શારદાવંદના !

Posted by

અમે તમારાં શિશુ સદાનાં

– શ્રી યોગેશભાઈ ભટ્ટ (પુર્વ અધ્યાપક–ગૃહપતી લોકભારતી સણોસરા)

 

અમે તમારાં શિશુ સદાનાં… વંદ્ય શારદામાતા !

માટીદળથી… કમલદલે… લઈ જાઓ.. મંગલદાતા !

 

જનની-ઉદરે નાભિ-નાળથી પ્રથમ સુણ્યો તમ સાદ,

પછી મળ્યાં તમ શ્વાસ-ધબક, જલ-અન્ન, કૃપા-વરસાદ;

તમે જીવાડો, તમે રમાડો, સર્જો સૌ મન-સ્પંદન,

બાહ્યાંતરની ભાષા-વિદ્યા તમે દિયો… મા ! વંદન !

ગ્રહો અંગૂલિ, જગે પછી છો અવળ વાયરા વાતા !                               – અમે તમારાં.

 

શી શોભા અભિરામ… માત ! તમ શુભ્ર-ધવલ તેજોમય !

વીણાનો રણકાર કલામય સપ્ત મધુર સુરોમય !

જ્ઞાનસંહિતા, જપમાલા સહ પુષ્પ કમલનું સોહે,

વરદ હસ્ત… ને આત્માનંદી સુધાપાત્ર મન મોહે !

પદ્મ-મયૂર-હંસે સોહ્યાં શાં સુંદર-શુચિ સુજાતા !                      – અમે તમારાં.

 

જીવનવાટે પગલાં ભરવા પૂરી કોશિશ કરીએ,

નજર ચૂકતાં-ભૂલાં પડતાં… અડવડીએ-આથડીએ;

સંયોગો પ્રતિકૂળ મળે.. ને થાકી-હારી જઈએ,

જોઈ સ્વયં-મર્યાદા વળી… કદી પસ્તાવે કરગરીએ !

દિયો પાત્રતા-વર કલ્યાણી ! સત્ત્વામૃતને પાતાં !                                – અમે તમારાં.

 

સદ્દવિદ્યા એવી મળજો… જે સહુને રક્ષે-પોષે,

વિકાસ સર્વાંગીણ સાધે, ના કોઈ કોઈને શોષે;

ભૂખ્યાં-તરસ્યાં-ખુલ્લાં… જેને કશે ન ઘરનો છાંયો,

પીડિત-અપમાનિત-ઉપેક્ષિત… એની સાહે બાંહ્યો !

ઝંખા… વિદ્યા-માતકૃપાથી સહુ હો મુક્તિ-સુહાતાં !                 – અમે તમારાં.

 

કર્માંગો-દિલ-દિમાગ અમ સૌ સંતુલિત રહી ચાલે,

(જે) ધરતી સંગે સજીવસૃષ્ટિને સદા સેવી રહે વહાલે !

સ્નેહ-ક્ષમા-ધૃતિ-જ્ઞાન-કુશળતા-નિષ્ઠા-હિંમત મળજો !

મેલ-સ્વાર્થ… ને વેર-હિંસ્રતા-જૂઠ-અજ્ઞતા ટળજો !

કલા-ઔષધી આપી..શીખવો..સુરીલ જીવન-ગીત ગાતાં !- અમે તમારાં.

 

બહાર-ભીતર દુનિયા સંકુલ દ્વિધા-કસોટી લાવે,

સંસારી નવરંગ મનોહર લગાવ મન ઊભરાવે;

કર્મજાળ-સંકટ-દુઃખ-મૃત્યુ ગૂઢ-આકરાં ભાસે,

જુલમ-ભ્રષ્ટતા-ન્યાયવિહીનતા આશાદ્વારો વાસે !

જાડ્ય કરો નિઃશેષ, પારસસમ જગવિધાત્રી ગુરુમાતા !        – અમે તમારાં.

 

બ્રહ્માંડે પૃથ્વીઘર દુર્લભ નીલ-રમ્ય-હરિયાળું,

(એ) શોષી-વાઢી કર્યું ઊજડ, અતિ ઉષ્ણ, ધૂમિલ, કચરાળું;

(અવ) આતંકી-લોભી આવેગો દાગે સ્ફોટક ઝગડા,

(છે) દુષ્કાળો, ઝંઝા-ભૂકંપ-પૂર-લાવા-રક્તિમ્‌ રગડા !

અમે ભૂલ્યાં સંજીવની સહુનાં… એક પ્રકૃતિ-માતા !                               – અમે તમારાં.

 

(આ) ધરતીજીવન માગે નક્કર વાસ્તવનું વિજ્ઞાન,

(ને) ભીતરના પથ અગમ્ય કાજે હો ચેતનનું જ્ઞાન;

જીવનવિદ્યા-આતમવિદ્યા સમરસ થઈને ફળજો,

ત્રિકાલનાં સુખ-દુઃખ પરમના પરિચયમાં જઈ ઢળજો !

બુદ્ધિ સહ દ્યો સમસંવેદન… પરદુઃખભંજન-શાતા !                                – અમે તમારાં.

 

મા ! તમ નવ પ્રતિરૂપ ભોળિયાં ઘર-ઘર રમવા આવે,

જનની-મંદિરે ગર્ભગૃહમાં જ એને ઘણાં હણાવે !

કંઈક વળી જનમીને રૂએ કાંટ-ઊકરડે-ખાડે,

જીવી ગયાં તો અત્યાચારે-સળગ્યાં ચીસો પાડે !

(અવ) વીજલવેગે રક્ષો… મા! થઈ તેજલ રાતાંમાતાં !       – અમે તમારાં.

 

મૂઢ રૂઢિ, સંકુચિત જડતા, વહેમ, નીંભરતા જીવે,

કાલજીર્ણ વટ-વસ્તર… મુખિયા પશુબળ-બખિયે સીવે !

શ્રમિકતણી પરસેવા-શ્રી કંઈ ટોચે બેઠા લૂંટે;

ઊભાં ખેતર રોળ્યાં… કપટી ધંધાના ઘણ-ખૂંટે !

(અવ) શુચિર્દક્ષ નેતૃ દો… વસંતી જ્ઞાનપંચમી માતા !        – અમે તમારાં.

 

કાળ પિંઢારી ? લાંચ-લૂંટ-દુષ્કર્મ-દગા ને હત્યા,

અંધેરી નગરી… ખુરશી કંઈ ગૂનાહિત-અસત્યા !

હિંદમાત-આઝાદીનાં દુઃશાસનો લૂગડાં વીંખે,

પ્રજારાજના ગારદ ગજને ગ્રાહ-ગીધડાં પીંખે !

(અવ) પ્રબળા ભીમા-વિજયારૂપ ત્રાટકો ભૈરવી માતા !       – અમે તમારાં.

 

હજી વૈખરી-ભાંખોડિયાં… ને જાવાનું… બહુ દૂર,

પીયૂષ-પય પાજો.. માવલડી ! પ્રગટે તપબળ શૂર !

રમવા છૂટાં પડ્યાં બાળને… સાંજે ઘરની યાદ,

થાક, ઠેસ.. ને અંધારે અમ ‘ઓ મા! ઓ મા’ સાદ,

ખોળે-સ્કંધે લિયો માત ! ધૂળિયાં શિર થપથપાતાં !              – અમે તમારાં.

 

સત્ત્વ-શુદ્ધિ, કરુણા…ને સમતા, વ્યાપક સેવા-ચાહ,

કુશળ શાણપણ, સખ્ય-સાધના, પરમ મૂલ્યનો રાહ,

ત્યાગ-સિદ્ધિ… કંઈ દિયો… માતૃકા ! છો લાગે અતિ લાડ;

તમ ટેકાથી જ અહીં અવતારો ઊંચકી લે છે પહાડ !

અસત્‌-તમસ-મૃત્યુ પલટો… સત્‌-જ્યોતિ-અમૃત-દાતા !     – અમે તમારાં.

 

રામ સત્ય-સૌજન્ય, કૃષ્ણની કુશળ ધર્મતત્ત્પરતા,

બુદ્ધ શીલ-સમ્યક્તા, મહાવીરી જીવદયા… ને સમતા;

ઈસુખ્રિસ્તનાં સ્નેહ-ધૃતિ, જરથોસ્તી શાંતિ-શુદ્ધિ,

સંત-મહાત્મા.. સહજ સ્નેહ, ધર્મીલી ક્રાંતિ-બુદ્ધિ;

મા ! પયગંબરી અંશ દિયો… અમ ભવફેરે અટવાતાં !      – અમે તમારાં.

 

ખાન-પાન… કંઈ વસન-આશરો દેજો… ગબડે ગાડું…,

(ને) અભાવમાં મસ્તી-સમતામાં કશું ન આવે આડું !

ફરજ-કર્મ ના છૂટે મૈયા! આસક્તિ ના બાંધે,

તન-મન દેજો સ્વસ્થ-નિરામય (જે) જીવ-શિવને સાંધે !

માનવતા સહ સ્થિતપ્રજ્ઞતા… દેજો દિવ્ય પ્રમાતા !                               – અમે તમારાં.

 

સદા વત્સલા કરુણામયી રહી સૌમ્ય મુદિતા ધારો,

ક્ષમારૂપ ધારી જગજનની ! હેતે આપ સુધારો;

પણ કો’ રાક્ષસ-રાક્ષસી રહીને સદા જીવનમૂલ રોળે…

તદા તમારું દુર્ગા-ચંડી-કાલીનુંય રૂપ કૉળે !

(અવ) ખડ્‌ગ-ચક્ર સહ ત્રિશૂલે ધાઓ..સિંહસવાર થઈ તાતાં !- અમે તમારાં.

 

કાચાંપોચાં મંન અમારાં… કાલીઘેલી વાણી;

સરસ્વતી ! ભગવતી ! ભારતી ! બ્રાહ્મી ! વીણાપાણિ !

શ્રુતદેવી ! શ્રીદેવી ! વિદ્યાદેવી ! અૈં ! સુષુમ્ણા !

ત્રિપુરા ! વાગીશ્વરી ! પરાત્પરા ! પરમચિતિ ! જગદમ્બા !

(અમ) લૂલી જિહ્‌વા શબ્દાતીતની કેમ બને ઉદ્દગાતા ?   – અમે તમારાં.

 

ઊંડા પાણી, વમળ-ખડક, પ્રતિકૂળ વહેણ.. ને મોજાં,

(અમ) અશક્ત થાક્યાં તન-મન પર શા મોહ-મદીલા બોજા !

કુંડલિની ! હે પ્રજ્ઞા પારમિતા ! મિનરવા ! આવો…

મહાલક્ષ્મી ! ભુવનેશ્વરી ! જૈની ! શિવા !વૈષ્ણવી! આવો!

ગાયત્રી ! સુમતિ ! હો ભવસાગર-થાક્યાંનાં ત્રાતા !

 

અમે તમારાં શિશુ સદાનાં… વંદ્ય શારદા માતા !

માટીદળથી… કમલદલે લઈ જાઓ… મંગલદાતા !

—————————————————————-

તા.૧૧/૬/૨૦૧૧-૧૮/૬/૨૦૧૧,

સિદ્ધચક્ર ફલેટસ્‌, કે.કે.એવન્યુ, ભાવનગર-૧. મો. ૯૪૨૮૯૭૫૨૧૭

(આ કૃતિ મા સરસ્વતીજીનાં સ્વરૂપ-વૈવિઘ્યના વિશિષ્ટ ઉપાસક-સંપાદક આ.શ્રી મુનિશ્રી કુલચંદ્ર વિજયજી મહારાજને… સાદર-સ્નેહપૂર્વક અર્પણ.)

એક માતૃદેવી સ્વરૂપનેઅન્ય દેવી સ્વરૂપો સાથે સાંકળીનેય વર્ણવવા-ઉપાસવાની આપણી પરંપરાની અસર અહીં સ્વીકારી છે. બીજમંત્ર ઐ, સુષુમ્ણા શ્વાસનાડી, કુંડલિની શક્તિ, પ્રજ્ઞા પારમિતા (બુદ્ધધર્મ કથિત ઊંચી જ્ઞાનબુદ્ધિ), મિનરવા (ખ્રિસ્તીજગત) વ. ઉલ્લેખો પણ સરસ્વતી-સંબંધિત ગણાયા છે.

—————————————————————–

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *