સરયૂ પરીખની રચના : ‘પ્રેરણા’

Posted by

સરયૂ પરીખ

પ્રેરણા
તું આવી, ને  રૂહમાં  સમાણી,
એક કમનીય કવિતા લખાણી.
મંત્રમુગ્ધ હું મુશાયરામાં બેઠી,
હું ઊઠું, તો કેમ ઊઠું?

નવા કાગળ કલમ મેં વસાવ્યાં,
એને મધુરા કવનથી સજાવ્યાં.
એ કોરા કાગળિયાની સ્યાહીને,
હું ભૂસું, તો કેમ ભૂસું?

મારા હૈયાના તારને હલાવી,
એમાં ગણગણતાં ગુંજન મિલાવી.
એ મનગમતા ગોપિત ગાણાને,
હું વારું, તો કેમ વારું?

સમીર સ્પર્શ્યો ને ગુલમહોર મ્હોર્યો,
ઝુલો, હાલ્યો ને પાલવડો લહેર્યો.
હવે જગને જઈ હું શું રે જણાવું,
હું બોલું, તો શું બોલું?

રંગ રૂસણાં લઈને જાવું હાલી,
સાદ આવ્યો ને ફરીને હું મ્હાલી.
સખા શબ્દોએ લાગણી પિછાણી,
હવે રૂઠું, તો કેમ રૂઠું?
——

Inspiration – પ્રેરણા આવે અને કવિતા લખાઈ જાય, મનના મુશાયરામાં ખોવાઈ જવાય.
પછી તેને રોકવાની કેમ ? અને કઈ રીતે તેના પ્રત્યક્ષીકરણની દ્વિધા અને વિમાસણમાંથી બહાર અવાય?
આ તો ગાલિબે વર્ણવેલી પ્રણયની જ્વાલા જેવું છે. જેમ પ્રેમમાં પડવું એ સહજ છે, તેના પર જોર નથી ચાલતું. તેમ સર્જન કાર્યને રોકવાનું જોર નથી ચાલતું. મીઠી રકઝક ચાલે છે. સર્જનનો આનંદ ફરી ફરીને સ્પર્શ કરી જાય છે.
www.saryu.wordpress.com
saryuparikh@yahoo.com

2 comments

  1. સખા શબ્દોએ લાગણી પિછાણી,
    હવે રૂઠું, તો કેમ રૂઠું?
    યાદ
    વ્હાલ અપાર ઉમટે સખા,
    ટેરવા નિતરે સખા.આ બે ભાવથી તમે શરૂઆત કરશો તો પછી તમે આત્મભાવમાં આવશો. પહેલાં દાસભાવ, જેમાં મર્યાદા, સન્માન જળવાય છે. પછી કાન્તાભાવ. ભયથી દૂર થવા માટે કાન્તા, સખા, તે રૂપના પ્રેમમાં આવી જાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *