વાંચનની આચારસંહિતા

Posted by

– વિદ્યુતભાઈ જોષી

સમુદ્રમંથનમાં વાંચે ગુજરાત વિશે લખ્યા પછી ‘તો પછી શું વાંચવું ?’ અંગે અનેક ઈ-મેઈલ અને ફોન આવ્યાથી સાનંદાશ્ચર્ય થયું. વાંચનારા લોકો જીવનના પ્રશ્નોને અને વાંચનને (જ્ઞાનપ્રાપ્તિને) અલગ ગણતા હોય છે. વાંચન એ ફુરસદની અને આનંદ મેળવવાની પ્રવૃત્તિ છે તેમ માને છે. વાસ્તવમાં જીવનમાં ઊઠતા પ્રશ્નો હલ કરવા માટે પ્રસ્તુત સાહિત્ય વાંચવું જોઈએ. તેમાં પણ હવે જ્યારે જ્ઞાનસમાજ આવી રહ્યો છે ત્યારે જ્ઞાન વિના એક ડગલું પણ આગળ નહીં વધી શકાય. હવે ધનવાન કરતાં જ્ઞાનવાનનું પ્રેક્ટિકલ મહત્ત્વ વધશે. તેવા સમયે આપણે શું વાંચીએ તે દરેકે જાતે નક્કી કરવું પડે. અહીં તો માત્ર ઉદાહરણરૂપે મારી વાંચનયાત્રાની એક આછી ઝલક આપી છે.

મૂળ સવાલ પુસ્તક વાંચીને શીલવાન અથવા ચારિત્ર્યવાન બનવાનો નથી. જો પુસ્તકો વાંચ્યાથી આમ થતું હોત તો પ્રૂફરીડરો સંત થઈ ગયા હોત. સવાલ જ્ઞાનવાન થવાનો અને પુસ્તક સિવાયના સ્રોતોમાંથી પણ જ્ઞાન મેળવી શકાય તે છે. આ સંદર્ભમાં જોઈએ તો મારી વાંચનયાત્રા શાળાયાત્રા કરતાં વહેલી શરૂ થઈ હતી. દાદા સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને શિક્ષક. રોજ એક શ્લોક મોંપાઠ કરાવે પછી જમવાનું મળે. દાદાના ટેબલ પર બકોર પટેલ કે રમકડુંની ચિત્રવાર્તાથી શરૂઆત થઈ. ખુરશી પર બેસી ટેબલ પર પુસ્તક વાંચવા જેટલી લંબાઈ નહોતી તેથી ટેબલ પર પુસ્તક રાખી ઊભો રહીને વાંચતો. થાકી જવાય એટલે કોણીથી ટેબલનો ટેકો લઈ એક પગે ઊભો રહું. છ-સાત વર્ષની વયે સતત ત્રણ-ચાર કલાક વાંચતો તેવું સ્મરણ છે. પછી શરૂ થઈ ગીજુભાઈ બધેકાની-મુછાળી માની-વાર્તાઓ અને મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર તથા સોરઠી બહારવટિયા. પ્રાથમિક શિક્ષણ દરમિયાન જે કાંઈ બાળસાહિત્ય, લોકસાહિત્ય, સાહસકથા (સાગર સમ્રાટ વગેરે) કે નવલકથા મળ્યાં અને જેમાં રસ પડ્યો તે વાંચ્યું. પાંચમાં ધોરણથી પાઠમાળાની મદદથી અંગ્રેજી ભણ્યો હોવાથી આઠમા-નવમા ધોરણમાં આવ્યો ત્યારે વેકેશનમાં પેરીમેસન વાંચવાનું શરૂ કરેલું.

દસમા-અગિયારમા ધોરણમાં રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં સમાજવિદ્યા ભણાવનાર રજનીભાઈ વ્યાસ (હવે મહાદેવાનંદ) મળ્યા. ગમે તે વાંચવાને બદલે તેમેણે જ્ઞાનવર્ધક પુસ્તકો આપવાનું શરૂ કર્યું. દર્શકનું બે વિચારધારાઓ, રામધારીસિંહ, ‘દિનકર’નું સંસ્કૃતિ કે ચાર અઘ્યાય પુસ્તકો ઉપરાંત માકર્સ અને ડાર્વિન વિશે પણ વાંચ્યું. કૉલેજમાં સમાજશાસ્ત્ર મુખ્ય વિષય રાખવા માટે અમદાવાદની એચ.કે. આટર્‌સ કૉલેજમાં આવ્યો. ત્યાં મળ્યા આચાર્ય યશવંત શુક્લ. હું શું વાંચુ છે તેની દરકાર રાખે અને મર્યાદિત નહીં, વ્યાપક વાંચન કરવા કહે. સમાજવિજ્ઞાન સાથે ગુજરાતી અને હિંદી સાહિત્યમાં પણ રુચિ કેળવી. શ્રીલાલ શુક્લની નવલકથા ‘રાગ દરબારી’એ મારા પર ઘણી અસર કરી. એચ. કે. કૉલેજના સ્નાતક અભ્યાસનાં બે વર્ષ અને ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતકના અભ્યાસનાં બે વર્ષ દરમિયાન અભ્યાસક્રમને લગતાં સમાજશાસ્ત્રના પ્રશિષ્ટ ગ્રંથો વાંચ્યા. મેક્સ વેબરનું ‘પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટાલિઝમ’ ઈમાઈલ દર્ખાઈમનું ‘સ્યુસાઈડ’ વગેરે પુસ્તકો આ સમય દરમિયાન વંચાયાં. સમાજશાસ્ત્રનું ખપમાં લાગે તેવું વાંચન વધતું ગયું, સ્વાન્તઃસુખાય ફિક્શન વાંચવાનું ઓછું થતું ગયું. શિક્ષક બન્યા પછી પણ આ પ્રવાહ ચાલુ રહ્યો, પરંતુ ફિક્શન વાંચવાની મજા પડતી. રઘુવીર ચૌધરીની કથાત્રયી ગ્રામ ભારતની સમજણ કેળવવા અને જ્યંતી દલાલની શહેરની શેરી નગર સમાજની સમજણ કેળવવા વાંચ્યાં. ધીમે ધીમે સ્થિતિ એવી આવી કે મને ભારતીય સમાજના પ્રવાહોમાં રસ પડવા લાગ્યો. પાશ્ચાત્ય સમાજશાસ્ત્ર સિદ્ધાંતોનાં પુસ્તકો વડે ભારતીય સમાજના અર્થઘટનમાં તકલીફ પડતી હતી. એટલું જ નહીં, ક્યારેક આ પ્રકારનાં પુસ્તકો રસહીન લાગતાં હતાં. તો બીજી બાજુ ફિક્શન વાંચવામાં રસ પડતો, પરંતુ ભારતીય સમાજની સમજૂતી આપવામાં ફિક્શન ઊણું ઊતરતું હોય તેવું મને લાગ્યું. ફિક્શન લેખકોમાં સર્જકત્વના અભાવનો આ સવાલ નથી, પરંતુ જ્ઞાન મેળવવાની પદ્ધતિ કચાશ જરૂર લીગી. આથી કોઈ એક પ્રશ્ન વિશે જે સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ મળવું જોઈએ તે ન મળતું હોય તેવું લાગ્યું. માત્ર મનોરંજન મેળવવા માટે, સમય પસાર કરવા માટે કે સંસ્કારી દેખાવા માટે ફિક્શન વાંચવું મને જરૂરી નહોતું લાગતું.

આ સમયે પ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી આઈ.પી.દેસાઈએ પી.એચ.ડી.ના વિદ્યાર્થી તરીકે મને સ્વીકાર્યો. તેઓ ક્ષેત્રકાર્યને મહત્ત્વ આપતા અને ક્ષેત્રની માહિતીને તાર્કિક સ્વરૂપે ગોઠવી તેમાંથી સૈદ્ધાંતિક જ્ઞાન ઊભું કરવાની વાત કરતા. મારી વિચારણામાં જો તર્કદોષ લાગે તો વેધક સવાલો પૂછી ગાડી પાટે ચડાવતા. ધીમે ધીમે ક્ષેત્રમાહિતીને સૈદ્ધાંતિક સ્વરૂપ આપવામાં મને જ્યાં વિરોધો દેખાતા તેના ખુલાસારૂપ વાંચનની ટેવ પડતી ચાલી. આ સમયે મને લાગ્યું કે સમાજવિજ્ઞાનના તત્ત્વજ્ઞાનના અભ્યાસનો મારામાં અભાવ છે. આથી પાશ્ચાત્ય અને ભારતીય તત્વજ્ઞાનને ખપ મુજબ વાંચતો ગયો. રેનેસાં પછીના પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં રસ પડતો ગયો. વીલ ડુરાં અને બર્ટ્રાન્ડ રસેલ વાંચ્યા. કાર્લ પોપરના ‘ઓપન સોસાયટી એન્ડ ઈટ્રસ એનિમિઝ’ પુસ્તકે મારા પર ઘણી અસર કરી. સહેજ અચરજ એ વાતનું થયું કે માનવ સ્વભાવ અને સંગઠન સમજવામાં મારિયો પુઝોનું પુસ્તક ‘ગોડફાધર’ તથા ભર્તુહરિનું ‘નીતિશતક’(ધીક્‌ તામ્‌ ચ…) મારા મગજ પર ઘેરી છાપ છોડી ગયાં.

ધીમે ધીમે એક એવી સમજણ કેળવાવા લાગી કે ગામ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, પ્રાંત, પેટા સંસ્કૃતિ,જેન્ડર વગેરે અને પરિબળો બેકબીજાની સાથે ચાલે (કે ક્યાંક-ક્રોસ કટ કરે) તેવો સંકુલ, બંધ ભારતીય સમાજ પરિવર્તનની પ્રક્રિયા સાથે વર્ગ, શિક્ષણ, નવો વ્યવસાય, વિચારધારા, નવાં સંગઠનો વગેરેના આગમનથી ખુલ્લો સમાજ બનવા તરફ જઈ રહ્યો હતો. જૂનો સમાજ તૂટતો જતો કે વિલય પામતો જતો હતો અને નવો, મુક્ત, વર્ગ, શહેરી સમાજ ઊભો થતો જતો હતો. આવી સમજણ પાછળ નવજાગૃતિ પછી યુરોપમાં ધીમે ધીમે જે પરિવર્તન આવતું જતું હતું અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના એ મૂલ્યો તથા યુનો પ્રેરિત માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાએ ભાગ ભજવ્યો હતો. આ સમયે એક શ્રદ્ધા હતી કે લોકશાહી શાસન વ્યવસ્થાવાળા રાજ્ય દ્વારા આયોજિત વિકાસ સાધી શકાશે અને ઉપરનાં મૂલ્યો તથા માનવ અધિકારો ચરિતાર્થ થઈ શકશે.

૧૯૮૦ સુધી આ વિશ્વાસ ટકી રહ્યો. પછીઅમેરિકા પ્રેરિત લોકશાહી મૂડીવાદી ખેમામાં તથા રશિયા પ્રેરિત સામ્યવાદી એમામાં તિરાડો પડવા લાગી. માર્ક્સવાદથી આગળ સામ્યવાદને સમજવા માટે ફ્રેંક્ફર્ટ સ્કૂલ, એન્તોનિયો ગ્રામ્સી (પ્રીઝન નોટબુક્સ) તથા માનવેન્દ્રનાથ રોયના ઉદ્દામવાદી માવનવાદનાં લખાણો વાંચ્યાં. મૂડીવાદમાં પર્યાવરણ, માનવ અધિકારો તથા અનુઆધુનિક વાદે તિરાડો પાડી. પર્યાવરણનો પ્રશ્ન સમજવા ક્લબ ઓફ રોમનો અહેવાલ ‘લિમિટ્‌સ ટુ ગ્રોથ’ તથા બ્રન્ટલેન્ડ કમિશન અહેવાલ ‘અવર કોમન ફ્યુચર’ વાંચી ગયો. છેવટે નજર ઠરી ટકાઉ વિકાસ (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ) પર એટલે ‘એજન્ડા-૨૧’ ગમ્યું. મૂડીવાદી-લેસાઝફરે-વિકાસને કારણે આદિવાસીઓ, નિગ્રો, દલિતો, મહિલાઓ, ધાર્મિક તથા ભાષાકિય લઘુમતિઓ વગેરેને જે સહન કરવું પડે છે તેનો પ્રતિઘોષ તેમના સાહિત્યમાં પડે છે. તેથી દલીત, આદીવાસી તથા નારીવાદી સાહિત્યમાં રસ પડ્યો. આ બધું મનોમંથન ચાલતું હતું તે દરમિયાન અસંગઠિત શ્રમિકોના સંશોધનના ભાગરૂપે તથા નર્મદા પુનર્વસન અભ્યાસના ભાગરૂપે વિવિધ તબક્કે ત્રણેક વર્ષ પછાત ગ્રામીણ વિસ્તારોના ગરીબો-ખેતમજૂરો-જંગલ મજૂરો તથા વિસ્થાપિતોની સાથે રહેવાનું બન્યું. ૧૯૮૦ સુધી રાજ્ય દ્વારા સંતુલિત વિકાસમાં રહેલો વિશ્વાસ ૧૯૮૪-૮૫ આસપાસ કડડભૂસ કરતો તૂટી પડ્યો. ઈવાન ઈલીચનાં ‘ડિસ્કુલિંગ સોસાયટી’ જેવાં કેટલાંક પુસ્તકોનું વાંચન ચાલતું હતું ત્યાં ગરીબી નાબૂદીના અભિગમો અંગેના પુસ્તકોની તપાસ કરતાં હાથ લાગી ગયું પાઉલો ફ્રેરેનું ‘પેડાગોજી ફોર ધ ઓપ્રેસ્ડ !’ તેના કહેવા મુજબ રાજ્યસત્તા, દાનસત્તા અને જ્ઞાનસત્તા શોષણનાં માળખાંઓ છે. ગરીબો મોટી સંખ્યામાં છે. તેમની પાસે સંખ્યા સત્તા છે. પરંતુ આ બહુસંખ્ય લોકો પોતાના વિકાસ માટે સંગઠિત નથી. આથી તેમનામાં સંચેતના લાવી, સંગઠિત કરી વિકાસ પ્રક્રિયામાં તેમની ભાગીદારી નહીં થાય ત્યાં સુધી વિકાસ પ્રક્રિયા ગરીબો વિરોધી અને તેથીબિનટકાઉ રહેશે. આ વાતે લોકશાહી અને સામ્યવાદનાં મૂલ્યોને જોડી દીધાં. ભારતમાં પણ ભાગીદારીનાં ઘણાં પુસ્તકો લખાયાં. અત્યારે એ સમજૂતી પર ઠહેરાવ આવ્યો છે કે ટકાઉ વિકાસ, પર્યાવરણ, માનવ અધિકારો અને લોકભાગીદારીના વિષયો અને તેનાં વિશેનું વાંચન અત્યારે મને રુચે છે. (સૌજન્ય : ‘કોડિયું’ નવેમ્બર ૨૦૧૦)

 

 

3 comments

 1. You have taken above article from KODIYU magazine. I would like to go through above magazine. Whether above magazine is still in existence ? If yes, please let me know where to subscribe for that. Thanks and with regards. Expecting a reply.

  1. * ટપાલથી મગાવવા માટે ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા, વાયા સોનગઢ, જિ. ભાવનગર
   * ઓનલાઈન ઈબુકરુપે મગાવવું હોય તો
   કોડિયું કાર્યાલય,લોકભારતી સણોસરા, જિ. ભાવનગર, પીન: ૩૬૪૨૩૦ / ફોન પર : શ્રી પ્રશાંત મહેતા : ૯૮૭૯૪૦૭૫૮૨

   આભાર સાથે – જુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *