કન્યા કેળવણી : એક શાળાઆચાર્યના અનુભવો

Posted by

પ્રવીણ કે. મકવાણા

વિનોબાજી કહેતા કે છોકરાઓ કરતાં પણ અધિક જ્ઞાનની જરૂર છોકરીઓને છે. કેમ કે છોકરાઓ મોટા થયા પછી મહેનતમજૂરી કરશે, અનાજની પેદાશ વધારશે, પણ છોકરીઓને તો માણસની પેદાશ વધારવી પડે છે. સ્ત્રીઓ બાળકોનો વિકાસ કરશે અને બાળકોનો વિકાસ કરશે એટલે રાષ્ટ્રનો વિકાસ સાધશે. એટલા માટે એમની પાસે તો જ્ઞાનની ચાવી હોવી જ જોઈએ. દરેક ઘરમાં છેક નાનપણથી મા પાસેથી જ્ઞાન પામવાની સગવડ થઈ જાય, તો પછી પૂછવું જ શું ? નાનાં નાનાં બાળકો માટે જરૂરી શિક્ષણ શાળામાં નથી મળી શકતું; તે તો એક માતા જ આપી શકે.

આજે ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા પ્રસંશનીય પ્રયાસો થઈ રહ્યા છે, પણ ઘણું બધું કરવાનું બાકી છે. સમાજમાં દરેક માતા-પિતા દીકરાની જેમ દીકરીનો ઉછેર કરે, ભણાવે-ગણાવે તો નારીશિક્ષણ વધશે. એક પરિવારમાં જો ભણેલી દીકરી હશે તો તે પોતાની આખી પેઢીને શિક્ષણ આપવા માટે પ્રયત્ન કરશે. પરિવારમાં ખાસ કરીને સંઘર્ષમય જીવન જીવીને પણ પ્રગતિ કરવા સક્ષમ માત્ર એક નારી છે. આજે ખાસ કરીને એક શિક્ષિત નારી બીજી શિક્ષિત સ્ત્રીને શિક્ષણ આપી પ્રેરણા પૂરી પાડે તો સમાજ ઉત્કર્ષ આપોઆપ થાય છે. સમાજમાં શાંતિ અને સલામતિ લાવવા સ્ત્રી ઉત્કર્ષનાં કાર્યો કરવાં ખૂબ જ જરૂરી બન્યાં છે. જે ઘરમાં દીકરી ભણેલી હશે તે જ્યારે પરણીને સાસરે જશે ત્યારે તે ઘરમાં ચોક્કસ જાગૃતિ આવશે. આવી ભણેલી દીકરી ભાવિ માતા બનશે ત્યારે તે પોતાના પરિવાર અને સમાજ માટે ગૌરવરૂપ સાબિત થશે. આવા પરિવારની આર્થિક-સામાજિક તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવશે.

આજે ભારતમાં દર હજાર પુરુષોએ નવસો કરતાં પણ ઓછી સ્ત્રીઓ છે. તદુપરાંત પોતે કમાતી હોય અને શિક્ષિત હોય, પારિવારીક જવાબદારીઓ નીભાવતી હોય તેવી સ્ત્રીઓ માંડ સાતથી આઠ ટકા છે. આજે સમાજમાં સ્ત્રીઓના વિકાસને આગળ લઇ જવો તે બધા જ ભારતીય સમાજની જવાબદારી છે. બધા જ ધર્મો એ પોતાની પરંપરાઓ છોડીને કન્યાઓના શિક્ષણ માટે આગળ આવવાની જરૂર છે.

આજે ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓનું સ્થાન ખૂબ જ નીચે છે.

મુસ્લિમ સમાજમાં મહિલા શિક્ષણ પર એક દૃષ્ટિ : બીજા લઘુમતી સમુદાયોની સરખામણીમાં મુસ્લિમ વર્ગમાંથી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેનારી છાત્રાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. બીજા લઘુમતી સમુદાયોમાં જ્યાં છોકરીઓ પોતાના વર્ગના છોકરાઓ કરતા આગળ નીકળી રહી છે ત્યારે મુસ્લિમ સમાજ તદ્દન અલગ રીતે છે. ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ લેનારા કુલ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૪.૩ ટકા જ વિદ્યાર્થીઓ મુસ્લિમ અને ૨ ટકા અન્ય લઘુમતી વર્ગમાંથી આવે છે. નેશનલ સર્વે ૨૦૧૩-૨૦૧૪ પ્રમાણે દેશમાં ૩,૨૩,૩૬,૨૧૪ વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લીધો હતો. તેમાં ૧૩,૯૬,૭૫૯ મુસ્લિમ વિદ્યાર્થીઓ હતા. આમાં ૭,૪૮,૬૫૪ છોકરાઓ અને ૬,૪૮,૧૦૫ છોકરીઓએ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લીધો હતો. આમ ખરી રીતે જોતાં માત્ર ઉચ્ચ શિક્ષણ નહિ પણ સરેરાશ શિક્ષણમાં પણ મુસ્લિમ સમાજની બહેનો પછાત છે.

અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિના મહિલા શિક્ષણ પર એક દૃષ્ટિ : ભારતીય સમાજમાં ૧૩.૧૧ ટકા વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લીધો હતો. અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ ૩૨.૫૬ ટકા હતા. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માત્ર ૪.૬ ટકા હતા. ઉચ્ચ શિક્ષણમાં દાખલ થનારાઓમાં સૌથી ઓછું પ્રમાણ બિહાર જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ રાજ્યો છે.

ભારતમાં સ્ત્રી કેળવણીને અવરોધતાં પરિબળો પર એક દૃષ્ટિ :

  • સામાજિક રૂઢિચુસ્તતા-પરંપરાઓ : ભારતમાં કેટલાક ધર્મો કે સામાજિક આગેવાનો પણ આજે એકવીસમી સદીમાં સ્ત્રી શિક્ષણનો વિરોધ કરી દીકરીઓને ભણાવતા નથી. સ્ત્રીઓને ઘરની બહાર નીકળવા દેવામાં પણ પરિવાર બંધનો લાદે છે. સ્ત્રી તો પારકા ઘરની થાપણ આ પરંપરાને જાકારો આપવાની તાતી જરૂર છે. સમાજના નાગરિકોએ નારી શિક્ષણ માટે આવા રૂઢિચુસ્ત બંધનો ત્યાગવા જોઇએ. મારી નાનકડી આંગણકા પ્રાથમિક શાળાનો મારો દસ વર્ષનો અનુભવ કહું તો દર વર્ષે ધોરણ આઠ પછી પોતાની દીકરીને નહિ ભણાવતાં પાંચ-સાત માબાપ તો ખરાં. દર વર્ષે વાલી સંપર્ક, વાલી મિટિંગ, ધોરણ આઠના પરિણામ બાદ વેકેશનમાં શાળા પ્રવેશ માટે દોડાદોડી કરવા છતાં ભાગ્યે જ કન્યાઓને ભણાવવા માટે આગળ આવે છે.
  • સામાજિક લિંગભેદ-જ્ઞાતિભેદ : ભારતના સંવિધાનની કલમ પ્રમાણે કોઇ પણ નાગરિક સાથે જાતિ, ધર્મ કે જન્મના આધારે ભેદભાવ રાખવો કાયદેસર ગુનો બને છે. આમ છતાં લોકોની જાગૃતિના અભાવે લિંગભેદ અને જ્ઞાતિભેદને કારણે સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે.
  • શિક્ષણ માટેની સવલતો : આજે ગામડાંઓમાં શિક્ષણ માત્ર પ્રાથમિક સુધીનું છે. કન્યાઓને માબાપ ભણાવવા માંગે છે પણ ગામમાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સવલત નથી. ગામડાંના લોકો પોતાની દીકરીને બહાર ગામ કે શહેરમાં ભણવા મોકલતાં અટકે છે. બસમાં મુસાફરી કરવાથી લઇને ઘરે આવે ત્યાં સુધીનો ડર દરેક માબાપને રહે છે. મારી આંગણકા શાળામાં ધોરણ આઠ આવવાને કારણે હવે વાલીઓ ભણાવે છે. આમ શિક્ષણ માટેની સવલતો જો સરકારી તંત્ર વ્યવસ્થા કરે તો માબાપ ચોક્કસ દીકરીઓને ભણાવવા મૂકે છે. હવે જો સરકારી શિક્ષણ વ્યવસ્થા કન્યાઓ માટે અપાય તો માબાપ પોતે આર્થિક સ્થિતિ નબળી હોય તો પણ અભ્યાસ કરાવે છે. સામાજિક અજ્ઞાનતા અને નિરક્ષર વાલીઓ પણ જો શિક્ષણની સવલતો મળે તો પોતાની દીકરીને ભણાવે છે.

આમ સ્ત્રીઓને આપણે વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનાવીને સામાજિક, રાજકિય, કાયદાકીય અધિકારો અપાવીને પુરુષ સમોવડી બનાવવા આગળ આવવું જોઇએ. સ્ત્રીઓ માટે સ્વાસ્થ્ય અને રોજગારલક્ષી ક્ષેત્રો વધારી ઉચ્ચ શિક્ષણ પ્રક્રિયાઓ વધુ ઝડપી બનાવવી જોઇએ. સ્ત્રીઓ માટેના કાયદાઓ-નીતિઓ-યોજનાઓ ૧૦૦ ટકા અમલી બનાવીશું તો જ સ્ત્રી કેળવણી વેગવાન બનશે અને આપણો સમાજ વિકાસ કરી શકશે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આચાર્યશ્રી, આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર.

મો. ૯૪૨૮૬૧૯૮૦૯ Mail : pravinmakwana23@gmail.com.

 

One comment

  1. સ્ત્રી કેળવણી ના પ્રયત્નો થાય છે જે પણ હજુ જમાના પ્રમાણે વેગવાન બનાવવાની જરુર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *