ધનસુખ ગોહેલની ડાયરીનાં પાનાં

Posted by

ભાવેણાના લોકપ્રીય મહારાજા !

બળવંતરાય મેહતા નવા નવા ગુજરાતના મુખ્ય મંત્રી થયા હતા ને સાલ હતી ૧૯૬૩. એ ગાળામાં અમારી સ્કૂલ ‘સનાતન ધર્મ હાઈસ્કૂલ’માં મુખ્યમંત્રી મહેતા સાહેબનું સન્માન રાખ્યું હતું. એ સમારંભમાં ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને પણ આમંત્રણ સ્કૂલે આપેલું. કૃષ્ણકુમારજી સહમત થયા. એ વખતે લગભગ સોમાણી સાહેબ પ્રિન્સીપાલ હતા. વર્ગ શિક્ષક ને આચાર્યે અમને ત્રણ છોકરાને તૈયાર કર્યાં કે કૃષ્ણકુમારની મોટરનું બારણું જેવો ચાલક ખોલે ને બાપુ નીચે ઊતરે એટલે તમારે ત્રણે જણે સલામ કરીને ઊભા રહેવાનું ને આચાર્ય સાહેબ બાપુને એમની ખુરશી સુધી દોરી જશે. પછી તમારે તમારી જગ્યાએ બેસી જવાનું.

સમય થયો એટલે કૃષ્ણકુમારની મોટર આવી. ચાલકે બારણું ખોલ્યું ને બાપુ નીચે ઊતર્યા એટલે અમે સલામ કરી ને ઊભા રહ્યા. બાપુએ સામી અમને સલામ કરી. અમે તો ગદ ગદ થઇ ગયા. અમે તો છોકરા ને આ કેટલા મોટા માણસ કે અમને સલામ કરી !

સન્માન શરૂ થયું ને વક્તાઓએ બોલવાનું શરૂ કર્યું. એ વખતે કૃષ્ણકુમાર બોલેલા કે ગુજરાત બળવંતભાઈ પાસેથી ઘણી આશા રાખે છે. ખાસ તો ગરીબ લોકો. કહેવાય છે કે ”ટુકડો ત્યાં હરિ ઢુંકડો” પણ ઘરધણીને જ ટુકડાના વાંધા હોય એ બિચારો ટુકડો કાઢે ક્યાંથી ? આ ટુકડો બધાને મળે એવું કરજો.
આ માણસને ગરીબોની કેવી ખેવના હતી તે આજે સમજાય છે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

હું ભૂલો પડ્યો

1954 માં અમે ભરૂચ જિલ્લાના ગામ અમલેશ્વર રહેતા. મૂળજીભાઈ જે મારા કાકા થાય તેઓ અમારી સાથે રહેતા. નાના ખોખરા છોડી ને ધંધા માટે અમારી સાથે રહેતા. હવે આ જ ગાળામાં મૂળજીકાકાનાં લગ્ન લેવાયાં. આમ તો મૂળજીકાકાનાં સાસરિયાં ભાવનગર, કાનજી કીડીયાના ખાંચામાં, વડવામાં રહે. લગ્ન અમારી નાતની વાડીએ રાખ્યાં હતાં.

મારા પિતાજી, માતુશ્રી, હું, મૂળજીકાકા સૌ કાકાનાં લગ્ન અર્થે નાના ખોખરા આવ્યાં. એ વખતે અમારા ગામમાં બસ કે એસ.ટી. નોતી આવતી. રેલવે કે બસ માટે ભંડારિયા કે કોબડી જવું પડતું.

મારા દાદા હરજીવનભાઈએ બળદ ગાડામાં કાકાની જાન ભાવનગર લઇ જવાનું નક્કી કર્યું.

અમે સૌ સાજન માજન સાથે જાન લઈને ભાવનગર કાકાને પરણાવવા આવ્યા. જાનનો ઉતારો પણ વાડી માં જ રાખેલો.

હવે થયું એવું કે હું એકલો વાડીમાંથી બહાર નીકળી ગયો. ચાલતાં ચાલતાં હું ઘોઘાબોરીનું બિલ્ડીંગ છે તે ચોકમાં પહોંચ્યો. આ ચોકમાંથી એક કેડો કાછિયા વાડ તરફ, એક કેડો અલકા ટોકીઝ તરફ, એક કેડો સંઘેડિયા બઝાર તરફ ને એક કેડો રેલવે સ્ટેશન તરફ જાય છે. મને દિશાભ્રમ થયો  કે ગમે તેમ પણ હું જ્યાં જાઉં ત્યાં આ બાજુ કાછિયા વાડ ને તખ્તસિંહ ધર્મ શાળા આવે. હું તો મૂંજાણો કે હવે નાતની વાડીએ પહોંચાશે કેમ? હું તો સાવ નાનું છોકરું એ ટાણે. હું તો ચોકમાં આવેલ રતિભાઈ વાળ કાપવાવાળાની દુકાન ને રતિભાઈ પાનવાળાની દુકાન પાસેના લાઈટના થાંભલા પાસે ઉભો ઉભો રોઉં. હવે તો ખબર નથી પણ રતિભાઈની દુકાન જેમાં હતી તે બિલ્ડીંગ ઘોઘા બોરી બિલ્ડીંગ તરીકે ઓળખાતું.

એવામાં મારા દાદા કંઈક કામ અંગે ત્યાંથી નીકળ્યા. મને થાંભલા પાસે રોતો જોઈને મારી પાસે આવ્યા. મેં બધી વાત કરી. મારા દાદા કહે કે આ રહી સામે જમણી કોર વાડી. મને સલાહ પણ આપી કે આ કાંઈ આપણું ખોખરા નથી. આ તો છે ગંજાવર શેર. ક્યાંય એકલું નાના છોકરાએ ના જવાય. મારા દાદા મને વાડી સુધી મૂકી ગયા ત્યારે હાશ થઈ.

વખત તો હવે એવો આવ્યો છે  કે હવેનું નાનું છોકરુંય મૂંઝાતું  નથી ને મારગ કાઢી લે છે. જમાનો સ્માર્ટ થઈ ગયો ને ?

–––––––––––––––––––––––––––––––––––––––

પરસ્પર

અમારા ગામ માં દરજી, મોચી, લુહાર, સુથાર ,વાળંદ વગેરેનો વહેવાર આથ(હાથ થી ચાલે. ગામમાં વસતી મોટે ભાગે ગરાસદારોની. આખું વરસ દરજી હોય તો પુરુષ વર્ગનું સીલાઈ કામ કરવાનું ને ખળું આવે એટલે જેટલાં માણાં અનાજ વદાડ્યું હોય એટલાં માણાં અનાજ લઇ જવાનું. સ્ત્રી વર્ગ માટે નાનપણથી લગન થાય ત્યાં સુધી સીવવાનું ને પૂરથ પાથરે ત્યારે એક સમાતું દાપું (આજ સુધીનું મહેનતાણું) અપાતું. ભોજુભા એ વખતે અમારા ગામનું મોટું માથું ગણાતા. આ વાત છે ૧૯૬૦ની. ભોજુભાના દીકરા નાથુભાનાં દીકરી હુલશબાના પૂરથ વખતે મારા દાદાને ૩૦૦૧ ભોજુભાએ આપેલ.

હવે –––નું ખોરડું અમારા ગામમાં નબળું ગણાતું. સામટો પરિવાર ને દીકરીને તો ગરાસદારોએ એ વખતમાં ખૂબ આપવું પડતું. અમારે એમની આથ. દીકરીના નાનપણથી આજ સુધી સીવેલ. આજે એમનો હાથ ભીંસમાં એ મારા દાદા જાણે. ઉછીનાપછીના કરીને તેઓ પ્રસંગ ઉકેલતા હતા. પૂરથ પાથરીને એમણે મારા દાદાને કહ્યું કે તમને કેટલા આપું ? મારા દાદા કહે, આ ૫૦૧ રૂપિયા હુલાશબાને હું આપું છું. મને શુકનનો એક રૂપિયો આપો. દરબાર આન્સ વાળી ગયા. મારા દાદાના ચહેરા ઉપર સંતોષની લાગણી સ્પષ્ટ જોઈ શકાતી હતી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

4 comments

  1. આભાર. તમારાં અન્ય કોઈ પણ સ્વરુપનાં લખાણો હોય તો મને અહીં પ્રગટ કરવા માટે જરુર મોકલશો.

 1. ભાવવાહી ડાયરી
  અહીં શિવરાત્રીની ઉજવણીમા બાળપણમા દર્શન કરેલા તે અમલેશ્વર ગામના મહાદેવના દર્શન થયા!
  સામાન્ય રીતે રાજા મહારાજા માટે માન ઓછું પણ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની વાત આવે ત્યારે આનંદ થાય …
  સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત,
  એના જીવનમાં ઓછા તરફદાર હોય છે.
  યાદ ભારત ગુલામ હતું ત્યારે ઈંગ્લેંડથી મહારાણી આવે તો આપણે સન્માન આપવાનું અને તેઓ ગુલામો ના માનનો સ્વીકાર પણ ન કરતા પણ આઝાદ ભારતમા તેઓ પધાર્યા ત્યારે સામાન્ય નાગરીકના સન્માનનો પણ પ્રતિસાદ આપીલ…લોકો ધન્યતા અનુભવતા
  મને સલામની આ રીત ગમે “સલામ- અલૈકુમ” અલ્લાહની કૃપા તમારા પર કાયમ હોંય અને સહજ રીતે બોલાતું વાલેકુમ સલામ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *