હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૯મી બેઠકનો અહેવાલ

Posted by

 

– શ્રી નવીન બેન્કર

(‘માતૃભાષા’નાં પાનાં ઉપર રચનાત્મક લખાણો ઉપરાંત વૈષ્વીક ગુજરાતઓના જુદાજુદા કાર્યક્રમોને પણ પ્રગટ કરીને સૌને એકબીજાના સંપર્કે રાખવાના પણ પ્રયત્નો કરવાનો હેતુ હોઈ આજે એક સક્રીય પ્રવૃત્તીને રજુ કરું છું….આશા છે આના અનુસંધાને અન્ય કાર્યક્રમોને પણ પ્રગટ કરવાનું શક્ય બનશે.– જુ.)

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષ ૨૦૧૬ની આખરી બેઠક (નં.૧૬૯) ૧૮ ડીસેમ્બર ને રવિવારની બપોરે, Eldridge Park Community Center,  2525 Eldridge Road, Sugar Land ના સભાગૃહમાંયોજવામાં આવી હતી.

આ વખતે, પ્રથમ બે કલાક સાહિત્યસર્જન અંગે અને પછીના બે કલાક “જનરલ બોડી મીટીંગ” માટે ફાળવવામાં આવેલ હતા.

બરાબર બપોરના એક વાગ્યે સંસ્થાના પ્રમુખ શ્રીમતિ ડૉક્ટર ઈન્દુબહેન શાહે આવકાર પ્રવચન કર્યું અને ભાવનાબહેન દેસાઈએ સરસ્વતી વંદનાથી શરૂઆત કરી.

સંસ્થાના એક બુઝુર્ગ સભ્ય અને કવિશ્રી. ગિરીશભાઈ દેસાઈનું, ૮૬ વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયા અંગે સૌ સભ્યોએ પ્રથમ બે મિનિટનું મૌન  પાળ્યું હતું.  ત્યારપછી ગુ.સા.સ.ના નવા, આકર્ષક અને સાહિત્યસભર બહેનર હેઠળ સભાનો પ્રારંભ થયો.

સૌ પ્રથમ ચીમનભાઈ પટેલે, ‘એવી ખબર થોડી જ હોય’ એ શીર્ષક હેઠળ એક હઝલ સંભળાવી. ભાવનાબહેન દેસાઈએ,  પોતે જ સ્વરાંકન કરેલ, સંસ્થાના જ એક સભ્ય કવયિત્રી દેવિકા ધ્રુવની કવિતા ‘પૂરવનો જાદૂગર” મધુર કંઠે ગાઈ સંભળાવી.

દેવિકા ધ્રુવે, મોનોઈમેજ કાવ્યપ્રકારનાં ઉદભવ, તેના ક્રમિક ઈતિહાસ અને આ કાવ્યપ્રકાર અંગે ટૂંકમાં ખૂબ સરસ વાતો કરી. સાથે સાથે, શ્રી મધુ કોઠારી અને પ્રીતમ લખલાણીનાં મોનોઈમેજ કાવ્યો ઉદાહરણ તરીકે રજૂ કર્યાં.

વિજયભાઈ શાહે એક સ્વરચિત ટૂંકી વાર્તા વાંચી સંભળાવી અને સ્વ. ગિરીશ દેસાઈ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા.

મુકુંદભાઈ ગાંધીએ ‘પ્રેમ’ અંગેની કેટલીક હાસ્યપ્રેરક વ્યાખ્યાઓ અને ટૂચકા રજૂ કરીને શ્રોતાઓને હસાવ્યા.

પ્રેમ એટલે ‘આવી જા’થી ‘આઘી જા’ સુધીની સફર.

પ્રેમ એટલે  ‘તારા જેવી કોઈ  નથી’ થી ‘ તારા જેવી સેંકડો જોઈ છે’ સુધીની સફર.

પ્રેમ એટલે ‘માની જા’થી લઈને  ‘તેલ પીવા જા’ સુધીની સફર.

પ્રેમ એટલે ‘આમ આવો’ થી ‘આઘા જાવ’ સુધીની સફર… અને…એવું તો કંઈક…..

‘ગુજરાત ગૌરવ’ના તંત્રી શ્રી.નુરૂદ્દીન દરેડિયાએ, શકુર સરવૈયા લિખિત એક કાવ્ય રજૂ કર્યું હતું. શૈલા મુન્શાએ, ‘વીતેલી ક્ષણો…જીવનસંધ્યા..કોરી કિતાબ.. ઝૂરાપો.. વગેરે વિષયક હાઈકુ વાંચી સંભળાવ્યા. શ્રી. સુરેશ બક્ષીએ રાબેતા મુજબ કેટલાંક મુકતકોની લ્હાણ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા તો ફતેહ અલી ચતુરે, પ્રેમ અને ઈર્ષ્યા વિશેની  શૂન્ય પાલનપુરીની એક ગઝલ રજૂ કરી હતી. શ્રી. કિરીટ ભક્તાએ પણ પોતાની એક કૃતિ રજૂ કરી હતી. શ્રી. પ્રશાંત મુન્શાએ, સ્વ, ગિરીશ દેસાઈના કાવ્યસંગ્રહ ‘મારી મનોગંગા’માંથી  એક રચના સંભળાવી હતી.

ભારતીબહેન મજમુદારે  અવસાનના બે સમાચાર અને બે પૌત્રીઓના જન્મ અંગેના સમાચાર આપ્યા હતા. હ્યુસ્ટનના મૂકેશ ગણાતા શ્રી. પ્રકાશ મજમુદારે મૂકેશનું એક સદાબહાર ગુજરાતી ગીત ‘આપણ સૌએ, હરતાં ફરતાં પિંજરા, ઉપર બનાવ્યો મોર રૂડો ને એમાં ભર્યા નર્યા ચીંથરા રે….’ રજૂ કરીને શ્રોતાઓની વાહ વાહ મેળવી હતી. શ્રી. મનસુખ વાઘેલાએ  વોટ્સ એપ પર આવેલ એક હિન્દી વાતનું ગુજરાતી ભાષાંતર વાંચી સંભળાવ્યું હતું. તો પ્રમુખ શ્રીમતિ ઈન્દુબહેન શાહે  ચિત્ર પરથી રચેલ એક ફોટોકુ રજૂ કર્યું હતું. સંસ્થાના સેક્રેટરી કમ ખજાનચી એવા શ્રી. સતિષ પરીખે ‘જીવન નીકળતું જાય છે’ જેવા શબ્દો વાળું એક કાવ્ય વાંચ્યું હતું. અને સ્વ. ગિરીશ દેસાઈ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા હતા.

શ્રી. મુકુંદ ગાંધીએ, કલાકુંજ સંસ્થાના ઉપક્રમે અગિયારમી ફેબ્રુઆરીના રોજ યોજાયેલા એક, નૃત્ય અને સંગીતના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં, ‘જનરલ બોડી મીટીંગ’ અને ૨૦૧૭ના વર્ષ માટેની કમિટી નીમવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું. સેક્રેટરી અને હિસાબનીશ એવા સતિષ પરીખે ૨૦૧૬ના વર્ષના નાણાંકીય હિસાબોનાં લેખાંજોખાં સમજાવ્યાં.  પ્રમુખ શ્રીમતિ ઈન્દુબહેન શાહે ૨૦૧૬ના વર્ષ દરમ્યાન પોતાની કમિટી દ્વારા સંપન્ન થયેલા કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. ૨૦૧૬ના વર્ષ દરમ્યાન હ્યુસ્ટન સાહિત્ય સરિતામાં ખ્યાતનામ સર્જકો નીલમ દોશી, પન્ના નાયક, ભાગ્યેશ ઝા, બળવંત જાની તથા અનિલ ચાવડા પધાર્યા હતા તે સમગ્ર બાબતોને આવરી લેતો વાર્ષિક અહેવાલ  સૌની જાણકારી માટે સરસ રીતે રજૂ કર્યો હતો.

સતિષભાઈ પરીખે વર્ષ દરમ્યાન વિવિધક્ષેત્રે સાથ આપનાર સૌ સભ્યો અને ખાસ તો આજની બેઠકમાં સહાયભૂત થનાર સૌ મિત્રોનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના અંતમાં, સર્વાનુમતે ૨૦૧૭ના વર્ષ માટે નીચે પ્રમાણે કમિટીની રચના કરવામાં આવી :

(૧)  શ્રી. સતિષ પરીખ,  પ્રમુખ – ડાબી બાજુ આગળ ઊભા છે. (૨) શ્રી. નિતીન વ્યાસ, ઉપપ્રમુખ – ડાબી બાજુ પાછળ ઊભા છે. (૩)  શ્રી. મનસુખ વાઘેલા, ખજાનચી/હિસાબનીશ – જમણી બાજુ આગળ ઊભા છે. (૪)  શ્રી. અશોક પટેલ, સલાહકાર. – જમણી બાજુ હાથમાં પેપર સાથે ઊભા છે.

એકંદરે હ્યુસ્ટન માટે અસાધારણ ઠંડીના આ દિવસે પણ ઘણા સાહિત્યરસિકોએ હાજરી આપી બેઠકને મજાથી રીતે માણી હતી.

સામૂહિક ફોટો લીધા બાદ સૌ વિખરાયા હતા. અસ્તુ.

– નવીન બેંકર (ગુજરાતી સાહિત્ય સરીતાના ૨૦૧૬ના હોદેદારો – ડૉ. ઈન્દુબહેન શાહ – પ્રમુખ, પ્રવીણાબહેન કડકિયા – ઉપ પ્રમુખ, સતીશભાઈ પરીખ – સેક્રેટરી/ખજાનચી વતી.)

 

 

One comment

  1. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનો અહેવાલ આપીને સરસ કામ કર્યું, જુગલ કિશોર ભાઈ! ગુજરાતી ભાષાના સંવર્ધન માટે ગુજરાતી સાહિત્ય સરિતાનું અનોખું યોગદાન રહ્યું છે.
    ગુજરાતી સમાજ અને સાહિત્યમંડળો ઠેર ઠેર સક્રિય તો છે, છતાં યે વિશ્વભરનાં મહાનગરોમાં વસતાં ગુજરાતીઓ આમાંથી પ્રેરણા લઈ શકે. તેથી યે વિશેષ, ભારતીય નગરોમાં વસતા ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ તો ખાસ પ્રેરણા લે. ઘણી જગ્યાએ આવી સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલે છે, પરંતુ તેને ખાસ દિશા અને વેગ આપવાની જરૂર નથી લાગતી?
    ગુજરાતી સમાજોની સેવા નોંધનીય છે, પણ ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન સાથે સંવર્ધનના વિશેષ પ્રયત્નોની જરૂર જણાય છે.
    ગુજરાતી સાહિત્ય સરિતાના સર્વ સભ્યોને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *