આ પ્રયોગથી તત્ક્ષણ સદંતર મટાડી ‘હેડકીવાળા વૈદ્ય’નું માનવંતુ બિરુદ મેળવ્યું હતું. તેમજ ગુજરાતના ભૂતપૂર્વ પંતપ્રધાન શ્રી ઘનશ્યામભાઈ ઓઝાના પિતાશ્રી છોટાલાલ પીતામ્બરભાઈ ઓઝાની હેડકી પણ તેમણે આ પ્રયોગથી જ મટાડી હતી તેની વાત કરી ત્યારે તેમનો વિશ્વાસ તો સો ગણો વધી ગયો ! ત્રણ ત્રણ કલાકે આ ટીપાંનું નસ્ય આપવાની સૂચના આપી ઘેર આવ્યો ત્યારે પ્રથમ પ્રયોગની સફળતાનો આનંદ હતો.

આ પછી તો આવા કેટલાક સાધ્ય દરદીઓમાં સારી એવી સફળતા મળી છે. સફળતા મળી નહોતી એક ભૂતબાધાના લક્ષણરૂપે થયેલ હેડકીના કેસમાં. આના દરેક અનુભવ રસપ્રદ છે પણ તેની વળી ક્યારેક વાત.

હેડકીની સંપ્રાપ્તિમાં કફથી આવૃત્ત પ્રાણ અને ઉદાન વાયુ મનાયા છે. તેના અનેક ઉપાયો પણ શાસ્ત્રમાં દર્શાવાયા છે. પણ તેમાં આ ‘વિશ્વાગુડ નસ્ય’નો પ્રયોગ તો અચૂક જ છે. વિશ્વા એટલે સૂંઠ કફના આવરણને અને ગુડ એટલે ગોળ વાયુ મટાડવામાં ત્વરિત કામયાબ નીવડતો હોઈ પાણીને બદલે જો તલતેલમાં મેળવીને નસ્ય આપવામાં આવે, થોડો છાતીએ, ગળે, નાકે અને માથે શેક કર્યા પછી નસ્ય આપવામાં આવે તો વધુ ફાયદો થતો હોય છે. હેડકીના કેટલાક ઝીર્ણ યા ઉગ્ર દરદમાં કબજિયાત, પ્રતિલોમ વાયુ કે ઉદાવર્ત કારણભૂત હોય છે ત્યારે સ્નિગ્ધ બસ્તિ, એરંડતેલ કે દશમૂલતેલની પિચકારી અથવા એરંડતેલ કે હરડે – મૌખિક આપવાથી તે ફરી થવાની શક્યતા દૂર થઈ જાય છે.

‘नागरं गुडसंयुक्तं हिक्काघ्नं नावनं परम् ।’ (સૂંઠ અને ગોળ મેળવેલું નસ્ય પરમ હિક્કાનાશક છે.) તે સૂત્ર કેવળ વૈદ્યોએ જ શા માટે; તમામ લોકોએ તક મળે ત્યારે અનુભવવા જેવું તો છે જ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(લેખકના અતિ પ્રસિદ્ધ પુસ્તક “અનુભવનું અમૃત” ભાગ –૧માંથી સાભાર)

 

સંપર્ક : આયુ સેન્ટર, 303, હરેકૃષ્ણ કૉમ્પ્લેક્સ, પાલડી, અમદાવાદ – 380007

આયુ ટ્રસ્ટના વૈદ્યોના ફોન નંબરો : શ્રી બારોટસાહેબ 079 26744240 / 9898926642

શ્રી વત્સલ વસાણી 079 27540768 /  શ્રી નીતાબહેન ગોસ્વામી 9825071774  

 શ્રી રાજેશ ઠક્કર 9824043467

           

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *