“ધીરે ધીરે સુધારાનો સાર… … …”

Posted by

– જુગલકીશોર 

આ પહેલાં, અહીંનાં પ્રગટ થનારાં લખાણો અંગે વીચારાયું હતું કે જે કોઈ લેખકનાં લખાણો આ સાઈટ ‘માતૃભાષા’ પર પ્રગટ થાય તે લખાણોને “જેમનાં તેમ” ધોરણે પબ્લીશ કરવામાં આવશે. આમ કરવાનું કારણ એ હતું કે લેખકોનાં લખાણોમાં કોઈ પણ પ્રકારના સુધારા–વધારા કરવાનું સાઈટના સંપાદક/સંચાલકના હાથની વાત નથી.

આના અનુસંધાને શરુનાં કેટલાંક લખાણો જેમનાં તેમ મુકાયાં હતાં. પરંતુ કેટલાક મીત્રો–વડીલોએ આ અંગે ધ્યાન દોરીને કહેલું કે તમે, જુભૈ, જુનાનવા સૌ કોઈ લેખકોનાં લખાણો પબ્લીશ કરીને જો લખવાનો મહાવરો પડાવીને મીત્રોને, વાચકોને લખતાં કરવાનું વીચારતા હો, અને એમ કરીને ગુજરાતીનો પ્રસાર કરવા ધારતા હો તો કેટલાંક લખાણોમાં ભુલો હશે તો તેનો પણ ‘પ્રચાર’ થશે !!

એમણે એમ પણ કહ્યું કે તમારાં પોતાનાં (એટલે કે જુભૈનાં) મૌલીક લખાણોમાં તમે કોઈનાં લખાણની પંક્તીનો ઉપયોગ કરો છો ત્યારે તેને અને વ્યક્તીઓનાં નામ સુધ્ધાંને સાર્થ જોડણીકોશ મુજબ જ લખવાનો આગ્રહ રાખો છો પણ તમારાં લખાણો સીવાયનું જે કાંઈ તમારી સાઈટ પર પબ્લીશ થશે તેમાંની ભુલો જો તમે “જેમની તેમ” રહેવા દેશો તો તમારા ધાર્યા મુજબ ભાષાનો પ્રસાર નહીં થઈ શકે !!

વાત તો મુદ્દાની હતી.

‘માતૃભાષા’ સાઈટ પર નવા લેખકોને પણ આમંત્રણ આપવાનું હોય અને એમ કરીને બહોળા પ્રમાણમાં લખાણો પબ્લીશ કરવાનાં હોય તો ભુલોને જેમની તેમ તો રહેવા ન જ દેવાય ! છેલ્લાં કેટલાંક વરસોથી જે વાત દાંડી પીટીને કરતાં હોઈએ તે વાતના પાયામાં જ જો કશોક ખોટકો રહી જવાનો હોય તો ચેતવનારનો દીલથી આભાર માનીને ફેરફાર કરવો જ રહ્યો. અલબત્ત આનાથી સંપાદક પર બોજ તો વધે જ. પણ “ઈસ બોજ સે ઠીક ચલા જાતા હૈ !” માનીને બોજ સહજ ને સહર્ષ સ્વીકારવો રહ્યો.

એટલે –

હવેથી જે કોઈ લખાણો જુના–નવા કોઈ પણ લેખકનાં આવે તેને જોડણીની ભુલોમાંથી શક્ય તેટલાં બચાવવાં, બલકે જે કાંઈ ભુલો સુધારાય તે ભુલોને અધોરેખા (અન્ડરલાઈન) કરીને લેખકને એકલાને ઈમેઈલથી મોકલવી ને એમ કરીને ભુલો જેતે વ્યક્તીને બતાવવી……(જે લોકો શુદ્ધ લખે છે તેમને માટે આ બધો દાખડો નથી તે કહેવાની ભાગ્યે જ જરુર હોય.)

આ વાતના અનુસંધાનમાં એક ચોખવટ અ–નીવાર્યપણે કરવી જ રહી કે ભુલો સુધારનારને પણ સો ટકા ભુલો દેખાશે જ એવો દાવો કરાય નહીં ! પ્રુફરીડિંગનું કામ ઘણા સમયથી કરવા છતાં ભુલો તો રહી જ જાય છે તે હકીકત છે !! એટલે જેતે લેખકની જોડણીની (ને ક્યારેક વાક્યરચનાગત) ભુલોને જુદા મેઈલથી બતાવીને શક્ય તેટલા પ્રયત્નો આ દીશામાં કરવા.

આ જ રીતે જો ચાલવાનું થાય તો બેત્રણ ફેરફારો આગળ જતાં કરવાના થાય.

એક તો લેખકોને બહુ લાંબાં લખાણો ન લખવા વીનવવા ! બીજું કે એકાંતરા લેખો પબ્લીશ કરવાને બદલે ગાળો લંબાવવો જેથી પ્રુફરીડીંગ કરવાનો (અને લેખકને તેની જાણ કરવાનો)સમય રહે. ભવીષ્યમાં પ્રુફરીડીંગ કાર્ય કરનારાં મીત્રો મળી રહેવાની પુરી શક્યતાઓ છે. એવી મદદ મળતી થાય તો અઠવાડીયાના વધુ દીવસો પ્રકાશનને આપી શકાશે…..અત્યારે જે રીતે લખાણો મળતાં થયાં છે તે જોતાં દર બીજે દીવસે પ્રગટ કરવાનું ચાલુ રાખી શકાય તેમ છે જ પણ બહુ લાંબાં લખાણો વધતાં રહેશે તો સમયગાળો કદાચ વધારવો પડે…..

મારી આ સાઈટ પર મારા દ્વારા તૈયાર થયેલી ઈબુકો સીવાયની બુકોને માટે પણ પેજ બનાવાયું છે. એટલે ત્યાં મુકાનારી ઈબુકોને તપાસવાનું શક્ય નહીં જ હોય કારણ કે તે બધી પીડીએફમાં હશે. એટલે એ બધું જેમનું તેમ (હેમનું હેમ) જ રહેવા દેવું પડે તે સહજ છે.

આટલી વાત કરીને હવે મુળ વાત ફરી કરવાની કે –

સહયાત્રીઓ ! લખો, લખો, લખો !

તમે લખશો તો ગુજરાતીને પ્રસારવામાં બહુ મોટું બળ મળશે. (શું લખવું તે અંગે http://www.jjugalkishor.in/about/ આ લીંક પર બહુ વીગતથી મુક્યું જ છે. તમારી કલમને એટલે કે કીબોર્ડ પર ટેરવાંને સક્રીય કરો !! કેવું લખાશે તેની ચીંતા ન કરશો…..લખે તે લેખક ગણીને ગુજરાતીને ભજીએ !!)

એક બીજી ચોખવટ પણ ખાસ કરવાની છે.

આ સાઈટ પર જાણીજોઈને જુના–નવા લેખકોને સાથે રાખવા મુરાદ સેવી છે. આનાથી નવા લખનારાંઓને કદાચ ટેકો પણ મળે અને જાણકારી પણ મળે….જુના લેખકો પોતાને આ સાઈટ પર લખવામાં નામ ગણશે તો આપણાં નવા લખનારાંઓને મળનારો લાભ તેઓને નહીં મળે તે યાદ રાખશો તેવી ખાસ વિનંતી છે……(હજી સુધી નવા લખનારાં આગળ આવ્યાં નથી પરંતુ મને વીશ્વાસ છે કે ચીઠ્ઠીચપાટી કે ડાયરીનું પાનું કે છેવટ મારા જેવાને સંબોધીને પત્રો પણ લખનારાં મળી જ રહેશે. આવાં જાહેર પ્રેમપત્રો આપણી “માબોલી”ના મંદીરમાં પ્રસાદરુપે મુકવાની મને હોંશ છે. એ હોંશ ક્યારેક તો પુરી કરશે જ મારા સહયાત્રીઓ !!!

સહભાગ્યશાળી –

– જુગલકીશોર.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *