યામિની વ્યાસનાં બે કાવ્યો

Posted by

 હરણ માત્ર એક માત્ર જ

 યામિની વ્યાસ

 

છે મમતાનું જગમાં ઝરણ માત્ર એક જ,

અને યાદ આવે શ્રવણ માત્ર એક જ.

 

ઉદાસીનું છે વિસ્તરણ માત્ર એક જ,

હૃદયમાં વસે છે એ રણ માત્ર એક જ.

 

તને ભૂલવા યુગ ઓછા પડે પણ,

તને પામવાની તો ક્ષણ માત્ર એક જ.

 

સતાવે છે મૃગજળ અહીં સૌને કિન્તુ,

મરે દોડી દોડી હરણ માત્ર એક જ.

 

ભણેલા ભૂલી જાય સઘળું કદાપિ,

બધું જાણનારો અભણ માત્ર એક જ.

****************** 

શક થઇ જાય છે

 – યામિની વ્યાસ

 

કેટલો મોટો ફરક થઇ જાય છે !

સૂર્ય ના હોવાનો શક થઇ જાય છે !

 

સૌ અવાજો, આકૃતિઓને હણી,

શૂન્યતાનું દળકટક થઇ જાય છે.

 

રોશનીએ તો જુદા કીધા હતા,

એ અહીંયા સૌ ઘટક થઇ જાય છે.

 

કંઇ નથી તો માત્ર દરિયો ઘુઘવે,

ને નજર એમાં ગરક થઇ જાય છે.

 

ઓગળે રંગો પછીનું એ જગત,

જે નથી તેની ચમક થઇ જાય છે.

 

સ્વપ્નમાં શું ! જાગતા જોયું છે મેં,

આ તમસ જાણે ખડક થઇ જાય છે.

 

આ તિમિર પણ યામિનીમનને ગમે,

જાણે ઇશ્વરની ઝલક થઇ થઇ જાય છે.

 

3 comments

 1. ૧ આ રચના માણતા યાદ આવે કાવ્ય
  અભણ અમરેલવીએ કહ્યું

  યુદ્ધો, યાતનાશિબિરો, હોનારતો
  હાહાકારો
  હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
  ભૂખમરો
  મોત……..
  આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
  હશે.
  આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
  કેમકે આ તો અભ્યાસક્રમની બહારનો સવાલ છે!

  શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
  બીજે દિવસે કતલખાને હડસેલાય
  એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
  શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
  તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
  કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
  -આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

  હું અભણ છું
  મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
  ગધેડીનો ના કહું તો શું કરું?

  પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
  અને માતા
  આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
  તેની મને ખબર છે…….

  આ ખબરની સાક્ષીએ
  હું શંકાનો લાભ આપીને
  સર્જકને કહું છું ઈશ્વર.

  હું ઈશ્વરને માફ નહિ કરું
  પણ સર્જક્ને ઈશ્વર કહું છું
  માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!
  -રમેશ પારેખ
  ..પ્રતિભાવો મા
  Vinod R. Patel
  November 24, 2014
  કવિયત્રી યામિનીની કાવ્ય રચના કેટલી ભાવવાહી છે !
  Sharah Shah
  November 24, 2014
  Adding little more….
  માટીના માનવીએ ભર્યો અહમ માત્ર એક જ;
  કબીર, મીરાં, કૃષ્ણ જેવું મરણ માત્ર એક જ
  devikadhruva
  November 24, 2014
  વિચારતા કરી મૂકે તેવી સુંદર રચના
  ૨ શક થઇ જાય છે ઘણા બ્લોગ પર માણેલી આ સ રસ રચના
  સ્વપ્નમાં શું ! જાગતા જોયું છે મેં,
  આ તમસ જાણે ખડક થઇ જાય છે.
  આ તિમિર પણ ‘યામિની’ મનને ગમે,
  જાણે ઇશ્વરની ઝલક થઇ થઇ જાય છે.
  ઇશ્વરની ઝલક અ નુ ભ વ વા ની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *