ધનસુખ ગોહેલનો એક જીવંત અનુભવ

Posted by

યુનુસ ને હું 

– ધનસુખ ગોહેલ                                                                                 

……………ઘણા સમય પછી હું ભાવનગર ગયેલો એટલે મને એમ થયું કે આજ તો પગપાળા આંટો મારવો છે ને જુના ભાવનગરને જોવું છે.ચારેક દિવસ ભાવનગર રોકવાનો હતો.મને થયું કે હલુરિયા ચોકથી દિવાનપરા થઇ ને ખાર દરવાજે પહોચવું છે.હું તો પગપાળા ચાલતો ચાલતો જોતો જાઉં કે આ રહી મેડી ત્યાં બાળકોના ડો.અશોકભાઈ બક્ષી બેસતા,આ ડો.સિનોર,દાંતના ડો.નું કલીનીક,અહી ડો.પટવારી બેસતા,આ ડો.બટુકભાઈ ગાંધી (હાલમાં જ્યાં એમના દીકરી પ્રજ્ઞાબેન નું કલીનીક છે)બેસતા ,આ ડો. ગજ્જર નું દવાખાનું,અહી ડો.ભીમાણી બેસતા ને અહી પોપટભાઈ કાચ વાળા ની દુકાન હતી,જ્યાંથી મેં મારા મકાનનું બાંધકામ ચાલતું હતું (૧૯૭૩)ત્યારે કાચ ખરીદ્યાં હતા.આમ બધું જોતો જોતો ખાર દરવાજા થી પરત આવતો હતો.હું બાર્ટન લાઈબ્રેરી જેવો પહોચ્યો એવો પાછળથી અવાજ આવ્યો,”ઉભા રહો…ઉભા રહો.”મેં પાછું વળી ને જોયું તો ૫૦ વરસની આસપાસ ની ઉમરના એક ભાઈ સ્કુટર પર આવે.મને થયું કે હશે કોઈ બીજું એને સાદ કરતા હશે.પણ એ ભાઈએ તો મારી પાસે સ્કુટર ઉભું રાખ્યું.મેં તો વિસ્ફારિતથઇ ને એમની સાથે હાથ મેળવ્યા.મેં કહ્યું મેં આપને ઓળખ્યા નહિ.મને કહે કે હું યુનુસ જેને તમે સર.તખ્ત સિંહ હોસ્પીટલથી જોગીવાડની ટાંકીએ મૂકી ગયા હતા તે.

આછું આછું યાદ આવ્યું કે મારા મકાનનું બાંધકામ સરદાર નગરમાં ૧૯૭૩ માં ચાલતું એ વખતે રોજ સવારે પાણી પાવા સાયકલ પર ખીજડા વાળી શેરીથી જતો.ખીજડા વાળી શેરીથી નીકળી સર તખ્તસિંહજી હોસ્પિટલ ને ગોપનાથ મેટર નિટી પાસે થઈને કાલુભા રોડ નીકળાતું ત્યાંથી સરદાર નગર જવાતું.

હા. હવે પાકું યાદ આવ્યું.હું બરાબર મારા એક સંબંધી ના ખબર પૂછીને સરદાર નગર જતો હતો ને જોઉં તો દસેક વરસનો છોકરો બહાર રડતો હતો.મેં પૂછ્યું કે કેમ લ્યા રડે છે?તો કહે મારા મમ્મીને અહી દવાખાને દાખલ કર્યાં છે ને હવે હું ભૂલો પડી ગયો છું.મારે ઘેર હું કેમ પહોચીશ?મેં પૂછ્યું કે તારા પપ્પા સાથે નથી?એણે કહ્યું કે મારા પપ્પા મને મુકવા આવતા હતા પણ મેં કહ્યું કે તમે મમી પાસે બેસો.હું ઘેર પહોચી જઈશ. ક્યારનો આંટા મારું છું પણ હવે રસ્તો મળતો નથી.

મેં પૂછ્યું તું તારું ઘર ક્યાં છે તે કહીશ? છોકરો બોલ્યો કે જોગીવાડની ટાંકી.મેં કહ્યું કે તું મારી સાથે સાયકલ પર બેસી જા.

છોકરાની આંખોમાંથી આંસુ નીકળતા બંધ થયાં ને સરદારનગર તો સરદારનગર ને ઠેકાણે રહ્યું ને સાયકલ ઉપર બેસાડી છોકરાને જોગીવાડની ટાંકી,એના ઘરે પહોચ્યા.

આ એ જ યુનુસ?મેં પૂછ્યું.એણે કહ્યું હા હું એ જ યુનુસ.તમને હું જોઈ ગયો ને લાગ્યું કે છે તો તે ભાઈ જ.મેં કહ્યું યુનુસ તું મોટો થઇ ગયો એટલે તને ઓળખ્યો નહિ.પરાણે મને યુનુસ એના ઘરે લઇ ગયો.ચા-પાણી ને નાસ્તો કરાવ્યો.

યુનુસ હજુ તેના જુના મકાન માં ફેરફાર કરાવીને રહે છે.યુનુસ સુખી છે.એક્ષેલ માં નોકરી કરે છે.માં તો એ વખતે જ પરધામ સિધાવી ગઈ.તેના પપ્પા પણ નથી રહ્યા.અત્યારે યુનુસ,તેના પત્ની ને બે દીકરા સાથે સુખે જીવન ગુજારે છે.

 

3 comments

  1. સાવ સાધારણ લાગતો આ પ્રસંગ ઘણી રીતે ધ્યાન ખેંચે છે.

    સાવ દસેક વરસના છોકરાને ચાલીસેક વરસ બાદ આમ ઓચીંતો જોવો તે તો ઠીક પણ ચાલીસ વરસના પ્રલંબ સમયગાળા પહેલાં થયેલી અલપઝલપ મુલાકતમાં એક બાળકને ની:સ્વાર્થભાવે થયેલી મદદ કેટલી ઉપયોગી થઈ હતી ! ને કીશોરવયના એ છોકરાને તે કેવી સહજ યાદ રહી ગઈ ! લખાણનું વસ્તુ અહીં મજા કરાવે છે.

    આ લખાણમાં કીશોરનું ભાવજગત સુપેરે વ્યક્ત થયું છે. આ ભાવજગત મને વાર્તાનું ભાવજગત કહેવા પ્રેરે છે. વાચકો આ અભીપ્રાયનો પડઘો પાડશે તો ગમશે.

    1. તમે વસ્તુને બરાબર પકડી છે, કવિતાજી ! આભાર.
      પ્રતીભાવને આધારે કહી શકું, કે કવિતાજીનાં લખાણો પણ આપણને મળશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *