સંસ્કારવારસો

Posted by

શ્રી ધનસુખભાઈ બાબુભાઇ ગોહેલ

એનું આખું નામ હર્ષદ નારણદાસ ત્રિવેદી. મારો લંગોટિયો મિત્ર ને સનાતન ધર્મ વિવિધ લક્ષી હાઇ સ્કૂલમાં સાથે ભણતો. 1959/1960થી 1965/1966.

હવે 1962માં અમે આઠમા ધોરણમાં હતા ત્યારે એક ફિલ્મી ગીત ખૂબ પ્રખ્યાત થયેલું. ફિલ્મ નું નામ તો હું ભૂલી ગયો છું પણ એના શબ્દો યાદ છે :–”કહે દો કોઈ ના કરે યહાં પ્યાર,ઈસમે ખુશિયાં હૈં કમ………”  (‘ગુંજ ઉઠી શહેનાઈ’ ? – જુ.) આ ગીત વર્ગના વિદ્યાર્થીઓ હર્ષદ પાસે અવારનવાર ગવડાવતા. હર્ષદનું ગળુંયે સારું ને ગાતો પણ મજાનું.

આ હર્ષદના બાપુજી પોલીસ ખાતામાં હતા અને એ રહે  કાળુભા પાસે નવી પોલીસ લાઈન હતી (હવે છે કે નહિ એ ખબર નથી) ત્યાં એમને ક્વાર્ટર મળેલ.

નારણભાઇ એટલે હર્ષદના પિતાજી એક પ્રામાણિક પોલીસ હતા. કરપશન શું કહેવાય એની પણ એમને ખબર નોતી. ભગવાન નું માણસ. કળિયુગનું નામ નહિ એમનામાં. ભલી એમની નોકરી ને પૂજાપાઠ.

ઘરમાં કૈક મદદ થાય એમ સમજીને હર્ષદ વેલી સવારે છાપાં નાખવા જતો. ભાવનગર, ઘોઘા દરવાજે પોલીસ ચોકી સામે પહેલા ડિવાઈડર નહોતા.  જ્યાં અત્યારે પોલીસ ઊભા ઊભા સાઈડ આપે છે એ સર્કલ ઉપર વેલી સવારે હર્ષદ છાપાંનો થડકલો કરતો. ત્યાંથી સાયકલ લઈને નવાપરા  ડૉ. કાણેનો ડેલો, ગરાશિયા બોર્ડિંગ, નવા પરાથી સંત કંવર રામ ચોક તરફ જે રસ્તો જાય છે, ત્યાં ડાબી બાજુ ડૉ. સુખદેવભાઈ રહેતા તે રોડ વગેરે સ્થળે હર્ષદ છાપાં નાખતો. એ વખતે” સૌરાષ્ટ્ર સમાચાર” છાપાની શરૂઆત. મને એમ છે કે હર્ષદ” ફૂલછાબ” છાપા સાથે સંકળાયેલ.

એ વખતે રૂપમ ટોકીઝના ડાબે ખૂણે અડીને પ્રેમ ન્યૂઝ એજન્સી ને એની સામે સચદે ન્યૂઝ એજન્સી બેસતી. આ બેમાંથી હર્ષદ કોનો ફેરિયો હતો તે પણ યાદ નથી.

મારે અવારનવાર હર્ષદના ઘેર જવાનું થતું. ઘણી વાર અમે સાથે એના ઘરેથી સનાતન હાઇ સ્કૂલમાં જતા. એ વખતે અમે ખીજડાવાળી શેરીમાં રહેતા ને હર્ષદ કાળુભા, નવી પોલીસ લાઈનમાં.

પછી તો હર્ષદના બાપુજી નારણભાઇ રીટાયર થયા ને વડવા પાનવાડી પર ભાડે મકાન રાખીને રહેવા આવ્યા. પ્રિન્સ સ્ટુડિયો તરફથી વિજય ટોકીઝ તરફ એક રસ્તો જાય છે. ત્યાં જમણી બાજુએ બરાબર યુરિનલ સામેથી એક રસ્તો ચાવડી ગેટ તરફ જાય છે. આ રસ્તે આગળ જતાં તેજાણીનો  ડેલો કરીને એક ડેલાબંધ મકાન આવે છે. (આ ડેલામાં રહેતો લાભુ તેજાણી પણ મારો કો-સ્ટુડન્ટ. અમે એક કલાસમાં નહોતા પણ મારી સાથે ના જ ધોરણમાં.) આ ડેલામાં આખું તેજાણી કુટુંબ રહે. પછી તો એમણે ગૌરીશંકર સરોવર પાસે ”હરિ રામ વાડી” કે ”હરિ રામ બાગ” બનાવ્યો ને બધા ત્યાં રહેવા ગયા. ડેલો સાવ ખાલી. ત્યાં નારંભાઈએ મકાન ભાડે રાખ્યું.

હું હંમેશાં જોતો કે હર્ષદ માબાપ ને પગે લાગ્યા વિના ઘરનો ઉંબરો પણ ના છાંડે. પછી તે સ્કૂલ હોય કે બીજે ક્યાંય જવાનું હોય.

મારી એક બહેન ભાવનગર, ભરતનગર, જૂના બે માળિયામાં રહે છે. તેને ત્યાં  હું જાઉં ત્યારે અવાર નવાર પૂછું કે હર્ષદનો સંપર્ક ખરો કે નહિ?

મારી બહેન મને કહે કે કોણ તમારી સાથે ભણતા ને આદર્શ નગરવાળા હર્ષદભાઈ ? હર્ષદ એના બાપાના અવસાન  પછી આદર્શનગરમાં રહેવા આવેલો. હર્ષદને ખબર કે આ ધનસુખ ની બહેન છે. બહેનનું મકાન રોડ ઉપર જ છે ને હર્ષદ ત્યાંથી જ પસાર થાય. હર્ષદ ચાપાણી કરીને જ આગળ જાય.

મારી બહેન કહે કે છેલ્લા ધરતીકંપ પછી તો હર્ષદભાઈને જોયા જ નથી. 2001માં આવેલ ભયંકર ધરતીકંપમાં આદર્શનગર પડી ગયેલું.

હર્ષદના વિચારો સાથે હું હલુરિયા ચોકથી રૂપમ ટોકીઝ જતા રસ્તા ઉપર ચાલ્યો આવતો હતો ને અનુપમ સોડા ની દુકાન પાસે એક કાર આવીને મારી પાસે થંભી ગઈ.

તું ધનસુખ તો નહિ ? કારમાંથી ઊતરીને એક આધેડ ઉંમરના આદમીએ પૂછ્યું. અરે હર્ષદ ! તું અહીં ? હું ઓળખી ગયો ને મેં કહ્યું. કારમાંથી એક આઠેક વરસનો બાબો ઊતાર્યો ને મને પગે લાગ્યો. એ હર્ષદના પુત્રનો પુત્ર હતો.

અનુપમમાં અમે સોડા પીધી ને હર્ષદ પરાણે મને કાળીયાબીડના એના બંગલે લઈ ગયો.

હર્ષદનો દીકરો ક્યાંક નોકરી કરતો હશે એટલે જમવા બેઠો હતો. હર્ષદે મારી ઓળખાણ કરાવી.

હર્ષદનો બંગલો જોઈને મને થયું કે હર્ષદ છે તો સુખી.

હર્ષદના દીકરાનું જમવાનું પત્યું ને ઓફિસ જવા તૈયાર થયો.

ઘર છોડતાં પહેલાં એ હર્ષદ પાસે આવ્યો. વાંકાં વળીને હર્ષદને પ્રણામ કર્યાં. હર્ષદની પાછળ હર્ષદની બાનો ફોટો હતો એને માંથું નમાવી, બે હાથ જોડી નમન કર્યું. મને ઘણો  સંતોષ  થયો. હર્ષદનો બાબો નોકરી પર ગયો. હર્ષદનો બાબો સરકારી ઓફિસમાં ક્લાસ 1 ઓફિસર હતો. એના ગયા પછી હર્ષદે મને વાત કરી. હર્ષદે મને આગ્રહ કર્યો કે જમ્યા વિના તારે નથી જવાનું. મેં કહ્યું કે બહેનની રસોઈ બગડે ને મારે ત્યાં જમવાનું છે. એટલા વરસે આપણે મળ્યા એ ઘણું નહિ ?

હર્ષદે મને વાત કરી કે આ તો બાબાનો નિત્ય ક્રમ છે.

મને ભરતનગર સુધી વિચાર આવ્યા કે હર્ષદ ને તેના દીકરાની સફળતા પાછળ હર્ષદની મહેનત ને તેની માવતર ભક્તિનો તો હાથ નહિ હોય ?

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

લેખક–પરિચય :

સી/૩૪, સંજય ટાવર,૧૦૦’ રોડ, આનંદનગર રોડ, શ્યામલ ચાર રસ્તા, અમદાવાદ,૩૮૦૦૧૫.

બી.એસ.સી.(ફિઝિક્સ-ફર્સ્ટ ક્લાસ), કોવિદ (હિન્દી).

વતન: નાનાખોખરા, જિલ્લો:—-.ભાવનગર.

૧૯૭૦માં સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં જોડાયા અને બેન્કની વિવિધ શાખાઓ જેવી કે ગઢડા(સ્વામીના) કૃષિ શાખા, સણોસરા(લોકભારતી), ચિત્રા, દરબાર (ગઢ) ઉના, ઝોનલ ઓફિસ(ભાવનગર અને અમદાવાદ), ઉસ્માનપુરા શાખા, ઇસનપુર શાખામાં વગેરેમાં કામગીરી બજાવી ને મૅનેજર તરીકે ૨૦૦૧માં વી.આર.એસ. લીધું.

શોખ : વાંચન અને લેખન.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *