ગાંધીવિચારની અસરો !

Posted by

માણસ નામે મહાત્મા… … …

– લતા હિરાણી

 

હજી હમણાંની જ આ વાત છે. 2008ના ઑકટોબર મહિનામાં આણંદમાં ગાંધીકથા યોજાઇ ગઇ.  પૂ. નારાયણદાદા (નારાયણભાઇ દેસાઇ)એ ગાંધીજીના જીવનની કેટલીયે વાતો, કેટલાયે સાથે જીવેલા, એમના જીવનમાંથી ચુંટેલા પ્રસંગોની સરવાણી વહાવી અને સભાખંડમાં બેઠેલો એકએક માનવી ગાંધીજીનો જાણે પ્રત્યક્ષ  એહસાસ અનુભવી રહ્યો. 84 વર્ષના યુવાન કથાકાર પૂરી નિષ્ઠા અને પૂરી તન્મયતાથી ગાંધીવિચારને ગુંજતા કરી રહ્યા હતા. કથાની સાથે સાથે ગવાતા ગાંધીગીતોથી વાતાવરણને વધારે રસાળ અને ક્યારેક જોશીલું બનાવતા હતા. પાંચ દિવસ આ યજ્ઞ ચાલ્યો.

2005માં ડૉ. કિરણ બેદી અમદાવાદ આવ્યા હતા ત્યારની વાત. એક ખૂબ જાણીતી સંસ્થાના પદવીદાન સમારોહમાં એમણે નવયુવાન વિદ્યાર્થીઓને પૂછ્યું, આ સંસ્થાથી ગાંધીઆશ્રમ બહુ દૂર નથી. તમારામાંથી કેટલાએ એની મુલાકાત લીધી છે ? યુવાનોમાં ભારોભાર પ્રમાણિકતા હતી એટલે માંડ સાત આઠ હાથ ઊંચા થયા.. શ્રી બેદીએ દુખ વ્યક્ત કરતાં કહ્યું કે જે મહામાનવોએ આ દેશ માટે પોતાની જિંદગીની ક્ષણેક્ષણ હોમી દીધી છે એના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવવાનું પણ આપણે ચુકી જઇએ છીએ. ગાંધીકથા સાંભળતા સાંભળતા આ વાત મનમાં રમતી રહી અને પૂ. નારાયણદાદાએ ઉપાડેલા આ યજ્ઞકાર્યમાં એક નાનકડી આહુતિ આપવા મન સળવળી ઉઠ્યું..

શરુઆત ગાંધીવિચારની અસરના મારા જાતઅનુભવથી કરીશ. 

1998ની સાલમાં અમદાવાદમાં રઝળતા શેરી બાળકો માટે લાયન્સ ક્લબના એક પ્રોજેક્ટ હેઠળ હું કામ કરી રહી હતી. ટ્રેનમાં રખડીને ભીખ માંગીને ખાતાં કે ચાની લારી કે એવી જગ્યાએ કાળી મજુરી કરીને પેટ ભરતાં કે ભૂખ્યાં રહેતાં એ બાળકો હતાં. એમને પોતાના માબાપ છે કે નહીં, ક્યાં છે, પોતે ક્યાં રહેતા હતા, એ બધું કાં તો એમને ખબર નહોતી અથવા જેમને ખબર હતી તેઓ એ દોઝખમાં પાછા ફરવા માગતા નહોતા. એમને ઘર આપવાનો અને એક બહેતર જિંદગી આપવાનો પ્રયાસ હતો. એમને રહેવા, ખાવા-પીવાની અને ભણવાની વ્યવસ્થા થઇ ગઇ હતી. ધીમે ધીમે એ બાળકો ગોઠવાતાં જતાં હતાં. 

આ બાળકોને નિયમિત ફરવા લઇ જવાનું વિચાર્યું. 10 થી 15 વર્ષની વયના લગભગ 16-17 બાળકો હતા. એટલે ચિઠ્ઠીઓ નાખી અને બી એમ બે જુથ કરી વારાફરતી લઇ જવાનું નક્કી કર્યું. પહેલા ગ્રુપને લઇને હું ગાંધી આશ્રમ પહોંચી. બાળકોને ગાંધીજીની વાતો કરી અને ફરીને આખો આશ્રમ બતાવ્યો. ગાંધીજીના વ્રતો સમજાવ્યાં. પછી અમે ખુલ્લા મેદાનમાં આવ્યાં. ત્યાં એક અપૂજ અને અવાવરુ દેરી હતી. આ બાળકોએ ક્યાંકથી ઝાડુ શોધી કાઢ્યું અને મંદિરમાં કચરો ન હોય કહેતાં દેરીને વાળીઝુડીને સાફ કરી નાખી. સૌએ ભાવપૂર્વક દર્શન કર્યા અને પછી ઓટલે બેઠા.

થોડીવારમાં નાનકડો સાદિક આંખમાં આંસુ સાથે મારી પાસે આવ્યો. આંટી, મુજે સજા દો.

મને નવાઇ લાગી, શાની સજા ? તેં તો કંઇ કર્યું નથી.

નહીં, મૈંને જૂઠ બોલા હૈ

પછી પૂછતાં ખબર પડી કે એને ભાગે બી ગ્રુપની ચિઠ્ઠી આવી હતી. બીજા એક નાનકડા બાળકને ફોસલાવી એણે બદલાવી લીધી હતી. આ તદ્દન બાળસહજ હતું. આવી લાલચ તો મોટાંમાં પણ હોય !!

બાર કે તેર વર્ષનો એ બાળક કે જે ઝુંપડપટ્ટીમાં જનમ્યો હતો અને પછી ટ્રેનના ડબ્બામાં ભીખ માગી ખાતો હતો. શક્ય છે કે એણે ક્યાંક ચોરીચપાટી પણ કરી હોય, અનિષ્ટ તત્વોના હાથમાં એ પડ્યો હોય, બચ્યો હોય…… એના પર ગાંધીજીની વાતોની, સાચું બોલવાના ગાંધીજીના આગ્રહની આ અસર થઇ હતી !! 

ગાંધી આશ્રમમાં ફર્યા પછી બાળકો મારા ઘરે આવ્યાં, જમ્યાં અને એમને મુકવા જવાની તૈયારી થતી હતી ત્યાં મારી નજર મીઠી વરિયાળીના નાનકડા પાઉચ પર પડી. મેં સાદિકને કહ્યું, બહુ થોડી છે પણ બધા વહેંચીને લઇ લો. હથેળીમાં સમાય એટલા દાણા હશે. મારો દિકરો એમને એમના રેનબસેરામાં મુકવા જતો હતો. આવજો કહેતી વખતે મારું ધ્યાન ડાઇનીંગ ટેબલ પર પડ્યું. નાનકડું પાઉચ પાંચ-સાત દાણા સાથે પડ્યું હતું. પૂછતાં જવાબ મળ્યો, આન્ટી યે નિસર્ગભાઇ અને પાર્થભાઇકે લિયે. 

મારી આંખ અને હૃદય બંન્ને છલકાયાં. એ બાળકોએ એક એક કે બે બે દાણા પ્રસાદની જેમ લીધા હતા. સમૃધ્ધ અને સંસ્કારી પરિવારોમાંયે કદાચ આવું જોવા ન મળે. એ અસર હતી ગાંધીઆશ્રમની મુલાકાતની અને ગાંધીજીની વાતોની.. ઉછરતી નવી પેઢી માટે ગાંધીજી કેટલા પ્રસ્તુત છે !!! 

ગાંધીજીએ બાળપણમાં ચોરી કર્યાની, બીડીઓ પીધાની કે માંસાહાર કર્યાની વાતો શાળાના પાઠ્યપુસ્તકોએ સૌના સુધી પહોંચાડેલી છે. જીવનને સાવ ઉઘાડું મુકી દેવાની વાત ગાંધીજી સિવાય ક્યાંય જોઇ જાણી નથી. 

સત્યવાદી હરિશ્ચંદ્રનું નાટક જોઇને મોહનને થાય કે બધા કાં હરિશ્ચંદ્ર ન થઇ શકે ? બાળવયે વિચારોમાં પ્રવેશેલો આદર્શ આટલો વ્યાપક પણ બની શકે !! પોતાની જાત સાથે એ જગનેય જોડે અને મોટપણે એમાં એ પરિમાણ ઉમેરાય કે, મને જે સત્ય લાગતું હોય એ બીજાને ન પણ લાગતું હોય. કહી વળી જગને પોતાના વિચારો સાથે બાંધી ન દે. પોતાના વિચારોને કદી જડતા ન સ્પર્શે એની સૌથી વધુ કાળજી લેનાર એ મહાત્મા ગાંધી.

મારું જીવન એ જ મારી વાણી પુસ્તક દ્વારા ગાંધીજીનું ચરિત્ર આલેખનારા શ્રી નારાયણ દેસાઇ લખે છે, કદાચ શ્રીકૃષ્ણના ચરિત્ર પછી સૌથી વધુ નાટકીય પરિવર્તનોવાળું ચરિત્ર ગાંધીજીનું જ હશે. દીવાનનો દીકરો હરિજન સાથે રહે અને ચોરીછૂપીથી માંસાહાર કરનાર ઇંગ્લેંડમાં ધ વેજીટેરિયન પત્રિકાનો સંપાદક બની શાકાહારી પ્રવૃતિનો પ્રસારક બને, એ જેલને મહેલ કરે અને મહેલને જેલ પણ કરે, સાવ શરમાળ પ્રકૃતિ સાથે એક નાનકડી રજુઆત કરતાંયે જેના હાથ પગ પાણી પાણી થઇ જાય એવી સ્થિતિમાંથી એની એક હાકલે આખું હિંદુસ્તાન ઉમટી પડે એ ઊંચાઇએ પહોંચનાર આવો મહામાનવ ક્યાં મળે ? 

ભૂલ તો સૌ કરે અને પછી ભૂલ સંતાડવાનો, છાવરવાનો પ્રયત્ન કરે ત્યારે ગાંધીજીએ પોતાની ભૂલોના રણશિંગા વગાડ્યા. કોઇ ઢાંકપિછોડો નહીં, પછી પાર વગરનો પસ્તાવો, ભૂલ ફરીથી ન જ થાય એનો કૃતનિશ્ચય અને એમાંથી શીખેલા પાઠની જગત સામે રજૂઆત માત્ર ગાંધીમાં જ મળે. પહેલાંનો સમય કે આજનો સમય, ફરક સંજોગોનો નથી, એની સાથે કામ પાડવાની સાચી નિસ્બતનો છે.

ગાંધીજીનું વતન પોરબંદર. દાદા દિવાન ઉત્તમચંદ, ઓતાબાપાની માથે રાણી રૂપાળીબાના રાજમાં કટોકટી આવી. રાજના કોઠારી ઉપર ખોટો આરોપ મુકાયો અને કોઠારી ઓતાબાપાના શરણે આવ્યો. રાણીને પોતાનો ગુનેગાર જોઇતો હતો અને ઓતાબાપા સાચને પકડીને બેઠા હતા. કોઠારી સાચો છે. એને ન સોંપું. વાત એટલી વધી કે રાણીએ ઓતાબાપાનું ઘર તોડવા તોપો મોકલી. ઓતાબાપાએ પોતાના પરિવાર સાથે મોત કબુલ્યું પણ સાચ ન છોડ્યું. અંતે રાણીએ પોતાની હાર કબુલવી પડી. ગાંધીજીના લોહીમાં આ સંસ્કાર વહેતા હતા. ખરાબ સંગતે એમાં ભેળસેળ કરવા પ્રયત્ન કર્યો પણ અંતે એ લાલ રંગ પોતાનું અસલ ખમીર પકડીને જ રહ્યું. 

ગાંધી કુટુંબની જૂની નોકરાણી રંભા બાળક મોહનના જીવનમાં એક પાયાની વ્યક્તિ બની. મોહનને ભુતપ્રેતનો બહુ ડર હતો. રામનામથી જ આ ડર દૂર થાય એવું રંભાએ એમને શીખવ્યું. મોહનને રામનામ કરતાં રંભા પર વધુ શ્રધ્ધા હતી એટલે હોઠ પર રામનામ અને મનમાં રંભા રહી. પોતાના હૃદયમાં રામનામનું બીજ વાવનાર રંભાને ગાંધીજી કદી વિસર્યા નથી. રંભા જેવા દિવડાઓ આપણા સૌની આસપાસ ક્યાંકને ક્યાંક ઝબૂકતા રહેતા હોય છે. સવાલ છે એના પર વિશ્વાસ રાખવાનો અને મનના ખૂણે એની હૂંફ કાયમ જાળવી રાખવાનો. 

શ્રાવણ મહિનામાં ઝૂલનનો તહેવાર ઉજવવા માટે મોહને બાળગોઠિયાઓ સાથે લક્ષ્મીનારાયણના મંદિરમાં જઇને નાની નાની મૂર્તિઓ ચોરેલી. પણ એકબીજા સાથે અથડાતાં મૂર્તિઓ પડી અને એના અવાજથી પૂજારી જાગી ગયો. છોકરાંઓ ભાગી ગયા. પૂજારીએ ફરિયાદ કરી ત્યારે બધા છોકરાઓએ પોતાને કંઇ ખબર નથી એવું સાફ સાફ સંભળાવી દીધું અને મોહનનો વારો આવ્યો ત્યારે એણે રજેરજ વિગત કહી દીધી. મોહનને કોઇ મારે અને મા પૂતળીબાઇ પૂછે કે તું કેમ સામું મારી લેતો નથી ત્યારે મોહનનો જવાબ હોય કે હું શા માટે એમના જેવો થઉં ? તું એને સમજાવ કે એણે આવું ન કરવું જોઇએ. મા અકળાતી, કોણ જાણે ક્યાંથી આવું શીખીને આવ્યો છે !! 

પોતાને ગણિતના પાડા ન આવડતા એટલે નાનપણમાં મારી બુધ્ધિ જ સામાન્ય હશે એવું સ્વીકારી લેતા ગાંધીજીનું બીજું ઉદ્દાત ચિત્ર એ છે કે મિત્રોને કેરી ખાવા બોલાવવામાં માત્ર એક મિત્ર ભુલાઇ ગયો અને એનું એમને એટલું દુખ થયું કે એમણે એ વર્ષે આખા કેરી ગાળામાં કેરીને હાથ સુધ્ધાં ન લગાડ્યો. આ વખતે એમની વય દસ વરસની હતી. 

એમના જીવનના ધ્રુવતારક જેવા સત્ય અને અહિંસા. ગાંધીજી લખે છે, અહિંસા મારામાં ઘણી મથામણ પછી આવી, બ્રહ્મચર્ય કેળવવા હજુયે હું મથું જ છું. પણ સત્ય મને હંમેશા સ્વાભાવિક રીતે લાધ્યું છે. જ્યારે જ્યારે હું એમાંથી ચળ્યો છું ત્યારે મારા અંતરમાં તીવ્ર વેદના થઇ છે. (પ્ર.ખં.19) 

સત્ય કોઇ અસાધારણ ચીજ નથી. શોધવા જવું પડે એટલે દૂર પણ નથી. એ માત્ર અંદરથી આવતો અવાજ છે, જેને સાંભળવા કાન સરવા કરવાનીયે જરુર નથી. એ સૌને સંભળાય છે, સતત સંભળાય છે જો એને અવગણીને ચુપ ન કરી દેવામાં આવે તો !! હા, સાંભળીને એને અનુસરવા માટે હિંમત જોઇએ, ગજબની હિંમત જોઇએ. પોરબંદરનો, આ ગરવી ગુજરાતનો એક સામાન્ય બાળક મોહનદાસ ગાંધી, એણે અંતરમાંથી ઉઠતા સત્યનો અવાજ સાંભળ્યો. એનું અજવાળું રોમેરોમ અનુભવ્યું અને એના પ્રકાશે જ ડગલાં ભરી જીવનને એક અસાધારણ ઊંચાઇએ પહોંચાડ્યું. 

(માહિતી આધાર – મારું જીવન એ જ મારી વાણી – શ્રી નારાયણભાઇ દેસાઇ)  

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *