સ્કૂલ મૅનેજમેન્ટ : વાલી-સમાજ સહયોગ

Posted by

શ્રી પ્રવીણ કે. મકવાણા

સાર સંક્ષેપ :

કેળવણી સમાજની જરૂરિયાતોને સંતોષે છે. સમાજની અપેક્ષાઓ અને માંગને પહોંચી વળવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શાળાને લીધે સમાજ ઘડાય છે. સમાજ વડે શાળા ચાલે છે. સમાજની જરૂરિયાતો શાળા સંતોષે છે. સમાજના આદર્શ નાગરિકોનું ઘડતર થાય છે. આ બધું જોતાં શાળાના સફળ સંચાલન માટે દાતાઓ, સમાજ આગેવાનો, અગ્રણીઓ, સૌ આગળ આવે તે ખૂબ જ જરૂરી છે. સમાજની સક્રિય ભાગિદારીથી શાળા મૅનેજમેન્ટ સફળ બને છે.

પ્રસ્તાવના :

કેળવણીના પથ પર માત્ર શાળા જ નહિ પણ સમાજની ભૂમિકા અગ્રિમ ગણાય છે. કેળવણી સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. શાળા માત્ર ઔપચારિક શિક્ષણ આપે છે. આપણે શાળાઓને જો સક્ષમ અને શક્તિશાળી કેન્દ્ર નહિ બનાવીએ તો સમાજ ક્યારેય સમૃદ્ધ નહિ બને. શાળા સમાજનું અંગ બને ત્યારે જ સમાજ તેજસ્વી બને છે.

સ્કૂલ મૅનેજમેન્ટ : વાલીઓ-સમાજના હેતુઓ પર એક દૃષ્ટિપાત :

*  વાલીઓ-સમાજ શાળા વિશે, કાર્યો વિશે માહિતી મેળવે.

*  શાળામાં વાલીઓ પોતાનાં સંતાનોની પ્રગતિ વિશે જાણે.

*  શિક્ષકો, વાલીઓ, અને વિદ્યાર્થીઓની વચ્ચે એક સુયોગ્ય સંબંધ બંધાય.

*  શાળા-વાલી-શિક્ષક-સમાજ એક કડી બને.

*  શાળા અને સમાજ એકબીજાનાં પૂરક બનીને સમાજની સમસ્યાઓ દૂર થાય તેવા પ્રયત્નો કરે.

*  સમાજમાં પ્રવેશેલાં દૂષણો દૂર થાય તેવા પ્રયત્નોમાં સ્કૂલ મૅનેજમેન્ટ મદદરૂપ થાય.

*   શાળામાં થતી કામગીરી વાલીઓ જાણે, સમાજ જાણે.

શાળા-સમાજ એક સેતુ એટલે સ્કૂલ મૅનેજમેન્ટ :

 • સમાજ અને વિશ્વમાં એક એવો સેતુ નિર્માણ પામે કે જેના વડે સમાજમાં એક સંસ્કારયુક્ત વાતાવરણ ઊભું થાય.
 • શાળામાં વિદ્યાર્થીઓ-વાલીઓ-સંચાલકો- વગેરે એક કડી બની સમાજના પુન:નિર્માણ માટે કામ કરે.
 • વિદ્યાર્થીઓના વિકાસ માટે સમાજ શ્રેષ્ઠીઓ પોતાનું યોગદાન આપે.
 • શાળામાં એવું શિક્ષણ અપાય કે વિદ્યાર્થી પોતાના ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, કે રાષ્ટ્ર માટે     ગૌરવ અનુભવે.
 • શાળામાં આવતા વિદ્યાર્થીને શાળામાં આવવુ ગમે, ભણવું ગમે, શિક્ષણ એવું મેળવે કે તે એક ઉમદા નાગરિક બનીને રાષ્ટ્રને વફાદાર બને.
 • વિદ્યાર્થીઓને શિક્ષકો પ્રેરણા આપીને સમાજનાં નૂતન મૂલ્યો પ્રસ્થાપિત થાય.
 • સમાજનાં નીતિ- નિયમો, ધારાધોરણો, રહેણી-કહેણી વગેરેમાં સુયોજિત પરિવર્તન આવે કે જે સમાજના હિતમાં હોય.
 • સમાજે સેવેલાં સ્વપ્નોનું વિશ્વ નિર્મિત થાય.
 • શાળા માત્ર વિદ્યાર્થી માટે જ નહિ પણ વાલીઓ અને સમગ્ર રાષ્ટ્ર માટે માર્ગદર્શક બને.
 • સ્કૂલ મૅનેજમેન્ટ વિદ્યાર્થીઓની લાગણી માંગણી અને આજીવિકાને સંતોષે.
 • સ્કૂલ મૅનેજમેન્ટ દ્વારા શિક્ષકોને લોકશાહીયુક્ત વાતાવરણ મળે.
 • સમાજની પ્રત્યેક વ્યક્તિને શાળા અને સ્કૂલ મૅનેજમેન્ટ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ પેદા થાય.
 • વિદ્યાર્થીઓના માત્ર ગુણો જ નહિ પણ આવડત, કોઠાસૂઝ, વગેરે કેળવાય તેવું શિક્ષણ સ્કૂલ મૅનેજમેન્ટ આપે તેવા પ્રયત્નો થાય.
 • શાળાએ આવતું દરેક બાળક ભણી-ગણીને આજીવિકા મેળવીને સમાજની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કટિબદ્ધ બને.
 • શાળા અને સમાજ પરસ્પર પોષક બની સમાજ ઉત્થાન માટે કાર્યો કરે તેવું વાતાવરણ સ્કૂલ મૅનેજમેન્ટ દ્વારા ઉભુ થાય તે ખૂબ જ જરૂરી છે.
 • શાળામાં ભયમુક્ત, તણાવમુક્ત, દુર્ગુણમુક્ત, નિરાશામુક્ત, સમાજને પોષક ગુણવત્તાયુક્ત વાતાવરણ મળે તે મૅનેજમેન્ટની જવાબદારી છે.
 • જાપાન દેશમાં સ્કૂલો સપ્તાહમાં છ દિન ચાલે છે. રવિવારે પણ સ્કૂલમાં બીજી પ્રવૃત્તિઓ થાય છે. જાપાનમાં પ્રાથમિક શાળાનું બાળક સાડા છ વાગ્યે ઊઠે છે. સાત વાગ્યે સ્નાન કરે છે. જાપાનમાં બાળકો પગે ચાલીને સ્કૂલ જાય છે. મોટરવાળાઓ પણ ચાલીને જાય છે. સ્કૂલ જાપાનમાં પગે ચાલીને જઇ શકે તેટલી નજીક હોવી જોઇએ. પોળ કે શેરીનાં બાળકો એકઠા થઇને સ્કૂલે જાય છે. જૂથનો મોનિટર બાળક મોડું ન પડે તે જુએ છે. સવારે ૮-૧૦ કલાકે બધાં જ સ્કૂલે પહોંચી જાય છે. ઘરમાં તૈયાર થવામાં મોડુ કરનારને બીજા બાળકો જલ્દી તૈયાર કરે છે. રસ્તે ચાલનારાઓમાં પણ દોસ્તી અને સહકાર જાગે છે. મોટરવાળો પણ પોતાને ઊંચો ગણી શકતો નથી. શાળાના વર્ગ અને કમ્પાઉન્ડ સાફ કરવા માટે નોકરો છે જ નહિ. મિત્રો આ છે જાપાનનું સ્કૂલ મૅનેજમેન્ટ ! ખરેખર આપણે પણ વિચારવાની તાતી જરૂર છે.

 

ઉપસંહાર :

શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થી-વાલી-શિક્ષક સાથે મળીને કામ કરે તો મૅનેજમેન્ટ અવશ્ય સફળ થાય છે. આઝાદ ભારતની સ્કૂલો માત્ર મોડેલ સ્કૂલો નહિ પણ મૅનેજમેન્ટની દૃષ્ટિએ રોલ મોડેલ સાબિત થાય તો જ આપણું શિક્ષણ તક્ષશિલા કે નાલંદા ફરીથી બની શકે.

આંગણકા પ્રાથમિક શાળા, તા : મહુવા, જિ : ભાવનગર. મો, ૯૪૨૮૬૧૯૮૦૯

pravinmakwana23@gmail.com.

––––––––––––––––––––––––––––––––––––––––––––––

સંદર્ભ સૂચિ :

(૧)  પ્રગતિશીલ શિક્ષણ  ડીસેમ્બર ૨૦૧૬,

(૨)  અધ્યયન અધ્યાપન  જુલાઇ ૨૦૦૩,

(૩)  ટોટલ લર્નિગ પેકેજ,  જી.સી.ઇ.આર.ટી. ૨૦૧૫-૧૬,

(૪) ‘વિશ્વશાંતિ યાત્રા’  મોતીભાઇ પટેલ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

લેખકની શાળા આંગણકા પ્રાથ.શાળાના એક કાર્યક્રમનો અહેવાલ :

સમર કૅમ્પ આંગણકા

મહુવા તાલુકાની આંગણકા પ્રાથમિક શાળાના ધોરણ ૫થી ૮નાં ૪૫ બાળકોનો પાંચ દિવસીય સમર કૅમ્પ ઇશ્વરાનંદ વિદ્યાસંકુલ હાજીપર મુકામે તા ૧/૫/૨૦૧૭થી ૫/૫/૨૦૧૭ સુધી યોજાયેલ. આ સમર કૅમ્પમાં બાળકો માટે પેપર ફ્લાવર, ડ્રોઇંગ,  ફ્રુટ કાર્વીંગ, બુક મેકિંગ, પેન્સિલ ટોપર, સેલીબ્રેશન કાર્ડ, સ્ટોન આર્ટ, પેપર ક્રાફ્ટ, પ્રોજેક્ટ શો, ડાન્સ, બ્યુટી કેર, ક્મ્પ્યૂટર લર્નિગ, બાળ ફિલ્મ નિદર્શન, પપેટ વર્ક, માટીકામ અને વિવિધ રમકડાં, સાયન્સ શો, બહેનો માટે મહેંદી મેકિંગ, વગેરે જેવી અનેક વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થયેલ. આ પ્રવૃત્તિઓને કારણે બાળકો વેકેશનમાં પણ શિક્ષણ સાથે જોડાયેલાં રહે છે. બાળકોમાં રહેલી સર્જન શક્તિઓનો વિકાસ થાય છે. ગામડામાં શાળાએ ન જતી બહેનો પણ વેકેશન ખૂલતાં તરતજ શાળાએ આવે છે. બાળકો સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ કરીને રમતાં રમતાં ભાર વગરનું શિક્ષણ મેળવે છે. આ સમર કૅમ્પને સફળ બનાવવા માટે આંગણકા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પ્રવીણ મકવાણા તેમજ ઈશ્વરાનંદ સંસ્થાના દાદુભાઈ ભાદરકા તેમજ ઈશ્વરાનંદ શાળાના તમામ સ્ટાફે પૂરેપૂરી મહેનત સાથે સહકાર આપ્યો હતો. આ સમર કૅમ્પમાં બાળકો પાસે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર આ જ્ઞાનવર્ધક સમર કૅમ્પનું આયોજન થયું હતું.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *