ભગવાન દાદા પગી

Posted by

ધનસુખ ગોહેલ

 

આ વખતે તો નક્કી કર્યું હતું  કે ભાવનગર જાઉં ત્યારે ભગવાન દાદાના ઘરે જવું જ ને ભગવાન દાદાને મળવું.

એવામાં મારે ભાવનગર જવાનું થયું ને મને અનાયાસે ભગવાનદાદાના ઘરે જવાનો મોકો મળી ગયો.

આ ભગવાનદાદા એ કોઈ નહિ પણ ૧૯૭૨માં સરદારનગર, લીલાશાહ ચોક, ભાવનગર મારા મકાનનું બાંધકામ ચાલતું ત્યારે રાખેલ પગી. અમારી સોસાયટીમાં બીજા બેન્કવાળાનાં મકાન બંધાતાં હતાં. આમ પગી નહિ પણ અમારા બધાના સર-સામાનનું ધ્યાન રાખતા. ભગવાન દાદા માટે સવારની ચા ને આખો દિવસ જેટલી ચા પીવી હોય તેટલી પીવે તેનો બંદોબસ્ત સરદાર નગર, સરકલ પર આવેલ છન્નાભાઈની કીટલી પર કરેલો. ભગવાનદાદા જાતે કોળી હતા પણ બીડી શિવાય કોઈ વ્યસન નહિ.

ભગવાન દાદા બીડી પીતા સાથે હું પણ ઘણી વાર બીડી પી લેતો. એક વખત એવો આવ્યો કે ભગવાન દાદાની બીડી પીઉં ત્યારે જ મકાનને પાણી પાવાની મજા આવે.

જોકે મકાનનું કામકાજ પતી ગયા પછી બીડી મારે છૂટી ગઈ ને ભગવાન દાદા તો બીડીના રસિયા હતા જ.

પાણી પાવામાં મારે ઘણી વાર મોડું થઇ જતું. પાણી પાવાનું મોડું થાય ને રોકાયો હોઉં ત્યારે ભગવાનદાદાનાં પત્ની ભગવાન દાદા માટે બપોરનું જમવાનું (ભાત) લઈને આવતાં ને પ્રેમથી ભગવાનદાદાને જમાડતાં. સાંજે પણ એમનાં પત્ની ભાત લઈને આવે ને ભગવાનદાદાને પ્રેમથી જમાડે.

હું એક વાર ભગવાનદાદાના ઘરે પણ ગયેલો. તળાજા જકાત છાપરી પાસે અધેવાડા રસ્તો જાય ત્યાં નજીકમાં જ ભગવાનદાદાનું ઘર. હું તો પહોંચ્યો એમના ઘરે. ઘરમાંથી તો બીજા જ ભાઈ નીકળ્યા. હું ભગવાનદાદાને ઘરે ગયો હતો એ વાતને તો ૪૬ વરસ થઇ ગયાં. એ ભાઈને બધી વાત કરી. તેઓ કહે કે પંદરેક વરસ પહેલાં ભગવાનદાદાએ આ મકાન મને વેચીને જકાત છાપરી પાસે આવેલ સોસાયટીમાં મકાન લીધું છે ને ત્યાં રહેવા ગયા છે.

તે ભાઈએ આપેલ સરનામે પહોંચ્યો. એક બહેન ઘરમાંથી બહાર આવ્યાં. તેઓ ભગવાન દાદાના દીકરાની વહુ હતાં તે મને પછી ખબર પડી.

મેં ભગવાનદાદાની પૃચ્છા કરી. એમણે કહ્યું કે ભગવાનદાદાને આંખે ઓછું દેખાય છે એટલે ઘરે જ છે.

મને તે બહેન ભગવાનદાદાના ખાટલે દોરી ગયાં. મેં પૂછ્યું, ”મને ઓળખો છો ભગવાનદાદા?”

ભગવાન દાદા બોલ્યા, ”અરે તમે ઘોયલ સાયબ? ”મારા અવાજ ઉપરથી મને ૪૬ વરસ પછી પણ ભગવાન દાદા ઓળખી ગયા! દીકરાની વહુને બોલાવીને નાસ્તો મંગાવ્યો કે ઘોયલ સાયબ લાંબે વખતે આપડા ઘરે આવ્યા છે. નાસ્તો કાર્ય વગર નો જાવા દેવાય.

મેં તથા ભગવાન દાદાએ નાસ્તો-પાણી કર્યાં ને મેં સાથે લાવેલ સિગારેટ ભગવાનદાદાને ધરી ને કહ્યું કે લ્યો, ઠઠાડો સિગારેટ. ભગવાનદાદાએ કહ્યું કે મેં તો બીડી કે સિગારેટ છોડ્યે લગભગ ૩૫/૪૦ વરસ થઇ ગયાં. મારા ઘરેથી ગુજરી ગયે ૩૫/૪૦ વરસ થઇ ગયાં. જુઓ ને તમારું મકાન ચણાતું હતું ત્યારે એ ભાત લઈને આવતી. એની ઈચ્છા હતી કે હું બીડી નો પીવ. જંદગી આખી હું જ્યાં જ્યાં પગી પાનું રાખતો ત્યાં આવીને મને પ્રેમથી બેય ટંક જમાડતી. હું એનું એટલું વેણેય નો રાખું? આજનો દી’ ને કાલ્યની ઘડી.બીડીનું બંધાણ ગ્યું ગાજતું.

હું મનોમન ભગવાનદાદાને વંદી રહ્યો.

આપણે સૌ પ્રેમની વાતો કરીને ફિંફાં ખાંડતાં હોઈએ એવું નથી લાગતું ?

 

One comment

  1. ભગવાનદાદાએ કહ્યું કે મેં તો બીડી કે સિગારેટ છોડ્યે લગભગ ૩૫/૪૦ વરસ થઇ ગયાં. મારા ઘરેથી ગુજરી ગયે ૩૫/૪૦ વરસ થઇ ગયાં. જુઓ ને તમારું મકાન ચણાતું હતું ત્યારે એ ભાત લઈને આવતી. એની ઈચ્છા હતી કે હું બીડી નો પીવ. જંદગી આખી હું જ્યાં જ્યાં પગી પાનું રાખતો ત્યાં આવીને મને પ્રેમથી બેય ટંક જમાડતી. હું એનું એટલું વેણેય નો રાખું? આજનો દી’ ને કાલ્યની ઘડી.બીડીનું બંધાણ ગ્યું ગાજતું.
    खरो प्रेम

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *