“બાપા, અમે શીંગડા માંડતાં શીખવીએ છીએ.” : દર્શક

Posted by

પ્રવીણ, કે, મકવાણા,

 

મનુભાઈને કોઇક વાર વિદ્યાર્થીના વાલી પૂછતા : “મારા દીકરાને નોકરી મળશે ?”

આ વાત સાંભળી મનુભાઈ રોકડુ પરખાવી દેતા, “મળે પણ ખરી, ન પણ મળે; અમે કાંઇ નોકરી માટે ભણાવતા નથી.”

“તો પછે એમ શું કામ ભણે ? ખેતી તો અમારા ઘરે રહીનેય જોતાં જોતાં શીખી જાય.”

“ના, બાપા, નવી ખેતીની તમને ખબર નથી. એ નવી ખેતી શીખશે. એ તમારે માથે નહીં પડે, પોતાનો રસ્તો જાતે કરી લેશે.”

“પણ તમે બીજું શું શીખવો છો ? ખેતીનું તો ઠીક, મારા ભાઈ; અહીં ઢેફાં ભાંગ્યાં કે ઘેર ભાંગ્યાં, છે તો બધુંય  સરખું.”

આ સાંભળી મનુભાઈ કહેતા કે અમે શીંગડાં માંડતાં શીખવીએ છીએ.

મનુભાઈ ગામડાંના માણસને પેલી વાત કહેતાં કે બકરો બ્રહ્મા પાસે જઇને કહેતો કે મને કૂતરાં, નાર, માતાજી બધા ખાઈ જાય છે. હવે મારે બચવું કેમ ? તમે ઉપાય બતાવો ! પછી બ્રહ્માએ કહ્યું, “હું તો તારો દાદો છું ને ? તોય આ તારું કૂણું કૂણું રાંકડું મોઢું જોઇને મનેય મન થાય છે કે તને બે-ચાર બટકાં ભરી લઉં !  તો જરા શીંગડાં માંડતાં શીખ. તને મેં શીંગડાં શુ કરવા આપ્યાં છે ?

બસ, બાપા અમે શીંગડા માંડતાં શીખવીએ છીએ.”

ગામડાના બાપા અને મનુભાઈની વાત સાવ સાદી પણ ઊંડા ભેદવાળી છે. આજનાં મા-બાપે શીખ લીધા જેવી છે. ગામડાં કેળવવા માટે શિક્ષણની જરૂર છે. ગામડાનો વિદ્યાર્થી ગામને સુધારે એ વાત મનુભાઈના હૃદયે વસેલી હતી. ગામડાનો છોકરો ગામના લોકોનો કેસ લડે, અને તેને કોઈ છેતરી ન જાય તેવી કેળવણી મનુભાઈ આપવાની વાત કરતા હતા. ફરી ગામડાને ધોવાતાં અટકાવવાં એ જ વાત મનુભાઈ સૌને કહેતા હતા. વડીલોને સમજાવીને છોકરાને ભણાવવા માટે મોકલતા.

આજે બધા નોકરી પાછળ દોડે છે ત્યારે મનુભાઈનો આ વિચાર લોકહૈયે પહોંચાડવાની જરૂર છે. કમ્પ્યુટર અને દાતરડું કે પાવડાના સમન્વયનું શિક્ષણ આપણે નવી પેઢીને આપવું પડશે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આચાર્યશ્રી, આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર. મો, ૯૪૨૮૬૧૯૮૦૯

pravinmakwana23@gmail.com.

2 comments

  1. શિક્ષણ એટલા માટે જરૂરી છે કે નોંધાયેલા તથ્યને સમજી શકાય અને તેમાં ઉમેરો કરી શકાય.
    સરયૂ

  2. ‘કમ્પ્યુટર અને દાતરડું કે પાવડાના સમન્વયનું શિક્ષણ આપણે નવી પેઢીને આપવું પડશે.’
    હવે તો દરેક ક્ષેત્રે સમન્વય જરુરી. સમન્વય એટલે બાંધછોડ નહીં જ.યોગ,ભક્તિ,જ્ઞાન તથા કર્મ સૌનો સમન્વય કરવો જોઈએ.સાધક સાધકાવસ્થાને વટાવીને સિદ્ધાવસ્થાએ પહોંચે છે.પૂર્ણ માનવ જેનો આધાર લઈને પોતે આગળ વધે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *