ધનસુખ ગોહેલે વીણ્યા … …

Posted by

અનાજના દાણા

– ધનસુખ ગોહેલ.

 

હમણા થોડા વખત પહેલાં એક ભાઈબંધની બેબીના જન્મદિવસની ઉજવણીમાં જવાનું થયું. ઉજવણી એક મોટી હોટલમાં રાખી હતી.

હું તો જોઇને જ આશ્ચર્ય પામી ગયો.ચારે કોર રંગબેરંગી ફુગ્ગા ટાંગ્યા હતા, ભાતભાતની રીબનોથી હોલ શણગાર્યો હતો, ચારેય દીવાલો પર ”હેપી બર્થડે ટુ યુ શિલા” લખ્યું હતું. ને ભાઈ જમવાની શું વાત કરું. એક લ્યો ને બીજી ભૂલો એવી વાનગીઓ બનાવી હતી. સૌ પહેલાં સૂપ આવ્યો, પછી ભાવે ઈ સલાડ આવ્યો,પછી જમણ વાર.

બધા જમતા હતા ત્યારે જાદુગર છોકરાઓને મજા પડે એવા ખેલ બતાવતો હતો. જાતજાતની રમતો છોકરાઓ ને રમાડતો હતો. અત્યારની સીનેમાઓનાં ગીતો વાગતાં હતાં ને ભાઈ જલસો જલસો હતો.

હવે હું જે ટેબલ પર જમવા બેઠો હતો તેની સામે જ હૉલના બહાર આવવા જવાના રસ્તે જાડા કાચનાં બારણાં હતાં.બહાર નીકળો એટલે ફૂટપાથ આવે પછી ડામર રોડ ને રોડ વટીને સામે બીજી ફૂટપાથ ને પછી મોટીમોટી દુકાનો આવે.

આ ફૂટપાથ ઉપર કાચનાં બારણાં બહાર આઠ-દસ નાનાં ટાબરિયાં મેલાંઘેલાં વસ્ત્રો પહેરીને ભૂખભરી નઝરે ટળવળી રહ્યાં હતાં. અમે સૌ જમી રહ્યા હતા ને તેઓ અમારી તરફ તાકી રહ્યાં હતાં.

હું ઊભો થયો ને ગલ્લા પર બેઠેલા ભાઈને કહ્યું કે આ બાળકોને એક એક પીઝા આપી આવજો ને બીલ જે થાય એ મને કહેજો.

આ વાત મને એટલે કહેવાનું મન થયું કે તેણે ૧૯૫૭/૧૯૫૮માં બનેલી ઘટના મને યાદ કરાવી દીધી.

એ વખતે હું ભાવનગર જિલ્લાના નાના ખોખરા ગામમાં રહેતો ને ત્યાંની નિશાળમાં ભણતો.

ગામનો ચોરો વટો એટલે હીરાભાઈ મોદીનું મોદીખાનું આવે જ્યાં મોટા ખોખરાના ટપાલી શ્રી ભીખારામ નાના ખોખરા ગામની ટપાલો મૂકતા. હવે હીરાભાઈને એક ફૈબા નામે સમુબેન હતાં. તેઓ આમ તો મુંબઈ રહે. દર વરસે એકાદ મહિનો હીરાભાઈને ત્યાં રોકવા આવતાં.

આ સમુબેનને ગામ બહાર આવેલ ચબૂતરે પંખીઓને ચણ નાખવાનો નિયમ. રોકાય ત્યાં સુધી ઘણી બધી જુવાર લઈને ચબૂતરે જાય ને ચણ નાખીને પાછાં આવે.

સમુબેનને થયું કે રોજ ચબૂતરો સાફ કેમ રહે છે ! ક્યાય ખૂણેખાંચરે પણ એક દાણો પણ કેમ નથી રહેતો? સમુબેનને ગવેહ ગયો કે નક્કી કંઈક બને છે. સમુબેને છાનાંમાનાં ચારેક દિવસ જોયું તો ખબર પડી કે ગામનો ગરીબ કોળી નોંઘો આવીને બધી ચણ ભેગી કરીને સાથે લાવેલ ફાળિયામાં બાંધીને લઈ જતો હતો. એમાં નોંઘાની નઝર એક દિવસ સમુબેન પર પડી.

નોંઘો તો કાપો તોય લોહી ના નીકળે એવો થઇ ગયો. એ સમુબેનના પગમાં પડી ગયો ને કરગરવા લાગ્યો કે મારી ભૂલ થઇ ગઈ પણ મારા તડપતા છોકરાવની ભૂખ હું નો જીરવી શક્યો. મને મજુરી પણ મળતી નથી.

પછી તો સમુબેનને નિશાળે એક દિવસ ભાષણ આપવા બોલાવ્યાં.

સમુબેને તે દિવસે નોંઘાની વાત કરી. આઝાદીને એક દાયકો માંડ થયો હશે. તે વખતની પરિસ્થિતિ ને આજની પરિસ્થિતિમાં ઝાઝો તફાવત નથી. વિકાસ થયો છે પણ કોનો? ઘણા પક્ષની સરકારો આવી પણ ટબ્બા હતા તે મોટા ટબ્બા થયા ને ગરીબ વધુ ગરીબ થયો! વિકાસ કોણ ખાઈ ગયું ?!

–––––––––––––––––––––––––––––––––––––––––

સંપર્ક : Dhansukh gohel <dhansukhgohel@yahoo.co.in>

 

2 comments

  1. I am completely in awe of ur writing…with depicting real life experiences; u get us hooked on to ur articles… luvd reading this one as well!! Keep writing..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *