‘બંસરીના બે બોલ’નું રસદર્શન

Posted by

સુંદરમ્ નું ‘મારી બંસીમાં 

– દેવિકા ધ્રુવ

 

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી
 વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં
 કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી
 પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી
 સોણલું બતાડી તું જા.  …મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો
 દડૂલો રમાડી તું જા,
ભૂખી
 શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને
 જમાડી તું જા. …મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની
 સેરે ઉતારી તું જા,
મનના
 માલિક તારી મોજના હલેસે
ફાવે
 ત્યાં એને હંકારી તું જા.  …મારીo

– સુંદરમ્

 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટિના અગ્રણી કવિ એટલે સુંદરમ્. સુંદરમ્ તેમનુ ઉપનામ . તેમણે એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ લખ્યું છે.

વિરાટની પગલીમાં પ્રભુદર્શન કરાવ્યું છે તો પુષ્પતણી પાંદડીમાં પ્રકૃતિ સહિત પરમતત્ત્વની અદભૂત વાત પણ કરી. આવા મહાન કવિ

સુંદરમની ઉપરોક્ત કવિતા ખુબ કર્ણમંજુલ અને મનોહારી છે.

‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા’થી શરૂઆત કરીને, જરાક રમતિયાળ રીતે એક ઊંચો અનેઅસામાન્ય વિષય આરંભ્યો છે અને તરત જ ‘મારી વીણાની વાણી જગાડી તું જા’ કહીને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતાભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને કઈ વીણા એના

ઘટસ્ફોટની ભાગ્યે જ જરૂર રહે છે . એક સંસારી કવિને મન અહીં કવિતાની બંસી કે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની  આધિ-વ્યાધિ અને સંઘર્ષ પણ અભિપ્રેત હોય  તેમ લાગ્યા વગર રહેતું નથી. છતાંયે લેશમાત્ર દર્દનો સૂરસંભળાતો નથી. એટલું જ નહિ, ત્રણે અંતરા તો જુઓ ?

 ઈશ્વર ક્યાં જવાબ આપવાનો છે ? એમ વિચારી પાછા કવિ પોતે જ મઝાના ઉપાયો પણ સૂચવે છે.  એકઅતિ પ્રેમાળ માનુનીની જેમ

ઉલાળી, ડોલતા ડોલતા, રીસાતા, રીઝાતા, મરકતા, સરકતાકહે છે કે,

‘ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, 

પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા.’ 

કેટલી વર્ણાનુપ્રાસભરી મધુર લયાત્મક્તા અને કેટલીઆબેહૂબ ચિત્રાત્મકતાથી ભરીભરી પંક્તિઓ છે ! પિયાનું સંબોધન કરી ઈશ્વરને પલાળવાની  તે કેવી પ્રેમભરી પ્રયુક્તિ !

પછી બીજા અને ત્રીજા અંતરામાં   સુંદર લયમાં નાગદમનની, શબરીની, નૈયાપારની વગેરે પ્રખ્યાતઅને ચમત્કારિક વાર્તાઓની યાદ અપાવીને, શબ્દે શબ્દમાં મીઠાશ વેરીને ‘તારે તારવા હોય તો તું કોઈપણ રીતે તારી  શકે છે.’ એવી પોતાની અંતરની શ્રધ્ધા વ્યકત કરી દીધી છે. અહીં કવિ ખુદ મથે છે,સ્વયંને  સમજાવે છે અને સફળ પણ થાય છે. તેથી  તો છેલ્લે ‘મનના માલિક તારી મોજના હલેસે, ફાવેત્યાં એને હંકારી તું જા’ કહી સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. સમર્પણની સાથે સાથે પોંડિચેરીના આશ્રમનાએક સાધકની સાચી અનુભૂતિનો રણકાર સંભળાય છે. કવિતા માત્ર નિજાનંદે લખાયેલ નથી તે પરખાય છે.સમાજને એક ઉંચો અને ગર્ભિત સંદેશ મળે છે કે, ફાવે ત્યાં હંકારાતી લાગતી  હોડીને આખરે યોગ્ય રીતેઅને યોગ્ય સ્થાને, માલિક  પાર પાડશે. સફળ જીવનની ચાવી સમું  મનોબળ અને આત્મ-શ્રધ્ધા ખુબસહજ રીતે પ્રગટ થયાં છે; જે ભાવકના મનમાં દ્રઢપણે અંકિત થઈ જાય છે.

આખા યે કાવ્યમાં શરુઆતથી એક નક્કી વિષયને પકડીને એને ક્રમિક રીતે ઉઘાડ મળતો ગયો છે. કોઈદુન્યવી કારણોસર શાંત અને અચેતન થયેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે પરમના આધારની અપેક્ષાઅને અરજનો સ્પષ્ટ ભાવ લઈને કવિની કલમ આગળ ગતિ કરી રહી છે. લય, રૂપકો, સંકેતો, ચિત્રાત્મકતા,અલંકાર, ઉચિત શબ્દ-પ્રયોગો, ખળખળ વહેતા  ઝરણા  જેવો મઝાનો વર્ણાનુપ્રાસ અને  આ  બધાની  વચ્ચેભાવભર્યું

કર્ણપ્રિય  સંગીત જાણે ગૂંજતું  રહ્યું છે. સૃષ્ટિના સૌંદર્યને જેણે સંપૂર્ણપણે માણ્યું છે, પ્રિયપાત્રને જેણેપ્રખર સહરાની તરસથી ઝંખ્યું છે અને પરમ તત્ત્વને જેણે સમર્પિત થઈ વાંછ્યું છે   વ્યક્તિ આવીઉત્તમ, કાવ્યત્વથી ભરીભરી કલાત્મક રચના સાહિત્ય-જગતને આપી શકે. વાંચતા વાંચતા અને વાંચ્યા પછીપણ ગણગણવું ગમે તેવા મઝાના  ગીત/કાવ્યના સર્જકને અને તેમના કલામય કવિકર્મને સો સો સલામ.

 

 

4 comments

 1. મધુરા સૂરમા માણેલા ભાવવાહી ભજનના મધુરા મધુરા રસદર્શનથી આંખ ભીની થઇ
  સુ શ્રી દેવિકાબેનને વિનંતી કે અમારા સ્વ મુ શ્રી નરેશભાઇના ભજનનું પણ જરુર ભાવવાહી રસદર્શન કરાવે

 2. સુન્દરમ રચિત મને ગમતી એક પ્રાર્થના- ગીત

  જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.
  ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
  આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો
  અમને રડવડતાં શીખવાડો … પ્રભુ હે
  વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
  વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
  અમને ઝળહળતાં શીખવાડો … પ્રભુ હે
  ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,
  જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,
  અમને મઘમઘતાં શીખવાડો … પ્રભુ હે
  ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
  હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,
  અમને ગરજંતા શીખવાડો … પ્રભુ હે
  અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
  સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,
  અમને સ્થળ સ્થળમાં વરસાવો … પ્રભુ હે
  – સુન્દરમ્

 3. મારા બાપુજીને અરવિંદ ઘોષ બહુ પ્રિય હતા. એટલે એમની સાથે ઘણી વખત સુંદરમને મળવાનો મોકો મળ્યો છે. આ રચના મારી પણ માનિતી રહી છે. રસ દર્શન ગમ્યું.
  ———-
  એમને મળ્યાની એક યાદ –

  https://gadyasoor.wordpress.com/2006/09/21/sundaram_mulakat/

  અને વાંસળી વિશે રવીન્દ્રનાથ ઠાકુરની એક રચના અને તેની પર મારા વિચારો…

  વીજ કડાકે વાંસળી વાગે
  સાંભળવી શું સહેલ?
  જિંદગીના એ સૂરને ઝીલવા
  કર મને કાબેલ!!

  – ગીતાંજલિ

  વીજ કડાકો અને વાંસળી?

  હા! શુધ્ધ વીજ્ઞાનના તર્ક અને સંશોધન પ્રમાણે પ્રોટીન એ પૃથ્વી ઉપરના સઘળાં સજીવોના કોશનો મુળભુત ઘટક છે. પ્રોટીન તેના મુળ ઘટક નાઇટ્રોજનનું અત્યંત જટીલ સંયોજન છે.

  નાઇટ્રોજન હવામાં સૌથી વધુ પ્રમાણમાં રહેલો, અને સૌથી વધુ નીષ્ક્રીય વાયુ છે. બળબળતી ભઠ્ઠીમાં પણ નાઇટ્રોજન સંયોજીત થઇ શકતો નથી. તો આ નાઇટ્રોજનનું આટલું જટીલ સંયોજન બને શી રીતે? અત્યંત ઉંચા ઉષ્ણતામાને જ નાઈટ્રોજન સંયોજેત થઈ શકે છે.

  જ્યારે વીજળી થાય, ત્યારે તેના ગર્ભમાં લાખો અંશનું ઉષ્ણતામાન પેદા થાય છે. અને આટલા ઉષ્ણતામાને જ ઓક્સીજન સાથે નાઇટ્રોજન સંયોજીત થઇ શકે છે; આમ નાઈટ્રોજન અને ઓક્સીજનના સંયોજનમાંથી બનેલા નાઈટ્રોજન વીવીધ ઓક્સાઈડો પૃથ્વી પરના બીજા રસાયણો સાથે મળી વધુ જટીલ ક્ષારો બને છે અને તેમાંથી જ જાત જાતના પ્રોટીનો બની શકે છે.

  માટે પૃથ્વી પર સજીવ સૃષ્ટીનું એક મુળ વીજળી છે.
  હવે સમજાયું ને કે, જ્યારે વીજળીનો કડાકો બોલે છે, ત્યારે જીવનના પાયાનું પ્રથમ તત્વ પ્રગટ થાય છે?

  મહાકવીએ એને વીભુની વાંસળીની ઉપમા આપી તે યથાર્થ છે ને?

  વીજળી અને વાંસળી, વીજ્ઞાન અને ધર્મ , એકમેકના પુરક છે.

  1. સુરેશભાઈ તો વળી અનોખું ને મજાનું લઈ આવ્યા !! ખરેખર સરસ વાત મુકી છે. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *