આજીવન શિક્ષક બુચદાદા (ન.પ્ર.બુચ)ના શબ્દો :

Posted by

દરેક પ્રદૂષિત પરિસ્થિતિ કે વ્યક્તિમાં પણ પોતાના સુધારનાં બીજ રહેલાં જ હોય છે. રાવણનો ભાઈ વિભીષણ હોય, હિરણ્યકશિપુને ત્યાં પ્રહ્લાદનો જન્મ થાય અને કૌરવોની સભામાં દ્રૌપદીને થતા અન્યાયને જોઈ વિકર્ણ સભાત્યાગ કરી જાય – આ બધા બનાવો શું આશાપ્રેરક નથી ?

એનો અર્થ જ એ કે, માનવી માત્ર મૂળગત રીતે સારપભર્યો છે. આ સત્યમાં બીજાને નહીં તો માસ્તરને તો, ખાસ કરીને એવોર્ડ પામનાર માસ્તરને તો પૂરો વિશ્વાસ હોવો જોઈએ…..

પણ માસ્તરે તો માનવીની મૂળભૂત સારપ પર પૂરી શ્રદ્ધા રાખીને શાંતિથી પોતાનું કામ કરવું જોઈએ. માનવી–માનવી વચ્ચેના નરવા સંબંધની – એટલે કે આચાર્ય–શિક્ષક વચ્ચેના; શિક્ષક–શિક્ષક વચ્ચેના; શિક્ષક–વિદ્યાર્થી વચ્ચેના; વિદ્યાર્થી–વિદ્યાર્થી વચ્ચેના નરવા સંબંધોની જે અવગણના થઈ છે તે છે. તો આપણો પ્રયત્ન પૂરી શ્રદ્ધા અને અપાર ધીરજથી એ સંબંધોને સ્થિર કરવાનો હોવો જોઈએ; જેમાં આજના ભય, અવિશ્વાસ અને સ્પર્ધાવૃત્તિ ન હોય. આ શિક્ષણ લક્ષ્યકેન્દ્રી નહીં, માનવકેન્દ્રી હોય. કોઈ એક જ શબ્દથી આ સંબંધ દર્શાવવો હોય તો, બુદ્ધ ભગવાને પ્રબોધેલો ‘મૈત્રીભાવ’ શબ્દ હું પસંદ કરું છું.

આ મૈત્રીભાવ દર્શાવતો ઉત્તમ દાખલો શ્રી કૃષ્ણ અને અર્જુનનો છે. પૂરા સત્તર અધ્યાય અને અઢારમા અધ્યાયના અઠ્યોતેર શ્લોકોમાંથી છેક ત્રેસઠ શ્લોકો સુધી પ્રસન્નતા, શાંતિથી અપાર ધીરજથી અર્જુનના અનેક પ્રશ્નો અને શંકાઓનો જવાબ આપ્યા કર્યો અને આટલી જહેમત પછી પણ તેમણે કહ્યું, “જો અર્જુન, મેં તને તારો ધર્મ યથાશક્તિમતિ સમજાવ્યો. હવે તારે શું કરવું, શું ન કરવું તે બાબતમાં : યથેચ્છસિ તથા કુરુ. તું જેમ ઇચ્છે તેમ કર.”

(તા. ૧૩ એપ્રિલ, ૧૯૯૬માં ગુજરાતના જાણીતા હાસ્યલેખક  ન. પ્ર.બુચને દર્શક ફાઉન્ડેશન તરફથી મળેલા શિક્ષણ એવોર્ડ વખતે બુચદાદાએ કરેલા સંબોધનમાંથી)

One comment

  1. યથેચ્છસિ તથા કુરુ…
    આપણા ચિતમા સહજ ઉતર આવે

    કરિષ્યે વચનં તવ !’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *