હાથનાં મોજાં – એક અવલોકન

Posted by

– સુરેશ જાની

આમ તો રોજ વાસણ સાફ કરતી વખતે હું રબરનાં મોજાં હાથ પર ચઢાવતો નથી. એવી બધી નજાકત તો આંગળીઓની કુમાશ માટે જાગરૂક એવી મારી દીકરીની ચીવટ ! પણ તે દીવસે મારે એ ચઢાવ્યા વીના છુટકો જ ન હતો. કામ કરતાં જમણા હાથની એક આંગળી પર નાનકડો ઘા પડ્યો હતો અને એને રીપેર કરવા પટ્ટી લગાડી હતી. મોજાં ન પહેરું તો એ ઉખડી જાય અને ઘા પર પાણી ફરી વળે !

એટલે તે દીવસે બહુ જ જફા વ્હોરીને, એ લીસાં અને હાથના પહોંચાને ચસોચસ ફીટ થઈ જાય એવાં મોજાં ચઢાવ્યાં. પાણીની પહેલી જ સીકર અને  આંગળીઓને પાણી અડ્યાનો અહેસાસ થયો. એમ લાગ્યું કે, મોજાંમાં લીકેજ (ગળતર) છે. બહુ મુશ્કેલીથી પહેરેલાં એ મોજાં એવી જ મુશ્કેલીથી કાઢ્યાં. પણ હાથ તો સાવ કોરા કટ જ હતા. મોજાં ચઢાવવાની એ પળોજણ  ફરી એક વાર. અને ફરીથી એ જ પાણી અડ્યાનો અનુભવ.

અને મન વીચારના ઝોલે ચઢી ગયું….

આમ તો આ સ્પર્શભ્રમ છે – એ તરત સમજાઈ ગયું. હાથની ચામડીને અડીને સજાગ રહેતા ચેતાતંતુઓ માટે આ પહેલો જ અનુભવ હતો. એમણે રબરનાં મોજાંની સપાટી પર ખળખળ વહેતા પાણીના પ્રવાહના સ્પર્શને પારખ્યો હતો. જાણે કે રબરનાં મોજાં છે જ નહીં, તેવો ભ્રમ. રબરની સપાટીને અવગણીને પાણી અડ્યાનો સંદેશ વફાદારીપુર્વક સતત કામગરા અને સજાગ તંતુઓેએ  મગજને પહોંચાડી દીધો હતો.

પણ એ તો શરીરવીજ્ઞાનની નજરે…

અવલોકનકારને તો આપણા જ્ઞાનની, આપણા કહેવાતા, હુંશીયાર (!) મગજની મર્યાદાઓનું ભાન થઈ ગયું હતું…..

One comment

  1. વૈજ્ઞાનિકોએ આ વાતની શોધ કરી કે સ્પર્શ કરવાથી ત્વચામાં રહેલા વિશેષ પ્રકારના સંવેદનશીલ કોશિકાઓ પ્રતિક્રિયા આપે છે.
    ત્વચા માણસોનું સૌથી સંવેદી અંગ છે અને સુખદ સ્પર્શ જેવા પંપાળવુ, ચીમટી ભરવી કે દાઝવાના સ્પર્શમાં ફરક કરે છે. અત્યાર સુધી એ ન્યૂરોનની માહિતી નહોતી મળી શકી જે સુખદ અનુભવ કરાવે છે.
    અમારા કાકાશ્રી રક્તપિતબાળાને પણ હાથમોજા પહેર્યા વગર સારવાર કરતા અને દર્દીઓને વધુ સારું લાગતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *