શ્રી અનિલ ચૌહાણ ‘માતૃભાષા’ને આંગણે !!

Posted by

અનીલકુમાર ચૌહાણ

(2015માં ફેસબુક પર મુકાયેલી એક સફળ પોસ્ટ આજે મારી સાઈટ માતૃભાષા પર પ્રગટ કરવાનો આનંદ અનેરો છે…..શ્રી અનિલભાઈ ચૌહાણ ફેસબુકના જાણીતા ને માનીતા લેખક છે. તેમની વર્ણનશૈલી લખાણમાંના વીષયને એકદમ સરળતાથી પ્રગટ કરી દે છે. એમના લખાણમાંનું પાત્ર કે વાતનો ભાવ/વીચાર સીધો જ વાચકને સ્પર્શી જાય છે. વીશેષ તો એ છે કે તેમનાં લખાણોમાં ક્યાંય ડંખ જોવા મળતો નથી. સહજ વાતનું સહજ પ્રગટીકરણ !

આજનો આ સંવાદ એક દંપતીના એકબીજા પ્રત્યેના ભાવજગતને પ્રગટ કરે છે…..ને સાથે સાથે પેલા કૃષ્ણ–સુદામાના જાણીતા સંવાદ “તને સાંભરે રે ?” “હા જી મને કેમ વીસરે રે ?!!” ને પણ તાજો કરી આપે છે….

ધન્યવાદ અને આભાર, અનિલભાઈ ! – જુ.)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

ચશ્મા સાફ કરતાં વૃદ્ધે પત્નીને કહ્યું…..

આપણા સમયે મોબાઇલ ન હતા…!!

હા પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા……
હા, મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી

કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો…..

હા યાદ છે, તમે રિટાયર થયા તે પહેલાં ડાયાબીટીસ ન હતો ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર

બનાવતી ત્યારે તમે કહેતા કે આજે બપોરે જ ઑફીસમાં વીચાર આવેલો કે આજે ખીર ખાવી છે……

હા ખરેખર, મને ઑફીસથી આવતાં જે વીચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હૉય…..

અને યાદ છે તમને, હું પ્રથમ પ્રસૂતિએ મારા પીયર હતી, અને દુખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું….અને કલાકમાં તો હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા….
હા એ દીવસે મને એમ જ થયું, લાવ જસ્ટ આંટો મારી આવું….
ખ્યાલ છે તમે મારી આંખૉમાં જોઇ કવીતાની બૅ લીટી બૉલતા….
હા અને તું શરમાઇને આંખૉ ઢાળી દૅતી, એને હું કવીતાની લાઇક સમજતો…
અને હા હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી, તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક……

હા આગલા દીવસે જ ફસ્ટએડના બોક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વીચારીને લાવેલો….

તમે કહો કે આજે છુટવાના સમયે ઓફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીસું પાછા…..
હા અને તું આવતી ત્યારે બપૉરે ઑફીસની રીસેસમાં આંખો બંધ કરી મે વીચાર્યું હોય એ જ સાડી પહેરીને તું આવતી…

(પાંસે જઈ હાથ પકડીને) હા ઇલા, આપણા સમયમાં મોબાઇલ ન હતા, સાચી વાત છે… પણ આપણે બે હતાં…
હા અનુ ! આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હૉય છે… પણ ….એમને ….. વાત નહી વૉટ્સેપ થાય છે, એમને હુંફ નહી ટેગ થાય છે, સંવાદ નહી કૉમેન્ટ થાય છે, લવ નહી લાઇક થાય છે, મીઠો કજીયો નહી અનફ્રૅન્ડ થાય છે, એમને બાળકો નહી પણ કેન્ડીક્રશ સાગા, ટૅમ્પલ રન અને સબવે થાય છે….

…….. છોડ બધી માથાકુટ હવે. આપણે વાઇબ્રંન્ટ મોડ પર અને બેટરી પણ એક કાપો રહી છે…….
ક્યાં ચાલી….

ચા બનાવવા………
અરે ! હું તને કે’વા જ જતો હતો કે ચા બનાવ..
હા…. અનુ, હજુ હું કવરેજમાં જ છું, અને મેસેજ પણ આવે છે…….
(
બન્ને હસી ને…)….. હા પણ આપણાં સમયમાં મોબાઇલ ન હતા !!

 

3 comments

 1. એક સાથે જીવન યાત્રા કરી રહેલ જીવન સાથીઓ વચ્ચે સાચો પ્રેમ હોય તો એક બીજાના હૃદયની ભાષા કહ્યા સિવાય પણ જાણી શકે છે ,ચહેરાના ભાવ ઉકેલી શકે છે .અનિલભાઈએ એમની આ રચનામાં સુખી દામ્પત્યનું ઉદાહરણ રજુ કર્યું છે એ મજાનું છે.

 2. આ સંવાદે અમારા એકબીજા પ્રત્યેના ભાવજગત ના ૬૦ ઉપરાંત વર્ષોના સંવાદ ના વિચારવમળ …
  એક પ્રસંગ લખું…
  મધ્યપ્રદેશની મુસાફરી-
  પાછા વળતા રાત પડી-
  ભુલા પડ્યા-
  રસ્તાના માઇલસ્ટોન પર વંચાયુ
  ‘ચંબલ’
  તેમણે હળવેથી પુછ્યું,’ બીક લાગે છે ?’
  મેં કહ્યું,’ના,તું છેને !’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *