નેટ પર લખાણનો એક નવો અ–ખતરો !!

Posted by

– જુગલકીશોર

નેટજગતનાં આશ્ચર્યો હવે આશ્ચર્યો રહ્યાં નથી.

હવે તો દર મહીને બદલાતાં રહેતાં ઈલેક્ટ્રોનીક ઉપકરણો નાના કીશોરોનેય રમત વાત થઈ ગયાં છે. આપણે સૌ બ્લૉગરોને અને લેખકોને આ સાધન–માધ્યમ હાથવગું બની ગયું છે. હવે એમાં વીશેષ ચમત્કાર જેવું લાગતું નથી.

સાહીત્યનાં અનેક સ્વરુપોમાં આપણે સૌ પોતપોતાની મતી–શક્તી પ્રમાણે સર્જનો કરતાં રહીએ છીએ. છતાં આવે સમયે પણ કેટલીક મજાની બાબતો ધ્યાન બહાર ન રહી જાય તે માટે કયારેક કેટલીક રસપ્રદ વાતો કરતાં રહીએ –

હમણાં હમણાં કેટલાંક જુથોમાં જોવા મળ્યું હતું કે કોઈ એકાદ સભ્ય નાનકડી વાત વહેતી મુકે ને એમાં કોઈ – પ્રવીણભાઈની ભાષામાં કહું તો – સળી કરી દીયે તો પછી જોઈ લ્યો મજા !! એકની નોંધ પર બીજો ને એના પર ત્રીજો સભ્ય સળીથી શબ્દોને ખોતરવા માંડે ! ક્યારેક તો આ ‘ખોતરકામ’ સરસ મજાનું ‘કોતરકામ’ બની રહે !!

હમણાં થોડા સમય પહેલાં જ, દીવાળીનો તહેવાર હતો ને એક જણે ગાંઠીયાની વાતમાં ચણાના લોટમાં રહેલા કાવ્યને સળી કરેલી ! ને પછી તો વાતોના ગાંઠીયા વણાતા થયા તે તો થયા પણ મારા જેવાને પાંચ જોડકણાં–સૉનેટો ગાંઠીયા પર લખવાના સંકલ્પ તરફ દોરી ગયેલા !!

આજે પણ આવું જ કાંક થયું !

આતાજીએ કોઈના લખાણના સંદર્ભે પોતાની પુત્રીની, પુત્રીના, પુત્રના પુત્રની વાત છંછેડી !! ને એ વાત, આજના નેટજગતના શબ્દોમાં કહું તો, વાયરલ થઈ ગઈ ! એ આખું તોસ્તાન બે જણાને પોતાની જુની વાર્તા તરફ ખેંચી ગયું ને એમ આતાથી સુરેશભાઈ, વિનોદભાઈ, જિજ્ઞેષભાઈ, પ્રજ્ઞાબહેન, પ્રવીણભાઈ વગેરેને જોડતી જોડતી એક સાંકળ બની ગઈ.

આ આખી સાંકળમાં એક સુરેશભાઈની અને એક વિનોદભાઈની એમ બે વાર્તા અને આતાના એક અનુભવને ખેંચી લાવી તો વળી દીદી પાસેથી એક અંગ્રેજીમાંના અનુભવને ગુંથી વળી !

આજે મારી “માતૃભાષા”ના પાના પર આ આખા સંકલનને મુકીને ફક્ત નેટજગતમાં જ શક્ય તેવા સાહીત્યના એક નવા જ સ્વરુપને રજુ કરવાની લાલચ થઈ આવી છે.

– તો જુઓ આ અલપઝલપ ઉભું થઈ ગયેલું સંકલીત સ્વરુપ :

–––––––––––––––––––––––––––––––––––––––––––

આતા લખે છે :

From: aataa vaani <aataavaani@gmail.com>

“આતાનો  ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ સન ક્રિશાંગ  જે સવા વરસની ઉંમરનો છે   .  આતાની દિકરી જ્યા , જ્યા  ની  દિકરી વંદના, વંદનાનો  દિકરો જિરજ અને નીરજનો દિકરો ક્રિશાંગ….” પછી એક વીડીયો મુક્યો છે.

એ જોઈને સુરેશભાઈ કહે છે :

“મસ્ત વિડિયો છે.મારી દીકરીનો દીકરો જય નાનો હતો, તે વખતની મસ્તી અને રંગ યાદ આવી ગયાં.

આ દાદા કોણ?” આટલો સવાલ મુકીને તેમણે એક સરસ મજાનો જુનો અનુભવ ટાંક્યો છે જે મનને ભાવી જાય તેવો છે. તે જાણે એક વારતા જ જોઈ લ્યો !

એ વારતાના વાચનના માર્યા વિનોદભાઈ પાછા એક વાર્તા રચી દ્યે છે !! એ વાર્તા વળી જિજ્ઞેષભાઈના બ્લૉગ પર પણ પ્રગટ થઈ આવી હોય છે ને એટલે જિજ્ઞેષભાઈના બ્લૉગનીય મુલાકાત આપોઆપ થઈ જાય છે !

કોઈએ વળી આતાને યાદ કર્યા એટલે આતાય પાછા એમની વીશીષ્ટ શૈલીમાં એક રસપ્રદ અનુભવ કહી દે છે ને એમ આતાજીએ વેરેલો બીયારણદાણો સાહીત્યનાં વર્તુળો પેદા કરી બેસે છે. એકનાં અનેક કરી આપતો ખેતીનો ચમત્કાર જ જાણે ! છેવટ જતાં પ્રવીણભાઈના સુત્રાત્મક વાક્યે સમાપન કર્યું : pravinshastri  : “વિનોદભાઈની વાત હોય કે વાર્તા, હંમેશાં હૃદયસ્પર્ષી જ હોય છે.”

ખરેખર તો આતાજીનું પહેલું વાક્ય મારા હૃદયને સ્પર્શી ગયેલું જે પ્રવીણભાઈના સમાપનવાકય સુધી આપણને ખેંચી લાવે છે….

આ આખી શૃંખલાનો એક જ ભાગ આજે તો મુકીને માણીશું. એ ભાગ છે સુરેશભાઈએ પરસેવે રેબજેબ થઈ જઈને કરેલો અમેરીકાની પોલીસ સાથેનો અનુભવ !!

(બાકીનાં લખાણોને સ્વતંત્રરુપે હવે પછી આ જ પાનાં પર વાંચીશું…..)

––––––––––––––––––––––––––––––––––––––––––––––

જય સાથેની એક મસ્તી….

શીયાળાની સવારનો સમય છે. સુરેશ! તમારી અમદાવાદી કાયાને અહીંનો કડકડતો શીયાળો બહુ અનુકુળ નથી. તમારો નાનકડો દોહીત્ર પણ ભલેને જન્મે અમેરીકન હોય; તેની નાનકડી જીંદગીનો મોટકડો ભાગ અમદાવાદમાં જ પસાર થયેલો છે. એટલે બન્ને ચીત્તવ્રુત્તીએ તો અમદાવાદી જ! આ ઓવરકોટ અને બુટ મોજાંનાં ઠઠારા  વેંઢારવાં બન્નેને બહુ આકરાં લાગે છે. તમે બાબલાને માંડ મનાવીને ડે-કેરમાં ઉતારી જવા તૈયાર થઈ ગયેલા છો. માલીપા ગલગલીયાંય ખરા જ તો કે, આ બાબલું વીદાય થાય, એટલે તમે તમારી ગઈ કાલે અધુરી મુકેલી ગુજરાતી ચોપડીમાં ફરી ડુબી જાઓ અને ઓલ્યા દેશી નેટમીત્રોને ઈમેલીયા સલામ મારી દ્યો.

પણ ઓલ્યો બાબલો? એને શી રીતે ઈસ્કુલ જવા સમજાવી શકાય? એનેય એનાં મનગમતાં કાર્ટુન ના જોવાં હોય? માંડ માંડ કેટકેટલી લાલચ આપી તેને તૈયાર કર્યો છે. આજે તો બપોરે જરુર તમે વહેલા તેને લેવા પહોંચી જવાના છો; તેવી હૈયાધારણ દસમી વાર આપી ચુક્યા છો. ત્યાં તમારી ‘ઈવડી એ’ તમારી વ્હારે ધાય છે. જમાઈ કાલે જ તેને મનગમતી કેન્ડી લાવેલાં છે; તેમાંની એક બાબલાના હાથમાં તે પકડાવી દે છે; અને બાબલાને મસમોટું પ્રોમીસ આપી દે છે કે સ્કુલેથી આવશે એટલે બીજી મળશે.

છેવટે તમારી અને બાબલાની સવારી ઉપડે છે. આમ તો ડે-કેર ઘરથી એક માઈલ દુર જ છે.  દેશની ગલીકુંચીના માહેર એવા તમનેય, અમેરીકાની ગલીકુંચી જેવા અહીંના રસ્તા વધારે ફાવે છે. કોલમ્બસે અમેરીકા શોધી નાંખ્યો હતો, એ કક્ષાની તમારી મહાન શોધના પ્રતીક, એવા તમારા આ રોજના રસ્તે તમે ગાડી હંકારો છો. બાબલાને તો ડેડી ઝાકઝમાળ રસ્તે ગાડી પુરપાટ લઈ જતા હોય તે વધારે ગમતું હોય છે; એટલે તેનો નવો કકળાટ ચાલુ જ.

‘દાદા! યુ આર એ બેડ બોય. ‘

તમે આ રોજની ગાળ સમસમીને ખાળી લો છો; અને તમારા બાળપણમાં તમે કેવા શીયાંવીયાં થઈ, બાપના બધા જુલમો (!) અને આપખુદી ખમી લેતા હતા; તે વીચારોને હજારમી વાર મમળાવો છો. અમેરીકન પ્રજાને રોજની ગાળ પણ મનમાં સરી પડે છે. છેવટે સ્કુલ આવી પુગે છે. ફરી બાબલાનો રડમસ ચહેરો તમારી અંદર દયાભાવ પ્રેરે છે. ફરી દસમી વાર તેને બપોરે વહેલા તેડી જવાનું રેડીમેડ પ્રોમીસ તમે આપી દો છો. આમ માંડ માંડ તમને આજના દીવસની તમારી છ કલાકની નાનકડી અને મીઠી મધ જેવી મુક્તીની મહાન ઉપલબ્ધી થાય છે.

તમે એજ ગલીકુંચીના રસ્તે પાછા જવા વળો છો. અને વીચારોનાં ધણ તમને ઘેરી વળે છે.

‘  દેશમાં આવાં કુમળાં બાળકો પર આવો જુલમ હોય? ( જોકે, હવે તો ત્યાંય પ્રી-નર્સરીઓએ મમ્મીઓનું કામ સરળ બનાવી દીધું જ છે ને ?! ) તમારી દીકરી અને જમાઈ ગાડાના પૈડા જેવા ડોલર આ ડે-કેર માટે ખર્ચે છે – તમને આ છ કલાક મુક્તી મળે તે માટે. અમેરીકામાં તમારા જેવાં બીજાં ગલઢાં આટલાં ખુશનસીબ નથી. એમનો  બરાબર કસ તેમનાં દીકરા-દીકરીઓ કાઢી નાંખે છે. આખો દી’ એમને પૌત્ર-પૌત્રી કે દોહીત્ર-દોહીત્રી સાથેની મગજમારીમાંથી ક્યાં કશો સમય જ મળતો હોય છે?’

આવા અનેકમી વાર કરેલ વીચારોથી તમે તમારા વતન-ઝુરાપાને માંડ માંડ ખાળો છો.

‘દેશમાં બગીચાની પાટલી પર સમવયસ્ક કાકાઓ અને દાદાઓની સાથે દેશના રાજકારણની કેવી ચર્ચાઓ ચાલતી હોય? કેવી જ્ઞાન વીજ્ઞાનની અને પોતાના નોકરીકાળના અનુભવોની આપલે તેમની સાથે કરતા હો?’

મન ફરીને ખાટું ખાટું થઈ જાય છે, અને દેશની એ ધુળીયા ગલીઓ માટે ઝુરવા લાગી જાય છે.

અને ત્યાંજ રીયર વ્યુ મીરરમાં લાલ, લીલી, પીળી બત્તીઓ ઝબુકતી દેખાવા માંડે છે. તમે સફાળા વાસ્તવીકતાની ધરતી પર પાછા ફેંકાઈ જાઓ છો. પોલીસની ગાડી તમને હવે દ્રશ્ટીગોચર થાય છે. (અહીં પોલીસને કૉપ કહે છે – એક જાતનો કોપ જ સમજોને?! ) કોઈ જાતની સાધના વગર તમને એ મહાન સત્યની તરત અનુભુતી થઈ જાય છે કે, તમે સ્ટોપ સાઈન આગળ ‘થોભો, જુઓ અને જાઓ’ ( Stop, Look and Go) નો સુવર્ણ સીદ્ધાંત ચુકી ગયા છો.

અને એ ભયંકર દીવાસ્વપ્ન તમારી સામે હવે નગ્ન સત્ય બનીને સાકાર બને છે. તમારી પાસે અહીંનું ડ્રાઈવીંગ લાયસન્સ નથી. હજુ સ્વર્ગના પ્રવેશદ્વાર જેવું ગ્રીનકાર્ડ પણ તમારી પાસે નથી. દેશમાંથી છસો જ રુપીયા આપીને મેળવેલું ડુચા જેવા સરકારી કાગળ પરનું ઈન્ટરનેશનલ લાયસન્સ પણ તમે ખોઈ બેઠેલા છો. અત્યારે તમારા કબજામાં માત્ર તેની ફોટોકોપી જ છે. ભરશીયાળામાં તમે પસીને રેબઝેબ બની જાઓ છો.

થોડીવારમાં તમારી જ ઉમ્મરનો, દૈત્ય જેવો લાગતો પોલીસમેન તમારી પાસે આવી જાય છે. તેના હાથમાં જમદુતના હાથમાં પાડાની રાશ હોય, તેવી ટીકીટની ચોપડી છે. તે તમારું લાયસન્સ માંગે છે. તમે ધ્રુજતા હાથે પેલી ફોટોકોપી તેને સુપ્રત કરો છો. તેની ગોટપીટ જેવી ભાશાનો એક પણ અક્ષર તમારી સમજમાં આવતો નથી. અથવા તમે અમદાવાદી ચાલાકીથી સમજ્યા નથી તેવો ડોળ કરી લો છો ! તમે માંડ માંડ તેને સમજાવો છો, ‘નો ઈંગ્લીશ, ઈન્ડીયા.’ તમારા પોણા ભાગના બોડા માથાં પરના થોડા ઘણા ધોળા વાળની દયા ખાઈને તે તમને ટીકીટ પકડાવી દે છે. પાંચ દીવસ પછી કોરટમાં હાજર થવાનું છે. ઘર તો સાવ ઢુંકડું જ છે, પણ તમને તે જોજન દુર લાગે છે. ઘેર તમારી ઉપર દાદી કેવી પસ્તાળ પાડશે; તેની પુર્વધારણા તમારા સમસ્ત હોવાપણાને (!) કમકમાવી દે છે. પેલા કૉપનો કોપ તો એની શું વીસાતમાં?

ઘેર જઈ તમે તમારી કરમ કઠણાઈ તમારી ઈવડી એને સંભળાવો છો. પણ તમારા સદનસીબે તેનાંય હાંજા ગગડી જાય છે. તેણે આપેલી ’હશે’ ની હૈયાધારણ તમને મધમીઠી લાગે છે. સંવનન કાળનો તેની પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ આવે છે. તે આજે દયાની દેવી તમને લાગે છે. તે તરત આજની આ ભયંકર ઘટનાનો રીપોર્ટ દીકરીને આપવા કાર્યરત બને છે. અને તમે ઓવરકોટનાં આવરણ ફગાવી મુક્ત બનો છો. પસીનો લુછી, ટેબલ પર પડેલા દેશી ફાફડાના નાસ્તાથી તમારા વીક્ષુબ્ધ ચીત્તને આશાયેશ આપો છો. આખા ઘરમાં ફરી એક વાર, ખોવાઈ ગયેલા પેલા ઓરીજીનલ લાયસન્સની વ્યર્થ શોધ દસમી વાર આરંભી; આ દુસ્વપ્નને ભુલવા તમે પ્રયત્ન આદરો છો.

પાંચ દીવસ પછી તમારા જમાઈની સાથે તમે કોર્ટમાં પહોંચી જાઓ છો. તમને તો એમ જ કે પાંચ દસ મીનીટમાં આ અમેરીકન સીસ્ટમ તમને છુટા કરી દેશે. પણ સરકારી દફ્તર એટલે સરકારી દફ્તર. બે કલાકે તમારો નમ્બર લાગે છે. તમારા જમાઈ પેલી કાઉન્ટર પરની વીદેશી જન્નતની હુરને માંડ માંડ સમજાવી શકે છે કે, તમારી પાસે લાયસન્સ કેમ નથી. તે ‘ ઓકે! ઓકે! ’ કરીને 111 ડોલરની દંડની રકમ વસુલ કરે છે. આ ગાડાના પૈડા જેવી રકમ સાંભળી તમારા તો હાંજાં જ ગગડી જાય છે. પણ તમારા દરીયાદીલ જમાઈ તરત તમને સાંત્વના આપે છે, ‘બાપુ! એ તો સારું થયું કે, એ આ ફોટોકોપી પરથી માની ગઈ. હવે પંદરેક દીવસમાં તમારું અહીંનું લાયસન્સ આપણે કઢાવી લેશું.‘

સાંજે ઘરનાં બધાંની સાથે આજની બાબત ચર્ચાય છે. બધા તમને અભીનંદન આપે છે – સલામત છુટવા માટે.

તમે તો બાપુ ‘ દેશ ભેગા થવું પડશે કે, થવા મળશે! ’ તેવી મીઠી કલ્પના પણ કરી બેઠેલા હતા! તમે દીકરીને કહો છો :  ” અરે, મુન્ની! એ મફતલાલને દસ ડોલરનું બીલ ( ડોલરની નોટ જ સ્તો !) પકડાવી દીધું હોત, તો મુળાના પતીકા જેવા આ 111 ડોલર બચી જાત. “

તરત મુન્ની તમને ચીમકી આપે છે :  ” બાપુ! આ અમદાવાદ નથી. ભુલેચુકેય ભવીશ્યમાં એમ ન કરતા. પોલીસને કરપ્ટ કરવાનો પ્રયત્ન કરવા માટે બીજી ટીકીટ મળત;  અને 500 ડોલર વગર પતત નહીં.”

તમે વીચારતા થઈ જાઓ છો :  “આપણી સીસ્ટમ આનાથી વધારે સારી, નહીં વારુ ? પ્રાઈમ મીનીસ્ટરથી પટાવાળા સુધી ચાલે!“

– સુરેશ જાની

3 comments

  1. સરસ પ્રયોગ છે.
    મને તો ગમ્યો ( આપણી કથા આવે તો કોને ના ગમે? !!)
    આમ કરવાના હો તો હવે દરેક ઈમેલમાં એક એક વાર્તા મોકલતો રહીશ !!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *