હસ્તરેખા વળી શું ?

Posted by

યામિની વ્યાસ

 

પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?

સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

 

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;

મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?

 

નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;

કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?

 

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;

અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?

 

જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,

ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?

3 comments

 1. ઘણા બ્લોગોમા ઘણા પ્રતિભાવો નેળવેલી આ ગઝલ…
  અમે જે રજુ નથી કરી શક્યા તે અમારી દિકરી યામિનીની ગઝલ (ઓડીઓમાં) મૉનાબેને, તેની ૫૦મી વર્ષગાંઠે રજુ કરી હતી
  અને
  સુ શ્રી જયશ્રીબેને રજુ કરી
  ધન્યવાદ.
  આ ગઝલના જેવું જ જીવન છે તેનું અને સહજરીતે આ ગઝલનો જન્મ થતા પણ અમે માણ્યો છે.
  મેં હસ્તરેખા ઘણી વાર તપાસી છે. ઉકેલતાં નથી આવડતી તેમ છતાં મારી હસ્તરેખાને મેં સમયસમયાંતરે બદલાતી જોઈ છે… જે રેખાઓ અધૂરી લાગતી હતી એ ધીમેધીમે જાણે પોતાના નિશ્ચિત મુકામે પહોંચીને પૂરી થતી હોય એવું હવે અનુભવી શકું છું.
  હસ્તરેખામા અમે માનતા ! અમારી ચાર દીકરીઓમા સૌથી મોટી દીકરીના લગ્નની ફીકર થતા સુરત નાણાવટના પ્રખ્યાત જ્યોતિષીને બતાવ્યું.તેણે સહજ રીતે કહ્યું કે સારું ભવિષ્ય છે . તેનો ટાંટીઓ તુટશે પછી લગ્ન થશે! ત્યાર બાદ તેને ગરબા હરીફાઇમા પાટણ જવાનું થયુ..આણંદ ચોકડી પાસે અકસ્માત થયો . તેને મહાગુજરાત હોસ્પી.નડીઆદમા દાખલ કરી . અમે બારડોલીથી ખબર કાઢવા પહોંચ્યા .ખબર પડી કે ફક્ત ડાબા પગની ટચલી આંગળી પર ક્રેક ફ્રેકચર ! અમને આનંદ થયો કે ટાંટીઓ ટૂટ્યો ! પંદર દીવસ બાદ અમદાવાદ -ટાઉનહોલમા નૃત્ય નાટીકા ભજવવા જવાનું હતુ ! હાડવૈદ્યના કહેવા પ્રમાણે નૃત્ય કર્યું.તેની માના પાત્ર ભજવનારી ન આવી શકી તો મેં પાત્ર ભજવ્યું અને મધ્યાંતરમા પ્રેક્ષક- અમારા જમાઇએ અમારી સાથે વાત કરી અને અમદાવાદમા ચિ પરેશ નોકરી કરતો હતો તે ફાયરસ્ટેશન પાસે લગ્ન…
  ત્યારે પણ ચિ યામિની માનતી-
  પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
  સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
  માણો ગાયકી
  હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ | ટહુકો …
  tahuko.com/?p=9541
  Translate this page
  Aug 8, 2010 – સ્વર – સ્વરાંકન : શૌનક પંડ્યા This text will be replaced પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું? સમાયું છે જીવન અહીં.

 2. યામિનીબેનની ખુબ જ ભાવવાહી ગઝલ વાંચીને અને ઓડિયોમાં સાંભળીને આનંદ થયો.

  પ્રજ્ઞાબેનની ” હસ્ત રેખા ” વિશે એમણે રજુ કરેલી જાત અનુભવની પૂર્વ ભૂમિકા પણ રસસ્પદ છે.કોઈક વાર જ જ્યોતિષીઓ સાચા પડતા હોય છે.
  કાગડાનું બેસવું અને ડાળીનું તૂટવું ! એના જેવું છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *