શું તમે તમારી બેગ તૈયાર રાખી છે ?!

Posted by

– જાદવજી કાનજી વોરા

ચુનીલાલભાઈ અમારા ગામના એક સજ્જન માણસ. ઉંમર 65 આસપાસ.  સંપ્રદાયના સક્રિય કાર્યકર હોવાથી સંપ્રદાયના જ કામકાજ માટે કચ્છમાં ગયા હતા. રાતના દશેક વાગ્યા સુધી તો સંઘના અન્ય કાર્યકર્તાઓ સાથે સંઘ બાબત ચર્ચાઓ કરતા હતા. રાતના બે વાગ્યે ઓચિંતો દુખાવો ઊપડ્યો. ઘરગથ્થુ ઉપચારો કર્યા. વહેલી સવારના પાંચેક વાગ્યે દુખાવો વધતાં ડૉકટરને બોલાવવામાં આવ્યા.ડૉકટરે ગંભીરતા પારખી જઈને તરત જ ભુજ ખસેડવાની સલાહ આપી. પણ તે ભુજ પહોંચે તે પહેલાં જ રસ્તામાં અનંતની યાત્રાએ ઊપડી ગયા. એકવડિયો બાંધો, ખાવાપીવામાં અત્યંત ચોક્કસ. સિદ્ધાંતભર્યું જીવન અને ડહાપણભર્યું વ્યકિતત્વ હોવાથી કુટુંબમાં કે સંઘમાં હંમેશાં  બધાય તેમની જ સલાહ લે.

ચુનીલાલભાઈના ઓચિંતા અવસાન વિશે અમારા ગામના મારા અન્ય એક મિત્ર  શ્રી હરખચંદભાઈ સાથે વાત થતી હતી ત્યારે વાતવાતમાં તેમણે કહ્યું કે એ દિવસે તેમને આવા ત્રણેક માઠા સમાચારના ફોન મળ્યા હતા. એક તો ચુનીલાલભાઈના, બીજા અન્ય એક વલ્લભજીભાઈ નામક સજ્જન લોનાવલા ગયા હતા, ત્યાં ઓચિંતાં જ તેમને હાર્ટ એટેક આવ્યો, ત્યાં જ હોસ્પિટાલમાં દાખલ કરવામાં આવ્યા. કોઈક જરૂરી ઇન્જેકશન ત્યાં ન મળતાં, પુનાથી મંગાવવાની વ્યવસ્થા કરવામાં આવી. ઇન્જેકશન આવ્યું અને અપાયું પણ ખરું, પણ, તેમનું પણ આયુષ્ય ખૂટયું અને વલ્લભજીભાઈ ત્યાં જ અવસાન પામ્યા. ઉપરાંત, ત્રીજા બનાવમાં અન્ય એક ઓળખીતા નિઃસંતાન વયસ્ક સજ્જનનો ફોન આવ્યો હતો. તેમની પત્નીને થયેલા કૅન્સરના અંતિમ તબક્કાની વાત હતી. આ વડીલની પત્ની છેલ્લા એકાદ મહિનાથી હોસ્પિટાલમાં છે. હવે તેમની ઘડીઓ ગણાઈ રહી હોવાથી આ વડીલ ભવિષ્યમાં નિર્માણ થનારી એકલતાના ભયથી અમંગળ કલ્પનાઓ કરતાં કરતાં સાવ પડી ભાંગ્યા છે.

હરખચંદભાઈએ વાતવાતમાં કહ્યું, જાદવજીભાઈ, આપણે કેટલા નિશ્રિંત થઈને બેઠા છીએ ? જાણે કે આપણને કંઈ થવાનું જ નથી ! સમાજમાં આપણે રોજ આવા અનેક આકસ્મિક બનાવો બનતા નિહાળીએ છીએ. એ વખતે આપણે ભલે ત્યાર પૂરતો અફસોસ વ્યક્ત કરી લેતા હોઈએ પણ ક્યારેક આમાં આપણો પણ નંબર લાગશે એમ આપણને કેમ નથી થતું ? શું એવું પણ ન બની શકે કે કદાચ કોઈક કમનસીબ દિવસે આમાં આપણો પણ નંબર લાગ્યો હોય અને લોકો આપણા ગયા પછી અફસોસ વ્યકત કરતા હોય ?”

મને ઓચિંતો એક વિચાર આવી ગયો કે આપણે કયારેક ક્યાંક બે-ચાર દિવસ માટે પણ બહારગામ જતા હોઈએ ત્યારે કેટલી તૈયારીઓ કરતાં હોઈએ છીએ. કદાચ પંદર દિવસ માટે કે એકાદ મહિના માટે જવું હોય ત્યારે તો કેટલી બધી પૂર્વ તૈયારીઓ કરવી પડતી હોય છે. આપણે વિદેશ જતા હોઈએ ત્યારે કેટલાય મહિનાઓ અગાઉ પાસપોર્ટ, વીઝા, ટીકીટો તથા લઈ જવાના માલસામાનની બેગો ભરીને તૈયાર રાખીએ છીએ. શું આપણે ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે જ્યારે આપણો હંમેશને માટે લાંબી યાત્રાએ જવાનો વારો આવશે ત્યારે એ માટે આપણે કોઈ બેગ ભરીને તૈયાર રાખી છે ખરી ? બહારગામ કે વિદેશ જવા માટે તો તારીખ લગભગ અગાઉથી જ નક્કી કરી રાખેલી હોય છે, પરંતુ અનંતની યાત્રા માટે તો કોઈ સમય કે તારીખ કે ઘડી પણ આપણને ક્યાં ખબર હોય છે ?

અનંતની યાત્રાએ જતાં પહેલાં આપણે શું કોઈ બેગ તૈયાર કરી શકીએ ખરા ?  રોજ રાત્રે સૂતાં પહેલાં આપણે આપણા ઈષ્ટ દેવનું સ્મરણ કરીએ. દિવસ દરમ્યાન આપણે કોઈ પણ જીવને દુઃખ કે હાની પહોંચાડી હોય કે કોઈનું પણ બૂરું ઇચ્છયું હોય તો તેમને યાદ કરીને તેમની ક્ષમાયાચના કરીએ. સૃષ્ટિના તમામ જીવોનું મંગલ વાંછીએ. જેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હોય કે પછી આપણા વર્તમાન ગુરુજનો કે જેમણે આપણને શુદ્ધ ધર્મની સમજણ આપી છે તેમનું શરણ સ્વીકારીએ. સૃષ્ટિના કેટલાય જીવોના આપણી ઉપર અનંત ઉપકારો છે તેમના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરીએ. શુભસ્ય શીઘ્રમ. આપણું કોઈ પણ શુભકાર્ય કરવાનું ક્યારેય પણ બાકી ના રાખીએ. આપણી ગેરહાજરીમાં આપણા વારસદારો વચ્ચે અરાજકતા ના ફેલાય અને લાયક વ્યક્તિને યોગ્ય ન્યાય મળી રહે એ માટે વીલ બનાવી રાખીએ. આર્થિક વ્યવહારોમાં અંધાધૂંધી ન સર્જાય એ માટે જીવનસાથી કે સંતાનોને અંગત લેવડદેવડની યાદીની નોંધ કરાવીને અવગત રાખીએ. આપણા ઉપર કોઈના પણ ઉપકારો હોય તો બને ત્યાં સુધી વહેલામાં વહેલા તેમનો પાછો બદલો ચૂકવીએ. કોઈ પણ જીવ પ્રત્યે આપણે, ક્યારેય પણ ઘૃણા, તિરસ્કાર, અનાદર, ધિક્કાર, ફિટકાર, દ્વેષ, વેરઝેર, ક્રોધ કે નકારાત્મકતાની લાગણીઓ ના રાખીએ. તમામ જીવો પ્રત્યે આપણે આદર, પ્રેમ, હેત, પ્રીતિ, સન્માન કે અહોભાવની લાગણીઓ રાખીએ. આ બધા શુભ ભાવો માટે આપણે કોઈ જ મૂરત જોવાનું હોતું નથી. આ તો એક રોજબરોજની પ્રક્રિયા છે. આપણું જીવન જ આપણે એવી રીતે કંડારવાનું છે કે, ક્યારેય પણ, કોઈ પણ ઘડીએ આપણને હાકલ આવે ત્યારે આપણી સદભાવનાઓની બેગ તૈયાર ભરેલી જ પડી હોય. શું આપણે આવી કોઈ બેગ તૈયાર રાખી છે ખરી ?  ચોર્યાસી લાખ જીવયોનીઓમાં પરિભ્રમણ કરતાં કરતાં મહા મુશ્કેલીએ સાંપડેલા આ માનવભવને શું  આપણે એમ જ વ્યર્થ ગુમાવી દઈશું ? કે પછી કર્મ નિર્ઝરાઓ કરતાં કરતાં એવું જીવન જીવીએ કે કોઈ પણ ઘડીએ આપણે જે આટો લઈ આવ્યા છીએ એ ખૂટે તે પહેલાં આપણે એવી બેગ ભરીને તૈયાર રાખીએ કે જેથી ફરીફરીને ગર્ભાવાસની અંધારી કોટડીમાં આ નવ નવ માસ સુધી ઊંધા માથે લટકવાના મહાદુઃખમાંથી સદાસદાને માટે છૂટીને શાશ્વત સુખોના સ્વામી બનીએ. શુભમ્ ભવતુ !

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

મરણ તો ભિક્ષુ જેવું

કોઈને પણ બારણે

કારણે અકારણે

આવીને ઊભું રહે

અને કહ્યા વિના કોણ જાણે કેટલુંય કહે,

કરી મૂકે સ્તબ્ધ, નિઃસ્તબ્ધ.

સુરેશ દલાલ 

આપણી પાસે એક દિવસ બચ્યો હોય કે પચાસ વર્ષ બચ્યાં હોય, આપણું

જીવન ઉનાળાનાં વાદળો વચ્ચેથી થતા વીજળીના એક ઝબકારા જેવું છે, એટલે તમારા

આ સકળ જગતને પસાર થઈ જતી બાબત તરીકે જુઓ. (જાણે કે) –

પ્રભાતનો તારો, ઝરણાંનાં બુંદબુંદ,

ઉનાળાનાં વાદળમાં વીજળીનો એક ઝબકાર,

થરથરતો એક દીવો, એક આભાસી રૂપ, એક સ્વપ્ન.

કુન્દનિકા કાપડીઆ 

મૃત્યુ આવતાં પૂર્વે જ પરમાત્માનું શરણ સ્વીકારી લો. જીવનમાં જે કંઈ ખોટું થયું હોય, ભૂલ થઈ હોય, જાણ્યે અજાણ્યે, એનો ખરા અંતઃકરણથી પશ્ચાત્તાપ કરી લો.

મહાવીર સ્વામી

6 comments

  1. વિનોબાજી ચિંતન
    પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે મૃત્યુ એટલે શું ? જેવી રીતે આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ તો તે થાક મટાડવા રાત્રે સૂઈ જઈએ છીએ. બીજે દિવસે પાછા તાજા થઈને ઊઠીએ છીએ. તો ઊંઘ એ મૃત્યુનું નાનકડું રૂપ છે. હવે રાત્રે ઊંઘમાં બધાં અવયવોને પૂરો આરામ મળી જાય તેવી યોજના હોત તો મૃત્યુની જરૂર જ ન રહેત. સ્વપ્ન ન આવે તો મનને પણ વિશ્રામ મળી જાય છે. પણ રાત્રે ઊંઘમાં પણ પ્રાણનું કામ સતત ચાલે છે. એ બિચારો સતત કામ કર્યા કરે છે એટલે એનો થાક તો મૃત્યુથી જ ઊતરી શકે છે. એટલે મૃત્યુનો અર્થ છે – પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા. મૃત્યુનું આ સ્વરૂપ આપણા ધ્યાનમાં આવી જાય તો મૃત્યુનું દુ:ખ કે ડર ન રહે, બલ્કે કોઈનું મૃત્યુ થાય તો આપણને આનંદ થાય.

    1. વિનોબાજીના વિચારો ખરેખર ચિંતનાત્મક છે. આભાર. જાદવજી કાનજી વોરા

  2. જુગલકીશોરભાઈ, આપનો ખુબ ખુબ આભાર.હજી તો મેં આ લેખ મોકલાવ્યો છે એની આપને જાણ કરી ત્યાં તો આપે એ સાઈટ પર મૂકી દીધો. આપનો ખુબ જ આભાર.

    1. બેગ તો ભરવાની જ છે. શુભષ્ય સીઘ્રમ. જાદવજી વોરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *