પરચુરણની તંગી ને ભોજુ.

Posted by

ધનસુખ ગોહેલ.

એ વખતેસ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર ની ભાવનગર, દરબારગઢ શાખા ને હેડ ઓફિસ સાથે જ બેસતા. ભોજુ આમ તો સાવ સામાન્ય માણસ. સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની હેડ ઓફિસ ને દરબાર ગાઢ શાખાનો નાનો કે મોટો કર્મચારી એક પણ એવો ના મળે કે જે ભોજુને ના ઓળખાતો હોય કે ભોજુની કીટલી પર ચા ના પીધી હોય. હું તમને જે વાત કરું છું એ હશે 1970/1971 આસપાસની. આજે એવા ઘણા રિટાયર્ડ કર્મચારીઓ હશે કે જેમને ભોજુનો પરિચય હોવાનો.

ભોજુનો દેખાવ કાયમ એક સરખો. પહેરવેશમાં લેંઘો, અર્ધી બાયનો સદરો, મોઢામાં સાદી બીડી ને જેમ તેમ ઓળેલા વાળ. પગમાં સ્લીપર પહેરતો એવું યાદ છે. ભોજુની દાઢી હંમેશાં વધેલી જ હોય

હવે એ વખતે ભાવનગરમાં પરચુરણની ભારે અછત. હેડ ઓફિસની સૂચના હશે એટલે એ વખતના ચીફ કેશિયર શ્રી બી. એમ.દવે સાહેબે પબ્લિકને પરચુરણ મળી રહે એ માટે સ્પેસીઅલ કાઉન્ટર ખોલેલ ને બી.એમ.દવેની સહીવાળી ચિઠ્ઠી ધારકને રૂપિયા બસોનું પરચુરણ આપવું એવો આદેશ. આવા વખતે હું આ કાઉન્ટર પર હતો.

આ વાતના સાક્ષી જે ડી.એ.ત્રિવેદી અત્યારે રિટાયર્ડ ઓફિસર છે (હાલ અમદાવાદ) તે અમારી સાથે હતા.

હવે એવા વખતે ભોજુ આવ્યો ને મને કહ્યું કે મારે 200 રૂપિયાનું પરચુરણ જોઈએ છે. મેં કહ્યું કે દવે સાહેબની ચિઠ્ઠી લઈ આવ એટલે તારું પરચુરણ પાક્કું. ભોજુએ મને કહ્યું કે દવે સાહેબ મને ના તો ના પાડે પણ ભાગ્યજોગે ના પાડે તો મારામાં દવે સાહેબ પ્રત્યે કાયમ ગ્રંથિ બંધાઈ જાય.તમારાથી થતું હોય તો કરો.

હું દવે સાહેબ પાસે ગયો, બધી વાત કરી ને એમની સહી વાળી ચિઠ્ઠી લઈ આવ્યો. ભોજુને પરચુરણ આપ્યું.

ભોજુ તો ખુશ થઈ ગયો.

હવે કેશ ડિપાર્ટમેન્ટમાં એક શાહભાઈ કેશિયર હતા. એ વખતે હું કે ડી.એ.ત્રિવેદી કદાચ નહોતા. આ શાહભાઈ ભોજુને દેખાવે કે બોલીએ જરા પણ મળતા નહોતા આવતા પણ એમનું નામ ભોજુ પડી ગયેલું. એ ત્યાં સુધી કે કેશ ડિપાર્ટમેન્ટનો માણસ પણ એમને ભોજુ તરીકે જ બોલાવતો ને ઓળખતો.. શાહભાઈએ પણ સ્વીકારી લીધેલ કે મારું નામ ભોજુ છે.

બહારનો કોઈ માણસ કાઉન્ટર પર આવી ને પૂછે કે શાહભાઈને બોલાવો તો. કોઈ ના ઓળખે. પણ જેવું કહે કે ઓલ્યા ભોજુભાઈ. તો તરત જ ઓળખી જાય કે ભાઈને શાહભાઈ નું કામ છે. કાઉન્ટર પરનો કેશિયર બૂમ પાડે કે ભોજુભાઈ તમારા મહેમાન આવ્યા છે. શાહભાઈ પણ બડાક દઈને ઊભા થઈ ને કાઉન્ટર પર આવતા.

ભોજુ ભલે રહ્યો સામાન્ય માણસ પણ એની લોક પ્રિયતા તો જુઓ! એ વખતે ભોજુ 35/40 વરસનો લાગતો. અત્યારે હોય તોય 75/80 વરસ તો હોય.કોને ખબર ક્યાં હશે!

One comment

  1. આપણી આજુબાજુ ના આવા ભોજુ ને ઓળખી તેવા થવા પ્રયત્ન કરવાનો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *