શ્રી કિશોર મોદીની એક વીશેષ રચના !

Posted by

મુઠ્ઠી ખોલું, હાથ ઠાલા નીકળે (તો ?)

એ રીતે દિવસો અમારા નીકળે (તો ?)

 

વ્યંજના વૈશાખી તેં દઈ દીધી, પણ,

હે વિધાતા, આંસુ કોરાં નીકળે (તો ?)

 

અબઘડી ઇપ્સિત સુધી હું પ્હોંચું, પણ,

સ્વપ્ન સહુ મારાં નગુણાં નીકળે (તો ?)

 

હા, પ્રતિબિંબો વમળનાં હોય, પણ,

જળસ્થળે સૂરજ આ રાણા નીકળે (તો ?)

 

આમ માણસ જેવું કંઈ વરતાય, પણ,

આમ પડછાયા અદેખા નીકળે (તો ?)

 

વાણી તો નજરૂલની લઈ આવું, પણ,

ચિત્તભ્રમ શબ્દો અબોલા નીકળે (તો ?)

 

– કિશોર મોદી

(તેમના કાવ્યસંગ્રહ ‘જલજ’માંથી સાભાર)


2 comments

 1. અબઘડી ઇપ્સિત સુધી હું પ્હોંચું, પણ,
  સ્વપ્ન સહુ મારાં નગુણાં નીકળે (તો ?)
  ખૂબ જાણીતી રચનાની સુંદર પંક્તિ
  કોઈ દ્વિધા આવે ત્યારે આવા કોઈ ઉચ્ચ કોટિના સંત, સાધુ પુરુષ, વિદ્વાન, શાણા પુરુષ, સમજદારની પાસે જાવું. એ ન મળે તો કોઈ ઉત્તમ ગ્રંથનું શરણું લેવું. અને એવુંય કાંઈ ન બને તો અંતરમાં બેઠેલા પરમાત્માનું શરણું લેવું. અને એ કેવી રીતે કરવું ?

  તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિન:

 2. સાચે જ સમજવી પડે તેવી એક વિશેષ ગઝલ.

  વાણી તો નજરૂલની લઈ આવું, પણ,
  ચિત્તભ્રમ શબ્દો અબોલા નીકળે (તો ?)
  વાહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *