માનનીય શ્રી બાબુ સુથારની કલમે “પુસ્તકોનો હિંસાચાર !”

Posted by

નોંધ : શ્રી બાબુભાઈ સુધારનું નામ ગુજરાતીજગતમાં ખાસ કરીને ભાષાવિજ્ઞાની તરીકે બહુ જાણીતું છે. વૈશ્વિક ગુજરાતી સમાજ તેમના અગાધ ઊંડા અભ્યાસોથી સુપરિચિત છે. ફેસબુક ઉપર એમનાં ભાષા વિષયક લખાણોએ ભાષાશુદ્ધિ અંગે વાતાવરણ ઊભું કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

એમનો પુસ્તકો અંગેનો એક લેખ પુસ્તકોની એક સાવ જુદી જ બાજુ બતાવે છે !! આ લેખ મજાની હળવી શૈલીમાં એમની કલમનો પરિચય આપે છે.  શ્રી બાબુભાઈનાં લખાણોમાં વિશિષ્ટ શૈલીમાં વિષય નિરૂપણની સાથે સાથે જે ખાસ ધ્યાન ખેંચનારું તત્ત્વ છે તે સંદર્ભબાહુલ્ય ! પ્રસ્તુત ચારેક પાનાના આ એક લેખમાં વાચક જોઈ શકશે કે અનેકાનેક સંદર્ભો મૂકીને એમણે પુસ્તકોના નિમિત્તે સાહિત્યજગતની મોટી સફર કરાવી છે !! “માતૃભાષા”ના મારા વાચકોને આ લેખ માહિતીની સાથે પ્રેરણા પણ પૂરી પાડશે તેમાં શંકા નથી. એમનાં લખાણો પ્રગટ કરવાની તક આ વેબસાઈટને મળી છે તેનો આનંદ હું આભાર સાથે માનું છું.

એમના કાર્યક્ષેત્રની વાત અહીં ટૂંકમાં આપી શકાય તેમ નથી ! હવે પછી પૂરી વિગતે તેમનો પરિચય આપણે સૌ મેળવીને સાથે માણીશું. – જુ.

  –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

કાફ્કાના Konundrumના પાપે

Carlos Maria Dominguezએ એમની The House of Paper નવલકથાની નાયિકા Bluma Lennonને પુસ્તકને કારણે મરતાં બતાવી છે. વાત એમ છે કે Lennon સોહો શહેરની એક પુસ્તકોની દુકાનમાંથી એમિલી ડિકન્સનની કવિતાઓની જૂની ચોપડી ખરીદીને ઘેર પાછી આવી રહી છે. એ દરમિયાન એને એ ચોપડી વાંચવાનું મન થાય છે. Lennon એ પુસ્તક વાંચતાં ચાલી રહી છે ને અચાનક એક કાર આવે છે. એની સાથે અથડાય છે ને એ મરી જાય છે. જો કે, આખી નવલકથા ત્યાર પછી આ ઘટના પર પંડિતો કેવાં કેવાં સંશોધનો કરે છે એના પર છે. લેખક કહે છે: “પુસ્તકો લોકોની નિયતિ બદલી નાખતાં હોય છે. કેટલાક લોકો ખાલી એક જ નવલકથા The Tiger of Malasia વાંચીને કોઈક દૂરની યુનિવર્સિટીઓમાં સાહિત્યના પ્રોફેસર થઈ ગયા છે. Demian નામના પુસ્તકે હજરો જુવાનિયાઓને પૂર્વની ફિલસૂફીમાં રસ લેતા કર્યા છે. હેમિગ્વેએ કેટલાય યુવાનોને ખેલાડી બનાવ્યા છે, એલેકઝાન્ડર ડૂમાએ કેટલીય સ્ત્રીઓનાં જીવન ગૂંચવાડાભર્યાં બનાવ્યાં છે. એમાંની ઘણી બધી સ્ત્રીઓનું જીવન રસોઈ બનાવવાની કળાના પુસ્તકોને કારણે બચી ગયું છે. નહીં તો એ લોકોએ પણ આત્મહત્યા કરી હોત. બ્મૂલા પણ પુસ્તકોનો ભોગ બની છે.” વાત તદ્દન સાચી છે. મારે પણ કંઈક આવું જ થયેલું. જનોઈ દેતી વખતે બ્રાહ્મણે એક બાજઠ પર પુસ્તક મૂકેલું ને બીજા બાજઠ પર એક રૂપિયો. પછી મને એ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેલું ને મેં પુસ્તક પસંદ કરેલું. એ જોઈને સગાંવહાલાં ખુશ થઈ ગયેલાં. મને જો ત્યારે ખબર હોત તો પુસ્તક પસદ કરવું એટલે સામે ચડીને ગરીબાઈને ઘેર તેડવી તો મેં એમ ન કર્યું હોત. આ નવલકથાના લેખક કહે છે કે Leonard Wood નામના એક પ્રોફેસર એક વાર પુસ્તકલાયમા હતા ત્યારે પાટલી પરથી Encyclopedia Britannicaનાં પાંચ વૉલ્યુ એમના માથા પર પડેલાં. એથી એમના મગજને ઇજાઓ થયેલી ને એ જીંદગીભર લકવાગ્રસ્ત રહેલા. William Faulknerનું ‘Absalom, Absalom! પુસ્તક પાટલી પરથી લેતી વખતે વચ્ચે એ એનસાઈક્લોપેડિયા આવી ગયેલો. લેખક કહે છે મારા એક મિત્રને જાહેર પુસ્તકાલયમાં નોકરી કરવાથી ક્ષય થઈ ગયેલો ને ચીલીમાં એક કૂતરું દોસ્તોવસ્કીની નવકલથા The Brothers Karamazovનાં થોડાંક પાનાં ચાવી ગયેલું. એને કારણે એને અપચો થયેલો ને અપચાને કારણે એનો સ્વર્ગવાસ થયેલો. જો કે, હવે મને સમજાય છે કે ઈશ્વરે મને કેમ Encyclopedia Britannica ખરીદવા જેટલો શ્રીમંત નહીં બનાવ્યો હોય. પરમ કૃપાળુ પરમાત્માની આ દયા મારાથી કદી પણ ભૂલી શકાશે નહીં.

પુસ્તકોએ ભલભલા માણસો પર હિંસાચાર કર્યો છે. પિયાનોના Berlioz તરીકે ઓળખાતા સંગીતકાર Charles-Valentin Alkanનું અવસાન પણ પુસ્તકોને કારણે, અથવા તો એમ કહો કે, પુસ્તકોના ઘોડાના કારણે થયેલું એવું Phantoms on the Bookshelves નામના પુસ્તકના લેખક Jacques Bonnet નોંધે છે. વચ્ચે Ikeaમાંથી ખરીદેલો એક ઘોડો પડી જવાથી એક બાળક કચડાઈને મરી ગયેલું. Ikeaએ એ દુર્ઘટના બદલ દિલસોજી બતાવેલી અને કહેલું કે અમે સૂચનામાં સ્પષ્ટપણે લખ્યું હતું કે આ ઘોડો ભીંત સાથે અવશ્ય બાંધવો. Jacques Bonnetએ આ રીતે – પુસ્તકોને કારણે – થયેલાં ઘણાં બધાં કરૂણ મોત નોંધ્યાં છે. સુરેશ જોષી છેલ્લે બિમાર હતા ત્યારે કાફ્કા વાંચ્યો એને કારણે હું બિમાર પડ્યો એ મતલબનું કંઈક બોલતા હતા એવું મારા વડીલ મિત્ર જયન્ત પારેખે મને કહેલું. મારા સુરેશ જોષી પરના એક લેખમાં મેં આ વાત નોંધી છે.

હું પણ પુસ્તકોના હિંસાચારથી બચ્યો નથી. લગ્ન પૂર્વે મારાં પુસ્તકો જોઈને મારી ભાવિ પત્નિ ખુશ થયેલી. લગ્ન પછી મેં એને ખુશ રાખવા સતત પુસ્તકો ખરીદ્યાં છે ને પરિણામ શું આવ્યું છે એ હું લાંબી વાત નહીં કરું. કેમ કે હું માનું છું કે આ બાબતમાં મારી સાથે જોડાઈ શકે એવા અનેક પુસ્તકપ્રેમીઓ હશે.
થોડા વખત પહેલાંની જ એક ઘટના છે. Amazon.com પરથી આવેલા એક નવા જ પુસ્તકનાં પાનાં ફેરવતાં મારી એક આંગળી ખાસ્સી કપાઈ ગયેલી. હું લોહીલુહાણ થઈ ગયેલો. એ તો સારું થયું કે હું લોહી નીકળે ત્યારે શું કરવું એ વિશેનો એક પાઠ પ્રાથમિકશાળામાં ભણેલો. જો કે, એ પાઠ ભણતાં પહેલાં અમે બધા જો આંઘળિ કે પગ પર લોહી નીકળે તો એના પર પેશાબ કરતા. એથી લાય બળતી. પણ, પછીથી સાજા થઈ જતા. એ પુસ્તકના એક પાનાએ મારી આંગળી પર ખાસ્સો ઊંડો કાપો પાડેલો. જો મેં કોઈક અમેરિકન વકીલનો સંપર્ક સાધ્યો હોત તો એણે ચોક્કસ amazon.com પર કેસ માંડવાની વાત કરી હોત. કેમ કે એ પુસ્તકમાં ક્યાંય એવું લખવામાં ન’તું આવ્યું કે એના પાનાં વાગે એવાં ધારદાર છે. જો કે, મેં તો એક બાબતે સંતોષ માનેલો. જો પુસ્તકોના પાનાં દાંતાવાળાં હોત તો. તો કદાચ મારી આંગળી કપાઈ ગઈ હોત. સામાન્ય ઘાને હું મોટે ભાગે ગંભીરતાથી લેતો નથી પણ આ ઘા મારે ગંભીરતાથી લેવો પડેલો. મેં વધારે લોહી વહે નહીં એ માટે હાથને ખુલ્લી છત્રીની જેમ ઊંચો કરી રાખેલો. પછી એના પર પાટો પણ બાંધેલો ને ત્યાર બાદ દાક્તર પાસે પણ ગયેલો. દાક્તર માનવા તૈયાર જ નહીં કે મને પુસ્તકનું પાનું વાગ્યું છે. એને થયું કે આ કદાચ ઘરેલું હિંસાનો મામલો હશે. આખરે દાક્તરે જે તે વિધિઓ કરી મને જીવાણુપ્રતીકાર દવા પણ લખી આપેલી. ખાસ્સા દસેક દિવસ પાટો રહેલો.

પુસ્તકોના ઘોડામાંથી પુસ્તક પડી જાય ને વાગે એવા તો અનેક કિસ્સા બન્યા છે. પણ, બે દિવસ પહેલાં એક ગંભીર કિસ્સો મારા જીવનમાં બન્યો. Mynoma નામના ફ્રેંચ લેખકની ફેન્ટાસ્ટિક વાર્તાઓનું એક નાનકડું પુસ્તક ક્યાંક ડાબે હાથે મૂકાઈ ગયેલું. અહીં પાલો આલ્ટોમાં હું પરાયા ઘરમાં રહું છું. એટલે મારે પુસ્તકો મને ગમે એ રીતે નહીં, એ ઘરની સંરચના પ્રમાણે રાખવાં પડે. એટલે મેં કથાસાહિત્યનાં અને કવિતાઓનાં પુસ્તકો એક મોટા ઘોડામાં રાખ્યાં છે. એક એક પાટલી પર બબ્બે હરોળ. જ્યારે હું નવરો પડું ત્યારે કયું પુસ્તક ક્યાં છે એ યાદ રાખવા હું બધાં પુસ્તકો પર વારાફરતી હાથ ફેરવી લઉં. તો પણ ઘણી વાર કઈ હરોળમાં કયાં પુસ્તકો છે એ ભૂલી જતો હોઉં છું. જેમ પરણવાની ઉંમર થાય એમ હવે મને લાગે છે કે મને ભૂલી જવાની ઉમર થઈ ગઈ છે. આવી સ્મૃતિમૂલક દુર્ઘટનાઓનું પ્રમાણ ઘટાડવા હું આગલી હરોળમાં ઊંચાઈમાં નાનાં ને પાછળી હરોળમાં મોટાં પુસ્તકો રાખતો હોઉં છું. પણ છેક નીચલી પાટલી કે એના પહેલાંની પાટલી મને હંમેશાં પડકારરૂપ લાગી છે. એમાં આગળ કે પાછળ ગમે તે કદનું પુસ્તક મૂકો. આપણે નીચા તો નમવું જ પડે. જેમ જેમ વધારે નીચે જાઓ એમ એમ વધારે નીચા નમવાનું. એટલે Mynomaનું પુસ્તક શોધવા હું અસંખ્ય વાર નીચો નમ્યો હોઈશ. પણ કોણ જાણે કેમ એ પુસ્તક હાથ લાગતું જ ન હતું. આખરે મેં આખો ઘોડો તપાસવાનું નક્કી કર્યું. મેં બધ્ધાં જ પુસ્તકો એક પછી એક બહાર કાઢી પલંગ પર મૂકવા માંડ્યાં. ત્યાં જ કાફ્કાનું એક પુસ્તક, Konundrum, હાથમાંથી સરક્યું ને પડ્યું જમણા પગના અંગૂઠા પાસેની આંગળી પર. રામ જાણે કઈ રીતે પડ્યું હશે ને શું થયું હશે તે હું ચીસ પાડી ઊઠ્યો. તે પણ નખશિખ, સાર્થ જોડણીકોશના અર્થમાં. જોઉં છું આંગળી લોહીવાળી થઈ ગઈ છે ને ભોંયતળિયું લોહીલુહાણ.
હું ઘણી વાર પુસ્તકપ્રેમીઓને બે પ્રકારમાં વહેંચી નાખતો હોઉં છું: પત્નિવાળા ને પત્નિ વગરના. આ પહેલાં હું કુંવારા અને પરણેલા એમ બે વર્ગમાં પુસ્તકપ્રેમીઓને વહેંચતો હતો. પછી વર્ણનાત્મક સંપૂર્ણતા જળવાય એ માટે મેં આવું વર્ગીકરણ કરવાનું શરૂ કર્યું છે. પત્નિ વગરના પુસ્તકપ્રેમીઓ સાચે જ બિન્દાસ્ત હોય છે. એ લોકો ફાવે એવાં અને ફાવે એટલાં પુસ્તકો ખરીદી શકતા હોય છે. એટલું જ નહીં, એ લોકોને જો કોઈ પુસ્તક વાગે તો એની જાણ તરત જ પ્રેયસીને – જો હોય તો – કરી શકતા હોય છે ને પ્રેયસી તરતજ – જો નજીક હોય તો – દોડી આવે ને સહાનુભૂતિ પણ બતાવી દે. નહીં તો હવે ઇન્સ્ટન્ટ મેસેજની વ્યવસ્થા છે. એ દ્વારા કાં તો શબ્દો વડે કાં તો કોઈક ચિત્ર વડે સહાનુભૂતિ બતાવી દે. પણ પત્નિવાળા પુસ્તકપ્રેમીઓની હાલત ખૂબ ખરાબ હોય છે. સૌ પહેલાં તો એ ફાવે એવાં અને એટલાં પુસ્તકો ન ખરીદી શકે. હું ઘણી વાર એક જ પુસ્તકની બે અલગ અલગ આવૃત્તિઓ પણ ખરીદતો હોઉં છું. પણ એવું કાર્ય હું ચોરીછૂપીથી કરતો હોઉં છું. ક્યારેક પત્નિની નજર એક જ પુસ્તકની બે નકલો પર પડી જાય તો એ તરત જ મારી ઉલટતપાસ કરે. હું કહું કે એમાં એકનો અનુવાદ મગને કર્યો છે ને બીજાનો છગને. ત્યારે એ કહેતી હોય છે: અનુવાદ મગનનો હોય કે છગનનો. પુસ્તક તો એક જ છે ને? ઘણી વાર હું એવો ખુલાસો આપતો હોઉં છું કે એક નકલ મારી છે પણ બીજી મને મગને ભેટ આપી છે. તો પણ મારું આવી બને. તમારા મિત્રો આવા કેવા? – એ તરત જ કહેશે. પણ જો હું એમ કહું કે એક નકલ મીલીએ ભેટમાં આપી છે. તો મીલીનું આવી બને. એ કહેશે: એ છે જ એવી. કોણ જાણે કેમ તમને કેમ ફાવે છે એની સાથે? એનામાં કોઈ બુદ્ધિ હોય એવું મને લાગતું નથી. આવી નાનીમોટી દુર્ઘટનાઓ ટાળવા હું એક જ પુસ્તકની બે કે ત્રણ નકલો અલગ અલગ ઘોડાઓમાં મૂકતો હોઉં છું. તો પણ ક્યારેક પકડાઈ જતો હોઉં છું. અને એવું થાય ત્યારે પત્નિ મને કહેતી હોય છે: તમને પુસ્તકો ખરીદતાં આવડે છે પણ બરાબર ગોઠવતાં નથી આવડતું. આ ત્રણ નકલો એક સાથે મૂકવી જોઈએ ને? અમેરિકા આવ્યા પછી મેં પસુતકોના ઘોડા જાતે બનાવ્યા છે. મારે છ ઈંચ ઊંડા ઘોડા જોઈતા હતા જેથી કરીને પત્નિ એ ઘોડાઓમાં કંઈ મૂકે નહીં. જો મૂકે તો એ વસ્તુ લેતી, મૂકતી, શોધતી વખતે પુસ્તકો જોઈ જાય ને પછી… સુથાર હોવાનો આ એક મોટો લાભ ખરો. પત્નિવાળા પુસ્તકપ્રેમીઓનું એક બીજું દુ:ખ, કદાચ આ સૌથી મોટું દુ:ખ હશે, એ કે તમને જો કોઈ પુસ્તક વાગે ને તમે જો લોહીલુહાણ થઈ જાઓ તો તમે હોંશે હોંશે કે ચીસો પાડતાં પણ એ વાત એને ન કહી શકો. જો કહો તો? તો એક બાજુ લોહી નીકળતું હોય ને બીજી બાજુ પત્નિ કહેતી હોય: હું ક્યારનીય કહું છું કે હવે પુસ્તકો ખરીદવાનું બંધ કરો. મારું સાંભળતા જ નથી ને? નહીં તો આવું ન થાય. ભલું હોય તો આપણા જ બીજા કોઈક મિત્રનો ઉલ્લેખ કરીને એ કહેશે કે મગનભાઈએ પુસ્તક ખરીદવાનાં બંધ કર્યાં. એમને ક્યારેય આવું થાય છે?

એટલે આ વખતે જ્યારે મને પગની આંગળીએ કાફ્કાનું Konundrum વાગ્યું ત્યારે મેં નરસિંહભાઈ મહેતાભાઈનું કહેવું માની લીધું કે ઘટ સાથે રે ઘડિયાં. અથવા કર્મસંજોગે કાફ્કા નડીયાં. મેં ચૂપચાપ સહન કરી લીધું. સદનસીબે મારી પાસે તત્કાળ ઇલાજની પેટી હતી અને મારો દિકરો, જે આમ તો હ્રદયરોગનો નર્સ છે, હાજર હતો. એણે પણ પપ્પા ઘા તો બહુ ઊંડો છે એમ કહી પિતા પરત્ત્વે સહાનુભૂતિ બતાવી થાય એ બધી તબીબી વિધિઓ કરી નાખી. પરિણામે આંગળીની જાડાઈ વધી ગઈ. બે દિવસ પહેલાં પેઢાની શસ્ત્રક્રિયા કરાવેલી એટલે દાક્તરે દસ દહાડાની દર્દશામક દવાઓ આપેલી હતી ને એટલા જ દિવસની જીવાણુપ્રતિકાર દવા પણ આપલી હતી. એટલે દાક્તર પાસે જવાની જરૂર મને ન જણાઈ. જો કે, હજી ચાલતાં મારો પગ લંગડાય છે. ગઈ કાલે પત્નિએ મને લંગડાતાં જોઈને પૂછેલું: કેમ શું થયું છે પગે? મેં કહ્યું: ઠેસ વાગી. એણે કહ્યું જોઈને ન ચલાય? પછી એક ઘટનાના આધારે સામાન્યીકરણ કરીને કહ્યું: તમને તો જોઈને ચાલતાં આવડતું જ નથી. મેં કહ્યું: આ એક માત્ર એવું સત્ય છે જેની સાથે હું અસંમત થતો નથી.

મને પેલી Bluma Lenon યાદી આવી ગઈ. કાફ્કાએ મને કાપો પાડ્યો છે પણ મારો જીવ તો લીધો નથી ને? મે હવે ઘોડામાંનાં પુસ્તકોને અડકતાં પહેલાં જાડી ચામડીનાં જૂતાં પહેરવાનું નક્કી કર્યું છે.

 

3 comments

  1. પુસ્તકોની ગોઠવણીની બાબતમાં અને પત્ની સાથેના વાર્તાલાપ આબેહુબ મારા અનુભવને મળતો આવે છે! વાંચવાની મજા પડી ગઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *