મેળો…

Posted by

મનના મેદાને આ જામ્યા છે મેળા ને મેળામાં લોક નવાં આવ્યાં છે ભેળા.

સગપણના ચક્ડોળ તો હારે ને હારે,
બચપણથી ફરતાં રોજ રેશમને તારે.
વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે,
ને ગણગણતાં ઊમટે જેમ સાગરકિનારે.
લઈ મોજાં સમ ઘેલા આ જામ્યા છે કેવા, લો, મનના માંડવડે આ ઉમટ્યા છે મેળા.

ક્યાંક ઇચ્છાના રંગીન બે ફુગ્ગાઓ ફૂટે,
ને બર્ફીલા ઠંડા ગાર ગોળાઓ છૂટે.
આ ફૂટવા, છૂટવાની વચ્ચે એક હાલતો,
લોલક શો હિંચકો તો હૈયું હલાવતો,
ટકરાતાં ટોળાંથી, અળગા સવેળા, તો ઠમકારે મહાલે ભીતરના આ મેળા..

વાળુ વેળાએ મેળો વિખરાતો જાય,
ગોળ ગોળ ચકરાવો વિરમાતો થાય,
પલમાં તો લોક સૌ અલોપ થતાં  જાય,
બાંધેલી ધમણો પણ ઓસરતી થાય,
ત્યાં હળવા મૂકેલા મારગ અલબેલા, ત્યાગી જે માણે  માયાના આ મેળા….

One comment

 1. માયાના મેળાની અદભુત વાત !
  મનના મેળા અને જીવતરના મેળાની વાત સમજાય છે.
  વાળુ વેળાએ મેળો વિખરાતો જાય,
  ચકરાવા થંભાતા જાય,,
  એટલે મૃત્યુ ટાણે,
  બધા અલપ થતા જાય
  અને
  ધમણ પણ ઉંચીનીચી થતી એ ઓસરતી જાય !
  ગુઢ સત્ય ત્યાગી જે માણે માયાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *