લોકસાહિત્યમાં સિંહ અંગેના દુહા

Posted by

સંપાદન : કૃણાલ ડી. બારૈયા (‘વનદીપ’ ) સાવરકુંડલા / સૌજન્ય : રાજેશ પટેલ

હાકલ દીએ હિરણ્યમાં એની રાવળ સુધી રાડય;
સિંહણ જાયો છેડતા વડી વમાસણ થાય.

બાકર બચ્ચા લાખ, લાખે બિચારાં;
પણ સિંહણ બચ્ચું એક, એકે હજારાં.

જે હાથે હાથી હણ્યા મેડક કેમ હણાય ?
કામિની કહે કંથડા, તો તો સિંહણદૂધ લજાય.

હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજર ફરે,
પછી વયની વાતું નો હોય કેસર બચ્ચાને કાગડા.

ગિર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,
સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ.

ભડાં ભડ ભડકી જતાં, ઘટાટોપ ગર્ય ઘીંસ,
વનરાઇયુંમાં વિચરે, ચાંપલિયો નરસિંહ.

પંડ મોટું ને પગ લુલો, તળપે હથ્થા ત્રીસ,
ડણકે ગિરના ડુંગરે, ચાંપલિયો નરસિંહ.

મરદ તને મારવા કંઈ ભટકયા સોરઠ ભૂપ;
ચાંપલિયો સ્વર્ગે ગયો, રૂડી વનરાઈનું રૂપ.

કળજગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે,
સાવઝની પથારીએ, શિયાળિયા મોજું માણે.

સાદુળા જે સિંહ, છ મહિના છોડે નહીં;
દાતા એના દિહ, જીવો એ ઝાઝું જાણજો.

ગજ હણવાના ગર્વથી, અધિક કરે ઉતપાત,
સાવજ તું શૂરો ખરો, તદપિ તામસ તાત.

ભડ કેસર ને ભૂટિયો, બે આવ્યા બાથે,
પડ લીધાં પૃથ્વી તણાં, સોરઠને માથે.

ધર ધીંગી, ગરવો ધણી, માઢુ ધીંગામજજ;
નકળંક કેસરી નીપજે, ધીંગા ખોખડધજજ.

નીચી દૃષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય,
સિંહ લાંઘણો કરે, પણ ખડને નો ખાય.

લાંઘણ હો તો લાય, મગદળ કુંજર મારવા;
ઈ ખડને નો ખાય, સાચું સોરઠિયો ભણે.

સાદુળો પિંજર પડયો, ભૂલે ન આપ સ્વભાવ,
જદ જદ અવસર સાંપડે, બમણો ખેલે દાવ.

કંથ મ જાઓ કવલખે, સિંહ છેડયો મ જાય,
સિંહણ જાયો છેડતાં, વડી વમાસણ થાય.

તું જાયો સિંહણ તણો, કેવાણો સિંહણકંથ;
ભડ ભારથે ભીડતા, પગ પાછો ન ભરે પંથ.

ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ;
સવા બે હાથનું પૂંછ, વકરેલો વનનો ધણી.

ગેલી સિંહણ બાવરી, એહા સિંહા કેરી સીમ,
ઝાડ ગળા સો ગળ રહે, એવું વન છોડણ નીમ.

સસલાં, તેતર, નાર, વગડે જઈ તગડે બધાં,
પણ સાવજ તણા શિકાર, કોક’જ ખેલે રાજિયા.

પોતાના પગ ઉપરે, જેને ભરોસો ઘણો,
સાવજ ન સંઘરે, કાલનું ભાતું કાગડા.

સતી ને શૂરની માતા, સંત ને ભકતની પ્રસુતા;
કેસરી સિંહની જનેતા, તને નમન સૌરાષ્ટ્રની ધરણી.

 

4 comments

 1. સિંહ વિષે દુહા- મઝાનું સંકલન
  પણ વૈજ્ઞાનીકોની વાત નોખી છે! બધી લોકોક્તિઓ સાચી હોતી નથી.મેં નેશનલ જીયોગ્રાફી અને ડીસ્કવરી ચેનલ્સ પર સિંહો ના ફેમીલી લાઈફ અને જીવન વિષે ઘણું જોયું છે.ગીર માં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો.લોકકવીઓ સિંહો ને પણ છોડતા નથી.
  * સિંહ સિંહણ ની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી.તદ્દન ખોટી વાત છે.સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે.ખાસ તો સિંહ ના ટોળાં માં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે.પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મુકે છે.પછી લહેર થી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે.સિંહ ભાગ્યેજ શિકાર માં જોડાય છે.ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે.ટોળાં સિવાય એકલા રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે.ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મુકવામાં આવે છે.ટોળાં નો માલિક સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાં નો માલિક બની જાય છે.અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે.એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવ ના જોખમે સિંહ નો સામનો કરે છે,પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે,અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે.છે ને હૃદય દ્રાવક?કુદરત ના રાજ્ય માં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમી માં આવીને પેલા સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે

  1. લોકસાહીત્ય છે એટલે માન તો આપવું પડે ને ! બાકી સીંહને સાવ નજીકથી જોઈએ તો કેટલો ગંદો તે લાગે છે તે જોવા જેવું હોય છે !! એનો ચહેરા પરનો વાળનો જથ્થો અને ચહેરા પરના ઓઘરાળા જોવાય ગમે એવા નથી હોતા !! પક્ષીઓમાં પણ નર સુઘરો, કહે છે કે નાના અર્ધા બનેલા માળા પર બેસીને હીંચકતો હોય છે તે સાચું હોય તો તેય આળસુ હોય છે…..

   મેં તો ખેતી કરતાં કુટુંબની બહેનોને જોઈ છે….વહેલી પરોઢીયે જાગીને રાતે મોડે સુધી કામ કરતી જ હોય છે જ્યારે પુરુષો ચોરે બેઠેલા જોવા મળે !! નરમાં એક માત્રા ઉમેરીએ ત્યારે નાર બને છે ! નારીની વંદના કાંઈ અમથી નથી થઈ !!

   તમારી ટીપ્પણી માટે આભાર.

 2. શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલનો આ અંગેનો સરસ લેખ લખાયો છે….

 3. જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

  સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
  કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *