ચલતીકા નામ જિંદગી : એક અનુભવ

Posted by

– સુશાંત ધામેચા

સવારનો સમય હોય એટલે બધા પોતપોતાના નોકરી, ધંધે, સ્કૂલે કે જ્યાં જવું હોય ત્યાં જવાની તૈયારી કરતા હોય. અને દરેક પોતપોતાને ગમતાં અને ફાવતાં વાહનો વાપરતા હોય છે. મારે તો આ રોજ જ જોવાનું થાય, કારણ…. રોજ મારે લગભગ ૧૫ ગામડાં વટાવીને ઓફિસ જવું પડે. જોકે મારે મારી સ્ટાફ બસમાં જ જવાનું હોય છે, એટલે બધાં જ ગામડાંનું સૌન્દર્ય માણવા મળે. હું ઘણી વાર જોતો હોઉં કે, રોજ સવારમાં દરેકનો નિત્યક્રમ એક જેવો જ હોય પણ તેની પદ્ધતિ ગામડે ગામડે અલગ હોય. હા, હું આણંદથી નીકળું ત્યારે કોઈ બાઈક કે ગાડી લઈને ઓફિસ જતા હોય, સાથે છોકરાઓને સ્કૂલે મૂકવા લઇ જતા હોય. મોટા છોકરાઓ જાતે સાયકલ લઈને જતા હોય, એનાથી મોટા હોય તો બાઈક કે એકટીવા લઈને જતા હોય. પણ જેમ જેમ આગળનાં ગામડાંઓમાં જતો જાઉં તેમ તેમ આ પદ્ધતિઓ બદલાતી જાય. આજે એ જ વાત કરવી છે, કે ચલતી કા નામ ગાડી તો છે, પણ ચાલતી કા નામ જિંદગી પણ છે.

હવે આણંદથી આગળ નીકળી બંધણી સુધી પહોચતાં ઘણા લોકો નોકરી-ધંધે જવા માટે સીટી બસની રાહ જોઈને ઊભા હોય. તેમનાં ટીફીન અને સાથે રાખેલી બેગ કે થેલી પણ શહેરવાળા લોકો કરતાં અલગ જ હોય. તેમનો પહેરવેશ પણ અલગ હોય. છોકરાઓ સ્કૂલે ચાલીને જતાં હોય કાં તો તેમનાં મમ્મી-પપ્પા સાથે ચાલતાં જતાં હોય અને જોડે એક થેલીમાં ચોપડા હોય. જયારે બીજી બાજુ ખેતી કરનારા લોકો ટ્રેક્ટર લઇને ખેતરમાં જતા હોય. વળી કોઈ ખેતરની રખેવાળી કરવા માટે ખંભા ઉપર લાકડી મૂકી, તેની ઉપર હાથ વીંટાળી અને ખેતરની વચ્ચે પડતી સાંકડી કેડી પર ચાલ્યા જતા હોય. મને આ દૃશ્ય જોવાનું ખૂબ જ ગમે. આમાં એક વાર મેં એક જુવાન અને એક ઉંમરવાળા બે જણને ખેતરમાં હળ ચલાવતા જોયા. એમાં જે જુવાન છોકરો હતો એ હળ ખેંચતો હતો અને પેલા થોડા મોટી ઉમરના ભાઈ પાછળથી ધક્કો મારતા હતા. જેમ શહેરમાં છોકરો તેના પિતાને ધંધામાં મદદ કરે તેમ જ તે છોકરો તેના પિતાને ખેતીમાં મદદ કરતો હોય તેવું મને લાગ્યું. આ ઉપરાંત ભરવાડ ગાયો-ભેંસો ચરાવા લઈને નીકળ્યા હોય અને રસ્તો બંધ થઇ ગયો હોય તેવાં દૃશ્યો પણ જોવા મળે. અને મારો ટ્રાવેલિંગ સમય સવારે ૭.૩૦થી ૮.૩૦ નો હોય છે, એટલે આ બધું અચૂક જોવા મળે. આ ઉપરાંત સ્ત્રીઓ ઘરના ફળિયામાં છાણાં થાપતી હોય, છોકરાઓ રમતા હોય, ભાભાઓ ખાટલામાં બેઠા બેઠા બીડીઓ પીતા હોય, આવાં ઘણા દૃષ્યો જોવા મળે. પણ રોજ જોવા મળતું એક દૃશ્ય દિલમાં ડૂમો ભરી મૂકે છે. આ બધાંની વચ્ચે કેટલાંક બાળકો કે જે લગભગ ૮થી ૧૦ વર્ષ સુધીનાં હશે, તેઓ સવારસવારમાં કેડમાં બેડાં લઈને પાણી ભરવા જતાં હોય છે. અને એથીય વધારે ત્યારે લાગી આવે કે જયારે તેઓ બેડાં લઈને જતાં હોય ત્યારે ઘરના વડીલ પુરુષો ખાટલામાં બેઠા બેઠા વહટીઓ (ખોટી પંચાતો) કરતા હોય.

હવે આ તો રોજનું થયું, પણ એક વાર ગઢડા જવાનું નક્કી કર્યું. એ સારંગપુરથી આગળ આવેલું સ્વામિનારાયણ ભગવાનનું પોતાનું ગામ છે. ( કેમ કે ભગવાન છપૈયામાં નથી રહ્યા એટલું ગઢડામાં રહ્યા છે. અને  ભગવાને પોતે કહેલું કે હું ગઢડાનો અને ગઢડું મારું એ કદી નથી મટવાનાં, આજની તારીખે પણ તેનું આખું નામ ગઢડા – સ્વામિનારાયણ છે.) મને ત્યાંના મંદિર પ્રત્યે પહેલેથી જ ઘણો લગાવ છે. તે આણંદથી લગભગ ૧૯૦ કિ.મિ. થાય. તો સવારની બસમાં જવાનું નક્કી કર્યું. શરૂઆતની એકાદ કલાકની મુસાફરી તો અંધારામાં જ કરી. અજવાળું થયા પછી રસ્તામાં આવતાં ગામડાંઓ અને ખેતરોને માણવાનું શરૂ કરી દીધું. ત્યાંના લોકોની રહેણીકરણી અને બોલી અમારા ચરોતરવાસીઓ કરતાં ઘણી અલગ પડે. ત્યાંના લોકોનો પહેરવેશ, ભાષા બધું જ અલગ. મેં જોયું ત્યાં લગભગ દરેક ભાભા (ઘરડા દાદાને અપાતું ઉપનામ)ના હાથમાં ડાંગ હોય જ. બીજી એક આશ્ચર્યની વાત એ કે ત્યાં ધૂળ ખૂબ જ ઊડે, તો પણ ત્યાંના પુરુષો અને ખાસ કરીને ભાભાઓ સફેદ કપડાં પહેરવાનો જ આગ્રહ રાખે. હવે આ બધાંની સાથે સાથે ત્યાંના લોકોની મુસાફરી કરવાની પદ્ધતિઓ પણ બદલાતી રહે. ત્યાંના લોકો વધારે પડતી ૧૧ નંબરની બસનો ઉપયોગ કરે. (ખરેખર આવી કોઈ બસ નથી, પણ આ તો હું નાનો હતો ત્યારે ઘરે એવું કહેતાં કે આપડે તો આપડા બે પગ એટલે ૧૧ નંબરની બસ છે જ ને ? બીજા શાની જરૂર છે ? ચાલવા માંડો….) અને જો મુસાફરી કરવાની હોય તો બુલેટ છકડા વધારે વપરાય.

 

બુલેટની અસલ તાકાત એ છકડામાં ભરેલા લોકો જોઇને લગાવી શકાય. હું ઘણા સમય પહેલાં એમાં એક વાર બેઠો હતો, પણ મને તો એ પાછળની બાજુએ નમે એટલે બીક લાગે. પણ એ  પણ એક મજા છે. આ બધું જોતાં અને માણતાં ક્યારે હું ગઢડા પહોચી ગયો, તેની ખબર જ ના પડી.

આમ તો ચલતી કા નામ ગાડી છે, પણ જિંદગી પણ ચાલતી જ રહે છે ને ? અટકી જાય તો એ જિંદગી ના કહેવાય. એટલે જ તો ….. ચલતી કા નામ જિંદગી…..

––––––––––––––––––––––––––––––––––––––––––

સંપર્ક : Mail Id  –   sushant_dhamecha@yahoo.co.in / ફોન  –  +91 9974900422

 

2 comments

  1. ભાવપૂર્વક બુલેટ છકડામા એકવાર મુસાફરી કરી જુઓ !
    સુદામાની લૅક્સસ ભુલી જશો
    મઝા આવી

  2. એકવાર છકડામાં બેસવાની મોજ માણી હતી. હવે કોઈની સાથે હોઈએ એટલે ના ન પડાય. એમ લાગે કે શું તમે આ વતનના પ્રાણી નથી. સ્થળ હતું ખૂબ સુંદર, વ્રજભૂમિ.
    પણ બેઠાં પછી એવું લાગ્યું કે અનુભવ ખોટો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *