માલનાથ (માલેશ્વર)નો મેળો

Posted by

– ધનસુખ ગોહેલ.

 

વાત તો બહુ જૂની છે. લગભગ 1953/1954ની. માલનાથનો મેળો વખતેય ભરાતો ને આજેય ભરાય છે. દર ભાદરવી અમાસે મેળો ભરાય છે. પણ આજના મેળામાં ને તે વખતના મેળામાં લાખ ગાડાંનો ફેર. અમારા ગામ નાના ખોખરાથી હશે પાંચેક કિલોમિટર દૂર.

મને બરાબર યાદ છે કે મારા દાદા હરજીવનભાઈને લૂગડાં શીવવા આપ્યાં હોય ને ગાજબટન બાકી હોય તો પણ ઘરાક એમને એમ લઈ જતા ને મેળામાં કપડાં પહેરતા. હવે તો સંઘરાના કપડાંનું ક્યાં રહ્યું છે. વખતે મેળામાંથી આવીને કપડાં સંઘરી રાખતા. પછી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે પહેરતા.

ગામના પાદરે નિશાળ, પછી આવે મોટું મેદાન. આલિયા ધરા પાસેથી માળનાથનો કેડો જાય. હવે તો લગભગ પાકો રસ્તો થઈ ગયો છે. પણ વખતે કેડો ઊબડખાબડ.

અમે છોકરાવ ઠુંમરા ખાતાં ખાતાં ને ખાખરા જોતાં જોતાં, આજુબાજુની લીલી વનરાજી જોતાં જોતાં માળનાથ મેલામાં પહોંચતા.

વચ્ચે ભૂતિયામામા ને કામ્બશિયાનું વન આવે. ચારે કોર ડુંગરાઓ ને વચ્ચે રસ્તો.

ડુંગરાઓ ભારે રળિયામણા લગતા. ખૂબ વરસાદ થયો હોય ને કુદરત ચારેય કળાએ ખીલી હોય. ડુંગરાઓમાંથી ફૂટતાં ઝરણાંઓ જોવાની ભારે મજા પડતી.

આમ માલનાથ આવી જતું. વખતે રસ્તો ભારે દોયલો ને ઊબડખબડ એટલે લારીઓ તો પહોંચે નહિ. પાથરણાં પાથરીને બધા વેચવાવાળા બેસતા.

મેળામાં તો બીજું શું હોય ? આજુબાજુનાં ગામોમાંથી માણસો આવતા. ક્યાંક જલેબી થતી હોય, ગાંઠિયા તળાતા હોય, પમ્પુડા વાગતાં હોય ને એક સળિયા ઉપર પ્લાસ્ટિકનો વાંદરો ચડઊતર કરતો હોય.

છોકરાવમાં વખતે લોખંડના ચીપિયાનો ભારે ક્રેઝ. ઘણા તો આવા ચીપિયા ખરીદવા મેળામાં આવતા.

ચીપિયા છોકરાવ ગળામાં પહેરતા. ક્યારેય કાંટા વાગે તો ચીપિયાથી કાઢતા.

માલનાથ મંદિરે પ્રખ્યાત કેળવણીકાર શ્રી ગિજુભાઈ બધેકા રાત રહેલા.

એમાં બન્યું એવું કે એક દિવસ ગિજુભાઈ ને એમના મિત્રો ફરતાં ફરતાં માલનાથ પહોંચ્યા. એમાં રાત પડી ગઈ. હવે અંધારામાં જવું ક્યાં? જ્યાં જાય ત્યાં ડુંગર સામે આવે. આમ ને આમ ઘોર અંધારું થઈ ગયું. પછી તો જ્યાં જાય ત્યાંથી ફરીફરી ને મંદિરે આવે. ગિજુભાઈએ મિત્રોને કહ્યું કે આજની રાત અહીં વિતાવીએ. મિત્રો સહમત થતાં ગિજુભાઈએ મંદિરે રાતવાસો કર્યો. ગિજુભાઈએ આના ઉપરથી નિબંધ પણ લખેલ કે ખોખરાની ખીણમાં એક રાત

લખનારે લેખ વાંચેલ છે પણ ક્યા ધોરણની ચોપડી હતી તે યાદ નથી.

કુમારભાઈ કરીને એક ભાઈ ભાવનગરથી આવતા ને માળનાથના મંદિરે આખો શ્રાવણ મહિનો રહીને તપ કરતા. તેઓ ખોખરા ને આજુબાજુનાં ગામોમાં કુમાર બાપુ તરીકે ઓળખાતા.

ખોખરામાં નાનુભાઈ વાણિયાની દુકાને તેઓ અવારનવાર આવતા. કુમાર બાપુને એવું નીમ કે ગાયના છાણમાંથી જવના દાણા નીકળે આખો મહિનો ખાવાના !

1981/1982માં ભાવનગરથી ગઢડા કૃષિશાખામાં મારી બદલી થઈ ત્યારે એક આચાર્યભાઈ (નામ ભૂલી ગયો છું) કરીને જીપના ડ્રાઈવર તરીકે આવેલ ત્યારે ખબર પડી કે કુમાર બાપુ એમના સાગા કાકા થાય.

 

One comment

 1. લગભગ ૬૦-૬૫ વર્ષ પહેલા આવા મેળામા જતા તેની યાદ તાજી કરાવી !
  કોકવાર વિદેશથી માણવા આવેલા આપણા હાઇ પ્રોફાઇલ કહેવાતા દેશી વિદેશીઓ મેળાનું નામ આવતા જ કહે કે ’બહુ ડર્ટી હોય’. પણ જેણે ધૂળ સાથેનો સંબંધ મૂક્યો છે એ જીવનની સાચી મઝા માણી નથી શક્યો. દરેક વરણને પ્રેમ કરવો પડે.. મેળો એ મનનો મેળ છે અને મેળ હોય તો જ મન પાંચમનો મેળો માણી શકાય. ચાર પાંચ લાકડાની પાલખીવાળું ચકડોળ, એક સુંદર રીતે વાગાડતો અને વહેંચતો પાવા વાળો, સાબુના ફીણથી ઉડતાં ફૂગ્ગા, નકલી દાઢી મૂછ અને છેલ્લે મોતનો કૂવો જોવા મળી જાય એટલે જિંદગી વસૂલ લાગવા લાગતી.આ મેળાની વાતે રપા ગુંજે
  આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
  કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

  અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
  ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

  કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
  કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

  કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
  કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

  કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
  અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

  કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
  ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

  કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
  કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

  કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
  કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

  આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
  સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

  અને શ્રી ગિજુભાઈ બધેકા -ન ભુલાય તેવા કેળવણીકાર
  ધન્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *