સ્વ. શ્રી નરેશ જોષીનાં ભજનોની ઝલક

Posted by

નોંધ : મુ. બહેનશ્રી પ્રજ્ઞાબહેન એમના વ્યક્તીત્વના ભાગરુપે અવારનવાર કેટલીક બહુ કીમતી સામગ્રી સૌમાં વહેંચતાં રહે છે. તેમણે એક મેઈલ દ્વારા આ ભજનોનો રસથાળ મોકલી આપેલો. એમાંની લેખકની પ્રસ્તાવના સહીત એક ભજન પણ રજુ કરીને માતૃભાષા વતી મુ. દીદીનો આભાર વ્યક્ત કરીને સ્વ. લેખકશ્રીને ભાવાંજલી અર્પું છું.

આંતરગુંજન  ~

(૧૧૧  ભજનોના સંગ્રહની પ્રસ્તાવના)

અહીં જે કાંઈ આલેખાયું છે તે મારા સહજ ભાવોનું દ્યોતક છે.એમાં સ્વપ્રયાસને બહુ  ઓછું સ્થાન છે. વર્ષોની સાધના પછી જે કાંઈ ઉદ્ગત થયું, તે અહીં ભજન પે આકાર પામ્યું છે. મને મારાં પોતાના લખાએલ ભજન ગાવાં વધુ ગમે છે; કારણ, ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મ્ય સધાતાં ભજનના ભાવમાં ભિંજાવાનું સહજ બને છે. આ “આંતરગુંજન“ માં મારા આ પહેલાનાં કાવ્યપુસ્તક ‘આંતરનાદ’નાં કેટલાંક ભજનોનું પુનરાવર્તન થાય છે, એ દૃષ્ટિએ કે આ એક કાવ્યગ્રંથ ન બનતાં સાચા અર્થમાં એક ભજનસંગ્રહ બની રહે. મારાં ભજનો મારાં આંતરભાવોનું દર્શનમાત્ર છે. વાચકમિત્રોને એમાંના થોડા પણ ભાવોના સહભાગી બનાવી શકું તો હું મારી જાતને કૃતકૃત્ય થએલ માનીશ. આથી વિશેષ હું શું કહું  ?                                                                                                                                                                                     નરેશ જોષી

–––––––––––––––––––––––––––––––––––––––––

       

વીણાવાદિની વરદે !

તવ સુમંત્રથી મુખરિત વિલસિત

જલ-થલ-નભ કર દે … વરદે !

વીણાવાદિની વરદે !

ઉર ઉર નિવસિત અમર પ્રાણદા,

અતુલ શક્તિદા, વિમલ ભક્તિદા,

મુક્તિપ્રદા ! અમ માત જ્ઞાનદા !

દીન-હીન સંકીર્ણ સ્વાંતના

મલિન સ્તરો હર દે … વરદે !

વીણાવાદિની વરદે !

જ્ઞાનહીન અમ આત્મ સકલમાં,

ક્ષમા -ભાવહીન અંતરતરમાં,

ભર સુગંધ અમ અંગ-અંગમાં,

કર પ્રદાન તુજ જ્યોતિ મંગલા,

તવ શિશુ ઉર ભર દે … વરદે !

વીણાવાદિની વરદે !

2 comments

  1. ધન્યવાદ
    તેમની સાથે ગાતા ભજનોમાથી થોડા ભજનો તેમના સૂરમા સાચવવાનો પ્રયત્ન થયો.
    જડશે તો મોકલશુ.તેઓની કહેલી વાત યાદ આવે છે–‘ પ્રજ્ઞાબેન તમે સુર-તાલ મા ભુલો કરો છો પણ તમારામા ભાવ છે તેથી સંગીત સભામા ન ગાઇ શકો પણ પ્રભુ પાસે જરુર ગાશો…
    તે ભાવનો જ ભુખ્યો છે.

  2. ખરેખર ખૂબ જ ભાવભરી રચના છે. ભજન કરતાં તો વિશેષ સ્તુતિ-ગાન છે. અંતરતલમાંથી આવતા આ લયબધ્ધ શબ્દોમાં મધુરતા અને અસરકારકતા બંને ભારોભાર છે. કદીક આનું પણ રસદર્શન જરૂર કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *