માધ્યમ–માન્ય મનદુ:ખો !!

Posted by

‘મળી મોંઘેરી માતૃભાષા ગુજરાતી’                                                    –યોગેન્દ્ર્ વ્યાસ

હજુ ગયે અઠવાડીયે જ એક ગમખ્વાર કીસ્સો બન્યો. જો કે અખબારો એને ગમખ્વાર માને નહીં તેથી કોઈ છાપાંએ એ ચમકાવ્યો લાગતો નથી. એમ તો સવારમાં શ્રી નારાયણભાઈમુખે ગાંધીકથા શ્રવણ કરી હોય અને બપોરે એક જોડ ખાદીવસ્ત્ર ખરીદવાની પ્રતીજ્ઞા કરીને ધન્ય ધન્ય થયા હોય તેવા લોકો સાંજ પડે પેલી જ ખાદીવસ્ત્રની જોડ પહેરીને ગાંધીવીચારની ખુલ્લેઆમ કત્લેઆમ કરતા હોય તેવી ઘટના પણ ગમખ્વાર ન ગણાતી હોય, ત્યાં શું થાય ?

બન્યું એમ કે એક જ ઘરમાં, માફ કરજો પણ ખરેખર તો એક જ મકાનમાં ઉપર–નીચે રહેતા બે સગા ભાઈઓ વચ્ચે અબોલા થઈ ગયા એવો ઝગડો થયો. હજુ સુધી તો સંપ સારો રહેલો કારણ કે એકબીજાની વાતમાં માથું ન મારવું એ સંકલ્પનો બંને કુટુંબે કડક અમલ કરેલો. પણ ગયે અઠવાડીયે જ જુન 2009 માટે નાનાભાઈના અઢી વરસના દીકરાને એક અંગ્રેજી માધ્યમની શાળામાં જુનીઅર કે.જી.માં દાખલ કર્યાની વાત આવી. મોટાભાઈથી રહેવાયું નહીં તે એમણે અંગ્રેજી માધ્યમમાં બાળકને વધારાનો નાહક બોજો આવશે એ મતલબની વાત છેડી. પોતાનાં બંને બાળકો ગુજરાતી માધ્યમમાં કેવાં સમતોલ વીકસી રહ્યાં છે તેનું ઉદાહરણ આપ્યું. થઈ રહ્યું. નાનાભાઈની પત્ની બોલી ઉઠી, ‘અમારા હીતની એકે વાત કરવાનું ન ગમે તો મુંગા રહેવું. અમને હાથે કરીને કુવામાં પડવાની સલાહ ન આપવી.’ મોટાભાઈથી બોલાઈ ગયું. ‘તમે હાથે કરીને કુવામાં શા માટે પડો છો ? એમ કહું છું.’

પછી તો જામી. ‘અખા એ અંધારો કુવો, ઝગડો ભાગી કોઈ નવ મુઓ,’ એવો ઝગડો થઈ ગયો. નાનાભાઈની પત્નીને મતે માતૃભાષાનું માધ્યમ કુવો અને મોટાભાઈને મતે અંગ્રેજીભાષાનું માધ્યમ કુવો. કદાચ બાળક માટે તો બેય કુવા સરખા હશે પણ એની માને લગભગ બધી જ ગુજરાતણોની જેમ એમ પણ હોય કે બાળકને ડુબાડવું જ છે તો જરા વટ પડે એવા મોભાદાર કુવામાં જ ન ડુબાડીએ ?

મારા એક આદીવાસી મીત્ર છે, મગનભાઈ વસાવા. એમની વાત તો એકદમ વાજબી લાગે. કહે છે, ‘અમારે માટે તો ગુજરાતી કે અંગ્રેજી – બંને બીજી ભાષા છે. ગુજરાતી કરતાં અંગ્રેજી શીખવાનું સહેલું કારણ કે અંગ્રેજીલેખનવ્યવહારમાં ગુજરાતી જેવા અટપટા નીયમોના આટાપાટા નહીં. ડીઓજી ડોગ, ઉંધેથી વાંચો તો જીઓડી ગોડ – બધાં જીવો ઈશ્વરસ્વરુપ છે, ગોખી નાખો એટલે પત્યું. પહેલા ધોરણથી બાળકને અંગ્રેજી માધ્યમમાં ન ભણાવીએ તો એમનાં દુશ્મન ગણાઈએ.’

મોટાભાગનાં મા–બાપો (અને વીશેષે ગુજરાતી મમ્મીઓ) મગનભાઈ જેવી જ માન્યતા ધરાવે છે અને એ બીકમાં ને બીકમાં ખરેખરા અર્થમાં બાળકોનાં દુશ્મન બની બેસે છે એવો બીજો કીસ્સો પણ ગયે અઠવાડીયે જ અનુભવ્યો.

લાલદરવાજાથી એક સજ્જન મારી સાથે જ બસમાં ચડ્યા. એ બસમાં મુસાફરી કરતા હતા તેથી કે તેમના હાથમાં મારું ‘ચાલો, થોડું હસી લઈએ’ પુસ્તક જોયું તેથી એમને સજ્જન કહ્યા નથી. એ ખરા અર્થમાં ‘સજ્જન’ એ તો આ કીસ્સો વાંચ્યા પછી તમનેય ખાત્રી થશે. જોગાનુજોગ એ મારી બાજુની સીટ પર જ બેઠા. પોતાનું લખેલું પુસ્તક જેના હાથમાં હોય તેવી વ્યક્તી સાથે કયો લેખક વાત કર્યા વીના રહી શકે ? બસ ચાલી એટલે મેં ચલાવ્યું, ‘હસવાનું પુસ્તક લાગે છે, ખરીદ્યું ?’ ‘તો શું ચોરી લાવ્યો ?’ એમ કહેવાને બદલે રડમસ ચહેરે તેમણે જવાબ આપ્યો, ‘જોક્સનું પુસ્તક માનીને જ ખરીદ્યું પણ ગંભીર નીકળ્યું.’ ‘ગંભીર ?’ આ હાસ્યલેખો લખતી વખતે જેનો ડર હતો તે સાચો પડતો લાગતાં મારાથી પુછાઈ ગયું. ‘અરે, મારો તો મુડ ખરાબ કરી નાખ્યો.’ એ બોલ્યા.મારે ચુપ રહેવા સીવાય છુટકો નહોતો તેથી તેમણે આગળ ચલાવ્યું, ‘હમણાં બસસ્ટેન્ડે બેઠાં બેઠાં એક લેખ વાંચ્યો, ‘એંગ્લીસ મેડ્યમની સારા.’ આમ તો ભારોભાર વ્યંગ અને ઠેકડી છે.’ મને હાશ થઈ તેથી કહ્યું, ‘વ્યંગ અને ઠેકડી તો હસવા માટે જરુરી છે.’ ‘ખરું. પણ એમાં ભારોભાર સચ્ચાઈ છે. આખી ગુજરાતી પ્રજાની અંગ્રેજીભાષા માટેની ભયંકર ઘેલછા સરેરાશ બાળકના વીકાસમાં કેવાં રોડાં નાખે છે તે વીશેની રમુજ છે. મારી પત્નીએ આખા કુટુંબનો વીરોધ છતાં મારાં બંને બાળકોને અંગ્રેજી માધ્યમમાં મુક્યાં છે. એ આ વાંચશે તો… …’  ‘તો’ પછીનું દૃશ્ય જોતા એ દયામણા બની રહ્યા. મેં એમને આશ્વાસન આપવા કહ્યું, ‘આખા ગુજરાતની હાલત તમારા જેવી છે. આ લેખ કદાચ ઉપયોગી એ રીતે થાય કે વાંચી તમારાં પત્ની ફેરવીચારણા કરે પણ ખરાં.’ એ વધુ દયામણા થઈ બોલ્યા, ‘રામ રામ કરો. રખે ને આ લેખ એ વાંચશે તો આ લેખકને આખા ગુજરાતનો દુશ્મન નંબર એક ગણી પુસ્તક બીજે દીવસે પસ્તીમાં વેચી દેશે. ચુલો તો છે નહીં છતાં કદાચ તો તરત ગૅસ પર સળગાવી જ દેશે.’ આવી પત્ની સામે ‘ચું ચાં’ ન કરી શકનાર પતીદેવને તમે પણ સજ્જન જ ગણશો.

હવે તો એ દીવસો આવ્યા છે કે ગાંધીવીચારને પ્રસરાવવા જ શરુ થયેલી મોટી મોટી પ્રતીષ્ઠીત નીશાળો પણ પહેલા ધોરણથી અંગ્રેજી માધ્યમના વર્ગો શરુ કરવા માંડી છે. રખે ને, આપણું નામ સજ્જનોની યાદીમાંથી રદ થઈ જશે એવી બીકે કોઈ ટ્રસ્ટી વીરોધની ચુંચાં કરતા નથી.

તમે નહીં માનો પણ હવે તો કાન્તીકાકા પણ ફેરવીચારણાના મુડમાં છે. પોતાનું નામ સજ્જનોની યાદીમાંથી રદ થઈ ગયું છે તે વીશે નહીં પણ ગુજરાતીભાષા વીશે. ‘મળી મોંઘેરી માતૃભાષા ગુજરાતી’ના જોડણીના નીયમો ગોખી ગોખીને એંસી વરસ થઈ ગયાં તો ય લખીએ ત્યારે સો ટકા ‘સાર્થ જોડણીકોશ’માન્ય જોડણીમાં જ લખાશે એનો ભરોસો કોઈ કહેતાં કોઈને પડતો નથી અને છતાં એ વીશે કોઈ ફેરવીચારણા કરવા તૈયાર નથી, ‘મનજળ થંભેલું’ જરા સરખું હાલવા દેવાની કોઈની તૈયારી નથી તો ચાલો, છોડો આ મગજમારી. ન રહે બાંસ, ન બજે બાંસુરી. અપનાવી લો અંગ્રેજી માધ્યમ. આમે ગાંધીજીએ તો બરાબર સો વરસ પહેલાં ઈ.સ. 1908માં જ્યોતીષ જાણ્યા વીના જ ભવીષ્ય ભાખેલું કે આપણે અંગ્રેજોને હાંકી કાઢીશું પણ અંગ્રેજીયતને જીવનમાં એકરુપ કરી લઈશું. ‘જય જય ગરવી ગુજરાત.’

(ભાષા પરીષદની પુસ્તીકામાંથી સાભાર)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

4 comments

  1. ” મોંઘેરી માતૃભાષા ગુજરાતી’ના જોડણીના નીયમો ગોખી ગોખીને એંસી વરસ થઈ ગયાં તો ય લખીએ ત્યારે સો ટકા ‘સાર્થ જોડણીકોશ’માન્ય જોડણીમાં જ લખાશે એનો ભરોસો કોઈ કહેતાં કોઈને પડતો નથી’…જોડણી તોડણી ન બને અને માતૃભાષા ગુજરાતીમા અહીંની ત્રીજી પેઢી બોલી શકે તો પણ બસ

  2. સમય સમય ની વાત છે.નેપોલિઅન ના વકત માં ભણેલા રશિયાનો ફ્રેન્ચ માં વાતો કરવામાં ગૌરવ માનતા.
    હમણાં સમાચારોમાં ઉત્તરાખંડ ભારત માં ઇંગલિશ માધ્યમ ચાલુ કરવાનો નિર્યણ થયો છે

    1. વીશ્વમંડપે એકઠા થયેલાં સૌકોઈ પોતપોતાના કુટુંબની વાતો પોતપોતાની ભાષામાં કરે તો કશું જ ગુમાવવાનું નથી પરંતુ અંગ્રેજીને જેઓ મોભાનું સાધન–માધ્યમ ગણે તેમને કેમ સમજાવાય ?!

  3. આજે મનજબુતની વાત તમે તામારી ભાષામાં કરો અને જો આપે વૈશ્વિકરીતે ચોક્કસ સ્થાન પ્રાપ્ત કર્યું હશે તો દુભાષિયાઓ તેને અનેક ભાષામાં તમારી વાત પ્રસારશે. અંગ્રેજી હોવું જ જરૂરી નથી. યુનોમાં કે દિલ્હી દરબારમાં થતી વાત કોઈ પણભાષામાં થતી હોય તો પણ માત્ર પોતાની ભાષા સિવાય બીજી ભાષા ન જાણનારા પણ સમજી લે છે, હું ભણતો હતો ત્યારે સાતમા ધોરણથી અંગ્રેજી શરુ થતું હતું. માત્ર ભાષાના વિષય તરીકે.
    રશીયા, ચીન ફ્રાન્સ અને યુરોપના ઘણાં દેશો અંગ્રેજી ભાષાનું ડોમિનેશન સ્વીકારવા તૈયાર નથી તેમ છતાં વ્યવહારમાં અવળા કાન પકડીને અંગ્રેજી અપનાવ્યું જ છે. અંગ્રેજીને ભાષા તરીકે મજબુત રીતે ભણવી ભણાવવી જોઈએ. બધા જ વિષયો માટે ગમ ગચ્છ ટુ ગો, કરવાની પણ જરૂર નથી. ઈતિહાસ ભુગોળ, કલા સાંસ્કૃતિક વિષયો અંગ્રેજીમાં ન ભણાવાય તો ચાલે જ. પણ વિજ્ઞાન, ટેક્નોલોજી, વગેરે માટે અંગ્રેજીના દ્વાર ખૂલ્લા રહે તે વ્યાજબી છે. હું ભારત આવું છું ત્યારે મારા કેટલાક સ્નેહિઓ મારી સાથે અંગ્રેજીમાં વાત કરે છે અને હું તેમની સાથે ગુજરાતીમાં વાત કરું છું. કબુલ કરું છું કેતે શુધ્ધ તો નથી જ પણ માનું છું કે હું ગુજરાતી બોલું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *