ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૭ની પ્રથમ બેઠકનો અહેવાલ

Posted by

– શૈલા મુન્શા

જાન્યુઆરી ૨૦૧૭ની સાહિત્ય સરિતાની પ્રથમ બેઠક ૨૨મી જાન્યુ.ના રોજ, સુગરલેન્ડના કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવી હતી. ૧૭૦મી આ બેઠકનુ આયોજન સરિતાના નવા નિમાયેલ હોદ્દેદારોએ કર્યું હતું. 

શ્રી સતિશભાઈ પરીખ-પ્રમુખ

શ્રી નીતિનભાઈ વ્યાસ-ઉપ પ્રમુખ

શ્રી મનસુખભાઈ વાઘેલા-ખજાનચી

શ્રી અશોકભાઈ પટેલ-સલાહકાર

નવા વર્ષની પ્રથમ બેઠકનો શુભારંભ શ્રી નિખીલભાઈએ સરસ્વતી વંદનાથી કર્યો.

પ્રમુખ શ્રી સતિશભાઈએ સહુનુ સ્વાગત કરતાં નવા વર્ષની શુભકામના વ્યકત કરી અને સભા સંચાલનનો દોર આ સભાના સંચાલક શ્રી અશોકભાઈને સોંપ્યો.

આરંભમાં ફતેહ અલીભાઈ કે જેઓ સામાન્ય રીતે હિન્દીના વિખ્યાત કવિની સુંદર રચના પોતાના પ્રભાવશાળી કંઠે સંભળાવવા માટે જણીતા છે, તેમણે આ વખતે ગુજરાતીના જાણીતા ગઝલકારોની ગઝલ જેમા રદિફ-કાફિયા મળતા નથી એની રજૂઆત કરી અને પોતાની જિજ્ઞાસાનું નિરાકરણ કરવા એનું કારણ શું એવો સવાલ પુછ્યો. જેનો જવાબ શ્રીમતી દેવિકાબેને, (જેમણે ગઝલ વિશે ઊંડો અભ્યાસ કર્યો છે) સરળ ભાષામા ‘હમરદીફ-હમકાફિયા’ જણાવી પોતાના વક્તવ્ય દરમ્યાન સમજાવ્યો.

શ્રી ધીરૂભાઈએ પાનખર અને વૃદ્ધાવસ્થા પર પોતાના વિચારો રજૂ કર્યા. શ્રી ચીમનભાઈ પટેલ જે પોતાનાં વ્યંગ અને હાસ્ય કાવ્યો અને ગઝલ રજૂ કરવા માટે જાણીતા છે, એમણે રતિલાલ બોરીસાગરની લઘુકથા વાંચી સંભળાવી. શ્રી પ્રકાશભાઈ મજમુદાર જે સાહિત્ય સરિતામાં “વોઈસ ઓફ મુકેશ” તરીકે જાણીતા છે, એમણે શ્રી કૈલાસ પંડિતની રચના પોતાના મધુર કંઠે સંભળાવી.

શ્રીમતી શૈલા મુન્શાએ “પતંગ” કાવ્ય સંભળાવીને જીવન પણ પતંગની જેમ આત્મબળ ને સ્વમાન સાચવી હંમેશાં અવકાશમાં ઊંચે ને ઊંચે લહેરાય છે વિશેની તાત્વિક વાત કરી. શ્રી અશોકભાઈ દરેક વક્તાના વક્તવ્ય બાદ પોતાની વિશેષ ટીપ્પણી રજૂ કરી સભાનો માહોલ વધુ રસમય બનાવતા હતા.

શ્રી હસમુખભાઈ પટેલે “સ્મૃતિ અને શ્રુતિમાં માનુ છું અને વસંત અને પાનખર એકબીજાનાં પૂરક છે” તે વિશે વાત કરી. શ્રી ભગવાનદાસભાઈએ શ્રી મહેન્દ્ર મેઘાણીના એક પત્ર વિશે વાત કરી.

શ્રીમતી દેવિકાબેને ગત બેઠકથી એક નવું અભિયાન શરૂ કર્યું છે. પોતાની સ્વરચિત કૃતિ રજૂ કરવાને બદલે કાવ્યોના જુદા જુદા પ્રકાર વિશે સરળ ભાષામાં માહિતી આપવાનુ શરૂ કર્યું જે આપણા સહુ સાહિત્યરસિકો અને સર્જકોને કવિતા લખવા કે સમજવામાં વિશેષ માર્ગદર્શન આપશે. આ વખતે એમણે સોનેટ કાવ્ય વિશે માહિતી  આપી.  સોનેટ  ઈટાલીથી  આવેલ  કાવ્ય પ્રકાર છે અને ૧૪ પંક્તિમાં આ કાવ્ય લખાય છે. ૧૮૮૮માં કવિ શ્રી બળવંતરાય ઠાકોરે “ભણકારા” કાવ્ય રચીને ગુજરાતમાં સૌથી પ્રથમ સોનેટનું અવતરણ કરાવ્યું વગેરે જણાવ્યું.  બ્લોગજગતના શ્રી આતાના અવસાન પર શબ્દાંજલિ રૂપે એક કાવ્ય પણ  તેમણે રજૂ  કર્યું.
શ્રીમતી પ્રવીણાબહેન કડકિયાએ મકરસંક્રાંતિ વિશે વાત કરી. ફિરકી
, માંજો અને પતંગને સત્ત્વ, તમસ અને રજસ સાથે સરખામણી કરી પોતાના વિચારો રજૂ કર્યાં. શ્રીમતી નીરા શાહે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ વિશે પોતાના વિચારો વાંચી સંભળાવ્યા. શ્રી દીપકભાઈએ  વેબ ગુર્જરી પર પ્રકાશિત થયેલ નીતિનભાઈ અને દેવિકાબહેન દ્વારા મીરાંબાઈના ભજન પરના રસદર્શન વિશે માહિતી આપી. નીતિનભાઈ ખૂબ સંશોધન કરી જુદા જુદા ગીતકાર દ્વારા ગવાયેલાં આ પદોને આપણી સમક્ષ લાવે છે, એ ખૂબ ઉમદા માહિતી પૂરી પાડે છે.
શ્રી અશોભાઈએ એક
  સ્વરચિત હાઈકુ સંભળાવ્યું. શ્રી સતીશભાઈએ ઉત્તરાયણ પરનું એક કાવ્ય સંભંળાવ્યું. શ્રી વિનોદભાઈ પટેલે આગામી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે એપ્રિલ માસમાં હ્યુસ્ટનમાં થનાર છે એની પુસ્તિકા સહુને આપી, સાથે સાથે સાહિત્ય સરિતાના સભ્યો પણ કોઈ ફિલ્મની પટકથા લખે, કે એ દિશામા આગળ વિચારણા કરે એ વિશે વાત કરી.

અંતમાં, મોરપિચ્છની કલગી સમું અને સોનામાં સુગંધ ભળે એવું અનોખું, અમારા સહુના વડિલ અને ૯૬ વર્ષે એક યુવાનને પણ શરમાવે એવા સ્ફુર્તિલા શ્રી ધીરુભાઈનું સન્માન (યજમાનો અને તેમના કુટુમ્બીજનો સિવાય બધા માટે તે સરપ્રાઇઝ હતું) કરવાનું હતું. આ સમગ્ર વિધિ એમના સહુ સ્વજનોની હાજરીમાં કરવામાં આવી. હાલમાં જ ધીરુભાઈની ૯૬મી વર્ષગાંઠ બી એ પી એસ મંદિરમા ઊજવવામાં આવી હતી, અને સાહિત્ય સરિતાના યજમાનોને પણ આપણી આ બેઠકમાં તેમનું ૯૬મી વર્ષગાંઠ નિમિતે સન્માન કરવાની ઇચ્છા હતી તેથી આ પ્રસંગની તક ઝડપી લઇને તેમનુ સન્માન વડિલ નીતાબહેન મહેતા અને ઉપપ્રમુખ નિતિનભાઇ વ્યાસના હસ્તે શાલ અર્પણ કરી ને કર્યું.

ધીરુભાઈના પુત્ર શ્રી દિનેશભાઈ એમનાં પત્ની શ્રીમતી હેમંતીબહેન, એમની પુત્રી દક્ષાબહેન તથા એમના પતિ શ્રી નીલેશભાઈ વગેરે સહુ પરિવારજનો આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં હતાં. ધીરુભાઈની તંદુરસ્તીનુ રહસ્ય જણાવતાં દિનેશભાઈએ કહ્યું કે “ચાલવું અને લખવું એ જ એમની પ્રવૃત્તિ” અને એમનો જીવનમંત્ર “ફાવશે, ગમશે અને ચાલશે” જેના કારણે એમને ક્યાંય પણ સહજતાથી ભળી જવામાં તકલીફ નથી પડતી. શ્રીમતી દેવિકાબહેને ધીરુભાઈના દીર્ઘાયુ માટે કાવ્યરૂપી શબ્દાંજલિ અર્પણ કરી. પ્રમુખ શ્રી સતીશભાઇ પરીખે સાહિત્ય સરિતાના તમામ સભ્યો તરફથી દિર્ઘાયુષ્યની પ્રાર્થના કરતો સંદેશો પાઠવ્યો. અંતમા ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈએ સહુનો આભાર માનતા બેઠકની સમાપ્તિ કરી. 

આ બેઠકનો તમામ ખર્ચો (અલ્પાહાર સાથેનો) આ બેઠકના યજમાનો શ્રી દીપકભાઇ ભટ્ટ, ફતેહઅલીભાઈ ચતુર, નિખિલભાઈ મેહતા, મનસુખભાઈ વાઘેલા અને સતીશભાઈ પરીખે ઉઠાવેલો અને ગીતાબહેન, મંજુબહેન તથા ચારુબહેને  પ્રેમપૂર્વક બધાને પીરસેલ રગડા પેટીસ અને કાજુકતરી ના સ્વાદીષ્ટ અલ્પાહારની જ્યાફત માણી સહુ છૂટાં પડયાં.

એકંદરે ૨૦૧૭ની આ પ્રથમ બેઠક વિષય વૈવિધ્ય અને સન્માન ને કારણે રસવંતી બની રહી.

અસ્તુ,

– શૈલા મુન્શા  તા૦૧/ ૨૮/૨૦૧૭

SATISH PARIKH (પ્રમુખ, ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હુસ્ટન)

 

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *