ભૂલોમાંથી શીખતા મહાનુભાવો

Posted by

– લતા હિરાણી 

 

કોઇ એવો માણસ નથી જેણે ભૂલો ન કરી હોય. ભૂલો કરતાં રહેવું અને સુધરવાનો પ્રયત્ન કરતાં રહેવું એમ જીવન વહ્યે જતું હોય છે. સામાન્ય માણસમાં એ ઘટનાચક્ર સીધી લીટીમાં ચાલતું રહે છે અને અંતે આયખું પૂરું થાય છે. જ્યારે અસામાન્ય માણસના જીવનમાંયે આ ઘટનાક્રમ ચાલે તો છે પણ સીધી લીટીમાં નહીં, ઊર્ધ્વ રેખામાં… એ આ ચક્રમાંથી બોધ લેતાં જઈ એક વાર કરેલી ભૂલ ફરીથી ન જ થાય એ વિશે સજાગ રહીને સ્વવિકાસ કર્યા કરે છે.

ભૂલોમાંથી બોધપાઠ લેવો એ બાબતમાં કદાચ ગાંધીજી જેવી ઊંચાઈએ ભાગ્યે જ કોઈ પહોંચી શકે. બે કારણ છે. એક તો એકની એક ભૂલ ફરીથી ન થાય એ વિશેની સજાગતા અને બીજું પોતે સચ્ચાઈ બદલ પણ સજા ભોગવી હોઈ એમાંથી પણ જુદું જીવનસત્ય તારવવું. ભૂલ ન કરી હોય અને સત્યની જ રજૂઆત કરી હોય તેમ છતાં સજા ભોગવવી પડે ત્યારે મોટે ભાગે મનમાં વિદ્રોહ પ્રગટતો હોય છે.

જે કંઈ બન્યું એ માટે પોતે કસુરવાર નથી. એને માટે પૂરતું અને તદ્દન વ્યાજબી કારણ છે એ વાત સજા કરનાર પ્રત્યે અને એ પરિસ્થિતિ પ્રત્યે આક્રોશ જગાવે છે. અને પછી ક્યારેક નકારાત્મકતાની પરંપરાઓ સર્જાય છે.

ગાંધીજી સાતમા ધોરણમાં ભણતા ત્યારનો પ્રસંગ. શનિવાર હતો. સ્કૂલનો સમય સવારનો અને કસરતનો પિરિયડ બપોરે ચાર વાગે હતો. નાના મોહન પાસે ઘડિયાળ નહોતી. વાદળિયું વાતાવરણ. આકાશ ગોરંભાયેલું. વાતાવરણને જોઈને તો સમયનો અંદાજ બાંધી જ ન શકાય. મોહન ઝડપથી સ્કૂલે પહોંચ્યો પણ અફસોસ … કસરતનો પિરિયડ પૂરો થઇ ગયો હતો અને બધાં બાળકો ઘરે જઈ રહ્યાં હતાં. મોહન કરે તો પણ શું કરે ? ગેરહાજર રહેવાનો કોઈ ઇરાદો નહોતો. નિષ્ઠા પણ પૂરેપૂરી હતી.

બીજે દિવસે હેડમાસ્તરે મોહનને બોલાવી જવાબ માંગ્યો. મોહને જે સત્ય હતું તે જણાવી દીધું. બહાનાં બનાવવાની આમેય આદત નહોતી જ. હેડમાસ્તરને ભરોસો ન પડ્યો. અને એક આનાનો દંડ ફટકારી દીધો. દંડ તો ભરવો જ રહ્યો. ભરાઈ ગયો પણ પછીની પ્રક્રિયા અગત્યની છે. ન તો દંડ ભરવો પડ્યો તેનો અફસોસ, ન હેડમાસ્તર પ્રત્યે કોઈ રોષ, ન આ સજાપ્રથા સામે કોઈ વિરોધ. દુખ એક જ વાતનું કે પોતાના પક્ષે સંપૂર્ણ સચ્ચાઈ હોવા છતાં કેમ આમ થયું ? કેમ કોઈએ પોતાને ખોટો ગણ્યો ? એમાં પોતાની ક્યાં ખામી રહી ગઈ ?

આવા એક નહીં, બીજા પણ કિસ્સા છે અને આ જ વયગાળામાં…બીજા ધોરણમાં હતા ત્યારે ક્લાસમાં માર પડેલો. દુખ માર પડ્યાનું નહોતું. પોતે કેમ મારને લાયક બન્યા, એનું હતું અને આ બધાંમાંથી નાનકડા મોહને એ ઉંમરે તારણ કાઢ્યું હતું કે પોતાની સાથે જે પણ ખોટું થાય છે એમાં ક્યાંક પોતાનો દોષ છે. પોતે કયાંક ચૂક્યા છે અને એ શોધી કાઢીને જીવન સુધારવું જોઈએ તો જ સાચું. અને સાચું બોલવાની સાથે એમણે એ મંત્રમાં ઉમેરી દીધું કે સત્ય બોલનારે ગાફેલ નહીં રહેવું જોઈએ.

માત્ર સાચા હોવું કે સચ્ચાઇ રજૂ કરી દેવી એટલું  પૂરતું નથી. સત્ય બોલીને કરેલી ભૂલમાંથી બચી નથી શકાતું. શીખવાની વાત એ છે કે જ્યાં જે જરૂરી હોય એ કાળજી લેવી જ જોઈએ. ક્યાં ચૂક્યા છીએ એ જરૂર શોધવું જોઈએ.   

કોઈ પરિસ્થિતિમાં આપદધર્મ નિભાવતાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય ત્યારે એ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા તથા સત્ય રજૂઆત કેવું ઉમદા પરિણામ લાવે છે એનું ઉદાહરણ આ સંદર્ભે જોઈએ.

ઇજનેરી કૉલેજમાં એક વાર ઇન્ટરવ્યૂ યોજાયા હતા. સમય સવારનો હતો. બધા જ ઉમેદવારો હાજર હતા સિવાય એક. ઇન્ટરવ્યૂનો સિલસિલો ચાલ્યો. પેલો ગેરહાજર ઉમેદવાર આખો દિવસ દેખાયો નહીં. બપોર થઈ અને છેક સાંજે ચાર વાગે એ ઉતાવળો ઉતાવળો પ્રવેશ્યો. ઇન્ટરવ્યૂની પ્રક્રિયા સમાપ્ત થવામાં હતી. એ મોડા પડેલ ઉમેદવાર માટે હવે કોઈ ઉમેદ નહોતી. મોડો મોડો પણ એ આવ્યો એટલે એક ઔપચારિકતા પૂરી કરવાની વાત હતી.

અધિકારીએ એને મોડા થવાનું કારણ પૂછ્યું. એ ઉમેદવારે કોઈ ગળે ઊતરે એવાં અસરકારક કારણો શોધવા પ્રયત્ન ન કર્યો. સાચી વાત રજૂ કરી એ આમ હતી :

મને ખબર હતી કે ઇન્રટરવ્યૂ સવારથી શરૂ થવાના છે પણ હું એક ફૂટબૉલ પ્લેયર છું અને મારી ટીમનો કેપ્ટન છું. આજે છેલ્લે દિવસે જો હું જ ખસી જાઉં તો મારી ટીમ ભાંગી પડે. મારી નોકરી  મારી અંગત જરૂરિયાત છે. એને માટે મારી ટીમને ન છોડાય.

તો પછી આટલા મોડા આવવાનો અર્થ શું ? ઇન્ટરવ્યૂ તો ક્યારનાયે પતી ગયા.

બસ, રમત પતાવી હું અહીં આવવા નીકળી ગયો. ભલે છેલ્લી પંદર મિનિટ હોય. પ્રયત્ન કરવામાં શા માટે બાકી રાખવું ?

સરસ. આ રમતમાંથી તમે શું શીખ્યા ?

ટીમ–સ્પિરીટ અને છેલ્લી ઘડી સુધી આશા નહીં છોડવાનું !! રમતમાં લાસ્ટ મોમેંટ સુધી પૂરા જોશથી ટકી રહેવાનું હોય છે. કઈ ઘડીએ બાજી આપણી ફેવરમાં થઈ જાય, કહેવાય નહીં.

લખવાની જરૂર નથી કે છેલ્લી ઘડીએ આવેલો એ ઉમેદવાર જ પસંદગી પામ્યો.

 

5 comments

 1. ફુટબોલ પ્લેયરના જુસ્સાને સલામ.
  ——–
  લહરોંસે ડરકર નૌકા પાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ,
  ચઢતી હૈ દીવારોં પર, સૌ બાર ફિસલતી હૈ.
  મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ.
  ચઢકર ગીરના, ગીરકર ચઢના અખરતા હૈ.
  આખિર ઉસકી મેહનત બેકાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  ડુબકીયાં સિન્ધુમેં ગોટખોર લગાતા હૈ.
  જા જા કર ખાલી હાથ લૌટકર આતા હૈ.
  મિલતી નહીં સહજ હી મોતી ગેહરે પાની મેં.
  બઢતા દુગુના ઉત્સાહ ઇસી હૈરાનીમેં.
  મુટ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  અસફલતા એક ચુનૌતી હૈ.
  ઇસે સ્વીકાર કરો; ક્યા કમી રહ ગયી ?
  દેખો ઔર સુધાર કરો જબ તક ના સફલ હો.
  નીંદ ચૈન કી ત્યાગો તુમ.
  સંઘર્ષકા મૈદાન છોડકર મત ભાગો તુમ.
  કુછ કીયે બીના હી જય-જય-કાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  – હરિવંશરાય બચ્ચન

  થોડાક વખત પર આવેલી ફિલ્મ ‘ મૈંને ગાંધીકો નહીં મારા’ માં સતત પઠાતી રહેતી આ કવિતા છે. તેનો સંદેશો ફિલ્મના નાયકના આંતરિક સંઘર્ષ, તેની એક દુઃસહ્ય માનસિક બીમારી અને તેની દિકરીએ તેને માનસિક ગર્તામાંથી બહાર કાઢવા કરેલ અથાગ પ્રયત્નને સતત પુષ્ટિ આપતો રહે છે.

  સારી કવિતા કથાવસ્તુને કેવું ઉજાગર કરી શકે છે તેનું આ બહુ જ સુંદર ઉદાહરણ છે.

 2. પ્રસંગો સરસ આલેખ્યા છે.

 3. ભૂલો તમારા અનુભવને વધારે છે અને અનુભવ તમારી ભૂલોને ઘટાડે છે. તમે તમારી ભુલોમાંથી શીખો છો અને બીજા તમારી સફળતામાંથી શીખે છે
  સ રસ પ્રસંગો
  સુંદર શીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *